You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : 'શકમંદના પરિવારજનોને ભૂતની બીક લાગી' અને ખૂલી ગયો '34 વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ'
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદ
- વાંચવાનો સમય: 7 મિનિટ
અમદાવાદના દક્ષિણ-પૂર્વ છેડે આવેલા વટવા ગામ ખાતેના કુતુબનગરની ગલી નંબર 3ના રહીશો માટે ગત બુધવારની સવાર 'આશ્ચર્યજનક અને અજુગતી' સાબિત થઈ.
માંડ 15 ફૂટ પહોળી આ ગલીના બંને છેડે એકબીજાને સાવ અડીને કતારબદ્ધ ગોઠવાયેલાં કાચાંપાકાં મકાનોમાં રહેતા આ લોકો એ દિવસે સવારે આઠ વાગ્યે જેસીબી મશીનનાં ઘોંઘાટ, ધ્રુજારી અને સંખ્યાબંધ પોલીસકર્મીઓના ગણગણાટથી સફાળા જાગી ગયા હતા.
"અમે 22 વર્ષથી અહીં જ રહીએ છીએ. આટલા સમયમાં ક્યારેય અમે એવું નહોતું વિચાર્યું કે સામેના બંધ પડેલા મકાનના ખાળકૂવામાં હત્યા કર્યા બાદ કોઈની લાશ દફન કરાયેલી હતી."
"પોલીસ અને ફોરેન્સિક ટીમ અમારી ગલીમાં આવી ત્યારે અમે પણ આશ્ચર્યચકિત થઈ ગયેલા. આખરે આ મકાનનો એક ભાગ પાડીને ખોદકામ કરીને લગભગ 15 ફૂટ ઊંડેથી હાડપિંજર કાઢવામાં આવ્યું, અમને જાણવા મળ્યું કે આ હાડપિંજર એક મહિલાનું છે, જેની હત્યા 34 વર્ષ પહેલાં કરી દેવાઈ હતી."
55 વર્ષીય સલીમ ખાન અઝીઝ ખાન જ્યાંથી માનવકંકાલ કબજે કરાયું એ બંધ પડેલા મકાનની સામે બે માળના મકાનમાં પોતાના 28 જણના પરિવાર સાથે રહે છે, તેમના શબ્દોમાં આ સમગ્ર ઘટનાક્રમને લીધે વિસ્તારમાં ફેલાયેલી અચરજની લાગણી અનુભવી શકાય છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમે, કાર્યવાહીના દિવસે સવારના આઠ વાગ્યાથી માંડીને રાત્રે આઠ વાગ્યા સુધીમાં ઍક્ઝિક્યૂટિવ મૅજિસ્ટ્રેટની હાજરીમાં ખોદકામ કરીને હાડપિંજર કબજે કર્યું હતું.
પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, "આ હાડપિંજર એક મહિલાનું છે, જેમની તેમના જ પતિએ અન્ય કેટલાક લોકો સાથે મળીને 1992ના ઑગસ્ટ માસની આસપાસ હત્યા કરી દીધી હતી. શકમંદોના પરિવારજનોને પોતાના પરિવાર પર કોઈ 'ભૂત-પ્રેતનો પડછાયો' હોવાનો અહેસાસ થતો રહેતો, જેના નિરાકરણ માટે તેઓ ભૂવા અને આવી સમસ્યાઓ દૂર કરવાનો દાવો કરતા લોકો પાસે જતા હતા. ત્યાંથી અમને આ મામલામાં પ્રથમ વખત માહિતી મળી, જે બાદ દોઢ-બે મહિના સુધી આ અંગે વધુ માહિતી મેળવ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે."
પોલીસનું કહેવું છે કે હાલ તેમણે આ મકાનમાંથી મળી આવેલા હાડપિંજરનાં ડીએનએની તપાસ માટે સૅમ્પલ ફોરેન્સિક સાયન્સ લૅબમાં મોકલી આપવામાં આવ્યાં છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલામાં એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે જણાવ્યું કે આ મામલામાં હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે, અને 'જાણવાજોગ' એટલે કે સ્ટેશન-ડાયરી ઍન્ટ્રીની કાર્યવાહી કરાઈ છે. હાલ, છ-સાત શકમંદોની હાલ પૂછપરછ ચાલી રહી છે.
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલો વિગતવાર જાણવા માટે કુતુબનગરના સ્થાનિકો અને પોલીસ સાથે વાત કરી હતી.
'પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ બન્યો હત્યાનું કારણ'
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમને ઘટના સાથે સંકળાયેલા લોકોનાં નિવેદનો પરથી અને અમે કરેલી તપાસને આધારે વધુ માહિતી મળી હતી."
તેમણે કહ્યું, "શકમંદો જ્યારે આ મહિલાની (ફરઝાના) હત્યા કરીને આ ઘરના ખાળકૂવામાં તેની લાશ દફનાવી રહ્યા હતા ત્યારે મામલાના સાક્ષી અચાનક ઘરે આવી ગયા હતા, જેને ધમકાવવાને કારણે તેણે આટલાં વર્ષો સુધી આ મામલા અંગે કોઈને જાણ નહોતી કરી."
સાક્ષી પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી જણાવતાં એસીપી ભરત પટેલે કહ્યું, "મૃતક ફરઝાનાને સુરતમાંથી કાઢી મુકાતાં તે એક સેક્સવર્કર તરીકે કામ કરવા લાગી હતી, એ દરમિયાન તેનો પરિચય હત્યાના મુખ્ય શકમંદ શમશુદ્દીન સાથે થયો હતો. જે બાદ બંનેનાં લગ્ન થઈ ગયાં, પરંતુ લગ્નજીવન શરૂ થયા બાદ પણ ફરઝાનાએ તેની અગાઉની પ્રવૃત્તિ ચાલુ રાખી, બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતાં, પરંતુ ફરઝાના શમશુદ્દીનને છોડવા માગતી નહોતી."
"બંને વચ્ચેના આ અણબનાવને પગલે તેણે પોતાના એક મિત્ર અબ્દુલ કરીમ અને મોટા ભાઈ ઇકબાલની મદદ લીધી અને કુલ ચાર જણે મળીને તેની હત્યા કરવાનું નક્કી કર્યું. અબ્દુલ કરીમ આ કામનાં શંકાસ્પદ મદદગાર એવાં મહિલા સાલિયાબીબી પાસેથી પૈસા માગતા હતા. તેથી પ્લાનિંગ કરીને શમશુદ્દીન તેની પત્ની ફરઝાના સાથે સાલિયાબીબીના ઘરે બનાવના દિવસે રોકાવવા ગયો હતો. તેમના જવા પહેલાં શમશુદ્દીના ભાઈ ઇકબાલ અને મિત્ર અબ્દુલ કરીમે સાલિયાબીબીના ઘરે ખાળકૂવાને ખોદીને તૈયાર રખાવ્યો હતો," ભરત પટેલ જણાવે છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર, 34 વર્ષ પહેલાંની એ રાત્રે જ્યારે મૃતક ફરઝાના સૂઈ ગયાં ત્યારે તેમના પતિ શમશુદ્દીને કથિતપણે તેમનું ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી, તેમના ભાઈ ઇકબાલે આ દરમિયાન કથિતપણે ફરઝાનાના પગ તેમજ મિત્ર અબ્દુલ કરીમે ફરઝાનાના હાથ પકડી રાખ્યા હતા. આ ત્રણેયે સાલિયાબીબી સાથે મળીને ફરઝાનાના મૃતદેહને કથિતપણે અગાઉથી ખોદાવી રાખેલા ખાળકૂવામાં દફન કરીને મૃતદેહને સગેવગે કરવાના પ્રયાસ કર્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અને આ મામલામાં તપાસ અધિકારી એપી જેબલિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ હાડપિંજર મહિલાનું હોવાની ખાતરી થઈ ચૂકી છે, પ્રાથમિક તપાસ મુજબ, આ મહિલાની ઉંમર મૃત્યુ સમયે 18થી 21 વર્ષની હતી. હજુ સુધી અમે આ બનાવમાં ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ."
તેમણે જણાવ્યું કે આ બનાવના મુખ્ય શકમંદ શમશુદ્દીન અને ભાઈ ઇકબાલની પોલીસને ભાળ મળી ચૂકી છે, આ બંને જીવિત છે અને પોલીસના રડારમાં છે. ઉપરાંત બીજાં શકમંદ સાલિયાબીબી અને અબ્દુલ કરીમ મૃત્યુ પામી ચૂક્યાં છે.
પોલીસને '34 વર્ષ પહેલાં થયેલી હત્યા'ની કેવી રીતે જાણ થઈ?
હાડપિંજર મળી આવ્યાની વાત સામે આવતાં સ્થાનિક સમાચારપત્રોમાં કથિતપણે હત્યામાં સામેલ લોકોના પરિવારજનોને 'ભૂત-પ્રેતની નડતરનો આભાસ' થતો હોવાની અને તેને કારણે જ આ મામલો પોલીસ સુધી પહોંચવાની વાતો સામે આવવા લાગી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "શકમંદોના પરિવારજનો પોતાના પરિવાર પર કોઈક 'ભૂત-પ્રેતની નડતર' હોવાનો આભાસ થતો રહેતો. તેથી આવી સમસ્યાના નિરાકરણનો દાવો કરનારા ભૂવા જેવા લોકો પાસે જતા, ત્યાંથી અમને પ્રથમ વખત આની માહિતી મળી, એ બાદ અમે દોઢ-બે માસ સુધી અમારા તરફથી તેની નક્કર તપાસ કરાવી અને હાડપિંજર બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી."
પીઆઇ જેબલિયાએ આ અંગે કહ્યું હતું કે, "અમારી તપાસમાં જાણવા મળ્યું હતું કે શકમંદના ઘરના લોકોના મનમાં કંઈક નડતર હોવાની અને આના બનાવને કારણે તેમના ઘરમાં કંઈક સારું ન થઈ રહ્યું હોવાની માન્યતા હતી. એ ઘર પાછલાં સાત-આઠ વર્ષથી બંધ જ પડ્યું હતું. આ મકાન વારસદારોએ વેચી પણ નાખ્યું હતું. તેઓ ત્યાં રહેતા નહોતા. છતાં તેમને આ બનાવને પગલે નડતર થતી હોવાનો આભાસ થવા લાગ્યો અને ધીરે ધીરે તેમની એ શંકા વધુ મજબૂત બનતી ગઈ."
મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે 'ભૂત-પ્રેતના આભાસ'ના ઍંગલ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં કહેલું કે, "ભૂતપ્રેતની વાતને અમે એટલું સમર્થન નથી આપી શકી રહ્યા, કારણ કે આ માન્યતાની બાબત છે, કોઈ માને છે અને કોઈ નહીં. પણ આ મકાન પાછલાં સાત-આઠ વર્ષથી બંધ રહેલું હતું, ત્યાં કોઈ રહેવા માટે તૈયાર નથી. આ મકાનના આસપાસ રહેતા કેટલાક લોકો અને પાડોશીઓનું માનવું છે કે આત્મા તેમને પરેશાન કરી રહ્યો છે, પરંતુ આજના આધુનિક યુગમાં આવી વાતોને માનવું એ ઠીક નથી."
તેમણે જણાવ્યું કે, "અમને આ બનાવ અંગે મળેલી તમામ માહિતી જ્યાં સુધી સત્યની પાસે ન પહોંચ્યાની ખાતરી ન થઈ જાય ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. હાડપિંજર કઢાયા બાદ પણ હજુ સુધી ખાતરીપૂર્વક એવું ન કહી શકાય કે આ અવશેષો ફરઝાનાના જ છે, પરંતુ અમને આ જગ્યાએ ફરઝાનાને જ દફનાવાઈ હોવાની માહિતી મળી છે. ફરઝાનાના ભાઈ જીવિત છે, તેમની સાથે આ અવશેષોનાં ડીએનએ મૅચ કરવાની કાર્યવાહી અને ડીએનએ પ્રોફાઇલિંગ કરાયા બાદ જે પરિણામ આવે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરીશું."
શું કહે છે પાડોશીઓ?
અમદાવાદના વટવા વિસ્તારમાં મુસ્લિમોની બહુમતીવાળા ગીચ વિસ્તારમાં આવેલા કુતુબનગરના રહેવાસીઓનું કહેવું છે કે બુધવારથી તેમની ગલીમાં આસપાસના લોકોની અવરજવર અસામાન્ય રીતે વધી ગઈ છે.
અહીં ગલીની બહાર રસ્તા પર ક્રિકેટ રમતાં બાળકોના ચહેરા પરની બેફિકરી અને જ્યાંથી હાડપિંજર મળી આવ્યું એ ઘરની પાડોશમાં રહેતા લોકોના ચહેરા પર આઘાત અને આશ્ચર્યની લાગણી ગજબ વિરોધાભાસનો અનુભવ કરાવે છે.
આ ઘરના અડધા ભાગમાં હાલ 40 વર્ષીય સાયરાબાનો પોતાનાં પતિ અને ત્રણ દીકરીઓ સાથે પાછલાં ચાર વર્ષથી રહે છે.
તેઓ એક રૂમ અને નાનકડા આંગણાવાળા પોતાના પતરાવાળા મકાનને બતાવતાં કહે છે કે, "મારા મકાનની દીવાલને અડીને જ એક ખાળકૂવો હતો, ત્યાં જ ખોદકામ કરી હાડપિંજર બહાર કઢાયું છે. અમે આ મકાનનો અડધો ભાગ સાલિયાબીબીનાં દીકરી બારેખા પાસેથી ખરીદ્યું હતું. જ્યાંથી કંકાલ મળી આવ્યું એ મકાન ઘણાં વર્ષોથી બંધ હતું. અમને તો ક્યારેય આ વાતનો અહેસાસ જ ન થયો કે અહીં આવું કંઈક થઈ ચૂક્યું છે."
સાયરાબાનો કહે છે કે, "આ મકાનમાં પહેલાં સાલિયાબીબી અને તેનો આખો પરિવાર રહેતો હતો, બાદમાં પરિવારમાં ભાગ પડતાં મકાનના બંને ભાગ વેચાઈ ગયા, બાજુનો ભાગ ત્રણ-ચાર વખત વેચાઈ ચૂક્યો છે તેવી માહિતી મળી છે, પણ ત્યાં ક્યારેય કોઈ રહેવા નથી આવ્યું."
"અમે મુખ્ય શકમંદ શમશુદ્દીન કે અન્ય કોઈ શકમંદને નથી ઓળખતા. ભૂત-પ્રેતના આભાસની વાત કરીએ તો અમને ક્યારેય આવું કંઈ મહેસૂસ નથી થયું. અમારા ઘરમાં અમને સુકૂન છે."
તેમના સામેના ઘરમાં રહેતા 55 વર્ષીય સલીમ ખાન અઝીઝ ખાન જે ઘરમાંથી કંકાલ મળી આવ્યું ત્યાં પોલીસની ટીમે કરેલા ખોદકામ અને કચરામાં ફેંકી દેવાયેલાં હાથનાં મોજાં વગેરે બતાવતાં કહે છે કે, "અહીંથી લગભગ 15-20 ફૂટ નીચેથી અવશેષો મળી આવ્યા. હું અહીં 22 વર્ષથી રહું છું, મેં સાલિયાબીબીને અહીં તેમના પરિવાર સાથે રહેતાં જોયાં છે, ધીરે ધીરે એ લોકોનો પરિવાર અહીંથી સ્થળાંતર કરી ગયો. મકાન સતત બંધ રહેતું હોવાથી આસપાસના લોકોમાં ભૂત-પ્રેતની વાતો ફેલાઈ હતી, પરંતુ અમને ક્યારેય કોઈ આભાસ નથી થયો."
તેઓ પણ સાલિયાબીબી સિવાય આ ઘટનાના અન્ય શકમંદોને ઓળખતા ન હોવાનું કહે છે.
બીબીસી ગુજરાતીએ આ મામલાના શકમંદોનો સંપર્ક કરી તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રયાસો છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન