You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'બૅન્ક મૅનેજર વાત સાંભળવા તૈયાર નહોતો', ભાઈ દફન બહેનનો મૃતદેહ કાઢીને લઈ ગયો, શું છે આખો મામલો
- લેેખક, રાખી ઘોષ
- પદ, બીબીસી માટે, ક્યોંઝરથી
- વાંચવાનો સમય: 3 મિનિટ
સોમવારે બપોરે, ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક બૅન્કના કર્મચારીઓ અને ગ્રાહકો ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે 52 વર્ષીય જીતુ મુંડા પોતાના ખભા પર હાડપિંજર લઈને બૅન્કમાં પ્રવેશ્યા.
આ ઓડિશા ગ્રામીણ બૅન્કની પાટના બ્લૉકના મલ્લીપોશી ગામની બ્રાન્ચ હતી.
પાટના બ્લૉકના દિયાનાલી ગામના રહેવાસી જીતુ મુંડા તેમની બહેનના ગ્રામીણ બૅન્કના ખાતામાંથી 19,300 રૂપિયા ઉપાડવા માંગતા હતા.
તેમની 56 વર્ષની બહેન કલરા મુંડાનાં લગ્ન પાડોશમાં આવેલા જાજપુર જિલ્લાના સુકરુ મુંડા સાથે થયાં હતાં.
કલરા મુંડા અને સુકરુ મુંડાને એક પુત્ર હતો. પરંતુ તેમના પતિ અને પુત્રનાં મૃત્યુ પછી, તેઓ દિયાનાલીમાં તેમના મામાના ઘરે પાછા આવી ગયાં અને ગુજરાન ચલાવવા માટે દૈનિક મજૂર તરીકે કામ કરતાં હતાં.
થોડા મહિના પહેલાં, કલરાએ પોતાનું એક વાછરડું વેચી દીધું હતું અને તેમાંથી મળેલા 19,300 રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા.
હાડપિંજર લઈને બૅન્કમાં કેમ પહોંચ્યા?
બે મહિના પહેલાં, કાલરા મુંડાનું અવસાન થયું અને તેમના ભાઈ જીતુ પૈસા ઉપાડવા બૅન્ક ગયા હતા.
જીતુએ કહ્યું, "હું ઘણી વાર બૅન્ક મૅનેજરને સમજાવવા આવ્યો કે મારી બહેનનું બે મહિના પહેલાં મૃત્યુ થયું છે. જ્યારે બૅન્ક મૅનેજરે મારી વાત સાંભળવાનો ઇન્કાર કર્યો અને ખાતાધારકને લાવવા અથવા કાનૂની વારસદારના દસ્તાવેજો આપીને મૃત્યુનો પુરાવો આપવાનો આગ્રહ કર્યો, ત્યારે હું હતાશ થઈ ગયો અને તેમને પુરાવો બતાવવા માટે હાડપિંજર લઈને આવ્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ગામના સ્મશાન ઘાટ સુધી ત્રણ કિલોમીટર ચાલીને ગયા, તેમની બહેનના અવશેષો કાઢ્યા, તેમને શણના કોથળામાં મૂક્યા અને તેને આકરા તડકામાં પોતાના ખભા પર મૂકીને તે બૅન્ક સુધી લઈ ગયા હતા.
બૅન્ક પરિસરમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકો આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. બૅન્કે તાત્કાલિક પોલીસ અને બીડીઓને ફોન કર્યો.
પોલીસ અને બીડીઓએ જીતુને ખાતરી આપી કે તેમની વિનંતી સાંભળવામાં આવશે અને તેમને હાડપિંજર એ જ સ્મશાનભૂમિમાં પાછું લઈ જવા કહ્યું. ત્યારબાદ જીતુ હાડપિંજરને ખભા પર લઈને ત્રણ કિલોમીટર ચાલીને સ્મશાનભૂમિ ગયા.
જિલ્લા વહીવટીતંત્રે એક નિવેદન બહાર પાડ્યું
ઓડિશા ગ્રામીણ બૅન્કના મૅનેજર સુશાંતકુમાર સેઠીએ જણાવ્યું, "જ્યારે જીતુ પૈસા ઉપાડવા આવ્યા ત્યારે મેં તેમને કહ્યું કે સંબંધિત વ્યક્તિએ અહીં હાજર રહેવું પડશે. શરૂઆતમાં, તેમણે કહ્યું કે તેમનાં બહેનને લકવો થયો છે અને તે આવી શકતાં નથી. જ્યારે મેં કહ્યું કે બૅન્ક સ્ટાફ તમારા ઘરે જશે, ત્યારે તેમણે કહ્યું કે તેઓ મરી ગયાં છે."
બૅન્ક મૅનેજરે એમ પણ જણાવ્યું કે જીતુ છેલ્લા બે મહિનામાં ક્યારેય પૈસા ઉપાડવા બૅન્કમાં આવ્યા નથી. તેમણે ઉમેર્યું કે કલરાના અન્ય બે કાનૂની વારસદારો પણ પૈસા ઉપાડવા બૅન્કમાં આવ્યા હતા, તેથી બૅન્કે જીતુને કાનૂની દસ્તાવેજો રજૂ કરવા કહ્યું.
28 એપ્રિલના રોજ તપાસ બાદ, ખાતામાં જમા કરાયેલા 19,410 રૂપિયા જીતુ અને કલરાના અન્ય બે કાનૂની વારસદારો (તેમના ભાઈ અને બહેન)ને સોંપવામાં આવ્યા.
પોલીસે જણાવ્યું, "અમે તેમને કહ્યું કે રકમ એકબીજામાં સરખા ભાગે વહેંચી દો."
આ ઘટનાની માહિતી મળ્યા બાદ ઓડિશાના મહેસૂલ મંત્રી સુરેશ પૂજારીએ કહ્યું કે દાના માંઝી પછી ઓડિશામાં આ બીજી ઘટના છે.
તેમણે કહ્યું કે જિલ્લા કલેક્ટર આ મામલાની તપાસ કરી રહ્યા છે અને બૅન્ક મૅનેજર સામે તેમના વલણ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.
હવે ક્યોંઝર જિલ્લા વહીવટીતંત્રે આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું છે.
એક નિવેદનમાં, જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, "લોકોના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરવું એ જિલ્લા વહીવટીતંત્રનો મૂળભૂત ઉદ્દેશ્ય છે."
જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે આ ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા રેડક્રૉસ ફંડમાંથી કાલરા મુંડાના ભાઈ જીતુ મુંડાને 30,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી હતી.
વહીવટીતંત્રે કહ્યું છે કે 'આ ઉપરાંત, તેમને મૃત્યુ પ્રમાણપત્ર અને કાનૂની વારસદારનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.'
જિલ્લા વહીવટીતંત્રે એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે તે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન