ગુજરાત: 'અમને કેટલું વળતર મળશે?' અમૂલે દૂધના ભાવ વધાર્યા બાદ પશુપાલકો આવું કેમ બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"અમૂલ ડેરીએ દૂધના ભાવમાં લીટરે બેથી ચાર રૂપિયાનો વધારો કર્યો છે, પરંતુ અમારા જેવા પશુપાલકોનું વળતર કેટલું વધશે તે સવાલ છે. ખાસ કરીને આ વર્ષે ઘાસચારાની એવી અછત સર્જાશે કે ઉનાળામાં પશુઓને સાચવવા મુશ્કેલ બની જશે. પશુ આહાર, ઘાસચારો વગેરે એટલો મોંઘો થયો છે કે હવે ઢોરઢાંખર પાળવામાં કોઈ ફાયદો નથી."
આ શબ્દો છે સુરતના માંડવી તાલુકાના ચંદનપુર ગામના પશુપાલક અમૃતભાઈ ચૌધરીના. સુરત જિલ્લામાં આ વખતે સારો વરસાદ પડ્યો હોવા છતાં કેટલાક ભાગોમાં ઉનાળામાં પાણીની તંગી વર્તાય તેવી સ્થિતિ છે.
ભારતમાં સૌથી મોટા દૂધઉત્પાદક સંઘ હેઠળ અમૂલે તાજેતરમાં માખણ અને ઘીના ભાવમાં વધારો કર્યો હતો અને હવે દૂધના ભાવ પણ વધારાયા છે. બીજી તરફ પશુપાલકો અને ડેરી ઉદ્યોગ વધતા જતા ખર્ચ વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
દૂધ, માખણ, ઘીના ભાવ વધ્યા

ઇમેજ સ્રોત, Pradeep Gaur/SOPA Images/LightRocket via Getty Images
અમૂલ અને મધર ડેરીએ 12મી નવેમ્બરથી દૂધના ભાવમાં વધારો કર્યો છે. ઓછી ફૅટવાળું ટોન્ડ દૂધ એટલે કે તાજાના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટર અને ફુલ ક્રીમ એટલે કે ગોલ્ડ દૂધના ભાવમાં લિટર દીઠ ચાર રૂપિયાનો વધારો થયો છે.
અમૂલની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરતા ગુજરાત કોઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના જણાવ્યા મુજબ આ વર્ષે ઓછો અને અનિયમિત વરસાદ આ ભાવવધારાનું એક કારણ છે.
અમૂલ તાજા (ત્રણ ટકા ફેટ)નો ભાવ લીટરે બે રૂપિયા વધારવામાં આવ્યો છે જ્યારે અમૂલ ગોલ્ડ (છ ટકા ફેટ)નો ભાવ ચાર રૂપિયા પ્રતિ લીટર વધ્યો છે.
ગયા સપ્તાહમાં જ અમૂલ માખણનો ભાવ 500 ગ્રામ દીઠ 15 રુપિયા વધ્યો હતો. જ્યારે ઘીનો ભાવ 500 ગ્રામ દીઠ 50 રૂપિયા વધારવામાં આવ્યો હતો.
જીસીએમએમએફનું કહેવું છે કે ઇનપુટ ખર્ચ વધવાના કારણે દૂધના ભાવમાં વધારો કરવો જરૂરી હતો. ખાસ કરીને લીલા ઘાસચારા અને સૂકા ચારા, પશુદાણની સામગ્રી જેમ કે, ખોળ, મકાઈ અને મોલાસિસ, દૂધના પેકૅજિંગની સામગ્રી અને ઈંધણના ભાવમાં થયેલા વધારાના કારણે દૂધના ભાવ વધારવા પડ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપનીનું કહેવું છે કે તેની સભ્ય ડેરીઓએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાનો ભાવ ચારથી પાંચ ટકા વધાર્યો છે. એટલે કે દૂધઉત્પાદક સંઘ એવું કહે છે કે દૂધનો ભાવ માત્ર ડેરીમાં પ્રોસેસિંગ, પેકૅજિંગ કે ટ્રાન્સપૉર્ટેશનના કારણે નહીં, પરંતુ પશુઓને પાળવા અને પશુપાલકો પાસેથી દૂધ ખરીદવાના સ્તરેથી જ વધી જાય છે. આ ઉપરાંત જીસીએમએમએફે એમ પણ કહ્યું છે કે તેના સહકારી માળખા મારફત ગ્રાહકો પાસેથી મળતી આવકનો 80 ટકા હિસ્સો 36 લાખ દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે.
ડેરીઓ માટે ખર્ચ વધ્યો

ઇમેજ સ્રોત, Valamji Humbal/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમૂલ ડેરીના ભૂતપૂર્વ વાઇસ ચૅરમૅન અને હાલમાં કચ્છની સરહદ ડેરીના ચૅરમૅન વાલમજીભાઈ હુંબલે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "દુષ્કાળના કારણે કચ્છ જેવા જિલ્લામાં ઘાસચારાની અછત સૌથી વધુ સર્જાય છે. થોડા વરસાદના કારણે જે ઘાસ થયું હતું તે પણ બળી ગયું છે. આવામાં ખેતી વગરના માલધારીઓએ બહારથી ઘાસ ખરીદવું પડે જે બહુ મોંઘું પડે છે. આ વર્ષે પશુપાલકો માટે પોતાનાં સંતાનોને ઉછેરવાં અને પશુઓને પાળવાં એ બંને મુશ્કેલ બની જશે."
તેઓ કહે છે કે "આવા વર્ષમાં દૂધઉત્પાદન ઘટશે, જેથી પશુપાલકોની આવક પણ ઘટશે. સરકારે રાહત દરે ઘાસચારો આપવાની જાહેરાત કરી છે, પરંતુ તે મર્યાદિત પશુઓ માટે હશે. કેટલાક પશુપાલકો પાસે તો 25થી પણ વધુ પશુ હોય છે. તેમને પણ રાહત દરે ઘાસ મળે તો આખું વર્ષ શાંતિથી નીકળી શકે."
ડેરી ઉદ્યોગની સમસ્યાઓ વિશે વાત કરતા તેઓ કહે છે કે, "દુષ્કાળના વર્ષમાં દૂધની આવક ઘટી જાય અને તેની સામે ડેરીનો પ્લાન્ટ ચલાવવાનો ખર્ચ એટલો જ રહેશે અથવા વધી જશે. જેમ કે સારી સિઝનમાં અમારી પાસે સાડા પાંચથી છ લાખ લીટર દૂધની દૈનિક આવક હોય છે, જ્યારે દુકાળના વર્ષમાં તે ઘટીને ત્રણેક લાખ લિટર થઈ જાય છે. ગયા વર્ષની તુલનામાં આ વખતે અત્યારથી લગભગ 70 હજાર લીટર ઓછું દૂધ આવે છે. હવે તેમાં કર્મચારીઓના પગાર, ઈંધણ સહિતના ખર્ચની ગણતરી કરો તો પ્રતિ લીટર ખર્ચ વધારે આવે છે."
વાલમજીભાઈએ કહ્યું કે, "ગુજરાતના દરેક વિસ્તારમાં ડેરીનો પ્રતિ લીટર દૂધ ઉત્પાદનખર્ચ અલગ આવે છે, કારણકે ભૌગોલિક સ્થિતિ, હવામાન, દૂધનું પ્રમાણ બધું અલગ હોય છે. ડેરી ઉદ્યોગમાં એક વખત ખર્ચ વધી જાય પછી તે ઘટતો નથી. પછી તે કર્મચારી ખર્ચ હોય, ઈંધણનો ખર્ચ હોય કે દૂધ મેળવવાનો ખર્ચ હોય. ડેરી નાણાકીય રીતે સધ્ધર ન હોય તો મુશ્કેલી વધી જાય."
પશુ આહારનો ખર્ચ સૌથી વધારે

ઇમેજ સ્રોત, R S Sodhi/linkedin
જીસીએમએમએફના ભૂતપૂર્વ મૅનેજિંગ ડાયરેક્ટર ડૉ. આર. એસ. સોઢીએ બીબીસીના દુષ્યંતકુમાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "દૂધઉત્પાદનના કુલ ખર્ચમાં પશુઆહારનો હિસ્સો સૌથી વધુ હોય છે. તેમણે કહ્યું કે લગભગ 70 ટકા ખર્ચ પશુઆહાર અને ઘાસચારા પાછળ થાય છે. છેલ્લા દોઢ વર્ષમાં આ ખર્ચ ઝડપથી વધ્યો છે."
તેઓ કહે છે કે "જે રીતે ખાવાપીવાની ચીજો મોંઘી જાય છે, તે રીતે પશુઓના ખોરાકનો ખર્ચ પણ વધતો જાય છે. આ ઉપરાંત તેમાં દૂધને ઠંડું રાખવા, પ્રોસેસિંગ, પેકૅજિંગ અને પરિવહનનો ખર્ચ ઉમેરાય છે."
રુરલ વૉઇસના સંપાદક અને કૃષિ બાબતોના જાણકાર હરવીરસિંહ પણ કહે છે કે "ઘાસચારાની અછત અને તેના ભાવમાં વધારો એ દૂધના ભાવ વધવા માટે જવાબદાર છે. ભારતના કેટલાક ભાગમાં અલ નીનોના કારણે દુષ્કાળ પડ્યો છે, જેથી ઘાસચારો મળવો મુશ્કેલ છે."
પશુપાલનનો ખર્ચ પોસાતો નથી

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/bbc
પશુપાલકોનું કહેવું છે કે ગ્રાહકને દૂધ મોંઘું મળે તેનો અર્થ એવો નથી કે પશુપાલકની કમાણી વધી ગઈ છે. તેમના કહેવા પ્રમાણે પશુપાલકનો ખર્ચ પણ વધતો જાય છે અને હજુ તેમને યોગ્ય વળતર મળતું નથી.
કૃષિ અને આર્થિક બાબતોના પત્રકાર હરીશ દામોદરનના ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ ઑક્ટોબર 2023થી ઓક્ટોબર 2026 વચ્ચે ડેરીના સ્તરે માખણની સરેરાશ પડતર કિંમત 348 રૂપિયાથી વધીને 537 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એટલે કે માખણના ખર્ચમાં ડેરીના સ્તરે ખર્ચ લગભગ 54 ટકા વધ્યો છે. માખણમાં લગભગ 82 ટકા ચરબી હોય છે. દુકાનમાં જ્યારે આ માખણ વેચાય ત્યારે તેનો ભાવ ઘણો વધારે હોય છે.
અમૂલનું કહેવું છે કે ગ્રાહકો પાસેથી જે આવક થાય તેમાંથી લગભગ 80 ટકા હિસ્સો સહકારી માળખા દ્વારા દૂધઉત્પાદકોને પરત મળે છે.
ડૉ. સોઢીએ જણાવ્યું કે ગ્રાહકો પાસેથી જે રકમ મળે તેનો મોટો હિસ્સો ખેડૂતો સુધી પહોંચવો જોઈએ. તેમના કહેવા મુજબ વેચાણકિંમત નહીં વધે તો પશુપાલકોને તેમના વધતા ખર્ચના હિસાબથી વધુ ચુકવણી કરવી મુશ્કેલ બનશે.
માંડવી તાલુકાના ખેડૂત અમૃતભાઈ કહે છે કે, "દૂધના વળતરનો આધાર ફૅટ પર રહેલો છે. હાલમાં તેમને ગાયના દૂધ માટે 42 રૂ. પ્રતિ લીટર મળે છે, ભેંસના દૂધના 66 રૂ. આવે છે. કેટલાક ખેડૂતોને ડેરી દ્વારા આનાથી વધારે અથવા ઓછું વળતર પણ મળતું હોઈ શકે છે."
પશુપાલકો અને પશુપાલનના નિષ્ણાતોનું કહેવું છે કે સહકારી ડેરીઓ પોતાના વધતા ખર્ચનો અમુક હિસ્સો ગ્રાહકો પર નાખે છે, પરંતુ પશુપાલકો મોંઘા ઘાસચારા, પશુદાણ અને પાણીની અછતનો સામનો કરી રહ્યા છે.
દેશમાં દૂધ ઉત્પાદનની કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
પશુપાલન અને ડેરી ઉદ્યોગના નિષ્ણાતોના મતે વધતા શહેરીકરણ અને રોજગારીની બીજી તકો પેદા થવાથી ઘણા લોકો પશુપાલનના વ્યવસાયને છોડી રહ્યા છે.
સરહદ ડેરીના વાલજીભાઈ હુંબલે જણાવ્યું કે, "હાલમાં કચ્છ અને બીજા જિલ્લાઓમાં પણ ઓછા વરસાદના કારણે ઘાસચારાની એટલી અછત છે કે લોકો પશુપાલનનો વ્યવસાય છોડી રહ્યા છે અને દૂધની આવક ઘટતી જાય છે."
તેઓ કહે છે કે, "વધતા શહેરીકરણ અને રોજગારીની નવી તકોના કારણે ઘણા લોકો હવે પશુપાલન છોડી રહ્યા છે. અમે ગામડાંમાં જઈએ ત્યારે લોકો કહે છે કે અમે હવે ગાય-ભેંસો રાખીને છાણ - ગોબરનું કામ નથી કરવા માંગતા, કારણકે અમારાં સંતાનોનાં લગ્નમાં મુશ્કેલી પડે છે. ઘણા પરિવારો માત્ર પોતાના દીકરાનાં લગ્ન થઈ શકે તે માટે ગામડું છોડીને શહેરોમાં જવા લાગ્યા છે."
જોકે, એકંદરે જોવામાં આવે તો ભારતમાં અત્યારે દૂધનું ઉત્પાદન ઘટ્યું નથી, પરંતુ ઉત્પાદન વધવાની ઝડપ ઘટી ગઈ છે. સરકારી આંકડા પ્રમાણે 2022-23માં ભારતમાં લગભગ 23.06 કરોડ ટન દૂધનું ઉત્પાદન થયું હતું, જે 2023-24માં વધીને 23.93 કરોડ ટન થયું હતું.
આંકડા દર્શાવે છે કે 2022-23માં ઉત્પાદનમાં 3.83 ટકા વધારો થયો હતો, જ્યારે 2023-24માં આ વધારો 3.78 ટકા રહ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























