You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ : રાહુલ ગાંધી જેને 'ખુલ્લી લૂંટ' કહે છે તે અબજો રૂપિયાની યોજના કેમ વિવાદમાં છે?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારના 81,000 કરોડ રૂપિયાના 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "આ આપણા જીવનકાળમાં દેશના પ્રાકૃતિક અને જનજાતીય વિરાસતનું સૌથી મોટું કૌભાંડ છે સાથે તે આચરવામાં આવેલા સૌથી ગંભીર ગુનાઓ પૈકીનું એક છે."
આ પ્રોજેક્ટ ભારતના દક્ષિણપૂર્વીય ક્ષેત્રમાં સ્થિત ગ્રેટ નિકોબાર ટાપુ પર વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ટ્રાન્સશિપમેન્ટ પૉર્ટ, ઍરપૉર્ટ, ટાઉનશીપ અને પાવર પ્લાન્ટનું નિર્માણ સામેલ હશે.
ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની સ્થિતિ મજબૂત કરવાના સંદર્ભમાં સરકાર તેને વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવી રહી છે.
પરંતુ આલોચકો કહે છે કે આ પ્રોજેક્ટ પર્યાવરણને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે.
તેમનું કહેવું છે કે આનાથી શૉમ્પેન અને નિકોબારી જનજાતિ પર ગંભીર અસર પડી શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું, 'લાખો વૃક્ષો કાપી નાખવામાં આવશે'
સરકારના પ્રોજેક્ટની ટીકા કરતા રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશમાં કહ્યું , "સરકાર તેને 'પ્રોજેક્ટ' કહે છે. પરંતુ મેં જે જોયું તે કોઈ પ્રોજેક્ટ નથી. લાખો વૃક્ષોને કાપવા માટે ચિહ્નિત કરવામાં આવ્યાં છે. આ 160 ચોરસ કિલોમીટરનાં વરસાદી જંગલનો નાશ કરવાનો નિર્ણય છે. આ તે સમુદાયો પ્રત્યે અવગણના છે, જેમનાં ઘરો આ થકી છીનવાયાં છે."
ગ્રેટ નિકોબાર ટાપુનાં જંગલોની મુલાકાત લેતી વખતે, તેમણે કહ્યું કે ત્યાંનાં વૃક્ષો "લોકોની યાદો કરતાં પણ જૂનાં છે".
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એમ પણ કહ્યું કે અહીંનાં જંગલો પેઢી દર પેઢી વધ્યાં છે અને અહીં રહેતા સુંદર લોકોથી, જેમના પર તેમનો હક છે, એવી વસ્તુ છીનવાઇ રહી છે.
તેમણે કહ્યું, "આ ટાપુ પર રહેતી દરેક વ્યક્તિ આ પ્રોજેક્ટની વિરુદ્ધ છે, પરંતુ તેમને કોઈ પૂછવા આવ્યું નથી. અહીંના લોકોને ખબર પણ નથી કે તેમની જમીન માટે તેમને શું વળતર મળશે. અને હવે મને સમજાયું છે કે સરકાર મને અહીં કેમ આવવા નહોતી દેતી, અને તેણે મને અહીં પહોંચતા અટકાવવા માટે આટલા વધારે પ્રયાસો કેમ કર્યા?"
રાહુલ ગાંધીએ તેને "ખુલ્લેઆમ લૂંટ" ગણાવી અને કહ્યું કે ટાપુના રહેવાસીઓએ તેમને સંસદમાં આ મુદ્દો ઉઠાવવા કહ્યું હતું.
તેમણે કહ્યું, "હું તે ખુશીથી કરીશ. આ વાત આખા દેશને, ખાસ કરીને યુવાનોને જણાવવી જોઈએ, કારણ કે આ તેમનું ભવિષ્ય છે."
મંગળવારે, રાહુલ ગાંધી નિકોબાર જિલ્લામાં આવેલી કૅમ્પબેલ ખાડી પહોંચ્યા, જ્યાં તેઓ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા આદિવાસી નેતાઓને મળ્યા.
કેટલાક આદિવાસી સમુદાયોએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે પારદર્શિતા જાળવી નથી, પર્યાવરણીય જોખમોને અવગણ્યાં છે અને આદિવાસી અધિકારોની સતત અવગણના કરી છે.
હિંદ મહાસાગરમાં ચીનને જવાબ?
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ પ્રોજેક્ટનો વિરોધ કરવા બદલ રાહુલ ગાંધીને ઘેર્યા છે.
ભાજપે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું , "ભારતનું સ્ટ્રૅટેજિક શસ્ત્ર, અને તેનો રાહુલ ગાંધી વિરોધ કરી રહ્યા છે. મોદી સરકાર આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 92,000 કરોડ રૂપિયાના 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ'નું નિર્માણ કરી રહી છે."
"આ ફક્ત એક બંદર નથી, તે ભારતની દરિયાઈ સરહદોનું રક્ષણ છે. તે હિંદ મહાસાગરમાં ભારતની તાકાતની ઘોષણા છે, જે ચીનને સીધો જવાબ છે. જોકે, ચીન આ પ્રોજેક્ટનું નિર્માણ ઇચ્છતું નથી અને આશ્ચર્યજનક રીતે રાહુલ ગાંધી પણ નથી ઇચ્છતા."
ભાજપે લખ્યું, "જ્યારે દેશ પ્રગતિની વાત કરે છે, ત્યારે કૉંગ્રેસ અવરોધો ઊભા કરે છે, જ્યારે ભારત મજબૂત બનવાની વાત કરે છે, ત્યારે રાહુલ ગાંધી વિરોધમાં ઊભા છે. હવે પ્રશ્ન એ છે કે આ વિરોધ કોના ઇશારે થઈ રહ્યો છે? ભારતની સુરક્ષાને નબળી પાડવી કોનાં હિતમાં છે?"
આ પ્રશ્ન પર ભાજપના નેતા અને બિહારના મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ પણ રાહુલ ગાંધીને ઘેર્યા હતા.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "કૉંગ્રેસનો ચીન પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર સામે આવ્યો છે. ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ ભારતની દરિયાઈ સુરક્ષા અને આર્થિક શક્તિનું પ્રતીક છે, તેનો વિરોધ કરવા પાછળ રાહુલ ગાંધીનો ટૂલકીટ એજન્ડાનો પર્દાફાશ થયો છે. પ્રશ્ન એ છે કે, એવો પ્રોજેક્ટ જેને લઈને ચીન નબળું પડે તે કૉંગ્રેસને કેમ ખટકે છે?"
મલાક્કાની સામુદ્રધુની એ ગ્રેટ નિકોબાર પ્રદેશમાંથી પસાર થતો સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. જિયોપૉલિટીકલ દૃષ્ટિએ આ એક મહત્ત્વપૂર્ણ પ્રદેશ છે.
હિંદ મહાસાગરમાં પ્રભુત્વ સ્થાપિત કરવું એ ભારત અને ચીન બંને માટે એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક લક્ષ્ય છે.
ખાસ કરીને, 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ'ને ચીનની 'સ્ટ્રિંગ ઑફ પર્લ્સ' વ્યૂહરચનાના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યો છે.
નિષ્ણાતો કહે છે કે આ પ્રોજેક્ટ દેશમાં રોકાણો લાવી શકે છે, વેપારને વેગ આપી શકે છે અને ભારતની દરિયાઈ શક્તિને મજબૂત બનાવી શકે છે, જેમ હૉંગકૉંગે ચીનને મજબૂત બનાવ્યું છે.
'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' કેમ મહત્ત્વનો છે?
166 વર્ગ કિલોમીટરના આ પ્રોજેક્ટમાં ટ્રાન્સશિપમેન્ટ પૉર્ટ, પાવર પ્લાન્ટ, ઍરપૉર્ટ અને એક નવું શહેર સામેલ હશે, જે આ પ્રદેશને હિંદ મહાસાગર, સુએઝ કૅનાલ અને અન્ય મહત્ત્વપૂર્ણ વૈશ્વિક વેપાર માર્ગો સાથે જોડવા માટે રચાયેલ છે.
સરકારનું કહેવું છે કે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ, મલક્કાની સામુદ્રધુની પાસે બનાવવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય વેપાર અને પર્યટનને વેગ આપશે.
સરકારનો અંદાજ છે કે 30 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યાં સુધીમાં લગભગ 650,000 લોકો ટાપુ પર રહેતા હશે.
નિષ્ણાતો માને છે કે આ અબજો ડૉલરની યોજના ભારતના આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવાના ઉદ્દેશનો એક ભાગ છે.
આ પ્રોજેક્ટ ટાપુના આદિવાસીઓ માટે જોખમરૂપ છે?
પરંતુ આ યોજનાએ ટાપુવાસીઓમાં ચિંતા ફેલાવી છે જેમને તેમની જમીન, સંસ્કૃતિ અને જીવનશૈલી ગુમાવવાનો ડર છે. તેમને ડર છે કે આ પ્રોજેક્ટ તેમને લુપ્ત થવાની અણી પર ધકેલી શકે છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વિશ્વના કેટલાક સૌથી અલગ અને સંવેદનશીલ જનજાતિના લોકો વસે છે, જેમાં પાંચ સમૂહોને "વિશેષ રૂપથી કમજોર" તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
આમાં જારવા, ઉત્તર સૅન્ટિનલી, ગ્રેટ આંદામાની, ઓંગે અને શૉમ્પેન જનજાતિઓનો સમાવેશ થાય છે.
જારવા અને ઉત્તર સૅન્ટિનલી જાતિઓ મોટાભાગે ત્યાંથી બહારની દુનિયાના સંપર્કમાં નથી આવી, જ્યારે ગ્રેટ નિકોબાર ટાપુઓના આશરે 400 શૉમ્પેન લોકો પણ બાહ્ય દબાણને કારણે તેમની જીવનશૈલી ગુમાવવાનું જોખમ ધરાવે છે.
તેઓ એક વિચરતી જાતિ છે, જેમાંથી મોટાભાગના લોકો જંગલના અંદરના ભાગમાં રહે છે. તેમની સંસ્કૃતિ વિશે બહુ ઓછું લોકોને ખબર છે કારણ કે, તેમાંથી બહુ ઓછા લોકોનો બહારની દુનિયા સાથે સંપર્ક રહ્યો છે.
પર્યાવરણવિદોનું કહેવું છે કે આ પ્રોજેક્ટને કારણે પર્યાવરણે ભારે કિંમત ચૂકાવવી પડશે.
ભારતના પર્યાવરણ મંત્રાલયે કહ્યું છે કે આ પ્રોજેક્ટ માટે ટાપુના કુલ વિસ્તારના માત્ર 130 વર્ગ કિલોમીટર કે 14 ટકા વિસ્તાર જ સાફ કરવામાં આવશે.
છતાં અહીં સાડા નવ લાખથી વધુ વૃક્ષો છે, જોકે નિષ્ણાતો કહે છે કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.
પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી
વર્ષ 2024માં 39 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો (જીનોસાઇડ એક્સ્પર્ટસ)એ ચેતવણી આપી હતી કે આ પ્રોજેક્ટ શૉમ્પેન જાતિ માટે મૃત્યુદંડ સમાન હોઈ શકે છે.
તેમનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી આ વિસ્તારમાં બહારની વસ્તી વધશે, જેના કારણે રોગો ફેલાઈ શકે છે, અને આનાથી આદિવાસી અસ્તિત્વ જોખમમાં મુકાશે.
આ ઉપરાંત ઑક્ટોબર 2025માં ઘણા પર્યાવરણવાદીઓ અને સંશોધકોના એક સામૂહિક જૂથે સરકારને પત્ર લખીને આ પ્રોજેક્ટ બંધ કરવાની પણ માંગ કરી હતી.
તેમણે પર્યાવરણ પર તેની ગંભીર અસર વિશે વાત કરી હતી.
આ પ્રોજેક્ટ વિશે વાત કરતા, પર્યાવરણશાસ્ત્રી માધવ ગાડગીલે બીબીસી મરાઠીને જણાવ્યું , "સરકાર હંમેશાં દાવો કરે છે કે જંગલનો માત્ર એક ભાગ જ સાફ કરવામાં આવશે. પરંતુ તમે જે માળખાકીય સુવિધાઓ બનાવી રહ્યાં છો તે વધુ પ્રદૂષણ પેદા કરશે. તે સમગ્ર જૈવ પરિસરને અસર કરશે."
ઇકૉલૉજીસ્ટ્સ કહે છે કે આ ટાપુના દક્ષિણપૂર્વ ભાગમાં સ્થિત 'ગલાથી બે' ખાડીને અસર કરશે, જે સદીઓથી વિશાળ લેધરબૅક દરિયાઈ કાચબાઓ માટે ઈંડા મૂકવાનું સ્થળ રહ્યું છે.
સોશિયલ ઇકૉલૉજીસ્ટ ડૉ. મનીષ ચંડીએ બીબીસી મરાઠીને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ એવા વિસ્તારમાં પ્રસ્તાવિત છે જ્યાં ખારા પાણીના મગર, વૉટર મૉનિટર (ગરોળીની એક પ્રજાતિ), માછલીઓ અને ઘણાં દુર્લભ પક્ષીઓ જોવાં મળે છે.
પરંતુ એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રજાતિઓનાં ઈંડા મૂકવાનાં અને સંવર્ધન સ્થળોમાં કોઈ ફેરફાર થશે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન