You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પશ્ચિમ બંગાળ SIR : 34 લાખ અપીલ પરંતુ તેની સામે માત્ર 1,607 નામોનો ઉમેરો, કેટલા કેસોની સુનાવણી થઈ તેની પણ જાણકારી નહીં
- લેેખક, મયૂરી સોમ અને અભિક દેબ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં, મંગળવારે ચૂંટણી પંચે એ 1,468 મતદારોની પૂરક યાદી જાહેર કરી હતી, જેમનાં નામ મતદાર યાદીમાં ફરી ઉમેરવામાં આવ્યાં છે. અને પહેલી મૂળ યાદીમાંથી છ મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં.
આ યાદી, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ટ્રિબ્યુનલ્સે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદીમાં સુધારા સામે કરવામાં આવેલી અપીલો બાબતે કરેલા નિર્ણય પર આધારિત છે.
મંગળવારે આવી બીજી પૂરક યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રથમ પૂરક યાદી 22 એપ્રિલે એટલે કે મતદાનના પહેલા તબક્કાના એક દિવસ પહેલાં જાહેર કરવામાં આવી હતી. એ યાદીમાં ફક્ત 139 મતદારોનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં અને આઠનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં.
આમ, બે યાદીમાં કુલ 1,607 મતદારો ઉમેરવામાં આવ્યા છે અને માત્ર 14નાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. આ મહિનાની શરૂઆતમાં આપેલા એક આદેશમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ટ્રિબ્યુનલ્સ સમક્ષ 34 લાખથી વધુ અપીલ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લેતાં આ સંખ્યા આશ્ચર્યજનક છે.
SIR બાબતે સવાલ
SIR પ્રક્રિયા પછી પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાંથી લગભગ 91 લાખ મતદારોને દૂર કરવામાં આવ્યા હતા.
એ પૈકીના 63 લાખને "ગેરહાજર, સ્થળાંતરિત, મૃત અથવા ડુપ્લિકેટ" તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે અન્ય 27 લાખમાં જોડણી, લિંગ નોંધણીમાં ભૂલો, માતાપિતા અથવા દાદા-દાદીની વયના સંદર્ભમાં અસામાન્ય તફાવત વગેરે જેવી "તાર્કિક વિસંગતતાઓ" હતી.
SIR હેઠળ મતદાતા પાત્રતા માટે ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સંબંધી વાંધાઓની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 19 ટ્રિબ્યુનલની નિમણૂક કરી હતી. ગયા મહિને ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી ત્યારથી 34 લાખથી વધુ અપીલો દાખલ કરવામાં આવી છે. એ પૈકીની કેટલી અપીલોની સુનાવણી ટ્રિબ્યુનલે કરી છે તે હાલ સ્પષ્ટ નથી.
મંગળવારે પત્રકારો સાથે વાત કરતાં પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે કુલ કેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો છે તેનો કોઈ આંકડો તેમની પાસે નથી અને તે એક "ઍકેડેમિક કવાયત" છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, 1,607 ઉમેરા અને કાઢી નાખવામાં આવેલા 14 મતદારોનાં નામ કુલ 34 લાખ અપીલોના 0.05 ટકા કરતાં પણ ઓછા છે. એ ઉપરાંત ટ્રિબ્યુનલે મોટાભાગના નિર્ણયનું પરિણામ મતદારોને યાદીમાં સામેલ કરવાના સ્વરૂપનું છે.
નામ હટાવવાં અને ઉમેરવાનો ગુણોત્તર લગભગ 1:115 છે.
'લોકોને SIR મામલે અપીલ કરવાની જાણકારી નથી'
પ્રસ્તુત આંકડાઓ બહાર આવવાની સાથે, ટ્રિબ્યુનલની સુનાવણી પછી જેમનાં નામ મતદાર યાદીમાં પુનઃ સમાવવામાં આવ્યાં છે એવા કેટલાક લોકો પણ મૂંઝવણમાં છે.
તૃણમૂલ કૉંગ્રેસના નેતા અને મુર્શિદાબાદ જિલ્લાની ધુલિયન નગરપાલિકાના અધ્યક્ષ ઇન્જામુલ ઇસ્લામ, પ્રથમ પૂરક યાદીમાં જે 139 મતદારોનાં નામ ઉમેરવામાં આવ્યાં છે એમના પૈકીના એક છે. તેમણે ગયા અઠવાડિયે ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારને જણાવ્યું હતું કે તેમનું નામ ઉમેરવામાં આવ્યું છે, પરંતુ તેમના બે ભાઈઓનાં નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે. તેમનાં નામ ફરી સમાવવામાં આવ્યાં નથી.
ઇન્જામુલ મુર્શિદાબાદના સમશેરગંજ વિધાનસભા મતવિસ્તારના મતદાર છે. આ મતવિસ્તારમાંથી 74,775 મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં હતાં. રાજ્યના તમામ મતવિસ્તારોમાં પડતા મૂકાયેલા મતદારોની આ સૌથી મોટી સંખ્યા છે.
ઇન્જામુલે મંગળવારે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે તેમણે પહેલા તબક્કામાં મતદાન કર્યું હતું. બીજું કંઈ બોલવાનો ઇન્કાર કરતાં તેમણે કહ્યું હતું કે "હું ચોથી મે (પરિણામના દિવસ) પછી બોલીશ."
પશ્ચિમ બંગાળના SIR સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહેલા સાબર ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય સંશોધક સાબીર અહમદે બીબીસી બાંગલાને જણાવ્યું હતું કે જેમનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે એવા 150થી 200 લોકોના ફોન કૉલ્સ તેમને રોજ આવી રહ્યા છે.
મતદારોને અપીલ દાખલ કરવામાં મદદ માટે સાબર ઇન્સ્ટિટ્યૂટે પ્રો-બોનો લિગલ સેલની સ્થાપના પણ કરી છે.
"ટ્રિબ્યુનલમાં અપીલ કેવી રીતે દાખલ કરવી તે મોટાભાગના લોકો જાણતા નથી," એમ કહેતાં અહમદે ઉમેર્યું હતું કે અપીલકર્તાઓએ તેમની ફરિયાદ આપવાની હોય છે અને 1,000 શબ્દોમાં પાત્રતા દસ્તાવેજોની વિગતોનો ઉલ્લેખ કરવાનો હોય છે. આ કામ ઘણા લોકોને મુશ્કેલ લાગે છે.
નામ કાઢી નાખવા બાબતે મતદારોમાં અસંતોષ
પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા સંદર્ભે ટ્રિબ્યુનલ્સની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્નો લાગેલાં છે, પરંતુ ચૂંટણી પંચે "તાર્કિક વિસંગતતાઓ"ની કૅટેગરી રજૂ કરી ત્યારથી વિવાદ ઉગ્ર બન્યો છે. આ કારણે લાખો મતદારો "નિર્ણય આધિન" શ્રેણીમાં આવી ગયા છે.
SIR અંગેના ચૂંટણી પંચના પ્રારંભિક આદેશોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો અને પશ્ચિમ બંગાળ પહેલાં કોઈપણ રાજ્યમાં તે અમલમાં મૂકવામાં આવ્યો ન હતો. પ્રારંભિક ગાઇડલાઇન્સ અનુસાર, કોઈ મતદાર રાજ્યની 2002ની મતદાર યાદીમાં ખુદની અથવા તેમનાં માતાપિતાની હાજરી પૂરવાર કરી શકે તો તેને પાત્ર ગણવાની જોગવાઈ હતી.
જોકે, ચૂંટણી પંચે "તાર્કિક વિસંગતતાઓ"ની કૅટેગરી રજૂ કર્યા પછી 60 લાખથી વધુ મતદારોને તેમની પાત્રતા સાબિત કરવા માટે નોટિસો મોકલવામાં આવી હતી. એ 60 લાખમાંથી 27 લાખથી વધુનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં હતાં.
એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં, મતદાન મથકોમાં પ્રિસાઇડિંગ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલા ઓછામાં ઓછા 65 લોકોનો સમાવેશ આ 27 લાખ લોકોમાં થાય છે.
ચૂંટણી પંચ તેની ગાઇડલાઇન્સમાં મતદાન મથકો પરના પ્રિસાઈડિંગ ઑફિસર્સને "સૌથી મહત્ત્વપૂર્ણ અધિકારી" તરીકે વર્ણવે છે. તેમની નિમણૂક જનપ્રતિનિધિત્વ કાયદા, 1951 હેઠળ જોગવાઈ કરવામાં આવી છે.
તેમ છતાં, મુર્શિદાબાદની સરકારી શાળાના શિક્ષક અખ્તર અલી જેવા ઘણા લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. અખ્તર અલીએ બીબીસી બાંગ્લાને જણાવ્યુ હતું કે તેમણે મતદાનના પ્રથમ તબક્કામાં પ્રિસાઇડિંગ ઑફિસર તરીકે સેવા આપી હતી અને ભૂતકાળમાં પણ ચાર ચૂંટણીમાં એ કામ કર્યું છે.
અખ્તર અલીના જણાવ્યા મુજબ, તેમના પિતાનું નામ 2002ની મતદાર યાદીમાં હોવા છતાં તેમને ચૂંટણી પંચ તરફથી "તાર્કિક વિસંગતતા" નો ઉલ્લેખ કરતી નોટિસ મળી હતી.
અખ્તર અલીએ દાવો કર્યો હતો કે તેમણે તેમની યોગ્યતા સાબિત કરવા માટે છેક 1951નું તેમના પિતાનું મતદાર કાર્ડ અને જમીનના દસ્તાવેજો ચૂંટણી પંચમાં રજૂ કર્યા હતા. તેમ છતાં દસ્તાવેજોમાં તેમના પિતાનું નામ મિસમૅચ થતું હોવાથી તેમનું નામ રદ કરવામાં આવ્યું હતું.
"પુખ્ત અને ભારતીય નાગરિક હોવા છતાં મતદાનનો મારો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે તે પીડાદાયક છે," એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે "સાચા મતદાર" હોવા છતાં તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું.
મુર્શિદાબાદના પ્રિસાઇડિંગ ઑફિસર મોહમ્મદ મોસેલુદ્દીન સુવાણીએ પણ આવી જ કથની વર્ણવી હતી. તેમણે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે તેમનું નામ "નિર્ણય આધિન" શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું, કારણ કે તેમના સહિત છ લોકોનાં નામ તેમના પિતાના નામ સાથે તેમનાં બાળકો તરીકે નોંધવામાં આવ્યાં હતાં.
ચૂંટણી પંચના નિયમ અનુસાર, છ કે તેથી વધુ લોકોને એક વ્યક્તિનાં સંતાનો તરીકે સૂચિબદ્ધ કરવાને "તાર્કિક વિસંગતતા" માનવામાં આવે છે.
સુવાણીએ જણાવ્યું હતું કે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે તેમણે તેમના દસમા ધોરણના પાસિંગ સર્ટિફિકેટ સહિતના અનેક દસ્તાવેજો ચૂંટણી પંચમાં રજૂ કર્યા હતા. તેમ છતાં તેમનાં છ ભાઈ-બહેનોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું હતું કે "આ એક વિચિત્ર અને પીડાદાયક પરિસ્થિતિ છે. મને ખબર નથી કે મને મતદાનનો મારો અધિકાર ક્યારે પાછો મળશે."
સમશેરગંજ મતવિસ્તારના મતદારો અલી અને સુવાણીએ તેમનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાં સામે ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી છે, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નથી.
પોતાના મતદાનના અધિકારને પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી અરજી પ્રિસાઇડિંગ અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં પણ દાખલ કરી હતી, પરંતુ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો હતો અને ટ્રિબ્યુનલમાં અપીલો આગળ ધપાવવા અરજદારોને જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટની દખલ પણ કામ ન લાગી
88 વર્ષના સુપ્રભુદ્ધ સેનના કિસ્સામાં સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ પણ અપૂરતો સાબિત થયો હતો. સુપ્રબુદ્ધ સેન કલાકાર નંદલાલ બોઝના પૌત્ર છે. નંદલાલ બોઝે ભારતીય બંધારણની મૂળ નકલની હસ્તપ્રત ડિઝાઇન કરી હતી અને રેખાંકન કર્યું હતું.
ચૂંટણી પંચે સુપ્રબુદ્ધ અને તેમનાં પત્નીનું નામ "નિર્ણય આધિન" શ્રેણીમાં મૂક્યું હતું તથા તેમને યોગ્યતા સાબિત કરવાનું જણાવવામાં આવ્યુ હતું. સુપ્રબુદ્ધ સેને બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે તેમનું નામ કાઢી નાખવાના કારણની જાણ તેમને નહોતી. તેમણે તેમનો પાસપૉર્ટ, જમીનના દસ્તાવેજો અને આધાર કાર્ડ રજૂ કર્યા હોવા છતાં તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ મામલે અગ્રતાના ધોરણે નિર્ણય કરવાનો આદેશ ટ્રિબ્યુનલને આપ્યો હતો. ટ્રિબ્યુનલે સુપ્રબુદ્ધ સેન અને તેમનાં પત્નીની મતદાર તરીકેની યોગ્યતાને મંજૂરી આપી હતી, પરંતુ 23 એપ્રિલની સવારે તેઓ બોલપુર મતવિસ્તારમાં એક મતદાન મથક પર તેઓ મતદાન કરવા ગયા ત્યારે મતદાર યાદીમાં તેમનું નામ મળ્યું ન હતું.
સુપ્રબુદ્ધ સેને બીબીસી બાંગ્લાને કહ્યું હતું કે "જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી વિના અમને મતદાન કરવા દેવાશે નહીં, તેવું અમને કહેવામાં આવ્યું હતું. મેં આશા છોડી દીધી હતી, પરંતુ મારાં સંતાનોએ નહીં. આખરે સાંજે સાડા ચાર વાગ્યે મેં મતદાન કર્યું હતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન