You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નફરત ફેલાવતાં ભાષણો વિશે સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો અને તેની કેવી અસર પડશે?
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
સુપ્રીમ કોર્ટની બે જજોની બેંચે હેટ સ્પીચ એટલે કે નફરત ફેલાવતાં ભાષણોના કેસમાં બુધવાર 29 એપ્રિલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચની સમક્ષ ઘણી અરજીઓ હતી.
કેટલીક અરજીઓમાં માગણી કરાઈ હતી કે હેટ સ્પીચના મુદ્દા પર કાયદામાં સુધારો થવો જોઈએ. એવી નવી જોગવાઈઓ લાવવી જોઈએ જેનાથી હેટ સ્પીચને રોકી શકાય.
કેટલીકમાં માગ હતી કે કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને હેટ સ્પીચની ઘટનાઓની તપાસની દેખરેખ રાખવી જોઈએ.
જ્યારે, ઘણી અરજીઓ કેટલીક કથિત હેટ સ્પીચની ઘટનાઓની વિરુદ્ધ હતી. તેમાં અરજી દાખલ કરનારાઓની માગ હતી કે આવાં નફરતી ભાષણ આપનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે હેટ સ્પીચ વિષયક કાયદામાં અત્યારે ઘણી જોગવાઈઓ છે અને કોર્ટ તેમાં કોઈ નવા સુધારા કરવા માટે આદેશ ન આપી શકે.
ઘણા કેસોમાં કાર્યવાહીની પણ માગ કરવામાં આવી હતી. તેમાં અનુરાગ ઠાકુર અને પરવેશ વર્માનાં ભાષણો, હરિદ્વાર અને દિલ્હીમાં ધર્મ સંસદ સાથે સંકળાયેલા કેસ, કોરોનાકાળમાં તબલીગી જમાત અંગે કરાયેલાં નિવેદન જેવા કેસો સામેલ છે.
કોર્ટે આ બધા કેસોને પણ રદ કરી દીધા, માત્ર ચાર અરજીઓ પર સુનાવણી ચાલુ રાખી છે.
ચાલો સમજીએ, આ ચુકાદામાં શું થયું અને સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો શા માટે મહત્ત્વપૂર્ણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટ સમક્ષ કયા-કયા મામલા હતા?
કોર્ટની સમક્ષ એક ડઝન કરતાં વધારે અરજીઓ હતી. તેમાં છેલ્લાં કેટલાંક વરસોના સૌથી મોટા કેસ પણ હતા, જેમાં આરોપ હતો કે કોઈ સમુદાય, ખાસ કરીને મુસલમાનોની વિરુદ્ધ નફરત ફેલાવતાં ભાષણો આપવામાં આવ્યાં છે.
એક કેસ સુદર્શન ટીવી ચૅનલ સાથે સંકળાયેલો હતો. ઑગસ્ટ 2020માં સુદર્શન ટીવીના મુખ્ય સંપાદક સુરેશ ચવ્હાણે કથિત 'યુપીએસસી જેહાદ' વિશે ટ્વિટર (હવે એક્સ) પર ટિપ્પણી કરી હતી.
તેમણે કહેલું કે થોડાક દિવસોમાં તેઓ ટીવી પર પોતાના કાર્યક્રમમાં એ વાત કરવાના છે કે લોકસેવા આયોગ કે યુપીએસસીની પરીક્ષામાં હિંદુઓની તુલનાએ મુસલમાનોને પ્રાથમિકતા આપવામાં આવે છે.
તેમણે દાવો કર્યો કે તમને વધારે ઉંમર સુધી પરીક્ષા આપવાની મંજૂરી અને પરીક્ષા આપવાની વધુ તક આપવામાં આવે છે. તેની વિરુદ્ધ ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી. તેમનું કહેવું હતું કે આ બધી વાતો ખોટી છે અને ભારતમાં ટીવી ચૅનલો સાથે જોડાયેલા નિયમોની વિરુદ્ધ છે.
એટલું જ નહીં, આ કથિત મુદ્દા સાથે જોડાયેલા ચાર એપિસોડ ટીવી પર પ્રસારિત થયા હતા. આની પહેલાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એ નક્કી કરવા કહ્યું હતું કે આ કાર્યક્રમનું પ્રસારણ અટકવું જોઈએ કે નહીં? જોકે, સરકારે આ પ્રસારણને રોક્યું નહોતું.
તેના થોડા સમય પછી વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટે બાકી રહેલા એપિસોડના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર પછી આ કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો.
સાથે જ, બીજી પણ અરજીઓ હતી, જે કથિત રીતે 'કોરોના જેહાદ' સાથે જોડાયેલા રિપોર્ટિંગ વિરુદ્ધ હતી. વર્ષ 2020માં કોરોનાકાળ દરમિયાન ઘણી ચૅનલ્સે સમાચાર ચલાવ્યા હતા કે તબલીગી જમાતે ભારતમાં કોરોના વાઇરસ ફેલાવ્યો છે.
પછીથી આ વાત ખોટી જોવા મળી હતી. આની સામે પણ અરજીકર્તાઓએ કોર્ટ સમક્ષ કાર્યવાહીની માગ કરી હતી.
આ ઉપરાંત, ડિસેમ્બર 2021માં દિલ્હી અને હરિદ્વારમાં હિંદુ ધર્મ સંસદ થઈ હતી. તેમાં ઘણા વક્તા ધર્મની રક્ષા માટે શસ્ત્ર ઉઠાવવા, મુસ્લિમ વડા પ્રધાન ન બનવા દેવા, મુસ્લિમ વસ્તી વધવા ન દેવા સહિત ધર્મના રક્ષણના નામે વિવાદિત ભાષણ આપતા જોવા મળ્યા.
સાથે જ, કેટલાક અરજીકર્તાઓએ નાગરિકતા સુધારા કાયદો (સીએએ) વિરુદ્ધ આંદોલન દરમિયાન ભાજપના નેતાઓ અનુરાગ ઠાકુર અને પરવેશ શર્મા દ્વારા અપાયેલાં નિવેદનો સામે કાર્યવાહીની માગ કરી હતી.
ઘણી એવી પણ અરજીઓ હતી, જેનું કહેવું હતું કે હિંદુઓ વિરુદ્ધ હેટ સ્પીચ આપવામાં આવી છે.
આ કેસોમાં દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે)ના નેતા ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ વિષયક ઘણી કથિત ટિપ્પણી પણ સામેલ હતી.
તેમાં ઘણી અરજીઓમાં એવી માગણી કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ પોલીસને એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપે અને ત્યાર પછી તપાસ અને કાર્યવાહી પર સતત દેખરેખ રાખે.
ઘણી અરજીઓ એવી હતી જેમાં કહેવાયું હતું કે હેટ સ્પીચના મામલામાં પોલીસ કશી કાર્યવાહી નથી કરતી, જે કોર્ટની અવમાનના છે.
સાથે જ, કેટલીક અરજીઓની માગ હતી કે કોર્ટ સરકારોને મોબ લિંચિંગ રોકવાના વર્ષ 2018ના પોતાના દિશાનિર્દેશોને લાગુ કરવાનો આદેશ આપે.
સુપ્રીમ કોર્ટે કયા ચાર મામલા ચાલુ રાખ્યા?
ગયા મહિને 29 એપ્રિલના ચુકાદામાં કોર્ટે આમાંની ઘણી અરજીઓને રદ કરી દીધી. એટલે કે, હવે તે કેસો સુપ્રીમ કોર્ટની સમક્ષ નથી. હવે આ કેસો, જેમાં પોલીસની તપાસ કે કોર્ટમાં કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે, તે ચાલશે. અત્યારે માત્ર ચાર કેસ છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે.
તેમાં કેરળના સ્પીકર એન. શમશીર, ઉદયનિધિ સ્ટાલિન સહિત કેટલાક નેતાઓ વિરુદ્ધ અવમાનના અરજીઓ હતી. આ અરજીઓમાં આરોપ કરાયો છે કે તેમણે કથિત રીતે હિંદુ ભગવાનોનું અપમાન કર્યું હતું. તેનાથી સમાજમાં સાંપ્રદાયિક શાંતિ ભંગ થઈ શકતી હતી.
એક કેસ ગુંટૂરના મેયર કવાતી મનોહર નાયડુનાં કેટલાંક નિવેદનો વિરુદ્ધ છે. જ્યારે, બીજો એક કેસ અજમેરશરીફ દરગાહ વિરુદ્ધ એક વ્યક્તિના નિવેદન સાથે સંકળાયેલો છે. આ બધી અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ પછી પણ પોલીસે કોઈ એફઆઇઆર દાખલ ન કરી. જે કોર્ટના દિશાનિર્દેશ વિરુદ્ધ જાય છે.
કોર્ટે કહ્યું કે આ ચાર અરજીઓમાં વહીવટી તંત્રએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ નહોતો કર્યો કે તેણે શી કાર્યવાહી કરી, તેથી તેઓ આ કેસમાં આગળની સુનાવણી ચાલુ રાખશે.
બાકીના કેસો માટે કોર્ટે કહ્યું કે તેણે રાજ્યો પાસે એક 'સ્ટેટસ રિપોર્ટ' માગ્યો હતો. કોર્ટે કહ્યું કે એ મામલામાં એફઆઇઆર દાખલ થઈ ગઈ છે.
પરવેશ વર્મા અને અનુરાગ ઠાકુરનાં નિવેદનો બાબતમાં કોર્ટે કહ્યું કે તેમનાં ભાષણો દ્વારા કોઈ પ્રકારની હિંસા માટે ઉશ્કેરવામાં નહોતા આવ્યા.
જોકે, કોર્ટે એક પૉઇન્ટ પર દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સાથે અસંમતિ દર્શાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એફઆઇઆર નોંધવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. દિલ્હી હાઈકોર્ટે કહેલું કે હેટ સ્પીચ સાથે જોડાયેલી જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવા માટે યોગ્ય અધિકારીઓ પાસેથી મંજૂરી લેવાની જરૂર હોય છે.
હેટ સ્પીચ મામલે આ પહેલાં શું થયું છે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતના કાયદા અને કોર્ટના અગાઉના નિર્ણયોથી એ સ્પષ્ટ છે કે જો કોઈ સમજણપૂર્વકના ગુના (કૉગ્નિઝેબલ ઓફેન્સ)ની માહિતી પોલીસને આપવામાં આવે તો પોલીસે એફઆઈઆર નોંધવી જરૂરી છે.
કૉગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે એવા ગુના જેમાં પોલીસ વૉરંટ વગર કોઈ આરોપીની ધરપકડ કરી શકે છે.
સાથે જ, કોર્ટે કહ્યું કે જો એવું ન થાય તો કોઈ વ્યક્તિની પાસે અનેક કાયદાકીય વિકલ્પ છે. તેઓ વરિષ્ઠ પોલીસ અધિકારીને ફરિયાદ કરી શકે છે.
ત્યાર બાદ મૅજિસ્ટ્રેટની પાસે જઈ શકે છે. જો મૅજિસ્ટ્રેટ પણ બનાવ સંદર્ભમાં કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દે, તો હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ જઈ શકાય છે.
પોલીસમાં એફઆઈઆર દાખલ કર્યા પછી મૅજિસ્ટ્રેટ પાસે શક્તિ હોય છે કે તેઓ અલગ-અલગ તબક્કામાં તપાસ પર દેખરેખ રાખી શકે. તદ્ઉપરાંત, કોર્ટે કહ્યું કે હેટ સ્પીચના મુદ્દા પર ભારતમાં અનેક કાયદા છે.
આટલું જ નહીં, વર્ષ 2017માં વિધિ આયોગે (કાયદા પંચ) પોતાના રિપોર્ટમાં કાયદામાં સુધારો કરવાની ભલામણ કરી હતી.
લૉ કમિશનનાં સૂચનોનો અમલ કરવો કે નહીં, તે સંસદની જવાબદારી છે અને તેમાં સુપ્રીમ કોર્ટે દખલ ન કરવી જોઈએ.
સાથે જ, કોર્ટે કહ્યું કે જો કોઈ મુદ્દા પર કોઈ કાયદો નથી, તો કોર્ટ કેટલીક સૂચના આપી શકે છે, જેમકે કોર્ટે કાર્યસ્થળે મહિલાઓનાં જાતીય શોષણને રોકવા માટે કહેલું.
હેટ સ્પીચ મામલે આ પહેલાં શું થયું છે?
જોકે, ગયા એપ્રિલનો આ આદેશ આ કેસમાં સુપ્રીમ કોર્ટના તેના પોતાના અગાઉના આદેશોથી અલગ છે. પહેલાં સુપ્રીમ કોર્ટે પોતે પણ હેટ સ્પીચના ઘણા કેસોની તપાસનું મોનિટરિંગ કર્યું છે.
હેચ સ્પીચના મુદ્દા પર એક મોટી મુશ્કેલી કાયદાને લાગુ કરવાની હોય છે. નફરત ફેલાવતા ભાષણ માટે કાયદામાં જોગવાઈ છે, પરંતુ એવું જોવા મળ્યું છે કે આ જોગવાઈઓ હેઠળ એફઆઇઆર, ધરપકડ અને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં લોકોને મુશ્કેલી પડે છે.
નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ભાજપ નેતા કપિલ મિશ્રાનાં નિવેદનોની વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરાવવા માટે વર્ષ 2020થી કોર્ટમાં અરજીઓ પેન્ડિંગ છે.
હેટ સ્પીચ સાથે સંકળાયેલા કેસોમાં પણ જોવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટે પહેલાંથી જ કાયદો હોવા છતાં પણ આદેશ આપ્યા છે. કોર્ટે કહેલું કે જો હેટ સ્પીચ સાથે સંકળાયેલા કેસ સામે આવે, તો ફરિયાદની રાહ જોયા વિના પોલીસે જાતે જ કાર્યવાહી કરવી પડશે.
પોલીસ અને કાર્યપાલિકાએ સુપ્રીમ કોર્ટના મોનિટરિંગના કારણે કેટલીક કાર્યવાહી પણ કરી છે. જેમકે, એફઆઈઆર દાખલ કરવી અને એક ધર્મ સંસદને રોકવી.
આ સ્થિતિમાં ભારતની સર્વોચ્ચ અદાલતની દેખરેખ, આવા કેસોમાં પોલીસ અને નીચલી અદાલતોને કાર્યવાહી કરવા માટે મજબૂર કરે છે.
વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ડૉ. બલબીરસિંહ ચૌહાણે કાયદાપંચની ભલામણો મોકલતાં તત્કાલીન કાયદા મંત્રીને લખ્યું હતું, "જો કાર્યપાલિકા કોઈ પણ કારણે કશી કાર્યવાહી નથી કરતી, તો અદાલતે હંમેશાં કાયદો લાગુ કરવાના પોતાના બંધારણીય દાયિત્વને પૂરું કરવા માટે પગલાં ભર્યાં છે."
સુપ્રીમ કોર્ટની વેબસાઇટને જોઈએ તો નફરત ફેલાવતાં ભાષણોના કેસમાં પણ કોર્ટ વર્ષ 2022 અને વર્ષ 2023થી સતત સુનાવણી કરતી હતી અને સૂચના આપતી હતી. જોકે, તેની સરખામણીએ વર્ષ 2024થી 2026 સુધી કેસની ઓછી સુનાવણી થઈ. સાથે જ, આ કેસોની સુનાવણી કરી રહેલા જજ પણ બદલાઈ ગયા હતા. નવી બેંચે આ કેસમાં નવું વલણ અપનાવ્યું.
જોકે, હમણાં તાજેતરના કેટલાક ચુકાદામાં કોર્ટે બાકી કેસોમાં પણ એવું વલણ અપનાવ્યું. વર્ષ 2025માં મોબ લિંચિંગ કે ટોળા દ્વારા થયેલી હત્યા સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટે કહ્યું કે તે બધા કેસોનું મોનિટરિંગ ન કરી શકે.
વર્ષ 2026માં પણ આવી જ એક અરજી પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચે કહેલું કે કોર્ટે એવી સૂચના બહાર ન પાડવી જોઈએ જેને તે પોતે લાગુ ન કરી શકે.
કાયદાના નિષ્ણાતો શું કહે છે?
કોર્ટના તાજેતરના ચુકાદાની ટીકા પણ થઈ છે. ખાસ કરીને એ ભાગની જેમાં હેટ સ્પીચના કેસોમાં સુપ્રીમ કોર્ટે કેસને રદ કરી દીધા.
વરિષ્ઠ પત્રકાર ભારત ભૂષણે પોતાના એક લેખમાં કહ્યું, "આ નિર્ણયને ઇતિહાસએ વસ્તુ માટે યાદ રાખશે કે સુપ્રીમ કોર્ટે એક કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ કાયદો લાગુ ન કર્યો જેમણે 'દેશના ગદ્દારોને ગોળી મારો' કહેલું."
ફૈઝાન મુસ્તફા ચાણક્ય નૅશનલ લૉ યુનિવર્સિટીના કુલપતિ છે. તેમણે પોતાના એક વીડિયોમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે કાયદામાં સુધારો કરવા માટે સરકારને આદેશ ન આપીને "કાયદાના સિદ્ધાંતોના ધોરણે યોગ્ય નિર્ણય છે."
જોકે, તેમણે આગળ કહ્યું કે હેટ સ્પીચને રોકવા માટે "જે વસ્તુ કરવાની જરૂર હતી, તે કરવામાં ન આવી."
તેમણે અનુરાગ ઠાકુર અને પરવેશ વર્માના કેસમાં કહ્યું કે હાઈ કોર્ટે પોલીસનો રિપોર્ટ જોઈને માની લીધું હતું કે આમાં કોઈ કૉગ્નિઝેબલ ઓફેન્સ નથી અને સુપ્રીમ કોર્ટે પણ આ વાતને માની લીધી.
તેમણે કહ્યું, "હેટ સ્પીચની જેટલી જટિલ અને ગંભીર સમસ્યા દેશ સમક્ષ છે, કદાચ તેમાં થોડા ઊંડાણથી જવાની જરૂર હતી, જ્યાં કોર્ટ આ કેસમાં નથી ગઈ."
તેમણે આગળ કહ્યું કે જો કોર્ટે આ હેટ સ્પીચના મુદ્દા પર મોનિટરિંગ કર્યું હોત, "તો કદાચ જે લોકો નફરત ફેલાવે છે, તેમના મનમાં કશો ડર રહેતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન