'આંધળાને આંખો મળી, લોકોની બીમારી જતી રહી', ત્રણ બાળકોની ભવિષ્યવાણી અને 'દિવ્ય દર્શન'ની કહાણી

    • લેેખક, ફિયાના મૅકડોનાલ્ડ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

મે 1917માં ત્રણ પોર્ટુગીઝ બાળકોએ એવો દાવો કર્યો હતો કે તેમણે ઘાસના મેદાનમાં વર્જિન મૅરીનું દિવ્ય દર્શન થયું હતું. તેમને મળેલી ભવિષ્યવાણીઓએ શીતયુદ્ધ દરમિયાન સામ્યવાદવિરોધી ભાવનાઓને વેગ આપ્યો. 1992માં એક સાક્ષીએ બીબીસીને આ 'ચમત્કારો' વિશે જણાવ્યું હતું.

13 મે, 1917ના રોજ 10 વર્ષની લુસિયા ડોસ સાન્તોસ અને તેમના નાના પિતરાઈ ભાઈઓ ફ્રાન્સિસ્કો અને જેસિન્ટા માર્ટો પોર્ટુગલના ફાતિમા નામના ગામના એક ખેતરમાં ઘેટાં ચરાવી રહ્યા હતા. ત્યારે તેમણે દાવો કર્યો હતો કે તેમને એક ઓકના ઝાડ પર એક ચમકતી આકૃતિ દેખાઈ હતી.

તેમનું કહેવું હતું એ વર્જિન મૅરી હતાં, જેમણે તેમને આગામી પાંચ મહિના સુધી દર મહિનાની 13મી તારીખે એ જ સમયે અહીં પાછા આવવા કહ્યું.

બાળકોએ એમ પણ કહ્યું કે તેમને ત્રણ દિવ્ય સંદેશા મળ્યા હતા. તેમાંથી બે જાહેર કરવામાં આવ્યા, પરંતુ ત્રીજો, જે "ફાતિમાનું ત્રીજું રહસ્ય" તરીકે ઓળખાયો અને તેને લખીને સહસ્ત્રાબ્દીના અંત સુધી વેટિકનમાં છુપાવી રાખવામાં આવ્યો.

આ રહસ્ય વિશેની અટકળોએ ફાતિમામાં બનેલી આ ઘટનાને વધારે ચર્ચાસ્પદ બનાવી. આ એક એવી ઘટના હતી, જેણે એક ગ્રામીણ મંદિરને શીતયુદ્ધના અચંબિત કરતા પ્રતીકમાં ફેરવી નાખ્યું.

13 ઑક્ટોબરના રોજ હજારો યાત્રાળુઓ આ અંતિમ દર્શન સમયે હાજર હોવાનું કહેવાય છે. તેમણે જે જોયું તે સૂર્યના ચમત્કાર તરીકે જાણીતું બન્યું.

ત્યાં હાજર રહેલા સાક્ષીઓમાંના એક ફ્રાન્સિસ્કો ફેરેરા રોઝાએ 1992માં બીબીસીના ન્યૂઝનાઇટને જણાવ્યું હતું કે, "મેં આકાશમાં અનેક રંગોના ગ્રહો જોયા. તે એક ચમત્કાર હતો. પછી આકાશમાંથી ફૂલોનો વરસાદ થતો હોય તેવું લાગ્યું. તે બરફવર્ષા જેવું હતું. પછી સૂર્ય અગ્નિચક્રની જેમ વધારે ને વધારે ઝડપથી ફરવા લાગ્યો. આવું લગભગ અડધી મિનિટ સુધી ચાલ્યુ. અંતમાં તો તે ખૂબ જ ઝડપથી ફરી રહ્યો હતો."

તે દિવસે ત્યાં હાજર લોકોએ કહ્યું કે ઘણાની ગંભીર બીમારીઓ મટી ગઈ અને અંધ લોકોને પણ દૃષ્ટિ મળી હતી.

1980માં ફ્રાન્સિસ જોહ્નસ્ટન દ્વારા લખાયેલા પુસ્તક 'ફાતિમા: ધ ગ્રેટ સાઇન' અનુસાર ધર્મવિરોધી પોર્ટુગીઝ અખબાર ઓ સેક્યુલો (ધ સેન્ચ્યુરી)એ તે વખતે એક અહેવાલ છાપ્યો હતો, જેનું શીર્ષક હતુંઃ "ભયાનક ઘટના! ફાતિમાના આકાશમાં મધ્યાહને સૂર્ય કેવી રીતે નાચ્યો?" લખનારે એ પણ નોધ્યું હતું કે ઓછામાં ઓછા 50,000 લોકો ત્યાં ભેગા થયા હતા.

ભલે તે ચમત્કાર હોય, સામૂહિક ભ્રમ હોય કે હવામાન સંબંધિત કોઈ ઘટના, પરંતુ આજે પણ તે બાબતે ચર્ચા થાય છે. ત્યાં હાજર રહેલા કેટલાક લોકો પર તેની ખૂબ જ ઊંડી અસર થઈ હોય તેવું લાગતું હતું.

રોઝાએ 1992માં બીબીસીને જણાવ્યું હતું કે, "બધાને ખબર છે કે મને પહેલેથી જ પાક્કી શ્રદ્ધા હતી, પરંતુ આ ઘટના પછી મારી શ્રદ્ધા વધારે મજબૂત થઈ ગઈ. મને જરા પણ ભય નહોતો લાગ્યો, પરંતુ સૂર્યને આ રીતે ફરતો જોઈને ઘણા લોકો ડરી ગયા હતા. જ્યારે આવું કંઈક થાય ત્યારે તમારે ભરોસો રાખવો પડશે, શ્રદ્ધા રાખવી પડશે."

પ્રથમ બે ભવિષ્યવાણી શું હતી?

જે ત્રણ બાળકોને આ દિવ્ય દર્શન થયાં હતાં, તેમાંથી બે થોડાં વર્ષો બાદ સ્પેનિશ ફ્લૂની મહામારી દરમિયાન મૃત્યુ પામ્યાં. પરિણામે લુસિયા જ એ સંદેશાઓ અને ભવિષ્યવાણીઓની એકમાત્ર વાહક રહી.

પ્રથમ 'રહસ્ય'માં નર્કનું એક દૃશ્ય બતાવવામાં આવ્યું હતું, જેના વિશે કહેવાય છે કે તે બીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી હતી. બીજું રહસ્ય, જે ઑક્ટોબર ક્રાંતિ પહેલાં બાળકોને જણાવવામાં આવ્યું હતું, તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જો લોકો વર્જિન મૅરીની પ્રાર્થનાભક્તિ કરશે તો રશિયા સામ્યવાદમાંથી બચી જશે.

ફાતિમાની ઝડપથી વધતી લોકપ્રિયતાથી શરૂઆતમાં અસ્વસ્થ થયેલા વેટિકને બાદમાં 1930માં ફાતિમાની ભવિષ્યવાણીઓને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી.

પોર્ટુગલમાં અતિ-રૂઢિચુસ્ત એન્ટોનિયો ડી ઓલિવેરા સાલાઝારની સરમુખત્યારશાહી દરમિયાન આ ગામ 20મી સદીના કૅથલિક ધર્મમાં વર્જિન મૅરીનાં સૌથી લોકપ્રિય તીર્થધામોમાંનું એક બની ગયું. આજે પણ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવે છે. શ્રદ્ધાળુઓ ઘણી વાર આરસપહાણના માર્ગ 'વિયા પેનિટેન્શિયલ' પર ઘૂંટણિયે ચાલીને 'ચેપલ ઑફ એપેરિશન્સ' સુધી જાય છે, જ્યાં, કહેવાય છે કે વર્જિન મૅરીએ છમાંથી પાંચ દર્શન આપ્યાં હતાં.

પરંતુ બાળકોનાં આ દિવ્યદર્શન પછીનાં વર્ષોમાં ફાતિમાને એક અલગ પ્રકારના અનુયાયીઓ મળવા લાગ્યા. રશિયામાં સામ્યવાદના ફેલાવા અને પછી પતનની આગાહીનો સમાવેશ થવાથી આ ભવિષ્યવાણીઓએ રાજકીય પરિમાણ વિકસાવ્યું. શીતયુદ્ધ દરમિયાન ફાતિમા ગામ સામ્યવાદ વિરોધીઓ માટે એક વૈચારિક તીર્થધામ બની ગયું.

સોવિયેત યુનિયનના પતન પછીનાં એક વર્ષ પછી 1992માં બીબીસી સાથે વાત કરતી વખતે ધર્મશાસ્ત્રી માઇકલ વોલ્શે કહ્યું હતું, "ફાતિમાની ખરી સમસ્યા છે 'અવર લેડી' સાથે જોડાયેલો સંદેશો, જે 20ના દાયકામાં ફાતિમાના સામ્યવાદવિરોધી વલણ તરીકે વિકસ્યો હતો. આ સંદેશો ચર્ચમાં પણ એક વિભાજનકારી શક્તિ બની ગયો."

ફાતિમાના સામ્યવાદવિરોધી સંબંધો ત્યારે વધારે મજબૂત બન્યા, જ્યારે પોલૅન્ડમાં જન્મેલા જોન પૉલ દ્વિતીય 1981માં તેને પ્રખર સમર્થક બન્યા. આ ઘટના 13 મેના રોજ બની હતી, આ તારીખ પ્રથમ દર્શનની વર્ષગાંઠ હતી. વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં તેઓ પોતાના 'પોપમોબાઇલ'માં હતા ત્યારે ખૂબ નજીકથી તેમના પર બે વાર ગોળી ચલાવાઈ હતી.

એકમાત્ર બંદૂકધારી પકડાયો હોવા છતાં એવી અનેક થિયરીઓ ચાલી કે આ હત્યા પાછળ અન્ય લોકો પણ હતા. પોપે 2005ના તેમનાં સંસ્મરણોમાં એવો આરોપ લગાવ્યો હતો કે, "કોઈ બીજાએ આનું ષડયંત્ર રચ્યું હતું". શું તે યુએસએસઆરની કોઈ વ્યક્તિ હોઈ શકે?

સોવિયેત નેતૃત્વ પોપને એક જોખમ તરીકે જોતું હતું. 1979માં કૉમ્યુનિસ્ટ પાર્ટીના નિર્દેશમાં એવી ચેતવણી આપવામાં આવી હતી કે પોપ તેમના દુશ્મન છે, કારણ કે તેમણે પોલૅન્ડની એકતા ચળવળને ટેકો આપ્યો હતો.

2005માં પૂર્વ જર્મન ગુપ્તચર સેવાઓ પાસેથી મળી આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે સોવિયેત લશ્કરી ગુપ્તચર એજન્સીઓએ તેમને મારવાનું કાવતરું શરૂ કર્યું હતું, જોકે રશિયનોએ તેનો ઇનકાર કર્યો હતો..

સીલબંધ પરબીડિયામાં રહેલું રહસ્ય

પોપને જે દિવસે ગોળી મારવામાં આવી, તે તારીખને કારણે તેમણે તેમના બચી જવાનું શ્રેય અવર લેડી ઑફ ફાતિમાને આપ્યું. પરિણામે ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ કરનારાઓમાં સામ્યવાદવિરોધી ઉત્સાહ વધુ પ્રબળ બન્યો. તેમણે બે વાર તીર્થધામની મુલાકાત લીધી અને તેમના શરીરમાંથી કાઢવામાં આવેલી એક ગોળી મેડોનાની પ્રતિમાએ પહેરેલા સોનાના મુગટમાં જડેલા હીરાની સાથે મૂકવામાં આવી.

પોતાના સામ્યવાદવિરોધી અર્થઘટન અને પોપના સમર્થનને કારણે ભક્તોને આકર્ષિવાની સાથોસાથ ફાતિમાના 'ત્રીજા રહસ્ય'એ લોકોમાં ઉત્તેજના જગવી અને અટકળો ઊભી કરી.

લુસિયાએ 1944માં આ રહસ્ય લખી રાખ્યું હતું. અને એવો અનુરોધ કર્યો હતો કે 1960 સુધી તેને જાહેર ન કરવામાં આવે. ત્યાર બાદ આવેલા અનેક પોપોએ પણ તેને જાહેર કરવાનો ઇનકાર કરતા રહ્યા.

વેટિકનમાં એક સીલબંધ પરબીડિયામાં રાખવામાં આવેલા આ રહસ્ય વિશે માત્ર દરેક પોપ અને તેમના નજીકના સલાહકાર વર્તુળને જ ખબર હતી. પરિણામે ફાતિમાએ અનેક કાવતરાની થિયરીઓ અને પ્રલયવાદી સંપ્રદાયોને આકર્ષ્યા. વેટિકનને રહસ્ય જાહેર કરવા દબાણ કરવાનો પ્રયાસ કરીને ફાતિમાના કટ્ટરપંથીઓએ ભૂખ હડતાળ કરી અને એક વ્યક્તિએ તો વિમાનનું અપહરણ પણ કર્યું હતું.

જ્યારે 2000માં વેટિકને ભવિષ્યવાણી જાહેર કરી ત્યારે અંદાજે 5,00,000 ભક્તો ફાતિમાના તીર્થધામે એકઠા થયા હતા. જોકે કેટલાક લોકો માટે આ ખુલાસો નિરાશાજનક સાબિત થયો. તે સમયે ન્યૂ યૉર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે, "ગયા અઠવાડિયે ફાતિમાના ત્રીજા રહસ્યનો વિલંબિત ખુલાસો એવો લાગ્યો જાણે એફબીઆઇએ એલ્વિસના મૃત્યુની જાહેરાત કરી હોય." કેટલાક સાક્ષીઓએ આ જાહેરાતને 'મનઘડંત ખુલાસો' ગણાવી તેની હાંસી ઉડાવી હતી.

ષડ્યંત્રની થિયરીમાં માનનારાઓનો દાવો એવો છે કે આ ભવિષ્યવાણી ત્રીજા વિશ્વયુદ્ધ, અથવા માનવજાત માટે ખતરો ઊભી કરનારી કોઈ અન્ય મહાપ્રલયકારી ઘટનાની ચેતવણી આપે છે, પરંતુ વેટિકને આ રહસ્યને 1981માં પોપ જોન પોલ દ્વિતીય પર થયેલા હત્યાના પ્રયાસની ભવિષ્યવાણી તરીકે ગણાવ્યું હતું. તેમાં એમ લખવામાં આવ્યું હતું કે એક માણસ, "સફેદ વસ્ત્રોમાં... જમીન પર ઢળી પડ્યો, જાણે મૃત્યુ પામ્યો હોય."

'ત્રીજું રહસ્ય' અને શીતયુદ્ધની અટકળો

'ત્રીજા રહસ્ય'ના ખુલાસા પછી પણ ફાતિમામાં બનેલી ઘટનાઓ અને શીતયુદ્ધની ઘટનાઓ વચ્ચેના કથિત જોડાણો વિશે અટકળો ચાલુ જ છે. કેટલાક એવી દલીલ કરે છે કે જોન પોલ દ્વિતીયે વર્જિન મૅરીનું કહ્યું કર્યું, 1984માં પૂર્વ યુરોપ તેમના નિર્મળ હૃદયને સમર્પિત કર્યું, ત્યાર બાદ જ મિખાઇલ ગોર્બાચેવ સોવિયેત નેતા બન્યા અને પેરેસ્ટ્રોઇકાની શરૂ થઈ, આ કોઈ સંયોગ નહોતો

જોકે કેટલાક વિવેચકો ભવિષ્યવાણીઓના સનસનાટીભર્યા અર્થઘટન અને સત્તામાં રહેલા લોકો દ્વારા તેના સ્વીકાર પર પ્રશ્નો ઉઠાવે છે. કાર્ડિનલ તરીકે 'ત્રીજા રહસ્ય'ને જાહેર કરતી વખતે જોસેફ રેટ્ઝિંગરે (જે 2005માં પોપ બેનેડિક્ટ સોળમા બન્યા) કહ્યું હતુંં કે, "કોઈ મહાન રહસ્ય ઉજાગર થતું નથી, ન ભવિષ્યમાં થશે", તેના લીધે પ્રલયકારી ભવિષ્યવાણીઓ પરથી ધ્યાન ખસ્યું.

ધ કલ્ટ ઑફ ધ વર્જિન મેરી: સાઇકૉલૉજિકલ ઑરિજિન્સ પુસ્તકના લેખક માઇકલ કેરોલ જણાવે છે, "પ્રારંભિક અહેવાલોમાં માત્ર એટલું જ હતું કે વર્જિન મૅરીએ લોકોને 'દુનિયા બદલવા' માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. 1920ના દાયકાના અંતમાં લુસિયા (તે સમયે એક કૉન્વેન્ટમાં હતાં)એ એ વાતમાં સુધારો કર્યો અને સૂચવ્યું કે વર્જિન મૅરીએ લોકોને 'રશિયાના બદલાવ' માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું."

તેઓ દલીલ કરતા કહે છે, "એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ચર્ચે, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછીના સમયગાળામાં સામ્યવાદ સામેની લડાઈમાં ફાતિમાની ભવિષ્યવાણીનો ઉપયોગ કર્યો હતો. શું તેણે સોવિયેત યુનિયનના પતનમાં ફાળો આપ્યો હતો? ફાતિમાને બાજુ પર રાખીએ તો પણ ચર્ચના સામ્યવાદવિરોધી અભિગમે સંભવતઃ તેના પતનમાં ભાગ ભજવ્યો હશે, પરંતુ અન્ય પરિબળો પણ એટલાં જ જવાબદાર હતાં."

આ દિવ્ય દર્શનનો લોકો પર ઊંડો પ્રભાવ પડ્યો હતો તેમાં કોઈ બેમત નથી. 2005માં 97 વર્ષની ઉંમરે લુસિયાનું અવસાન થયું ત્યારે પોર્ટુગલે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો, અને સામાન્ય ચૂંટણીના પ્રચાર અભિયાન પણ સ્થગિત કરી દેવાયાં હતાં.

13 મે 2025ના રોજ લગભગ 2,70,000 શ્રદ્ધાળુઓ તીર્થધામે એકઠા થયા હતા, જેથી એ દિવસને યાદ કરી શકે, જે દિવસે એ બાળકોને પહેલું દિવ્ય દર્શન થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન