You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
993 રૂપિયા મોંઘું થયું કૉમર્શિયલ LPG સિલિન્ડર, આ તોતિંગ ભાવવધારો કોને ભારે પડશે?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કેરળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થતાં જ કેન્દ્ર સરકારે એલપીજીના કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો અભૂતપૂર્વ વધારો જાહેર કર્યો છે. આ ભાવવધારો લગભગ 47.8 ટકા જેટલો થાય છે.
એક તરફ ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી એલપીજીની 'અછત' અનુભવાઈ રહી છે અને ગૅસના સિલિન્ડર 'બ્લૅક-માર્કેટ'માં વેચાતા હોવાની ફરિયાદ છે, ત્યારે હવે સત્તાવાર રીતે ભાવ વધવાના કારણે 19 કિલોનો વાદળી રંગનો એલપીજી સિલિન્ડર 3071 રૂપિયા (દિલ્હીના ભાવ)ને પાર કરી ગયો છે. તેવી જ રીતે પાંચ કિલો વજનના 'છોટુ' સિલિન્ડરના ભાવમાં પણ પહેલી મેથી 261 રૂપિયાનો ભારે વધારો કરવામાં આવ્યો છે.
સરકારે ઘરેલુ વપરાશ માટેના 14.2 કિલો વજનના લાલ રંગના ડૉમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નથી કર્યો.
ઘરેલુ ઍરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ઈંધણના ભાવમાં પણ વધારો કરવામાં નથી આવ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ માટે એટીએફના ભાવ વધારી દેવામાં આવ્યા છે.
જમણવારનો ખર્ચ વધી જશે
આ ભાવવધારો હોટલ-રેસ્ટોરાં, હૉસ્ટેલ, કૅટરિંગ વગેરે ઉદ્યોગો માટે મોટા આંચકા સમાન છે, ખાસ કરીને જ્યાં પાઇપ્ડ નેચરલ ગૅસની લાઇન નથી તેમના માટે ખર્ચ ઘણો વધી જવાનો અંદાજ છે.
બીબીસી ગુજરાતીએ આ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરીને તેમનો મત જાણ્યો હતો.
અમદાવાદસ્થિત એક કૅટરિંગ કંપનીના માલિક ગોરધનભાઈ પુરોહિતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે "એલપીજી સિલિન્ડરની પહેલેથી ભારે અછત હતી, તેવામાં આ ભાવવધારો આંચકાજનક સમાચાર છે. જમણવારમાં લગભગ 30 ટકા ખર્ચ બળતણનો આવતો હતો. હવે તેનો ખર્ચ ઘણો વધી જશે."
તેમણે કહ્યું કે, "લગ્ન અને બીજા પ્રસંગોમાં અગાઉ તપેલામાં રસોઈ તૈયાર કરીને લાવવામાં આવતી હતી અને પીરસાતી હતી. પરંતુ હવે દરેક જગ્યાએ લાઇવ રસોડાનો ટ્રૅન્ડ ચાલે છે. તેના કારણે દરેક વાનગીને ગરમ રાખવા માટે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સતત ઉપયોગ કરવો પડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "હવે જમણવારમાં જેટલી વાનગીઓ હોય એટલા ચૂલા અને બાટલાની જરૂર પડે છે. આઉટડોરમાં પ્રસંગ હોય ત્યારે ત્યાં ગૅસ પાઇપલાઇનની સુવિધા નથી હોતી. એલપીજીના ભાવમાં એકસાથે આટલો વધારો થાય તેના કારણે અંતે ગ્રાહકો પર બોજ આવશે."
અમદાવાદસ્થિત ટીજીબી ગ્રૂપના ચૅરમૅન અને હોટલ્સ એન્ડ રેસ્ટોરાં ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે "તાજેતરમાં અગાઉ પણ કૉમર્શિયલ એલપીજીના ભાવમાં બે વધારા આવ્યા હતા અને હવે આ ત્રીજો મોટો વધારો છે. આનાથી હોટલ તથા કૅટરિંગ ઉદ્યોગને બહુ મોટો ફટકો પડશે."
તેમણે કહ્યું કે "ગૅસ સિલિન્ડરની પહેલેથી અછત હતી અને હજુ સ્થિતિ સામાન્ય નથી થઈ, તેવામાં આ ભાવવધારો આવ્યો છે. મને લાગે છે કે એલપીજી માટે હજુ વધારે અછત સર્જાઈ શકે છે."
બીબીસી ગુજરાતીએ સુરતમાં ગૅસના બાટલાની અછત વિશે તાજેતરમાં કેટલાક મજૂરો સાથે વાત કરી હતી જેઓ પોતાના વતન જઈ રહ્યા હતા. તેમાંથી મોટા ભાગનાએ કહ્યું કે તેમને 'કાળા-બજાર'માંથી લગભગ ત્રણ ગણા ભાવે ગૅસ ખરીદવો પોસાય તેમ ન હોવાના કારણે વતન પાછા જઈ રહ્યા છે.
ગૅસ સપ્લાયનો પ્રશ્ન હજુ યથાવત્
ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા ત્યારથી જ દેશમાં એલપીજીના સપ્લાયને લઈને સમસ્યા છે.
સરકારે તરત જ ઘરેલુ એલપીજી સિલિન્ડર બુક કરવાનો સમયગાળો વધારીને 25 દિવસ કરી નાખ્યો હતો, છતાં સમયસર બાટલા મળતા ન હોવાની ફરિયાદ છે.
સુરત, દિલ્હી જેવાં શહેરોમાં કામ કરતા લાખો કામદારો ગૅસ સિલિન્ડર ન મળવાના કારણે રસોઈ બની શકતી ન હોવાથી પોતાના વતન જતા રહ્યા છે. કેટલાક લોકો ત્રણથી ચાર ગણા ભાવે ગૅસ ખરીદવા મજબૂર બન્યા છે અથવા લાકડાં કે કોલસાનો ઉપયોગ કરતા થયા છે.
સુરતમાં ચા-નાસ્તાની લારી ચલાવતા મુકેશકુમાર છેલ્લા બે મહિનાથી કોલસાની સગડીનો ઉપયોગ કરે છે, જેઓ અગાઉ કૉમર્શિયલ એલપીજીનું સિલિન્ડર વાપરતા હતા.
તેઓ કહે છે કે "આ ભાવે એલપીજીના બાટલા ખરીદવા પોસાય તેમ નથી. તેથી હું હમણાં સગડીનો ઉપયોગ જ ચાલુ રાખીશ. જોકે, હવે કોલસાના ભાવમાં પણ વધારો થયો છે."
ગુજરાતમાં જે જગ્યાએ પાઇપલાઇન ગૅસ ઉપલબ્ધ નથી, ત્યાં રેસ્ટોરાં, નાની હોટલો અને રસ્તા પર નાસ્તાની લારી ચલાવતા લોકોને આ ભાવવધારાની વ્યાપક અસર પડશે.
નૅશનલ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI)ના ગુજરાત ચૅપ્ટરના વડા દિલીપ ઠક્કરે જણાવ્યું કે "અમારા ઉદ્યોગમાં 80 ટકા લોકો પાઇપલાઇન ગૅસ કનેક્શન ધરાવે છે. જેઓ સત્તાવાર ફાયર એનઓસી ધરાવતા હોય, બીયુ પરમિશન વાળી બિલ્ડિંગમાં હોય, તેઓ પાઇપ્ડ ગૅસ વાપરે છે."
તેમણે કહ્યું કે "કૉમર્શિયલ એલપીજી સિલિન્ડર મોટા ભાગે હૉસ્ટેલ, મંદિર, હૉસ્પિટલ અથવા આઉટડોર કૅટરિંગમાં વાપરવામાં આવે છે. લગ્નગાળામાં પણ આ સિલિન્ડરની બહુ વધારે ડિમાન્ડ હોય છે. કેટલાક લોકોએ આ બાટલાનો સ્ટોક રાખ્યો હોય તેવું બની શકે. પરંતુ હવે ટૂંક સમયમાં જમણવારનો ખર્ચ વધી જશે તે નક્કી છે."
કૅટરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું કે, "સૌથી મોટો ઇશ્યૂ તો સપ્લાયનો છે. અત્યારે રુપિયા આપવા છતાં બાટલા ક્યાં મળે છે. સત્તાવાર ભાવ ભલે 3,100 રૂપિયાની આસપાસ હોય, પરંતુ બ્લૅકમાં આ બાટલા 6,000થી 6,500 રૂપિયા સુધીમાં ખરીદવા પડે છે."
અન્ય ઉદ્યોગોને પણ ફટકો પડશે
સરકારી માલિકીની ઑઇલ કંપની આઇઓસીએ જણાવ્યું હતું કે, "33 કરોડ ગ્રાહકો જેનો ઉપયોગ કરે છે તે ડૉમેસ્ટિક એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. માત્ર કૉમર્શિયલ એલપીજીના ભાવમાં વધારો થયો છે જેનો કુલ વપરાશમાં એક ટકા કરતાં ઓછો હિસ્સો છે."
એલપીજીના ભાવવધારાની અસર અન્ય ઉદ્યોગોને પણ સીધી અથવા આડકતરી રીતે થઈ શકે છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નિખિલ મદ્રાસી કહે છે કે, "ચૂંટણી પછી ઈંધણના ભાવમાં મોટો વધારો આવશે તેવી ધારણા પહેલેથી હતી. આ ભાવ વધારા માટે ઉદ્યોગ પહેલેથી તૈયાર હતો."
તેમણે કહ્યું કે, "ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં પણ ઇન્ડસ્ટ્રીયલ ગૅસનો ઉપયોગ થાય છે. તેના ભાવ વધવાથી ઉદ્યોગને ભારે નુકસાન થવાની પૂરી શક્યતા છે. હજુ પણ લેબરની અછતનો પ્રશ્ન ઉકેલાયો નથી, ઉદ્યોગોને નિયમિત ગૅસ પુરવઠો નથી મળતો. તેવામાં કૉમર્શિયલ ગૅસ વધુ મોંઘો થયે છે. આવી સ્થિતિમાં કેટલાક ઉદ્યોગો લોન ભરવામાં ડિફોલ્ટ પણ થઈ શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન