You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળનાં ચૂંટણીપરિણામ આટલાં મહત્ત્વપૂર્ણ કેમ બની ગયાં છે?
- લેેખક, સંજીવ શ્રીવાસ્તવ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
- વાંચવાનો સમય: 9 મિનિટ
4 મે એટલે કે સોમવારના રોજ ભારતનાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનાં ચૂંટણીપરિણામ જાહેર થવાનાં છે.
તામિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ, કેરળની સાથોસાથ પુડ્ડુચેરીનાં ચૂંટણીપરિણામ પરથી ખબર પડશે કે આ રાજ્યોમાં કોની સરકાર બનવાની છે.
પરંતુ મોટા ભાગના પૉલિટિકલ ઑબ્ઝર્વરનું ધ્યાન જો ક્યાંય સૌથી વધુ કેન્દ્રિત હોય, તો એ છે પશ્ચિમ બંગાળનાં ચૂંટણીપરિણામો પર. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે પશ્ચિમ બંગાળનાં ચૂંટણીપરિણામો આટલાં મહત્ત્વપૂર્ણ કેમ બની ગયાં છે?
આ વાતને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવી પડે. સૌપ્રથમ તો એ જ જોઈએ કે ભાજપ માટે આ રાજ્ય આટલું મહત્ત્વપૂર્ણ કેમ છે? કારણ કે, પશ્ચિમ બંગાળ જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનું ગૃહરાજ્ય છે.
આ જ કારણે, 1950થી સતત ભાજપનો એવો પ્રયાસ રહ્યો છે કે તેઓ કોઈક પ્રકારે પશ્ચિમ બંગાળમાં સફળ થઈ જાય, ત્યાં પોતાની સરકાર બનાવી શકે. જોકે, હજુ સુધી તો એ ત્યાં સફળ નથી થઈ શક્યો.
આ વખત ચૂંટણીમાં ભાજપની તરફથી દરેક શક્ય પ્રયાસ થયા. સાધન, પ્રચાર અને સંશાધનોમાં કોઈ કમી રાખવામાં ન આવી. 'સરકારી એજન્સીઓના દુરુપયોગ' સુધીના આરોપ લાગ્યા છે અને રાજ્યમાં કેન્દ્રીય બળો પણ તહેનાત કરાયાં છે.
હિંદુ મતોના ધ્રુવીકરણ પર નજર
આ સિવાય બીજું મહત્ત્વપૂર્ણ કારણ એ છએ કે આ રાજ્ય ભાજપ માટે એક મોટી પરીક્ષા પણ છે, પરીક્ષાનો મુદ્દો એ છે કે તેઓ કેટલા હિંદુ મતોનું ધ્રુવીકરણ કરી શકે છે.
અહીં એક વાત નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે, જ્યાં જુદા જુદા આંકડા પ્રમાણે 25થી 30 ટકા સુધી મુસ્લિમ મતદારો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફનું ધ્રુવીકરણ ઘણું મજબૂત હોવું જોઈએ, કારણ કે ભાજપને મુસ્લિમ મતો કાં તો ખૂબ ઓછા કે નહીંવત્ જ મળ્યા હશે.
વધુ એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ભાજપના દૃષ્ટિકોણથી અને વિપક્ષના દૃષ્ટિકોણથી પણ, રાજકીય રીતે પણ પશ્ચિમ બંગાળને એક લાસ્ટ ફ્રન્ટિયર એટલે કે અંતિમ મોરચા તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે ઉત્તરમાં, કેન્દ્રીય ભારતમાં, પૂર્વ ભારતમાં મોટા ભાગે ભાજપ પોતાના જીતનો ઝંડો ફરકાવી ચૂક્યો છે.
પશ્ચિમ બંગાળ હજુ સુધી તેનાથી બચેલું છે. ભાજપ હજુ સુધી અહીં જીત મેળવવામાં સફળ નથી થઈ શક્યો, તેથી આ ચૂંટણી બાજપ માટે ખૂબ મહત્ત્વની છે.
વિપક્ષ માટે પણ અહીં ભાજપને રોકવો એટલા માટે જરૂરી છે, કારણ કે ભાજપના વધતા પ્રભાવને, તેના એકચક્રી શાસનને રોકવું હોય તો પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ જળવાઈ રહેવું પડશે. આ તેમના માટે તો ખૂબ મહત્ત્વપૂર્ણ છે જ, પરંતુ આખા વિપક્ષ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
આમ, બંને તરફથી સ્પર્ધા એટલા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
આવી ચૂંટણીમાં એક મહત્ત્વનો મુદ્દો એસઆઇઆરનો પણ રહ્યો છે, મતદારયાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થયું છે, તે રાજ્યની ચૂંટણીમાં એક એવા વિષય તરીકે જળવાયેલો છે, જેના કારણે લોકો પણ આક્રોશમાં છે, તણાવ પણ છે અને આ એક સંવેદનશીલ મુદ્દો પણ ખરો.
મોટી સંખ્યામાં લોકોના મત કપાયા છે અને એ મોટી સંખ્યામાં જે મત કપાયા છે, તેમાં પણ મોટી સંખ્યા લઘુમતી એટલે કે મુસ્લિમ મતદારોની છે.
પરંતુ આ મત સેન્ટ્રલ બંગાળ, મુર્શિદાબાદ, માલદા અને એની આસપાસના વિસ્તારોમાં કપાયા છે.
એસઆઇઆરની અસર
જ્યારે આપણે પશ્ચિમ બંગાળમાં એ વિસ્તારોમાં ફરી રહ્યા હતા તો એ વાત સ્પષ્ટપણે જોવા મળી રહી હતી કે આમાં કંઈક ગરબડ અને ભૂલો થઈ છે.
અમુક ઘરોમાં પિતાનો મત રહી ગયો છે, અન્ય સભ્યોના મત કપાઈ ગયા છે. ક્યાંક પતિ રહી ગયા છે, પત્ની અને બાળકોનાં નામ કપાઈ ગયાં છે.
ક્યાંક પત્ની રહી ગયાં છે અને અન્ય પરિવારજનોનાં નામ કપાઈ ગયાં છે. બિલકુલ યોગ્ય થયાની શક્યતાઓ તો ઓછી જ જોવા મળે છે.
એ બાદ એક મુદ્દો ધ્રુવીકરણનો છે, જે પશ્ચિમ બંગાળના રાજકારણનું, ત્યાંની રાજકીય જમીનનું એક સત્ય છે.
હવે ધ્રુવીકરણ શહેરી વિસ્તારોમાં ઘણું ધ્રુવીકરણ છે, ખાસ કરીને એ લોકોમાં જેઓ મૂળે બંગાળી નથી, ભલે એ મારવાડી હોય, હિંદી ભાષી લોકો હોય, જે લાંબા સમયથી બંગાળમાં રહી રહ્યા છે.
પરંતુ આવા લોકો ઘણી ખરી હદે ભાજપનો સાથ આપતા દેખાઈ રહ્યા છે.
શહેરોમાં તમને હિંદુ-મુસ્લિમની ચર્ચા ઝાઝી દેખાશે, ગ્રામીણ વિસ્તારમાં આની વાત ઓછી દેખાશે. પરંતુ સારી વાત એ છે કે વાતો ભલે કેટલીય થાય, મુદ્દો ભલે કેટલોય મહત્ત્વનો હોય, ચૂંટણીમાં તેની અસર ભલે જે રહી હોય, પરંતુ અપેક્ષા પ્રમાણે અમને આખા બંગાળમાં સાત દિવસ સુધી ફરવા છતાં કોઈ સાંપ્રદાયિક તણાવની ઝલક ન જોવા મળી.
ઘણી જગ્યાએ લોકો ખૂબ સુખ-શાંતિથી રહી રહ્યા હતા. મુસ્લિમ વિસ્તારથી અલગ છે, હિંદુ વિસ્તારો અલગ છે.
આ તો હવે આખા દેશની કહાણી છે અને એ જ પશ્ચિમ બંગાળની કહાણી પણ ખરી. ગામમાં પણ એવું જ છે, તમને એકબીજા સાથે જોડાયેલાં ઘર ખૂબ ઓછી જગ્યાએ જોવા મળશે.
હાલ આ ચૂંટણીની પાયાની સ્થિતિ શું છે? એક વાત જે સમજાય છે, એ એ છે કે મમતા શાસન અને મમતા સરકાર ખૂબ અલોકપ્રિય છે
તેમણે ખાસ કંઈ સારાં કામ નથી કર્યાં, વિકાસના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પશ્ચિમ બંગાળનો વિકાસદર દેશમાં સૌથી ધીમી ગતિનો છે.
જો વિકાસદરની દૃષ્ટિએ જોઈએ તો પશ્ચિમ બંગાળનો વિકાસદર કદાચ સૌથી ધીમો છે.
અમારી સાથે જે લોકો ફરી રહ્યા હતા, એ પૈકી એક જાણીતા અર્થશાસ્ત્રી સુરજિત ભલ્લાએ ઇન્ડિયન ઍક્સ્પ્રેસમાં લખેલા પોતાના એક લેખમાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે મમતા શાસનમાં પશ્ચિમ બંગાળમાં ખરેખર વિકાસદર ધીમો પડ્યો છે. એટલે કે જ્યારે બીજાં સ્થળોએ વિકાસદર વધી રહ્યો છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં એ ધીમો પડ્યો છે.
પરંતુ તેમ છતાં, જેવી રીતે અમારા એક સાથીદારે રુચિર શર્માએ પોતાની કૉલમ અને ઇન્ડિયન ઍક્સપ્રેસના અડ્ડામાં કહ્યું છે કે કોઈ વિકાસના કારણે ચૂંટણી જીતી જાય, એ વાત બિલકુલ નક્કી નથી.
પરંતુ 50 ટકા લોકો એવા છે જે વિકાસ કરવા છતાં ચૂંટણી હારી જાય છે અને લગભગ 50 ટકા મામલા એવા હોય છે જ્યાં વિકાસ કરવા છતાં લોકો મુખ્ય મંત્રી નથી બની શકતા અને 50 ટકા મામલા એવા હોય છે, જ્યાં વિકાસ ઓછો હોય છે, છતાં ફરી વાર મુખ્ય મંત્રી બની જાય છે.
આનો અર્થ એ છે કે બીજી બાબતો રાજકારણમાં વધુ ભારે પડે છે અને જેમાંથી એક બાબત આ વખતે પણ અમે પશ્ચિમ બંગાળમાં જોઈ, અને એ છે મહિલા મતદારો.
પાછલાં કેટલાંક વર્ષોથી આપણને જોવા મળી રહ્યું છે કે ચૂંટણીમાં મહિલા મતદારો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, ભલે એ બિહાર હોય કે મધ્ય પ્રદેશ, મહિલાઓ મદદ કરનારાને મત આપે છે અને મહિલાઓમાં ભાજપ સારી પહોંચ બનાવી શક્યો છે.
મહિલા મતદારોના મત મહત્ત્વપૂર્ણ હશે
નીતીશકુમારે બિહારમાં દારૂબંધી કરી, અને ચૂંટણી જીતી ગયા. આ વખત તેમની એક ડાયરેક્ટર બેનિફિશિયરી સ્કીમ હતી, એના કારણે જીત્યા.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ એક 'લક્ષ્મી ભંડાર' નામક યોજના ચલાવી છે, જેના અંતર્ગત મહિને 1,500 રૂપિયા મહિલાઓનાં ખાતાંમાં ટ્રાન્સફર થાય છે. હવે તેની કેટલી અસર પડશે?
ભાજપે વાયદો કર્યો છે કે તેમની સરકાર બનશે તો તેઓ ત્રણ હજાર રૂપિયા આપશે. તો એ જોવું રહ્યું કે લોકો જે મળી રહ્યું છે એના પર વધુ ભરોસો કરશે કે જે મળવાનું આશ્વાસન અપાયું છે તેના પર વધુ ભરોસો કરશે.
પરંતુ કુલ્લે, જો મમતા બેનરજી કે ટીએમસી જીતે તો આવું એટલા માટે નહીં શક્ય બને કે તેમણે ખૂબ સારું કામ કર્યું છે, ખૂબ સારું શાસન આપ્યું છે. તેઓ એટલા માટે જીતશે કે ભાજપને હજુ પણ બંગાળમાં સ્વીકાર્યતા નથી મળી શકી.
ખાસ કરીને એવા લોકો જે મૂળ બંગાળી છે - એટલે કે જેઓ બહારથી આવીને વસેલા, હિંદી ભાષી બંગાળી નથી, મારવાડી નથી. મૂળ બંગાળી વસ્તી છે, મતદારો છે, એ હજુ પણ એ પ્રકારનું જોડાણ નથી અનુભવતા અને ભાજપને બહારના એક પક્ષ તરીકે જુએ છે.
રાજકારણ પર અસર
આનાં કારણ પણ ખૂબ સ્પષ્ટ છે, મમતાની સરખામણીએ ભાજપ પાસે કોઈ મોટો ચહેરો નથી. રાજ્યમાં ચૂંટણીપ્રચાર માટે આવતા તેમના મોટા નેતા પણ હિંદીમાં જ બોલે છે, બાંગ્લા નથી બોલી શકતા, તેથી એ બાબત એક ડિસકનેક્ટ જેવી રહી જાય છે.
એ બાદ ભાજપના ખાસ ચહેરા, પ્રતીક, રામમંદિર, હિંદુત્વ અને ભાજપે પરિભાષિત કરેલ કલ્ચરલ નૅશનલિઝ્મ (સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ) સાથે બંગાળી લોકો પોતાની જાતને વધુ આઇડેન્ટિફાય નથી કરી શકતા. કારણ કે, તેમના જે પ્રતીક દુર્ગા છે, શક્તિ છે, કાલી છે, શિવ છે. તેમજ ત્યાંના લોકો માટે લોકલ બંગાળી આઇકન્સમાં રામમોહન રાય, સુભાષ બાબુ, કે અમુક લોકો માટે અમર્ત્ય સેન, સત્યજિત રે કે બિપિનચંદ્ર પાલ સામેલ છે.
મૂળ બંગાળી મતદારો માટે એક ડિસકનેક્ટ છે, તેઓ હજુ સુધી ભાજપને એ રીતે નથી અપનાવી સક્યા, જેવી રીતે ભાજપ પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ભાજપ કોઈ કસર બાકી નથી રાખવા માગતો.
તેમજ બંગાળની બહાર રહેતા લોકો જેઓ બંગાળ પહોંચીને મત આપી રહ્યા છે, તેઓ કોના પક્ષમાં મતદાન કરશે, આ ચૂંટણીમાં એ એક મોટું પરિબળ રહ્યું છે.
એસઆઇઆરના કારણે જે લોકોનાં નામ કમી કરવામાં આવ્યાં છે, તેનાથી આખા રાજ્યમાં ખાસ કરીને રાજ્યની બહાર રહેતા લોકોમાં એવો સંદેશ ગયો છે કે જો તેમણે પાછા જઈને પોતાના મતદાનના અધિકારનો પ્રયોગ ન કર્યો તો બીજી વખત કદાચ તેમનું નામ યાદીમાં નહીં રહે.
વાત માત્ર મતદારયાદીની પૂરતી નથી. તેમને લાગી રહ્યું છે કે ક્યાંક તેમની નાગરિકતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ન લાગી જાય. ભારતીય નાગરિક હોવાને કારણે આપણને ફ્રી રૅશન, બીજી સુવિધાઓ જેવા જે લાભ મળી રહ્યા છે, ક્યાંક તેના પર અસર ન થાય.
તેથી ભારે સંખ્યામાં બહારથી પાછા ફરીને લોકોએ મતદાન કર્યું, અને એ વોટ ચૂંટણીપરિણામમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
પરિણામ ભલે ગમે એ હોય, બે-ત્રણ બાબતો નોંધપાત્ર છે. દેશના રાજકારણ પર પશ્ચિમ બંગાળનાં ચૂંટણીપરિણામની મોટી અસર પડશે.
એક તો જો ટીએમસી જીતે તો એ વિપક્ષ માટે એક મોટી ઉપલબ્ધિ હશે. તેમને લાગશે કે ભાજપ સાથે સ્પર્ધા કરી શકાય છે.
પરંતુ જો કોઈ આ વાતનો એવો અર્થ કાઢે કે ટીએમસીની જીત અમુક ધર્મનિરપેક્ષ તાકતોની જીત છે અથવા તો સાંપ્રદાયિક તાકતોની હાર છે તો એ વાત પણ આ ચૂંટણીપરિણામનું એક સરળીકરણ હશે.
અને બંગાળમાં ભાજપ આવી જાય એ પ્રકારનું મોબિલાઇઝેશન નથી થઈ રહ્યું, એટલે કે બાકીના બધા હિંદુ એક તરફ થઈ ગયા. તો તેની સંભાવના સરળ નથી, કારણ કે ત્યાં મુદ્દો બંગાળી ઓળખ અને બંગાળી ઉપ-રાષ્ટ્રવાદનો પણ છે.
જો ભાજપ જીતે તો શું થશે?
હવે બીજા પાસા પર નજર કરીએ, જો ભાજપ જીતે તો શું થશે?
ભાજપ જીતે તો એક વાત તો સ્પષ્ટ થઈ જશે કે ઘણી મોટી સંખ્યામાં અને ઘણી સફળ રીતે હિંદુ મતોનું ધ્રુવીકરણ કરવામાં ભાજપ સફળ રહ્યો છે.
તેનાં પરિણામ શું આવશે? ભાજપનું શાસન લગભગ આખા ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં ફેલાવા લાગ્યું છે. તો એક પ્રકારે આ વિસ્તારોમાં ભાજપનું એકચક્રી શાસન થઈ જશે.
આની અસર વિપક્ષના મનોબળ પર અને એ કઈ રીતે હતોત્સાહિત થશે, એ પણ મહત્ત્વપૂર્ણ વાત છે.
ઘણા લોકોનું માનવું છે કે દેશની લોકશાહી માટે દેશમાં એકતરફી રાજકીય નકશો ન બને એ જરૂરી છે.
ભલે ગમે એ થાય, પરંતુ ઘટનાક્રમ રસપ્રદ હશે. ખરાખરીનો જંગ જોવા મળશે અને જ્યારે અમે ફરી રહ્યા હતા ત્યારે પણ એવું લાગી રહ્યું હતું કે આ ચૂંટણીને સમજી શકવી, તેનાં પરિણામનું અનુમાન લગાવવું, એટલું સરળ નથી.
તેમ છતાં મને લાગે છે કે ટીએમસીની સરસાઈ છે. હવે એ સરસાઈ કેટલી બેઠકોમાં તબદલી થાય છે, ભાજપ અને ટીએમસી વચ્ચે કેટલું અંતર રહેશે, એ જોવું રહ્યું.
પરંતુ એટલું તો નક્કી છે કે આ વખતની ચૂંટણી એ ખરાખરીનો જંગ હતી અને ઝાઝી હિંસા પણ નથી જોવા મળી. કારણ કે એવા આરોપ લાગી રહ્યા હતા કે અત્યાર સુધી ચૂંટણીમાં ટીએમસીના લોકો ફાવે એમ વર્તતા, એવું આ વખત કેન્દ્રીય સુરક્ષા બળોની તહેનાતીના કારણે નથી થઈ શક્યું.
તેનાથી કેટલું મનોબળ તૂટ્યું છે કે આના કારણે કેટલા મત કપાયા હશે, એ પણ એક પાસું છે. જ્યારે ચૂંટણીપરિણામ આવશે ત્યારે આ અંગે ચર્ચા થશે.
પરંતુ આ એક ખૂબ મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે, એક એવી ચૂંટણી જેનો દેશના રાજકારણ પર દૂરગામી પ્રભાવ પડશે.
(લેખક બીબીસી હિંદીના ઍડિટર રહી ચૂક્યા છે. આ લેખમાં તેમના અંગત વિચારો છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન