You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સલાયા : 'કોઈ પણ ચેતવણી વિના હુમલો કરીને વહાણ ડુબાડી દીધું,' નવ દિવસથી નાવિકના મૃતદેહની રાહ જોતાં સ્વજનો
અમેરિકા-ઈરાનના યુદ્ધ વચ્ચે ગુજરાતનાં બે વહાણ પર કથિત રીતે હુમલો થયો છે. 8 મેના રોજ સલાયાનું જ અલ ફૈઝ નૂર-એ-સુલેમાની વહાણ દુબઈ બંદરેથી યમનના અલ મકલ્લા બંદરે જઈ રહ્યું હતું. ત્યારે હોર્મુઝની સામુદ્રધુનીમાં તેના પર કથિત રીતે હુમલો થતા તેના પર સવાર 18 નાવિકોમાંથી એકનું મોત થયું હતું અને ચાર અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.
ઇન્ડિયન સેઇલિંગ વેસસેલ્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું કે સલાયાનું અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 નામનું વહાણ 7 મેના રોજ બપોરે દુબઈ બંદરેથી ખાડી દેશ યમનના અલ મક્કલા બંદરે જવા રવાના થયું હતું.
અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના માલિક સુલેમાનભાઈ ભાયાએ બીબીસીને જણાવ્યું કે અમેરિકા-ઈરાન વચ્ચે એપ્રિલના પહેલા અઠવાડિયામાં યુદ્ધવિરામ થતા તેમણે જહાજને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર લઇ જવાનું જોખમ ખેડ્યું હતું.
સુલેમાનભાઈએ કહ્યું કે હુમલો થતા અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 મિનિટોની અંદર ડૂબી ગયું.
તેમણે કહ્યું, "જો કોઈ વહાણમાં ગાબડું પડે તો તે બે દિવસ સુધી ડૂબતું નથી. જો આગ ફાટી નીકળે તો પણ એક દિવસ સુધી તરતું રહે છે, પરંતુ અમારા વહાણ પર શક્તિશાળી હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પરિણામે અમારું વહાણ ભુક્કો થઈ ગયું અને અમુક મિનિટોમાં જ ડૂબી ગયું."
વહાણ માલિકે ઉમેર્યું કે અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના ટંડેલ અમીન સુમભણિયા તેમજ અન્ય ચાર નાવિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં ઘાયલોમાંથી અલ્તાફ કેર નામના 42 વર્ષના નાવિકે દમ તોડી દીધો હતો. અલ્તાફ કેરનો મૃતદેહ હાલમાં દુબઈની હૉસ્પિટલમાં છે અને હજુ સુધી તેમને સોંપાયો નથી.
આ ઘટના બાદ બીબીસીએ સલાયાની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનો અને વહાણવટા સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન