You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓપેક: દુનિયા આખીમાં ક્રૂડઑઇલની કિંમતોને કંટ્રોલ કરતું કાર્ટેલ
યુનાઇટેડ આરબ અમીરાતે (યુએઇ) તાજેતરમાં લગભગ 60 વર્ષના સંગાથ બાદ ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ ઍક્સપૉર્ટિંગ કન્ટ્રીઝ) અને ઓપેક+ જૂથોમાંથી આવતા મહિને છૂટા પડવાની જાહેરાતને આ જૂથ માટે એક મોટો ફટકો ગણવામાં આવી રહ્યો છે.
એક વિશ્લેષકે તો આ વાતને 'ઓપેકના અંતની શરૂઆત' પણ ગણાવી દીધી હતી.
હાલ જ્યારે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે સમગ્ર વિશ્વમાં અર્થતંત્ર, ઊર્જા અને મુક્ત વેપાર પર તેની અસરોની ચિંતા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે યુએઇના આ નિર્ણયથી વિશ્વભરમાં ઈંધણના ભાવો અંગે એક વધુ એક ચિંતાનો મુદ્દો ઊભો થયો છે.
યુએઇએ કહ્યું છે કે આ નિર્ણય તેની "દીર્ઘકાલીન વ્યૂહરચના, ઇકૉનૉમિક વિઝન અને બદલાતી ઍનર્જી પ્રોફાઇલ"ને રજૂ કરે છે.
યુએઇના ઊર્જા મંત્રી સુહૈલ અલ મઝરૂઈએ કહ્યું કે આ સમૂહો અંતર્ગતના બંધનોમાંથી મુક્ત થયા બાદ દેશને વધુ ફ્લેક્સિબિટી મળશે.
ઓપેક, ઓપેક+ શું છે? તે ઑઇલના ભાવ કેવી રીતે નિયંત્રિત કરે છે?
વર્ષ 1960માં ઓપેકની સ્થાપના, ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા, એમ પાંચ દેશોએ સાથે મળીને કરી હતી.
તેની સ્થાપનાનો હેતુ પ્રોડક્શનમાં સંકલન થકી સભ્ય દેશો માટે સ્થાયી આવક સુનિશ્ચિત કરીને મોટા ક્રૂડઑઇલ ઉત્પાદકોનાં હિતોના રક્ષણનો હતો.
પાછલાં અમુક વર્ષોમાં આ જૂથમાં સભ્ય દેશોની સંખ્યામાં વધઘટ જોવા મળી છે. પાંચ સ્થાપક દેશો ઉપરાંત અલ્જિરિયા, ઇક્વેટોરિયલ ગીની, ગેબન, લીબિયા, નાઇજીરિયા અને રિપબ્લિક ઑફ કૉંગો પણ ઓપેકનાં સભ્ય રાષ્ટ્રો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુએઇ આ જૂથમાં 1967માં સામેલ થયું હતું, જોકે, તેના નીકળી જવાથી ઓપેકમાં હવે 11 દેશો જ રહી જશે.
2016માં ખનીજ તેલના ભાવો બહુ નીચે જતા રહ્યા તે પછી ઑપેક સંગઠને ક્રૂડ ઉત્પાદક બીજા દસ દેશોને પણ પોતાની સાથે જોડ્યા અને તે રીતે ઑપેક+ સંગઠન તૈયાર થયું હતું, જેમાં રશિયા પણ સામેલ છે.
સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ ઇન્ટરનૅશનલ ઍનર્જી એજન્સીએ કહ્યું હતું કે ઓપેક પ્લસનો ગ્લોબલ ક્રૂડઑઇલ ઉત્પાદનમાં ભાગ માર્ચમાં ઘટીને 44 ટકા રહી ગયો, જે ફેબ્રુઆરીમાં 48 ટકા હતો.
એપ્રિલ માસમાં તે વધુ ઘટે તેવી શક્યતા છે, કારણ કે ઉત્પાદનમાં ઘટાડો વધુ સ્પષ્ટપણે દેખાવા લાગ્યો છે.
ઍનર્જી ઇન્સ્ટિટ્યૂટના કૅટ ડૉરિયન કહે છે, "ઓપેક+ બજારને સ્થિર રાખવા માટે માગ અને પુરવઠાને પોતાની રીતે નિયંત્રિત કરે છે. બજારમાં માગ ઓછી થાય અને ભાવો ઘટે ત્યારે જરૂર પ્રમાણે પુરઠવો ઓછો કરીને કિંમતોને ટકાવી રાખવામાં આવે છે."
એ જ રીતે ઓપેક+ ધારે ત્યારે ભાવોને નીચે પણ લાવી શકે છે, કેમ કે તેના દેશો દ્વારા વધુ પ્રમાણમાં ક્રૂડઑઇલની નિકાસ કરવામાં આવે ત્યારે ભાવો દબાય છે.
યુનાઇટેડ આરબ અમીરાતના જૂથમાંથી નીકળી જવાથી શું ફરક પડશે?
ઓપેકના તાજા આંકડા અનુસાર, યુએઇ વાર્ષિક 29 લાખ બૅરલ ક્રૂડઑઇલનું ઉત્પાદન કરે છે. ઓપેકનો સૌથી મોટો ઉત્પાદક દેશ સાઉદી અરેબિયા વાર્ષિક 90 લાખ બેરલ ક્રૂડઑઇલનું ઉત્પાદન કરે છે.
યુએઇના આ નિર્ણયને આ ઉત્પાદક સંઘ માટે એક ફટકો માનવામાં આવી રહ્યો છે.
એસએમટી ફાઇનાન્સિયલમાં ઊર્જા અનુસંધાનના પ્રમુખ શાઊલ કાવોનિકે કહ્યું કે આ ગઠબંધનના "અંતની શરૂઆત" હોઈ શકે છે.
તેમણે કહ્યું, "યુએઇના બહાર થવા સાથે, ઓપેક પોતાની ક્ષમતાનો લગભગ 15 ટકા ભાગ ગુમાવી દેશે."
આ નિર્ણયને ઓપેકની સાથોસાથ આ જૂથના સર્વેસર્વા મનાતા સાઉદી અરેબિયા માટે પણ એક ફટકો માનવામાં આવી રહ્યો છે.
બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન પ્રમાણે, યુએઇ જેવા લાંબા સમયથી ઓપેકના સભ્ય રહેલા દેશના બહાર થઈ જવાથી સમૂહમાં અવ્યવસ્થા પેદા થઈ શકે છે અને તે નબળો પડી શકે છે. બીજી તરફ, આ સમૂહ સામાન્યપણે ભૂરાજકીયથી માંડીને ઉત્પાદન ક્વૉટા સહિતના ઘણા મુદ્દે આંતરિક મતભેદો છતાં એકતા પ્રદર્શિત કરવાની કોશિશ કરતો રહ્યો છે.
બ્લૅક ગોલ્ડ ઇન્વેસ્ટર્સના સીઇઓ અને ઓપેકના અનુભવી ઑબ્ઝર્વર ગેરી રૉસ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવે છે કે, "તેમણે (યુએઇ) પાછલાં કેટલાંક વર્ષોથી ઉત્પાદન ક્વૉટાને નજરઅંદાજ કર્યો છે અને લગભગ વધુમાં વધુ ઉત્પાદનની નીતિ અપનાવી છે. અંતે, સાઉદી અરેબિયા જ ખરું ઓપેક હતું."
"આ જ એક એવો દેશ હતો જેની પાસે વધારાની ઉત્પાદન ક્ષમતા હતી. રશિયાનું સામેલ થવું એક સારી વાત છે, જેનાથી તેનો પુરવઠો વધારવાની ક્ષમતા પર કેટલીક હદ સુધી નિયંત્રણ રહે છે."
એડીસીબી બૅન્કનાં મુખ્ય અર્થશાસ્ત્રી મોનિકા મલિકે રૉયટર્સને જણાવ્યું, "યુદ્ધ રોકાયા બાદ જ્યારે સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે યુએઇ માટે વૈશ્વિક બજારમાં પોતાનો ભાગ વધારવાનો રસ્તો ખૂલી જશે."
તેમણે કહ્યું કે આ પગલું ગ્રાહકો અને વૈશ્વિક અર્થતંત્ર માટે ફાયદાકારક હોઈ શકે છે.
બજારમાં અસ્થિરતા વધશે?
યુએઇનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વર્લ્ડ બૅન્કે ચેતવણી આપી છે કે મધ્યપૂર્વમાં યુદ્ધને કારણે ક્રૂડઑઇલના પુરવઠામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
તેનું કહેવું છે કે આના કારણે આ વર્ષે ઊર્જાી કિંમતોમાં લગભગ એક-ચતુર્થાંશ વધશે, જ્યારે હોર્મુઝની સામુદ્રધુની મારફતે શિપિંગને યુદ્ધ પહેલાંના સ્તર સુધી પાછું લઈ જવામાં છ મહિના જેટલો સમય લાગી શકે છે.
વર્લ્ડ બૅન્કના મુખ્ય અર્થશાસ્ત્રી ઇંદરમીત ગિલે કહ્યું, "પોતાની આવકનો મોટો ભાગ ભોજન અને ઈંધણ પર ખર્ચ કરતાં સૌથી ગરીબ લોકો આનાથી પ્રભાવિત થશે."
હોર્મુઝની સામુદ્રધુની બંધ રહેવાને કારણે યુએઇના ઓપેક છોડી દેવાથી વૈશ્વિક ઊર્જા પુરવઠા પર તરત અસર નહીં પડે, પરંતુ લાંબા ગાળે તેની અસર વધી શકે છે.
અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે આ દેશે પોતાની ઉત્પાદનક્ષમતા વધારવામાં ભારે રોકાણ કર્યું છે અને તે લાંબા સમયથી વધુ ક્રૂડઑઇલ ઉત્પાદન કરવા ઇચ્છતું હતું.
કૅપિટલ ઇકૉનૉમિક્સના મુખ્ય જળવાયુ અને કૉમોડિટી અર્થશાસ્ત્રી ડેવિડ ઑક્સલેએ કહ્યું કે યુએઇના બહાર થવાથી આગામી દાયકાઓમાં ક્રૂડઑઇલની કિંમતો ઘટી શકે છે, પરંતુ બજારમાં અસ્થિરતા વધી શકે છે.
તેઓ કહે છે કે ભલે યુએઇ એક નાનો દેશ છે, પરંતુ જો અન્ય સભ્ય દેશો પણ બહાર નીકળી જશે, કે રશિયા અને સાઉદી જેવા દેશ તેના પરિણામસ્વરૂપે ઉત્પાદન વધારવાનો નિર્ણય કરશે તો તેની અસર મોટી થઈ શકે છે.
ક્રિસ્ટોલ ઍનર્જીનાં મુખ્ય કાર્યકારી અધિકારી અને આરબ ઍનર્જી ક્લબનાં મહાસચિવ કેરોલ નાખલેએ બીબીસીને કહ્યું કે યુએઇનો આ નિર્ણય "ઘણા સમયતી તૈયાર થઈ રહ્યો હતો."
તેમણે કહ્યું, "અબુ ધાબીએ ઉત્પાદનક્ષમતા વધારવાનાં મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય અપનાવ્યાં, પરંતુ ઘણી વાર સમૂહના ક્વૉટાના કારણે પોતાની જાતને સીમિત મહેસૂસ કર્યું, ખાસ કરીને જ્યારે કેટલાક સભ્ય દેશ એ નિયમોનું સમાનપણે પાલન નહોતા કરી રહ્યા."
નાખલેએ એવું પણ કહ્યું કે ઓપેકના સભ્ય તરીકે ઈરાનની પ્રવૃત્તિઓએ યુએઇના આ નિર્ણયને મજબૂત કર્યો હશે.
કાવોનિકે કહ્યું, "સાઉદી અરેબિયા માટે અન્ય ઓપેકને એક રાખવું મુશ્કેલ થઈ પઢશે. અને તેણે આંતરિક અનુપાલન અને બજાર પ્રબંધનનો મોટા ભાગનો બોજો એકલા જ ઉઠાવવો પડશે." તેમણે એવું પણ કહ્યું કે અન્ય ઓપેક સભ્યો પણ આવું જ પગલું ઉઠાવી શકે છે.
તેમણે કહ્યું, "આ મધ્યપૂર્વ અને ક્રૂ઼ડઑઇલ બજારોમાં એક પાયાના ભૂરાજકીય બદલાવને રજૂ કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન