સેટ્રીજિન : મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સ પર ઍલર્જીની દવા લગાવવાનો નવો ટ્રૅન્ડ, ડૉક્ટરો શું કહે છે?

કેન્યા: મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સ પર એલર્જીની દવા લગાવવાનો ટ્રેન્ડ, ડૉક્ટરો શું કહી રહ્યા છે?
ઇમેજ કૅપ્શન, કૅન્યાની ફાર્માસ્યુટિકલ સોસાયટીએ મહિલાઓને ચેતવણી આપી છે કે તેઓ તેમના ગુપ્ત ભાગોમાં સેટ્રીજિન ગોળીઓ ન નાખે.
    • લેેખક, વાયક્લિફ મુઇઆ
    • પદ, બીબીસી ન્યૂઝ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

સોશિયલ મીડિયા પર મહિલાઓના અંગત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક એવી સલાહ વાઇરલ થઈ રહી છે, જેને કૅન્યાના સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ખતરનાક ગણાવી છે.

વાઇરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઍલર્જીની દવા 'સેટ્રીજિન'ની ગોળી પ્રાઇવેટ પાર્ટ્સ પર રાખવાથી 'ગુપ્તાંગનો ભાગ કડક' થાય છે અને યૌન સંબંધો દરમિયાન 'આનંદ વધે' છે.

પરંતુ નિષ્ણાતો કહે છે કે, આ દવાના આવા ઉપયોગને ન તો મંજૂરી મળી છે અને ન તો તેના સુરક્ષિત હોવાની તપાસ કરવામાં આવી છે. કૅન્યાની ફાર્માસ્યુટિકલ સોસાયટીએ મહિલાઓને ચેતવણી આપી છે કે તેઓ પોતાના પ્રાઇવેટ પાર્ટ્સમાં સેટ્રીજિનની ગોળી ન નાખે.

સેટ્રીજિન ઍલર્જીની એક સામાન્ય દવા છે. તેનો ઉપયોગ છીંક આવવી, શરદી થવી, આંખોમાં ખંજવાળ અને ત્વચા પર ફોલ્લીઓ થવી જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે થાય છે. આ દવા મોં વાટે લેવા માટે બનાવવામાં આવી છે.

આ વાઇરલ ટ્રૅન્ડ કેવી રીતે શરૂ થયો?

આ વિવાદ આ સપ્તાહની શરૂઆતમાં ત્યારે શરૂ થયો, જ્યારે ટિક-ટૉક પર સેટ્રીજિનના ઉપયોગ સાથે જોડાયેલી ઘણી પોસ્ટ વાઇરલ થવા લાગી.

આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ દવા મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સમાં મોઇશ્ચર ઓછું કરી શકે છે. જેનાથી સેક્સ સંબંધો દરમિયાન ટાઇટનેસનો અનુભવ થઈ શકે છે.

ઍન્ટિહિસ્ટેમાઇન દવાઓની અસરથી ઘણી વાર શરીરમાં સૂકાપણું થઈ શકે છે. પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે તેનાથી પ્રાઇવેટ પાર્ટ્સના સ્નાયુઓ મજબૂત નથી થતા.

ફાર્માસ્યુટિકલ સોસાયટી ઑફ કૅન્યા (પીએસકે)એ જણાવ્યું હતું કે, "સેટ્રીજિનનો અર્થ ટાઇટનેસ માટે નથી. તેના કારણે ઘર્ષણ, અસહજતા અને નાજુક આંતરિક અંગોને નુકસાન થવાનું જોખમ વધી શકે છે."

"મોં વાટે લેવાની ગોળીઓને પ્રાઇવેટ પાર્ટ્સમાં નાખવી સુરક્ષિત નથી. સેટ્રીજિનની ગોળીઓ મોં વાટે લેવા માટે બનાવવામાં આવી છે. તેમાં રહેલી સામગ્રીની તપાસ શરીરના આ નાજુક ભાગો પર ઉપયોગ કરવા માટે કરવામાં આવી નથી," પીએસકેએ જણાવ્યું.

કયા વાઇરલ દાવા પર ચર્ચા થઈ રહી છે?

કેન્યા: મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સ પર એલર્જીની દવા લગાવવાનો ટ્રેન્ડ, ડૉક્ટરો શું કહી રહ્યા છે?
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોશિયલ મીડિયા પર આ દાવો વાઇરલ થયા પછી તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ રીતને પ્રોત્સાહન આપી રહ્યા છે, જ્યારે બીજા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આવું કરવું કેટલું સુરક્ષિત છે.

સ્થાનિક મીડિયામાં એવા અહેવાલો પણ આવ્યા છે કે સેટ્રીજિનની કિંમત વધી ગઈ છે. ખાસ કરીને રાજધાની નૈરોબીની કેટલીક દવાઓની દુકાનો પર તેની માંગ વધવાના સમાચારો સામે આવ્યા છે.

કૅન્યામાં ફાર્માસિસ્ટોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા પીએસકેએ ગુરુવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, "સેટ્રીજિન ઍલર્જીની દવા છે અને તેને મોંથી લેવામાં આવે છે. તેને બીજા કોઈ હેતુ માટે મંજૂરી આપવામાં આવી નથી અને ન તો તેના માટે તેની તપાસ થઈ છે. ખાસ કરીને પ્રાઇવેટ પાર્ટ્સમાં ઉપયોગ કરવા માટે તો બિલકુલ નહીં."

સંસ્થાએ સલાહ આપી, "જો તમે પહેલેથી જ તેનો ઉપયોગ કરી ચૂક્યા છો, તો તેને બંધ કરી દો. જો તમને દર્દ થાય, લોહી નીકળે, બળતરા કે ખંજવાળ થાય, અસામાન્ય સ્ત્રાવ થાય અથવા તાવ આવે તો ડૉક્ટરને મળો."

પીએસકેએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ બનાવતા લોકોને પણ કહ્યું છે કે તેઓ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી શૅર કરતી વખતે સાવધાની રાખે.

સંગઠનનું કહેવું છે કે ચકાસાયેલા ન હોય તેવા દાવાઓ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે.

આરોગ્ય મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી

ફાર્માસિસ્ટોની આ ચેતવણી કૅન્યાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વાઇરલ ટ્રૅન્ડ પર ચિંતા વ્યક્ત કર્યાના એક દિવસ પછી આવી છે.

આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારી ઓમા ઓલુગાએ જણાવ્યું હતું કે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર નિષ્ણાતોની તબીબી સલાહને હળવાશમાં લઈ રહ્યા હોય તેવું લાગે છે અને સંભવિત પરિણામોને અવગણી રહ્યાં છે.

તેમણે સૂચવ્યું કે, અધિકારીઓ દવાઓની વેચાણ અને ખરીદી પર નજર રાખવા માટે એક વ્યવસ્થા શરૂ કરી શકે છે. તેનાથી એવી દવાઓની ઓળખ કરવામાં મદદ મળી શકે છે, જેનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, આવી કોઈ વ્યવસ્થા શરૂ કરવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.

દવાની વધતી માંગ પર ચિંતા

કેન્યા: મહિલાઓના પ્રાઇવેટ પાર્ટ્સ પર એલર્જીની દવા લગાવવાનો ટ્રેન્ડ, ડૉક્ટરો શું કહી રહ્યા છે?

પીએસકેએ કહ્યું કે તેને સેટ્રીજિનની માંગ અને કિંમત વધવાના અહેવાલોની જાણકારી છે. કેટલીક દવાઓની દુકાનો પર તેની અછત સર્જાવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

સંગઠને દવા વેચનારને આ વાઇરલ ટ્રૅન્ડનો લાભ ન ​​લેવા જણાવ્યું છે.

તેમણે ચેતવણી આપી હતી કે જો દવાની માંગ વધતી રહેશે, તો જે લોકોને ખરેખર ઍલર્જીની સારવાર માટે સેટ્રીજિન જોઈએ છે, તેમના માટે તેને મેળવવું મુશ્કેલ બની શકે છે.

પીએસકેએ પોતાના સભ્યોને એમ પણ કહ્યું કે તેઓ જાણી જોઈને એવી દવાઓ ન આપે, જેનો ખોટો ઉપયોગ થવાની આશંકા હોય.

જો કોઈ દવાનો ખોટો ઉપયોગ થઈ ચૂક્યો છે અને તેનાથી ખરાબ અસર પડી છે, તો તેની જાણકારી સ્વાસ્થ્ય અધિકારીઓને આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.

પીએસકેએ પોતાના નિવેદનના અંતમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર ફેલાતી વગર તપાસેલી પદ્ધતિઓને વિશેષજ્ઞોની સલાહ કરતાં વધુ મહત્ત્વ ન આપવું જોઈએ.

સંસ્થાએ કહ્યું, "કોઈપણ દવાનો ઉપયોગ એ હેતુ માટે કરતા પહેલા ફાર્માસિસ્ટની સલાહ લો, જેના માટે તે દવા બનાવવામાં આવી નથી. ડૉક્ટરી સલાહ માટે સોશિયલ મીડિયા પર ભરોસો ન કરો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન