You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ કેવી રીતે જોઈ શકાશે?
ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવાયેલી ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનાં પરિણામના દિવસો નજીક આવી ગયા છે.
2025માં ધોરણ 12ના પરિણામની જાહેરાત પાંચમી મેના રોજ કરવામાં આવી હતી. ત્યાર પછી 8મેએ 10મા ધોરણનું પરિણામ જાહેર થયું હતું.
આ વર્ષે પણ ટૂંક સમયમાં ધોરણ 10 અને 12ના પરિણામની જાહેરાત થાય તેવી શક્યતા છે. જોકે, હજુ સુધી તેની તારીખ જાહેર થઈ નથી.
આ દરમિયાન લોકો GSEB SSC પરિણામ 2026ની તારીખ માટે ઇન્ટરનેટ પર શોધખોળ ચલાવી રહ્યા છે.
દર વર્ષની જેમ ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ શાળામાંથી માર્કશીટ મળે તે અગાઉ પોતાની સીટ નંબરનો ઉપયોગ કરીને જીએસઇબીની સત્તાવાર વેબસાઇટ પરથી તેમનું પરિણામ જાણી શકશે.
ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે જાહેર થશે?
ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડનાં પરિણામ ક્યારે જાહેર થશે તેની કોઈ સત્તાવાર તારીખ જાહેર નથી થઈ, પરંતુ આ પરિણામ ચાલુ સપ્તાહમાં અથવા આગામી સપ્તાહે જાહેર થવાની શક્યતા છે.
મોટા ભાગે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પરિણામ આવી જશે એવું માનવામાં આવે છે.
ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 18 માર્ચ, 2026 સુધી ચાલી હતી જેમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. હવે તેનાં પરિણામના દિવસ નજીક આવી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક અહેવાલ પ્રમાણે ધોરણ 12નું સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવશે. ત્યાર પછી એસએસસીનું પરિણામ જાહેર થશે.
માર્ચમાં પરીક્ષા પૂર્ણ થયા પછી અત્યાર સુધીમાં મૂલ્યાંકનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે પરિણામ જાહેર થવાની તૈયારી છે.
ધોરણ 10 અને 12નું પરિણામ કેવી રીતે જોવું?
ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ gseb.org પર જઈને પોતાના સીટ નંબર એન્ટર કરીને પરિણામ જાણી શકે છે.
તેના માટે આ મુજબની પ્રક્રિયા કરવાની રહેશેઃ
- સૌથી પહેલાં gseb.org પર જાવ
- અહીં SSC Result 2026 પર ક્લિક કરો
- અહીં તમારા સીટ નંબર દાખલ કરો
- સબમિટ પર ક્લિક કરો
- તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે
- તમે પરિણામનો સ્ક્રીનશૉટ લઈ શકો અને ડાઉનલોડ પણ કરી શકો છો
ધોરણ 10 અને 12 માટે વિદ્યાર્થીઓના 6 આંકડાના સીટ નંબર હોય છે.
આ ઉપરાંત એસએમએસ અને વૉટ્સઍપથી પણ પરિણામ જાણી શકાય છે.
જેમ કે એસએસસી (ધોરણ 10,12)નું પરિણામ જાણવું હોય તો SSC (Seat Number) લખીને 56263 પર એસએમએસ મોકલવાનો રહેશે. જ્યારે ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીએ GJ12S (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીએ GJ12G (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે.
2025માં કેવું પરિણામ આવ્યું હતું?
2025માં ગુજરાત બોર્ડના 83 ટકાથી વધારે વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષામાં પાસ થયા હતા. જ્યારે ધોરણ 12 સાયન્સમાં પાસ થનારાની ટકાવારી 83.51 ટકા હતી. સામાન્ય પ્રવાહનું 93 ટકા કરતાં વધારે પરિણામ આવ્યું હતું.
પરિણામ જાહેર થયા બાદ પરીક્ષા પછીનું વેરિફિકેશન કરાવવા, પેપર વેરિફિકેશન, નામમાં સુધારા, ગુણનો અસ્વીકાર, નવેસરથી પરીક્ષા આપવા અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને શાળાને મોકલવામાં આવશે.
ધોરણ 12નું બોર્ડની પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓની કારકિર્દી નક્કી કરવામાં સૌથી મહત્ત્વનું હોય છે. ધોરણ 12 પછી પ્રોફેશનલ કોર્સ માટે અરજી કરવામાં આવતી હોય છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓ જેઇઇ, નીટ અને ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાઓ પણ આપે છે.
ગુજરાતમાં એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષાના ગુણને 60 ટકા વેઇટેજ અપાય છે જ્યારે ગુજકેટના પરિણામને 40 ટકા વેઇટેજ મળે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન