આખા દેશમાં કરોડો મોબાઇલ પર એક જ સમયે ઍલર્ટ કેમ આવ્યું? જાણો કારણ

વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતમાં એક જ સમયે કરોડો લોકોના મોબાઇલ પર ઍલર્ટ મૅસેજ મોકલાતાં કેટલાક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અચાનક મોબાઇલ સ્ક્રીન પર 'ઍક્સ્ટ્રિમલી સિવિયર ઍલર્ટ' એટલે કે 'અતિશય જોખમી ઍલર્ટ'નો મૅસેજ અમુક સેકંડો સુધી સતત દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ ઍલર્ટથી ગભરાવાની કોઈ જરૂર નથી.

29 એપ્રિલ 2026ના રોજ ભારત સરકારે જાતે આવા મૅસેજો અંગે માહિતી આપી હતી. ભારત સરકાર દ્વારા આપેલી માહિતી વિશે જાણીએ એ પહેલાં જોઈએ કે આખરે આ મૅસેજમાં શું હતું.

દેશભરમાં કરોડો મોબાઇલ ફોન યૂઝર્સના મોબાઇલ પર એક જ સમયે અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં કંઈક આવો મૅસેજ મોકલવામાં આવ્યો હતો :

"ભારત પોતાના નાગરિકો માટે આપત્તિના તાત્કાલિક ઍલર્ટ જાહેર કરવા માટે પ્રાદેશિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરતા સેલ બ્રોડકાસ્ટિંગ શરૂ કરે છે. સાવચેત નાગરિક, સલામત દેશ. આ મૅસેજ પ્રાપ્ત થાય તો તમારે કંઈ કરવાની જરૂર નથી. આ એક ટેસ્ટ માટેનો મૅસેજ છે - ભારત સરકાર"

ભારત સરકારે શું કહ્યું?

29 એપ્રિલ 2026ના રોજ ભારત સરકારે ઝડપથી આપત્તિની ચેતવણીની જાણ કરવા માટે સ્વદેશી સેલ બ્રૉડકાસ્ટ સિસ્ટમની રાષ્ટ્રવ્યાપી ટ્રાયલ ચાલી રહી હોવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ટ્રાયલના સમયગાળા દરમિયાન, અંગ્રેજી, હિંદી અને પ્રાદેશિક ભાષાઓમાં મોબાઇલ ફોન પર મૅસેજો પ્રાપ્ત થાય એવું બની શકે; તેથી, નાગરિકોને મૅસેજો આધારે કોઈ પણ પગલાં ન લેવા વિનંતી પણ કરવામાં આવી હતી.

સરકારે એ વાતની પણ સ્પષ્ટતા કરી કે આ મૅસેજ એક આયોજિત રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ કવાયતના ભાગરૂપે આવ્યો હતો અને નાગરિકો તરફથી કોઈ કાર્યવાહી કરાય એવી જરૂર નહોતી.

ભારત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આપત્તિ સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી સમયસર નાગરિકો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે કૉમ્યુનિકેશન મંત્રાલયના ટેલિકૉમ્યુનિકેશન વિભાગ દ્વારા રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ)ના સહયોગથી દેશભરમાં મોબાઇલ-આધારિત આપત્તિ સંચાર-પ્રણાલીને વધુ મજબૂત બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે."

એનડીએમએએ ટેલિકૉમ્યુનિકેશન વિભાગના અગ્રણી સંશોધન અને વિકાસ કેન્દ્ર, સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ (સી-ડીઓટી) દ્વારા વિકસિત ઇન્ટિગ્રેટેડ ઍલર્ટ સિસ્ટમ (એસએએસએચઇ)ને સફળતાપૂર્વક અમલમાં મૂકી છે.

આ સિસ્ટમ હાલમાં ભારતનાં તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત્ છે અને ભૌગોલિક રીતે ટાર્ગેટેડ વિસ્તારોમાં મોબાઇલ યૂઝર્સને એસએમએસ દ્વારા આપત્તિઓ અને કટોકટી સંબંધિત ચેતવણીઓ પહોંચાડે છે.

સરકારે પત્રિકામાં એવો પણ દાવો કર્યો હતો, "આ સિસ્ટમનો ઉપયોગ આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ દ્વારા વ્યાપકપણે કરવામાં આવે છે. આ સિસ્ટમથી કુદરતી આફતો, હવામાન ચેતવણીઓ અને વાવાઝોડા દરમિયાન 19થી વધુ ભારતીય ભાષામાં 134 અબજથી વધુ એસએમએસ ચેતવણીઓનું પ્રસારણ શક્ય બન્યું છે."

સરકારે ચેતવણી વિશે વધુ માહિતી આપતા કહ્યું હતું, "સુનામી, ભૂકંપ, વીજળી પડવા જેવી આપત્તિની પરિસ્થિતિઓ તેમજ ગૅસ લીક અથવા રાસાયણિક જોખમો જેવી માનવસર્જિત કટોકટીમાં ચેતવણીઓના પ્રસારને વધુ મજબૂત બનાવવા એસએમએસ સાથે સેલ બ્રૉડકાસ્ટ (સીબી) ટૅક્નૉલૉજી રજૂ કરવામાં આવી છે. સેલ બ્રૉડકાસ્ટ સિસ્ટમમાં અમુક ભૌગોલિક ક્ષેત્રનાં તમામ મોબાઇલ ઉપકરણો પર ચેતવણીઓ એકસાથે પ્રસારિત થાય છે. આ ખાતરી કરે છે કે ચેતવણીઓ એક જ સમયે પહોંચે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન