મમતા બેનરજીએ ભાજપ સામેની 'લડાઈ'માં ડાબેરી પક્ષોને સાથ આપવાની અપીલ કરી – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 5 મિનિટ

પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શનિવારે રવીન્દ્રનાથ ટાગોર જયંતી પ્રસંગે પશ્ચિમ બંગાળમાં ભાજપ સામે રાજનૈતિક લડાઈ શરૂ કરવાની ઘોષણા કરી.

તેમણે કહ્યું, "આતંકનું રાજ શરૂ થઈ ચૂક્યું છે. આતંક સામે અમારી નૈતિક અને રાજનૈતિક લડાઈ શરૂ થઈ ગઈ છે. હું તમામ ગેર-ભાજપ રાજકીય સંગઠનોને એક થવાની અપીલ કરું છું. હું એનજીએ તથા અન્ય નિષ્પક્ષ મંચોને પણ આ આંદોલનમાં સામેલ થવાનો આગ્રહ કરું છું. વિપક્ષના તમામ રાષ્ટ્રીય નેતાઓએ મારો સંપર્ક કર્યો છે."

તેમણે કહ્યું, "હું રાષ્ટ્રીય દળોની સાથે વામપંથી તથા અતિ-વામપંથી દળોને પણ બંગાળ તથા દિલ્હીમાં એકજૂટ થવાની અપીલ કરું છું. જો કોઈ રાજનૈતિક દળો આ મામલે મારી સાથે વાત કરવા માગતાં હોય, તો હું ચર્ચા માટે તૈયાર છું."

તેમણે કહ્યું, "રવીન્દ્રનાથ ટાગોર અમારી પ્રેરણા છે. અમે તેમની જયંતી મનાવવા માટે એકત્ર થયાં છે. 'દેશ બચાઓ ગણતાત્રિક મંચે' ટાગોર જયંતી મનાવવા માટે ત્રણ જગ્યાએ પરવાનગી માગી હતી. પરંતુ તેની પરવાનગી નહોતી આપવામાં આવી."

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી ટીએમસી માત્ર 80 બેઠકો જ પ્રાપ્ત કરી શકી હતી. ત્યાં આ ચૂંટણીમાં ભાજપને 207 બેઠકો હાંસલ થઈ છે. શનિવારે ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ મુખ્ય મંત્રીપદના શપથ લીધા હતા.

વિજયની પાર્ટી ટીવીકેને વીસીકે પાર્ટીએ આપ્યું સમર્થન

તામિલનાડુમાં કૉંગ્રેસ, સીપીઆઈ તથા સીપીઆઈએમ બાદ હવે વીસીકેએ પણ ટીવીકેને સમર્થન આપવાનું ઍલાન કર્યું છે.

વીસીકે નેતા થૉલ તિરુમાવલવને ટીવીકે નેતા આધવ અર્જુનને પાર્ટીનું સમર્થનપત્ર સોંપ્યું છે.

શુક્રવારે ટીવીકે ચીફ વિજયે તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો. વિજયની આ રાજ્યપાલ સાથેની ત્રીજી મુલાકાત હતી.

રાજ્યપાલ સાથે મુલાકાત બાદ, ટીવીકે નેતા વિજયે વ્યક્તિગત રીતે સીપીઆઈ તથા સીપીઆઈએસના કાર્યાલયની મુલાકાત લીધી હતી તથા પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

તામિલનાડુ ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમતી મળી નથી, વિજયની પાર્ટી ટીવીકેને 108 બેઠકો મળી છે અને તે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી છે.

ઉલ્લેખનીય છે કે તામિલનાડુની વીસીકે પાર્ટી પાસે બે બેઠકો છે.

સુવેંદુ અધિકારીએ શપથ લીધા પછી TMCના સાંસદ અભિષેક બેનરજીએ શું કહ્યું

પશ્ચિમ બંગાળમાં સુવેંદુ અધિકારીએ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. બીજી તરફ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સાંસદ અભિષેક બેનરજીએ કહ્યું કે લોકશાહીમાં ચૂંટણી પછીની હિંસા અસ્વીકાર્ય છે.

અભિષેક બેનરજીએ કહ્યું કે "અમે બહુ મુશ્કેલ ચૂંટણી લડ્યા છીએ, જેમાં લગભગ 30 લાખ અસલી મતદારોને મતદાર યાદીમાંથી બહાર કરવામાં આવ્યા હતા."

તેમણે ઍક્સ પર પોસ્ટમાં લખ્યું, સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આપણે જોયું કે સરકારી એજન્સીઓ અને ભારતના ચૂંટણીપંચની ભૂમિકા પક્ષપાતી રહી હતી. મતગણતરીથી લઈને ઈવીએમની મુવમેન્ટ, કન્ટ્રોલ યુનિટ્સમાં ગરબડ જેવી ઘટનાઓએ કરોડો લોકોને એ વિચારવા મજબૂર કરી દીધા કે શું જનતાનો અસલી ચુકાદો માનવામાં આવ્યો છે?"

તેમણે લખ્યું છે, "મેં અગાઉ જ માંગણી કરી છે કે મતગણતરી કેન્દ્રનાં સીસીટીવી ફૂટેજ જારી કરવામાં આવે અને વીવીપૅટ સ્લિપની ગણતરી કરવામાં આવે, જેથી હકીકત બહાર આવે અને શંકા દૂર થાય."

પશ્ચિમ બંગાળ : શપથવિધિ સમારોહ અગાઉ મમતા બેનરજીના ઘર બહાર CRPF ગોઠવાઈ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપ ધારાસભ્ય દળના નેતા સુવેંદુ અધિકારી મુખ્ય મંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીના નિવાસસ્થાન બહાર સીઆરપીએફ ગોઠવવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ મમતા બેનરજીના કાલિઘાટસ્થિત ઘર બહાર દળો ગોઠવાયાં છે.

આ ઉપરાંત સુવેંદુ અધિકારીના ચિનારપાર્કસ્થિત ઘરની બહાર પણ ભારે સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શપથવિધિ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરે ગ્રાઉન્ડમાં યોજાશે. અહીં પણ સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

આરસીટીસી ગ્રાઉન્ડ પર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીં ઊતરશે અને પછી કાર્યક્રમમાં સામેલ થશે એવું માનવામાં આવે છે. શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સમગ્ર પ્રદેશમાંથી આવેલા કાર્યકરો સામેલ થશે.

એનએસ રાજા સુબ્રમણિ ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બન્યા

ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિને નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે નિયુક્ત કર્યા છે. સાથે સાથે તેઓ ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સના સચિવ પણ રહેશે.

સંરક્ષણ મંત્રાલયે ઍક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે હાલના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ 30 મે 2026ના સુધીમાં પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિ ભારતીય સેનાના ઘણા વરિષ્ઠ અધિકારી છે. તેમને લગભગ ચાર દાયકાનો અનુભવ છે. 2025થી તેએ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલ સચિવાલયમાં મિલિટરી એડ્વાઇઝર તરીકે કામ કરે છે. અગાઉ તેઓ ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ અને જીઓસી-ઇન-સી, સેન્ટ્રલ કમાન્ડ રહી ચૂક્યા છે.

તેમણે પશ્ચિમી અને ઉત્તરના મોરચે મહત્ત્વના ઑપરેશનલ ફૉર્મેશનની કમાન પણ સંભાળી છે.

આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને દેશની નેવીના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ જામનગર, વડોદરા અને સોમનાથની મુલાકાત લેશે. દેશમાં ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી પછી પીએમ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત થઈ છે.

ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, પીએમ મોદી 11મીએ જામનગરથી સોમનાથ પહોંચશે અને હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી એક કિલોમીટરનો રોડ શો કરશે. આ દરમિયાન 12 જ્યોતિર્લિંગ બૅકડ્રોપ સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિને રજૂ કરતાં નૃત્યો દર્શાવાશે.

મંદિર પરિસરમાં બંગાળી પરિવારો પીએમનું સ્વાગત કરશે. મંદિરમાં પીએમ મોદી દ્વારા કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનનો એર-શો અને મંદિર પર હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે.

સોમનાથના કાર્યક્રમ પછી વડા પ્રધાન મોદી વડોદરા જશે અને સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે.

ટ્રમ્પની જાહેરાત, રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ દિવસનું યુદ્ધવિરામ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ દિવસનું યુદ્ધવિરામ થયું છે. તેમના કહેવા મુજબ 9થી 11 મે સુધી આ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે આ યુદ્ધવિરામ દરમિયાન બંને દેશોના એક-એક હજાર કેદીઓની અદલાબદલી પણ થશે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં 9, 10 અને 11 મે સુધી ત્રણ દિવસનો યુદ્ધવિરામ રહેશે. રશિયામાં વિક્ટરી ડેની ઉજવણી ચાલે છે, યુક્રેનમાં પણ ઉજવણી છે, કારણ કે તેઓ પણ દ્વિતીય વિશ્વયુદ્ધનો હિસ્સો હતા.

"આ યુદ્ધવિરામમાં તમામ પ્રકારની લડાઈની ગતિવિધિઓ રોકવાનું સામેલ હશે. બંને દેશોના 1000-1000 કેદીઓની પણ અદલાબદલી થશે. મારા અનુરોધ પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સહમત થયા છે, હું તેમનો આભારી છું."

તેમણે આગળ લખ્યું કે, "મને આશા છે કે આ લાંબા, જીવલેણ અને મુશ્કેલ યુદ્ધના અંતની શરૂઆત છે. આ બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટો સંઘર્ષ છે. તેને ખતમ કરવા માટે વાતચીત ચાલુ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન