સોનિયા ગાંધીના પુસ્તકમાં એવા કયા રાજકીય સવાલો છે જેના જવાબો મળતા નથી

સોનિયા ગાંધી પુસ્તક 'બિલૉન્ગિંગઃ અ જર્ની ઑફ લવ' રાજીવ ગાંધી સંજય ગાંધી ઇન્દિરા ગાંધી કૉંગ્રેસ ભારત રાજકારણ બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ ન્યૂઝ સમાચાર ગુજરાત
ઇમેજ કૅપ્શન, સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા પછી પોતાના દુઃખને ખુલીને જણાવ્યું છે, પરંતુ ઘણા રાજકીય સવાલોના જવાબ નથી આપ્યા.
    • લેેખક, રશીદ કિદવાઈ
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 10 મિનિટ

જુલાઈ 2003માં સોનિયા ગાંધી શિમલા ખાતે કૉંગ્રેસની એક ચિંતનબેઠકની અધ્યક્ષતા કરી રહ્યાં હતાં. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

બેઠકમાં ઉત્સાહભર્યો માહોલ હતો અને નેતાઓ ખુલ્લા મને ચર્ચા કરી રહ્યા હતા. પક્ષના નેતાઓને હવે સમજાવા લાગ્યું હતું કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી ભાજપ સરકારને હટાવવા માટે પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવું જરૂરી બની શકે છે.

આ દરમિયાન સોનિયા ગાંધીને જાણવા મળ્યું કે, પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓ એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે ચૂંટણીમાં કૉંગ્રેસનું નેતૃત્વ કોને સોંપવું જોઈએ. આ જાણીને તેમને નવાઈ લાગી.

તેઓ પાંચ વર્ષથી કૉંગ્રેસનાં અધ્યક્ષા હતાં. તેમણે દેશભરમાં પ્રવાસ કર્યો હતો, ચૂંટણી પ્રચાર કર્યો હતો, વિપક્ષનું નેતૃત્વ કર્યું હતું અને પક્ષપલટા તથા ચૂંટણીમાં કથળતા પ્રદર્શનથી પરેશાન પક્ષને ફરીથી ઊભો કરવા પ્રયાસ કરી રહ્યાં હતાં.

આમ છતાં પક્ષના કેટલાક નેતાઓને હજુ પણ શંકા હતી કે તેઓ સંસદની ચૂંટણીમાં પક્ષની આગેવાની કરવા માટે યોગ્ય વ્યક્તિ છે કે નહીં.

'એચસીઆઇ' દ્વારા 10 નવેમ્બરે પ્રકાશિત પુસ્તક 'બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ'માં સોનિયા ગાંધી લખે છે કે તેમને આ વાતથી દુઃખ થયું હતું.

રાજકીય વિરોધીઓ તેમની ભારતીય ઓળખ સામે સવાલ ઉઠાવતા હતા અને હવે તેમને એ વાતની આદત પડી ગઈ હતી. પરંતુ પોતાના જ સાથીઓના મનમાં આવી શંકા હોય તે અલગ બાબત હતી.

સોનિયા ગાંધીએ તરત પ્રતિક્રિયા આપી. 'બિલૉન્ગિંગ'ના આ ભાગમાં તે સ્પષ્ટ થાય છે, "મેં મારા સહયોગીઓને બોલાવ્યા અને વરિષ્ઠ નેતાઓના એ સમૂહ સુધી સંદેશ મોકલાવ્યો. કૉંગ્રેસ અધ્યક્ષા હોવાના નાતે ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કરવું એ મારી ફરજ હતી. તેનાથી કંઈ અલગ કરવાનો મારો કોઈ ઇરાદો ન હતો. આખરે હું હૉલમાં પહોંચી અને બધાની સામે રાજકીય પ્રસ્તાવ વાંચવામાં આવ્યો, ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. હું પક્ષનું નેતૃત્વ કરીશ અને ભાજપને હરાવવા માટે અમે ગઠબંધન બનાવવા તૈયાર રહીશું."

સોનિયા ગાંધી પુસ્તક બિલૉન્ગિંગઃ અ જર્ની ઑફ લવ રાજીવ ગાંધી સંજય ગાંધી ઇન્દિરા ગાંધી કૉંગ્રેસ ભારત રાજકારણ બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ ન્યૂઝ સમાચાર ગુજરાત
ઇમેજ કૅપ્શન, સોનિયા ગાંધીના પુસ્તક 'બિલૉન્ગિંગઃ અ જર્ની ઑફ લવ'ને હાર્પરકૉલિન્સ ઇન્ડિયાએ 10 જાન્યુઆરીએ ભારતમાં પ્રકાશિત કર્યું છે.

આ ઘટના તેમનાં સંસ્મરણોનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. તે સોનિયા ગાંધીની એ જાણીતી છબીને પડકારે છે, જેમાં તેમને અનિચ્છાએ રાજકારણમાં પ્રવેશનારાં અને સત્તા પ્રત્યે ઉદાસીન મહિલા તરીકે જોવામાં આવે છે.

રાજકારણમાં આવવા અંગે તેમનો ખચકાટ વાસ્તવિક હતો, પરંતુ પોતાના હોદ્દા સાથે મળેલા અધિકારોનો ઉપયોગ કરવાનો તેમનો ઇરાદો પણ એટલો જ મક્કમ હતો.

જે મહિલા રાજકારણમાં આવવા માગતાં ન હતાં, તેઓ પોતાની જવાબદારી સ્વીકાર્યા પછી પોતાને એકબાજુ ધકેલી દેવામાં આવે તે સ્વીકારવા તૈયાર ન હતાં.

આ વિરોધાભાસ સમગ્ર 'બિલૉન્ગિંગ' પુસ્તકમાં જોવા મળે છે. આ પુસ્તકની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેમાં દર્શાવાયું છે કે પોતાના અંગત જીવન અંગે અત્યંત સતર્ક રહેનારાં એક મહિલા કઈ રીતે કુશળ રાજકીય વ્યૂહરચનાકાર બન્યાં.

પરંતુ આ પુસ્તકની મર્યાદા એ છે કે, તે સોનિયા ગાંધીની પોતાની લાગણીઓ વિશે તો ખૂલીને વાત કરે છે, પણ તેમના રાજકીય નિર્ણયોનાં પરિણામો અંગે ઘણી વાર ચર્ચા કરતું નથી.

સોનિયા ગાંધીની રાજનેતા બનવાની કહાણી

સોનિયા ગાંધી પુસ્તક બિલૉન્ગિંગઃ અ જર્ની ઑફ લવ રાજીવ ગાંધી સંજય ગાંધી ઇન્દિરા ગાંધી કૉંગ્રેસ ભારત રાજકારણ બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ ન્યૂઝ સમાચાર ગુજરાત
ઇમેજ કૅપ્શન, આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ પોતાના પરિવાર, સંબંધો, અંગત દુઃખ અને રાજકીય સફર વિશે વાત કરી છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોનિયા ગાંધીની રાજકીય સફરને ઘણી વાર લાંબા સમયથી ચાલતા ખચકાટની વાર્તા તરીકે દર્શાવવામાં આવે છે.

1980માં સંજય ગાંધીના નિધન પછી તેમણે રાજીવ ગાંધી રાજકારણમાં આવે તેનો વિરોધ કર્યો હતો. 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી તેમણે વારંવાર રાજકીય ભૂમિકા સંભાળવાની દરખાસ્તોને ફગાવી દીધી હતી. પરંતુ કોઈ હોદ્દો સંભાળવાની ઇચ્છા ન હોવાનો અર્થ એ નહોતો કે તેમને રાજકારણમાં રસ ન હતો.

સોનિયા ગાંધીની ભીતરનો રાજનેતા કૉંગ્રેસમાં ઔપચારિક રીતે જોડાયા પહેલાંથી જ આકાર લેવા લાગ્યો હતો. ઇંદિરા ગાંધી સાથે રહેતી વખતે, રાજીવ સાથે પ્રવાસ કરતી વખતે અને ઇમર્જન્સી, બૉફોર્સ તથા અયોધ્યાના વિવાદોને જોઈને તેઓ ભારતીય રાજકારણની ભાષા, તેની સહજ સમજ અને તેના પોતાના વિરોધાભાસોને પોતાની અંદર સમેટી રહ્યાં હતાં.

આ પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધી, પણ પાછળ વળીને જોતાં તેને સ્પષ્ટપણે ઓળખી શકાય છે.

1997માં સોનિયા પર જ્યારે કૉંગ્રેસની કમાન સંભાળવાનું દબાણ વધ્યું, ત્યારે તેમણે ભગવદ્ ગીતાનો સહારો લીધો. સંસ્કૃતના વિદ્વાન વાચસ્પતિ ઉપાધ્યાયે તેનો દાર્શનિક અર્થ સમજવામાં તેમને મદદ કરી હતી.

ફળની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યનું પાલન કરવાનો વિચાર તેમના માટે અંગત આશંકાઓ અને રાજકીય જવાબદારી વચ્ચે સંતુલન સાધવાનો માર્ગ બન્યો.

ત્યાર પછી જે થયું તેને માત્ર કર્તવ્યના ભાવથી સમજી શકાય નહીં. કૉંગ્રેસના ઘણા ઉતાર-ચડાવોનું રિપોર્ટિંગ કરતી વખતે મેં જોયું કે સોનિયાની રાજકીય સમજ તેમની જાહેર છબી કરતાં ઘણી વધારે હતી.

તેઓ લોકોની વાતો સાંભળવી, અલગ અલગ દાવાની ચકાસણી કરવી, ભરોસાપાત્ર સાથીઓને ઓળખવા અને જરૂર પડે ત્યારે પોતાની વાત પર અડગ રહેવાનું શીખ્યાં. શિમલાની ઘટના દર્શાવે છે કે તેઓ ત્યાં સુધીમાં રાજકારણમાં પોતાના પગ જમાવી ચૂક્યાં હતાં.

માર્ચ 1998માં સીતારામ કેસરીના સ્થાને સોનિયા ગાંધીને કૉંગ્રેસનાં અધ્યક્ષા બનાવવાનો ઘટનાક્રમ તેનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે. જોકે, સંસ્મરણોમાં તેની વાત બહુ ટૂંકમાં કરવામાં આવી છે.

સોનિયા લખે છે કે કૉંગ્રેસ કારોબારીએ પરિવર્તનને જરૂરી માન્યું, સીતારામ કેસરીને પદ છોડવા માટે કહેવામાં આવ્યું અને પછી તેઓ તેમના ઘરે ગયાં. ત્યાં તેમણે કેસરીના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા.

આ ભાવુક કરનારો વ્યવહાર હતો, પરંતુ કેસરીને જે રીતે હટાવવામાં આવ્યા હતા તે પદ્ધતિ વિશે તેમાં કોઈ જવાબ મળતો નથી. આ ઘટનાને વ્યાપક રીતે પાર્ટીમાં સન્માન જાળવ્યા વિના કરવામાં આવેલા તખ્તાપલટ તરીકે જોવામાં આવે છે.

પક્ષના ચૂંટાયેલા અધ્યક્ષને કૉંગ્રેસ કારોબારીના એક વિવાદિત નિર્ણય દ્વારા હટાવવામાં આવ્યા હતા. આ જોડતોડ વિશે સોનિયા કેટલું જાણતાં હતાં? શું તેમણે આ રીતને મંજૂરી આપી હતી? સંસ્મરણોમાં આ સવાલોનો સંતોષજનક જવાબ મળતો નથી.

લોકતાંત્રિક મૂલ્યો પર ગૌરવ કરતા પક્ષ માટે આ ઘટના અંગે વધુ ખૂલીને વાત થવી જોઈતી હતી. કેસરી પ્રત્યે અંગત સન્માન એ તેમને હટાવવાના રાજકારણની સ્પષ્ટતા બની શકે નહીં.

'બહારનાં' મહિલા, જેઓ પીછેહઠ કરવા તૈયાર ન હતાં

સોનિયા ગાંધી માટે શિમલાની ઘટનાએ કદાચ અગાઉ થયેલા એવા બળવાની યાદ તાજી કરાવી દીધી હશે, જેણે તેમને ખૂબ મોટું દુઃખ આપ્યું હતું.

15 મે, 1999ના રોજ દિલ્હીમાં કૉંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી. પી. એ. સંગમાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું સોનિયા ગાંધીનું વિદેશી મૂળ સામાન્ય ચૂંટણીમાં પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

શરદ પવારે પક્ષને એકજૂથ કરવામાં સોનિયાના યોગદાનના વખાણ કર્યા, પરંતુ તેમણે એવું પણ કહ્યું કે તેઓ ઇટાલીમાં જન્મ્યાં છે તે મુદ્દે ભાજપના આરોપોનો જવાબ આપવામાં કૉંગ્રેસ નિષ્ફળ રહી છે. તારિક અનવર પણ આ અસંમતિમાં સામેલ હતા.

આર. કે. ધવન ગુસ્સે ભરાયા અને વિરોધ કરનારા નેતાઓ પર ભાજપ તથા આરએસએસના એજન્ડાને આગળ વધારવાનો આરોપ લગાવ્યો. સોનિયા ગાંધી ઊઠ્યાં અને બેઠકમાંથી બહાર નીકળી ગયાં.

ત્યાર પછી તેમણે રાજીનામું આપવાની દરખાસ્ત મૂકી. તેમણે લખ્યું કે તેમનો જન્મ ભલે વિદેશમાં થયો હોય, પરંતુ તેમણે ભારતને જ પોતાના ઘર તરીકે પસંદ કર્યું છે.

આ બળવો નિષ્ફળ રહ્યો. ત્યાર પછી પવાર, સંગમા અને અનવરે 'રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી' (NCP) બનાવી. ચાર વર્ષ પછી શિમલામાં એ જ અસુરક્ષા ફરી સપાટી પર આવી.

સોનિયા લખે છે કે, કદાચ તેમના સહયોગીઓ તેમને ચૂંટણીમાં પક્ષ માટે નુકસાનકારક માનતા હતા. તેમના શબ્દોમાં કહીએ તો, "મને એ વિચારીને દુઃખ થતું હતું કે તેઓ મને હજુ પણ એક બહારની વ્યક્તિ માને છે."

વિદેશી મૂળનો વિવાદ એ તેમના પુસ્તકના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગોમાંથી એક છે, કારણ કે તેમાં એ આઘાત અનુભવાય છે, જેને રાજકીય સફળતા મેળવ્યા પછી પણ ભૂલી શકાતો નથી.

સોનિયાનું લખાણ એ પણ દર્શાવે છે કે કઈ રીતે અસુરક્ષા મક્કમ ઇરાદામાં ફેરવાઈ શકે છે. તેઓ પોતાના મૂળ અંગે ઉઠેલા સવાલોને નેતૃત્વ પરના પોતાના દાવા પર હાવી થવા દેવા માગતાં ન હતાં.

2004માં વડાં પ્રધાનનું પદ ન સ્વીકારવાનો તેમનો નિર્ણય આ વિરોધાભાસને પૂર્ણ કરે છે. રાહુલ અને પ્રિયંકાની આશંકાઓએ પણ આ નિર્ણય પર અસર કરી હતી, કારણ કે તેમણે અગાઉ જ પોતાનાં દાદી અને પિતાને હત્યામાં ગુમાવ્યાં હતાં.

આમ છતાં સોનિયા ગાંધી કૉંગ્રેસમાં સત્તાનું નિર્વિવાદ કેન્દ્ર બની રહ્યાં અને યુપીએ (UPA) સરકારની વ્યવસ્થામાં તેમની મુખ્ય ભૂમિકા રહી.

શું સોનિયાને ક્યારેય પોતાના જીવનું જોખમ કે મૃત્યુનો ડર હતો, જે અંગે તેમનાં સંતાનો આટલાં ચિંતિત હતાં?

આ સપ્તાહે 'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સોનિયાએ કહ્યું હતું કે, "કદાચ મારા મનની અંદર મને ખરેખર એ વાતની પરવા ન હતી કે આવું કંઈ થશે."

સોનિયા ગાંધીનાં સંસ્મરણોની મર્યાદા

સોનિયા ગાંધી પુસ્તક બિલૉન્ગિંગઃ અ જર્ની ઑફ લવ રાજીવ ગાંધી સંજય ગાંધી ઇન્દિરા ગાંધી કૉંગ્રેસ ભારત રાજકારણ બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ ન્યૂઝ સમાચાર ગુજરાત
ઇમેજ કૅપ્શન, સોનિયાએ આ પુસ્તકમાં કૉંગ્રેસની કમાન સંભાળવી, પોતાના વિદેશી મૂળ પર ઉઠેલા સવાલો અને 2004માં વડાં પ્રધાનપદ નકારવાના નિર્ણય વિશે પણ લખ્યું છે.

સોનિયા ગાંધી જ્યારે ઇંદિરા અને રાજીવ ગાંધીની હત્યાઓને યાદ કરે છે, ત્યારે આ પુસ્તક વાચકને સૌથી વધુ ભાવુક કરી દે છે.

તેમનાં સંસ્મરણોમાં તે સમયની લાગણીઓ એટલી સજીવ છે, જે બહુ ઓછી રાજકીય આત્મકથાઓમાં જોવા મળે છે.

રાજીવની હત્યા પછીની પોતાની સ્થિતિ વિશે સોનિયા લખે છે, "દિવસો જાણે પૂરા જ નહોતા થતા અને રાત તેના કરતાં પણ વધુ લાંબી લાગતી હતી. તીવ્ર દવાઓની અસરથી મને ઊંઘ આવી જાય, તોપણ હું કોઈ દુઃસ્વપ્ન જોઈને જાગી જતી. મારું શરીર પરસેવાથી ભીંજાઈ જતું, હૃદય ધ્રુજી ઊઠતું અને હું ખૂબ ગભરાયેલી રહેતી. પ્રિયંકા સતત મારું ધ્યાન રાખતી. તે મને ક્યારેક દવાઓ આપતી અને ક્યારેક મારી સંભાળ લેતી. રાત્રે પણ કેટલીય વાર તે ઊઠીને મને જોતી હતી."

ઑક્ટોબર 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલા શીખવિરોધી નરસંહાર પર તેમની ચર્ચા વધારે જટિલ છે.

સોનિયા આ હત્યાઓની સખત ટીકા કરે છે, શાસનની નિષ્ફળતાને સ્વીકારે છે અને માને છે કે કેટલાક અધિકારીઓએ કદાચ જાણીજોઈને મોં ફેરવી લીધું હતું અથવા લોકોની લાગણીઓ ભડકાવી હતી.

તેઓ એવું પણ માને છે કે પીડિતોને ન્યાય મળવામાં ઘણો સમય લાગ્યો હતો.

આમ છતાં તેઓ પૂરી તાકાતથી રાજીવનો બચાવ કરે છે અને કહે છે કે તેઓ આવા અત્યાચારને ક્યારેય મંજૂરી ન આપી શકે. તેઓ લોકોને શાંતિ જાળવી રાખવાની રાજીવની અપીલ યાદ કરે છે અને સૈન્ય તહેનાત કરવામાં થયેલા વિલંબનું કારણ પણ આપે છે.

આ માહિતી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ ઘણા મુશ્કેલ પ્રશ્નોની પૂરતી ચકાસણી કરતી નથી.

રાજધાનીમાં ટોળાં જ્યારે શીખોની હત્યા કરતાં હતાં ત્યારે રાજકીય નેતૃત્વની શું જવાબદારી હતી? જે કૉંગ્રેસ નેતાઓ પર તેમાં સામેલ થવાના આરોપ લાગ્યા, તેમનું શું થયું? દાયકાઓ સુધી જવાબદારી નક્કી કરવામાં પક્ષની નિષ્ફળતા અંગે શું?

શાહ બાનો કેસ અને રામ જન્મભૂમિ આંદોલનને લઈને રાજીવના નિર્ણયો પર સોનિયાની ચર્ચામાં પણ એવી જ અસ્પષ્ટતા દેખાય છે.

સોનિયા લખે છે કે, તેમણે મુસ્લિમ મહિલાઓના અધિકારો નબળા કરવા અંગે રાજીવને સવાલ કર્યા હતા. પરંતુ તેઓ રાજીવની એ સ્પષ્ટતાને મોટે ભાગે સ્વીકારી લે છે કે તેઓ બંધારણ અને ધર્મના પરસ્પર વિરોધી દાવા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાની તેઓ સ્પષ્ટ અને બિનશરતી નૈતિક ટીકા કરે છે.

પરંતુ અયોધ્યા અંગે કૉંગ્રેસના પોતાના વિરોધાભાસી વલણની વધુ ઊંડાણથી તપાસ થવી જોઈતી હતી. તેમાં 1986માં તાળું ખોલવાથી લઈને 1989માં શિલાન્યાસ અને 1992માં નરસિંહ રાવની પ્રતિક્રિયા પણ સામેલ છે.

કૉંગ્રેસ પાર્ટીનું પતન અને તેની સામે સવાલ

સોનિયા ગાંધી પુસ્તક બિલૉન્ગિંગઃ અ જર્ની ઑફ લવ રાજીવ ગાંધી સંજય ગાંધી ઇન્દિરા ગાંધી કૉંગ્રેસ ભારત રાજકારણ બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ ન્યૂઝ સમાચાર ગુજરાત
ઇમેજ કૅપ્શન, સોનિયાએ પોતાના વિદેશી મૂળ પર ઉઠેલા સવાલો વિશે પણ લખ્યું છે.

આ પુસ્તકની એક મહત્વપૂર્ણ વાત એ છે કે તેમાં કૉંગ્રેસની રાજકીય મુશ્કેલીઓ અને ભાજપની પ્રગતિ અંગેની માહિતી મળે છે.

સોનિયા ગાંધી સમજી ગયાં હતાં કે માત્ર સંગઠનના જોરે કૉંગ્રેસ હવે ભાજપને હરાવી શકે તેમ નથી. તેમણે પક્ષને ગઠબંધન કરવાનો ખચકાટ છોડવા તૈયાર કર્યો.

આ નિર્ણયથી 'યુપીએ' (UPA)ની રચનાનો પાયો નંખાયો, જેણે 2004માં દેશમાં સત્તા મેળવી હતી.

અહીં તેમનાં સંસ્મરણો વારસામાં મળેલા પક્ષની રાજકીય વાતોની જાળવણી કરવાને બદલે એક વ્યવહારુ વ્યૂહરચનાકારનું ચિત્ર રજૂ કરે છે.

પરંતુ ત્યાર પછી પક્ષ જે દિશામાં ગયો, તેનાથી સોનિયાના નેતૃત્વ સામે સવાલો ઊઠે છે.

દસ વર્ષ સુધી દેશ પર શાસન કરનારો પક્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં માત્ર 44 બેઠકો સુધી કેવી રીતે સમેટાઈ ગયો? તેમના સંગઠનનો પાયો આટલી ઝડપથી કેમ નબળો પડ્યો?

સોનિયા ગાંધી ભાજપની મજબૂત ચૂંટણી મશીનરી, નરેન્દ્ર મોદીની વક્તૃત્વ ક્ષમતા, સોશિયલ મીડિયા પર ચલાવાયેલાં અભિયાન અને યુપીએ-2 સામે ભ્રષ્ટાચારના સતત લગાવાયેલા આરોપોનો પણ ઉલ્લેખ કરે છે. તેઓ માને છે કે મતદારો ફેરફાર માટે તૈયાર હતા.

પરંતુ તેમની સ્પષ્ટતામાં કૉંગ્રેસના નેતૃત્વ, સંગઠન અને રાજકીય સંવાદની પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે ભાજપની શક્તિ અને કૉંગ્રેસ વિરુદ્ધ ચલાવાયેલા અભિયાન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

સોનિયા ગાંધી પુસ્તક બિલૉન્ગિંગઃ અ જર્ની ઑફ લવ રાજીવ ગાંધી સંજય ગાંધી ઇન્દિરા ગાંધી કૉંગ્રેસ ભારત રાજકારણ બીબીસી ગુજરાતી ગુજરાત કૉંગ્રેસ ન્યૂઝ સમાચાર ગુજરાત
ઇમેજ કૅપ્શન, સોનિયા ગાંધી ભારતના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી નેતાઓ પૈકી એક રહ્યાં છે.

આ જ બાબત 'બિલૉન્ગિંગ'ને સામાન્ય રાજકીય આત્મકથાઓથી અલગ પાડે છે.

ઉદાહરણ તરીકે, લાલકૃષ્ણ અડવાણીનું પુસ્તક 'માય કન્ટ્રી, માય લાઇફ' મુખ્યત્વે એક રાજકીય ઇતિહાસ છે. તેમાં લેખક અને તેમની વિચારધારા સાથે સંકળાયેલા પ્રોજેક્ટને ભાજપના વિકાસ સાથે સરખાવીને જોવામાં આવ્યા છે.

સોનિયા ગાંધી તેનાથી અલગ પુસ્તક રજૂ કરે છે. આ એક અંગત આલેખન છે, જેમાં રાજકીય પરિવાર, સંબંધો, દુઃખ અને જવાબદારીઓના માર્ગેથી પ્રવેશ થાય છે.

આ અંગતતા ધરાવતાં સંસ્મરણોને સાહિત્યિક અને ભાવનાત્મક આકર્ષણ આપે છે. પરંતુ આ જ બાબત એક વ્યાપક રાજકીય મૂલ્યાંકનના રૂપમાં તેના મહત્ત્વને મર્યાદિત પણ કરે છે.

કૉંગ્રેસને દાયકાઓ સુધી નજીકથી જોયા પછી મારું માનવું છે કે 2004માં પક્ષને સત્તા પર લાવવો એ સોનિયા ગાંધીની એકમાત્ર સૌથી મોટી સિદ્ધિ ન હતી.

તેમણે દર્શાવ્યું કે સંગઠન બનાવવું, અલગ-અલગ રાજકીય પક્ષોને સાથે રાખીને ચાલવું અને સંયમ જાળવવો એ હજુ પણ બહુમતી ગઠબંધનનો એક વિકલ્પ હોઈ શકે છે.

પરંતુ તેમના વારસામાં એ નિષ્ફળતાને પણ સ્થાન આપવું પડે કે તેઓ પક્ષના સંગઠનને એવું નવું સ્વરૂપ ન આપી શક્યાં, જે આગળ જતાં ભાજપના વધતા દબદબાનો સામનો કરી શકે.

'બિલૉન્ગિંગ'ની શરૂઆત ઋગ્વેદની આ પંક્તિઓ સાથે થાય છે: "સાથે ચાલીએ, સાથે બોલીએ, આપણા મત એકમત હોય..."

આ પંક્તિઓમાં એક ઊંડી વિડંબણા રહેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પરંપરામાં પણ પરિચિત આ આહ્વાન એક સામૂહિક ઉદ્દેશ્યની વાત કરે છે.

આ એ નેતાની વાર્તાની અણધારી પણ સચોટ પ્રસ્તાવના છે, જેમણે પોતાના રાજકીય જીવનનો મોટો ભાગ વિભાજિત પક્ષને એકસાથે જોડી રાખવાના પ્રયાસોમાં વિતાવ્યો હતો.

તેથી આ પુસ્તક માત્ર સોનિયા ગાંધી જે વાતો રજૂ કરે છે તેના કારણે જ મહત્ત્વનું નથી; પરંતુ સોનિયા ગાંધીએ જે સવાલો છોડી દીધા છે, તેના વિશે પણ તે ઘણું દર્શાવે છે.

તેઓ પોતાની અસુરક્ષા વિશે ખૂલીને વાત કરે છે. પોતાના સૌથી નજીકના લોકોનો પૂરી દૃઢતાથી બચાવ કરે છે અને એવા નિર્ણયો પર પુનઃવિચાર કરવા બહુ ઓછા ઇચ્છુક દેખાય છે, જેનાં પરિણામો આજે પણ કૉંગ્રેસને પરેશાન કરી રહ્યાં છે.

સોનિયા ગાંધી માટે કોઈ સ્વીકૃત સ્થળને પોતાનું માનવાની આ સફર અંગત હતી, જે અંતે તેમનું રાજકીય કર્તવ્ય બની ગઈ.

કૉંગ્રેસ સામે હવે સવાલ માત્ર એકજૂથ રહેવાનો નથી. તેમણે દેશને એ વિશ્વાસ અપાવવાનું કોઈ નક્કર કારણ પણ ફરીથી શોધવું પડશે કે લોકો તેમના પર ભરોસો કેમ કરે.

આ અધૂરું કામ પણ સોનિયાના વારસાનો એટલો જ ભાગ છે, જેટલું તે અસાધારણ જીવન જેની વાર્તા તેમણે આ પુસ્તકમાં આલેખી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન