ગુજરાત: 90% અંધ કાવ્યાએ દસમામાં 99.50 પર્સેન્ટાઇલ મેળવ્યા, કહ્યું - 'ક્યારેય હિંમત ન હારો'

ગુજરાત: 90% અંધ કાવ્યાએ દસમામાં 99.50 પર્સેન્ટાઇલ મેળવ્યા, કહ્યું - 'ક્યારેય હિંમત ન હારો'

ભરૂચનાં વિદ્યાર્થિની કાવ્યા 'અડગ ઇચ્છાશક્તિ અને હિંમતના મહાત્મ્યનું એક જીવતું ઉદાહરણ' છે.

90 ટકા અંધત્વ ધરાવતાં કાવ્યાએ બુધવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2026માં લેવાયેલી દસમા ધોરણની પરીક્ષામાં 99.50 પર્સેન્ટાઇલ મેળવીને પોતાની દૃષ્ટિની મર્યાદા સામે ઝૂકવાની જાણે ફરી એક વખત ના પાડી દીધી છે.

તેઓ પોતાના પરિણામ અંગે વાત કરતાં કહે છે, "તાજેતરમાં લેવાઈ ગયેલી દસમાની બોર્ડની પરીક્ષામાં મારા 95.67% અને 99.50 પર્સેન્ટાઇલ ગુણ આવ્યા છે."

તેઓ પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં કહે છે કે, "હું સામાન્ય માણસ કરતાં માત્ર દસ ટકા જ દૃષ્ટિ ધરાવું છું. એ પણ માત્ર મારી જમણી આંખમાં. શરૂઆતમાં મને થોડું અઘરું પડતું. જ્યારે હું છથી આઠમાં ભણતી ત્યારે ઘણી વાર એવું બનતું કે હું સવારથી વાંચવાનું શરૂ કરું તો પણ સાંજ પડતાં સુધીય મારું વાંચવાનું બાકી રહી જતું."

"આવી મને ઘણી અડચણો આવી છે. આ ઉપરાંત હું વ્યવસ્થિત અક્ષરે લખી નથી શકતી."

આ બધી મર્યાદાઓ છતાં પોતે ક્યારેય હિંમત ન હારી હોવાની વાતનું પુનરોચ્ચાર કરતાં તેઓ કહે છે, "કોઈ દિવસ હાર ન માની લો, ક્યારેય એવું ન વિચારો કે હું નહીં કરી શકું કે મારાથી આ નહીં જ થાય. જો આપણે ખરેખર એવું જ વિચારી લઈશું તો લાખ પ્રત્યનો છતાં મંજિલ નહીં મળે."

"જો તમે વિકલાંગ હો તો એવું મનમાં ન ધારી લો કે તમે એક વિકલાંગ છો. તમે એનો રસ્તો શોધો, કોઈક રસ્તો તો નીકળશે જ એનો, જો તમને દેખાતું નહીં હોય તો તમે સાંભળીને કરી શકશો, સંભળાતું ન હોય તો તમે વાંચીને કરી શકશો. જો તમે એવું ધારી લો કે આ બધું હોવા છતાં હું કરી શકું, મારાથી કેમ ન થાય, હકારાત્મક રીતે આ બધું લો અને એ રીતે તમે આગળ વધો. "

કાવ્યાની સ્કૂલનાં આચાર્ય બિનીતા ગોહીલે તેમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, "વિકલાંગ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા વિષયો બાબતે ખૂબ સરળ રહેતું હોય છે, પરંતુ કાવ્યાએ સ્ટાન્ડર્ડ ગણિતનો વિષય પસંદ કર્યો અને તેમાં 98 માર્ક્સ મેળવ્યા, અને સમાજશાસ્ત્ર જેવા વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા."

કાવ્યા આગળનાં શિક્ષણ અને કારકિર્દી અંગેની પોતાની ઇચ્છા રજૂ કરતાં કહે છે કે તેઓ આગળ કૉમર્સ વિષય સાથે ભણવા માગે છે અને સનદી સેવાની પરીક્ષા આપી કલેક્ટર બનવા માગે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન