You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ પાંચ મહત્ત્વના મુદ્દા, જેના પર ઈરાન અને અમેરિકા વચ્ચે ગૂંચ પડી છે
- લેેખક, બીબીસી ઉર્દૂ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
ઈરાન-અમેરિકાના સંબંધોમાં છેલ્લા ઘણા દાયકાથી સૌથી જટિલ સમસ્યાઓ જોવા મળી રહી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ થવા અને નાજુક યુદ્ધવિરામ લાગુ થયાનાં 10 અઠવાડિયાં પછી પણ બંને પક્ષ કોઈ પરિણામ પર નથી પહોંચ્યા.
પ્રસ્તાવો અને જવાબી પ્રસ્તાવોના આ સમયમાં પાંચ મોટા મુદ્દા હજુ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે અસંમતિનાં મુખ્ય કારણ બન્યા છે.
તેમાં યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ, ઈરાનના સંવર્ધિત યુરેનિયમ ભંડારનું ભવિષ્ય, હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ અને જહાજોના આવાગમનની સંપૂર્ણ પુનઃસ્થાપના, ક્ષેત્રમાં ઈરાન સમર્થિત સમૂહોની પ્રવૃત્તિઓ અને બૅલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ સામેલ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના અમેરિકન પ્રસ્તાવ પર ઈરાનની પ્રતિક્રિયાને 'સંપૂર્ણ અસ્વીકાર્ય' ગણાવી હતી.
રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની 14 સૂત્રીય યોજનામાં યુરેનિયમ સંવર્ધન રોકવું, 60 ટકા સંવર્ધિત યુરેનિયમના ઈરાની ભંડારનો નાશ કરવો કે સીમિત કરવો અને હોર્મુઝ સામુદ્રધુનીને બિનશરતી ખોલવાનું સામેલ છે.
આ યોજનામાં 30 દિવસની એક સમયસીમા પણ સામેલ છે, જેથી બીજા મુદ્દા પર વાતચીતનો માર્ગ તૈયાર કરી શકાય. તેમાં ક્ષેત્રમાં ઈરાન સમર્થિત સમૂહ અને તેનો મિસાઇલ કાર્યક્રમ સામેલ છે.
બીજી તરફ ઈરાન આ પ્રસ્તાવોના સ્વીકારને યુદ્ધમાં આત્મસમર્પણ સમાન માને છે. તેના અનુસાર, દુનિયાની બે સૌથી મોટી સૈન્ય શક્તિઓ વિરુદ્ધ તે ઊભું રહ્યું છે.
આ કારણે ઈરાન છૂટછાટ મેળવવાની કોશિશ કરી રહ્યું છે અને રિપોર્ટ્સ અનુસાર, પોતાના જવાબમાં તત્કાલ યુદ્ધવિરામ, બધા પ્રતિબંધો હઠાવવા, વળતર ચૂકવવું, હોર્મુઝ સામુદ્રધુની પર પોતાના સાર્વભૌમત્વને માન્યતા આપવા તથા પરમાણુ મંત્રણા બાદમાં કરવાની માગ કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાને એમ પણ કહ્યું છે કે તે પોતાના થોડાક સંવર્ધિત યુરેનિયમને નીચા સ્તરે લાવવા કે કોઈ ત્રીજા દેશને સોંપવા માટે તૈયાર છે, પરંતુ તેણે આખો ભંડાર સોંપવાનો ઇનકાર કરી દીધો છે.
આ પાંચ મોટા વિવાદિત મુદ્દા પર ચાલી રહેલા અવરોધની અસર માત્ર ઈરાન અને અમેરિકા પર જ નહીં, બલકે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, તેલની કિંમતો અને મધ્યપૂર્વની સ્થિરતા પર પણ પડી રહી છે.
યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ
યુરેનિયમ સંવર્ધન ઈરાન અને અમેરિકા વચ્ચેની મંત્રણાનો સૌથી મહત્ત્વનો અને જૂનો વિવાદિત મુદ્દો છે, કેમ કે અમેરિકાની દૃષ્ટિથી તે એ સવાલ સાથે સંકળાયેલો છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની તકનીકી ક્ષમતાથી કેટલું દૂર છે.
પ્રાકૃતિક યુરેનિયમ એકલું વધારે અસરકારક નથી હોતું. સંવર્ધન પ્રક્રિયા યુરેનિયમના ઊર્જાવાન ભાગ એટલે કે આઇસોટોપ 235ની માત્રા વધારે છે, જેથી તેને એવા ઈંધણમાં બદલી શકાય, જેનો ઉપયોગ પરમાણુ રિઍક્ટર્સમાં થઈ શકે.
જોકે, જેમ-જેમ યુરેનિયમ સંવર્ધનનો રેશિયો વધે છે, તેના સૈન્ય ઉપયોગનું જોખમ પણ વધી જાય છે.
ઈરાન પરમાણુ અપ્રસાર સંધિ એટલે કે એનપીટી હેઠળ ઊર્જા ઉત્પાદન, રિસર્ચ અને મેડિકલ જરૂરિયાતો જેવા શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે યુરેનિયમ સંવર્ધનના પોતાના અધિકાર પર ભાર મૂકે છે.
બીજી તરફ, અમેરિકા અને ઇઝરાયલ આ કાર્યક્રમને પરમાણુ હથિયાર હાંસલ કરવાની કોશિશનું બહાનું માને છે.
સામાન્ય રીતે પાવર પ્લાન્ટ્સ માટે ત્રણથી પાંચ ટકા સંવર્ધન સ્તર ઉપયોગમાં લેવાય છે, જ્યારે 20 ટકા સંવર્ધિત યુરેનિયમનો રિસર્ચના હેતુ માટે ઉપયોગ કરાય છે.
પરંતુ તેનાથી ઉપરનાં સંવર્ધન પરમાણુ હથિયાર માટે યુરેનિયમના ઉપયોગનો માર્ગ ખોલી નાખે છે.
ગયા ઉનાળાના 12 દિવસના યુદ્ધ સુધીમાં ઈરાન 60 ટકા સંવર્ધન સ્તર સુધી પહોંચી ગયું હતું.
અમેરિકા અને ઇઝરાયલના અધિકારીઓ અનુસાર તેનાથી ઈરાનના 'ન્યૂક્લિયર બ્રેકઆઉટ'નો સમય ઘટીને થોડાંક અઠવાડિયાં થઈ ગયો હતો.
આ દરમિયાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ દાવો કર્યો હતો કે તહેરાને હજારો અદ્યતન સેન્ટ્રીફ્યૂઝ લગાડ્યાં છે અને મોટો જથ્થો ભેગો કરી લીધો હતો.
નતાંઝ, ફોર્દો અને ઇસ્ફહાન મથકો પર ઇઝરાયલી અને અમેરિકન હુમલા પછી સંવર્ધન પ્રવૃત્તિઓ લગભગ બંધ થઈ ગઈ અને ઘણાં ઉપકરણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયાં.
યુદ્ધ સમાપ્ત કરવા માટે તાજેતરની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમય સુધી, કથિત રીતે 20 વર્ષ કે કાયમી રીતે, ઈરાનમાં સંવર્ધન સંપૂર્ણ રોકવાની માગ કરી અને કહ્યું કે, "ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર ન મળવા જોઈએ."
બીજી તરફ, ઈરાન શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે કામચલાઉ પ્રતિબંધ, ઓછું સંવર્ધન સ્તર અને આંતરરાષ્ટ્રીય દેખરેખ સ્વીકારવા તૈયાર દેખાય છે, પરંતુ કાર્યક્રમને સંપૂર્ણ બંધ કરવા કે પ્રવૃત્તિઓને વિદેશ મોકલવાને પોતાના સાર્વભૈમત્વનું ઉલ્લંઘન માનીને તેને નકારે છે.
આ અંતર હકીકતમાં ગાઢ ઐતિહાસિક અવિશ્વાસ પર આધારિત છે. પશ્ચિમને ઈરાનની જૂની ગુપ્ત પ્રવૃત્તિઓ પર શંકા છે, જ્યારે ઈરાન અમેરિકાની પરમાણુ સમજૂતી એટલે કે જેસીપીઓએમાંથી બહાર નીકળવા અને ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન થયેલાં યુદ્ધોને અવિશ્વાસનું કારણ ગણાવે છે.
યુરેનિયમ ભંડારનું ભવિષ્ય
બીજો મોટો વિવાદિત મુદ્દો ઈરાનના સંવર્ધિત યુરેનિયમ ભંડારના ભવિષ્યનો છે. 12 દિવસના યુદ્ધની પહેલાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ જણાવ્યું હતું કે ઈરાન પાસે લગભગ 440 કિલોગ્રામ 60 ટકા સંવર્ધિત યુરેનિયમ હતું.
આ સ્તર હથિયાર સ્તરની નજીકનું મનાય છે અને નિષ્ણાતો અનુસાર જો તેને વધારે સંવર્ધિત કરવામાં આવે, તો તેનાથી ઘણાં પરમાણુ હથિયારો માટે જરૂરી સામગ્રી તૈયાર થઈ શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વ્યૂહાત્મક યુરેનિયમ ભંડારનો મોટો ભાગ ઇસ્ફહાન પરમાણુ પરિસરમાં અંડરગ્રાઉન્ડ ઠેકાણાં અને ઊંડી સુરંગોમાં રાખવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સમાં કહેવાયું છે કે કેટલુંક યુરેનિયમ નાશ પામેલી સુરંગોના કાટમાળની નીચે દબાયેલું છે.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના પ્રમુખ રફાએલ ગ્રૉસીએ કહ્યું કે મૉનિટરિંગ ઉપકરણો સુધી પહોંચ ન હોવી અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે એજન્સી યુદ્ધ શરૂ થયા પછીથી આ ભંડારોની લગભગ માત્રા કે વર્તમાન સ્થિતિની વ્યાવહારિક પુષ્ટિ નથી કરી શકી.
અમેરિકા અને ઇઝરાયલ આ ભંડારોને સૌથી મોટું જોખમ માને છે, કેમ કે જો આ માત્રા નષ્ટ થઈ જાય તો ઈરાનની પરમાણુ ક્ષમતા પુનઃસ્થાપિત કરવામાં લાંબો સમય લાગશે અને તેનો 'ન્યૂક્લિયર બ્રેકઆઉટ' સમય ઘણો વધી જશે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા પ્રસંગોએ ભાર મૂકી ચૂક્યા છે કે અમેરિકા આ ભંડારોને 'કોઈ પણ રીતે' પોતાના નિયંત્રણમાં લેશે.
રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન પ્રસ્તાવોમાં આ સામગ્રી સંપૂર્ણ રીતે અમેરિકા કે કોઈ ત્રીજા દેશને સોંપવા, સંપૂર્ણ નિષ્ક્રિય કરવા કે ઈરાનની જમીન પરથી સંપૂર્ણ પણે હઠાવવાની વાત સામેલ છે.
જોકે, વૉલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, પોતાના તાજેતરના જવાબમાં ઈરાને પોતાના કેટલાક ભંડારને ઓછા સ્તરે લાવવા અને કેટલોક ભાગ ત્રીજા દેશને મોકલવાની ઇચ્છા દર્શાવી છે.
શરત એ છે કે જો વાતચીત નિષ્ફળ થઈ જાય કે અમેરિકા ફરીથી સમજૂતીમાંથી બહાર નીકળી જાય, તો તે સામગ્રી ઈરાનને પાછી આપી દેવામાં આવે.
હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ
દુનિયાનો સૌથી મહત્ત્વનો ઊર્જા સમુદ્રી માર્ગ ગણાતી હોર્મુઝ સામુદ્રધુની ઈરાન અને અમેરિકા વચ્ચે ત્રીજો સૌથી મોટો વિવાદિત મુદ્દો બની ગઈ છે.
આ વ્યૂહાત્મક સમુદ્રી માર્ગ દ્વારા દુનિયાના 20 ટકાથી વધારે કાચા તેલ અને તરલીકૃત પ્રાકૃતિક ગૅસની અવરજવર થાય છે.
કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લા બે મહિનાના ઘટનાક્રમ દર્શાવે છે કે હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણ ઈરાન માટે એક વ્યૂહાત્મક હથિયાર બની શકે છે.
અમેરિકા તેના દેખરેખ સાથે સંપૂર્ણ ખુલ્લી રહેવાને કોઈ પણ સંભવિત સમજૂતીની પૂર્વશરત માને છે, જ્યારે તહેરાન તેને છેલ્લા દબાણવાળા હથિયારની જેમ ઉપયોગ કરતું જણાય છે.
આ મહત્ત્વપૂર્ણ રસ્તો સતત બંધ રહેવા કે અવરોધાવાથી અને ઊર્જા કિંમતોમાં વધારાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિરતામાં મોટું જોખમ આવી શકે છે.
અમેરિકા હોર્મુઝ સામુદ્રધુનીને ખુલ્લી રાખવાને 'આંતરરાષ્ટ્રીય શિપિંગની આઝાદી'નું ઉદાહરણ માને છે અને ઈરાનની કોઈ પણ ધમકી કે પ્રતિબંધને અસ્વીકાર્ય ગણાવે છે.
અમેરિકાનું વલણ એ છે કે આ મુદ્દાનું સમાધાન સૈન્ય અને આંતરરાષ્ટ્રીય ગૅરન્ટી સાથે, પરમાણુ વાતચીતથી અલગ કરવું જોઈએ.
ઈરાની મીડિયા અનુસાર, અમેરિકાના પ્રસ્તાવના જવાબમાં ઈરાને "યુદ્ધ સમાપ્ત કરવા અને પર્શિયન ખાડી અને હોર્મુઝ સામુદ્રધુનીમાં સમુદ્રી સુરક્ષાની ખાતરી આપવા" પર ભાર મૂક્યો છે.
સાથે જ, ઈરાની રાજકીય અને સૈન્ય નેતૃત્વે હોર્મુઝ સામુદ્રધુની પર નિયંત્રણને પોતાની રેડ લાઇન ગણાવી છે.
તહેરાને દબાણ અને પ્રતિબંધ હઠાવવાના બદલામાં વેપારી જહાજોના સુરક્ષિત આવાગમનની ગૅરન્ટી આપવાનો પ્રસ્તાવ કર્યો છે, પરંતુ તે નિયંત્રણ અને જોખમોનો જવાબ આપવાના અધિકાર પોતાની પાસે રાખવા માગે છે.
અમેરિકા સાથે તણાવ અને વધતા પ્રતિબંધોના અલગ-અલગ સમયમાં ઈરાન ઘણી વાર ચેતવણી આપી ચૂક્યું છે કે ગંભીર જોખમની સ્થિતિમાં તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી ઑઇલનો પુરવઠો રોકી શકે છે.
જોકે, પહેલાં આવી વાત મોટા ભાગે દબાણ વધારવા માટે કહેવાતી હતી અને સ્થિતિ સંપૂર્ણ બંધ કરવા સુધી ન પહોંચી. પરંતુ વર્તમાન યુદ્ધ પછી સ્થિતિ વધારે સંવેદનશીલ થઈ ગઈ છે.
'એક્સિસ ઑફ રેઝિસ્ટેન્સ' અને ક્ષેત્રમાં ઈરાનની ભૂમિકા
ક્ષેત્રમાં ઈરાન સમર્થિત સમૂહોની પ્રવૃત્તિઓ પણ તહેરાન અને અમેરિકા વચ્ચે મોટો વિવાદિત મુદ્દો છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાન લેબનોનના હિઝબુલ્લાહ, યમનના હૂતી અને ઇરાકના કેટલાક શિયા મિલિશિયા સમૂહોને નાણાકીય, સૈન્ય અને તાલીમની મદદ કરે છે.
તેના અનુસાર, આ નેટવર્ક દ્વારા પ્રભાવ વધારીને ઈરાને ઇઝરાયલી અને અમેરિકન હિતોની સાથે જ તેની ફોર્સ માટે ગંભીર જોખમ ઊભું કર્યું છે.
બીજી તરફ, તહેરાન આ સમૂહોને 'એક્સિસ ઑફ રેઝિસ્ટેન્સ'નો ભાગ ગણાવે છે.
તેનું કહેવું છે કે તે સ્વતંત્ર તત્ત્વ છે, જે ઇઝરાયલ અને ક્ષેત્રમાં અમેરિકન સૈન્યની ઉપસ્થિતિની વિરુદ્ધ અભિયાન ચલાવે છે.
ઑક્ટોબર 2023માં ગાઝા યુદ્ધ શરૂ થયા પછી અલગ-અલગ મોરચા પર આ સમૂહોના હુમલા વધી ગયા. તેમાં લેબનોનની સીમા પર હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે અથડામણો, રાતા સમુદ્રમાં હૂતી હુમલા અને ઇરાક તથા સીરિયામાં અમેરિકન થાણાંઓ પર ઇરાકી સશસ્ત્ર સમૂહોની કાર્યવાહી સામેલ છે.
અમેરિકા સતત માગ કરતું રહ્યું છે કે ઈરાન આ સમૂહોને મળતી સૈન્ય સહાય ઘટાડે અને અમેરિકા તથા ઇઝરાયલનાં હિતો વિરુદ્ધની તેમની પ્રવૃત્તિઓ અટકાવે.
તાજેતરના યુદ્ધ અને તણાવ દરમિયાન પણ આ સમૂહોની પ્રવૃત્તિઓનો મુદ્દો ઊભો થયો, પરંતુ એવું લાગે છે કે પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ સામુદ્રધુનીથી વિપરીત આ મુદ્દો હજુ તત્કાલ વાતચીતનો ભાગ નથી બન્યો.
મિસાઇલ કાર્યક્રમ
ઈરાનનો મિસાઇલ કાર્યક્રમ બંને દેશો વચ્ચે સૌથી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ વિવાદિત મુદ્દામાંનો એક છે.
છેલ્લા બે દાયકામાં ઈરાને બૅલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલોનો મોટો ભંડાર તૈયાર કર્યો છે. તેમાં ઓછા અંતરની મિસાઇલોથી લઈને લગભગ બે હજાર કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી મિસાઇલો સામેલ છે.
ઈરાને અંડરગ્રાઉન્ડ થાણાં અને 'મિસાઇલ સિટીઝ'નું નેટવર્ક પણ બનાવ્યું છે.
ઈરાન આ કાર્યક્રમને પોતાના રક્ષણ અને પ્રતિકાર રણનીતિનો મહત્ત્વનો આધારસ્તંભ માને છે, ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે તેની વાયુસેના અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓ અમેરિકા અને ઇઝરાયલ કરતાં ખૂબ જ સીમિત છે.
બીજી તરફ, અમેરિકા અને તેના સહયોગી કહે છે કે ઈરાનનો મિસાઇલ ભંડાર, ડ્રોન તકનીક અને વધુ સચોટ મિસાઇલોના વિકાસની સાથે મળીને ઇઝરાયલ, ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય થાણાં અને ખાડી દેશો માટે સીધું જોખમ ઊભું કરે છે.
તાજેતરના યુદ્ધ દરમિયાન ઈરાને ઇઝરાયલ, ક્ષેત્રમાંનાં અમેરિકન થાણાં અને ખાડીના અરબ દેશો, ખાસ કરીને સંયુક્ત અરબ અમીરાતમાં સેંકડો મિસાઇલ અને ડ્રોનનો મારો કર્યો.
તેમાંના કેટલાક હુમલા રોકી દેવામાં આવ્યા, પરંતુ કેટલાકમાં જાનમાલનું નુકસાન થયું.
જોકે, તાજેતરના યુદ્ધ અને તેની પહેલાંના 12 દિવસના યુદ્ધમાં ઈરાનની સૈન્ય અને મિસાઇલ સુવિધાઓને વ્યાપક પાયે નિશાન બનાવવામાં આવી, પરંતુ ઈરાન પાસે બચેલાં મિસાઇલ્સ, મોબાઇલ લૉન્ચર્સ અને ભંડાર વિશે સચોટ માહિતી હજુ પણ ઉપલબ્ધ નથી.
આ અસ્પષ્ટતા જ અમેરિકા અને ઇઝરાયલની મોટી ચિંતા બની ગઈ છે.
જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરમાણુ કાર્યક્રમથી વિપરીત આ મુદ્દો તાજેતરના અમેરિકાના પ્રસ્તાવોનો કેન્દ્રીય ભાગ નથી રહ્યો.
બીજી તરફ, ઈરાનનું કહેવું છે કે મિસાઇલ કાર્યક્રમ આત્મરક્ષાના તેના અધિકારનો ભાગ છે અને તેના વિશે વાતચીત નહીં થાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન