દિવાળીનો તહેવાર ક્યારે શરુ થયો, તેની પાછળની શું છે દંતકથા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
સમગ્ર ભારતમાં દિવાળીની ઉજવણી ભારે ઉત્સાહથી કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં દરેક ધર્મના લોકો પોતપોતાની આગવી રીતે આ તહેવાર ઉજવે છે. આ સંદર્ભે એક સવાલ છે કે તામિલનાડુમાં દિવાળીની ઉજવણી ક્યારથી શરૂ થઈ?
દિવાળી હિંદુઓના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. બીજા દેશોમાં રહેતા હિંદુઓ પણ આ તહેવાર એટલા જ ઉત્સાહથી ઉજવે છે. જોકે, દેશના દરેક પ્રદેશમાં આ તહેવાર સાથે જોડાયેલી અલગ-અલગ કથાઓ પ્રચલિત છે.
મોટા ભાગનાં વર્ષોમાં આ તહેવાર તામિલ પંચાંગના ઐપ્પસી મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી અમાસના આગલા દિવસે દિવાળી ઉજવવાની શરૂઆત થઈ છે.
અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે દિવાળીનો તહેવાર સામાન્ય રીતે ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવે છે. દિવાળીના અવસરે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય કેટલાક દેશોમાં પણ જાહેર રજા રાખવામાં આવે છે. હિંદુઓ ઉપરાંત જૈન અને શીખ ધર્મના લોકો પણ આ તહેવાર ઉજવે છે.
દિવાળી હિંદુઓનો તહેવાર છે કે બૌદ્ધોનો?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર ભારતમાં દિવાળીને લગતી અનેક કથાઓ પ્રચલિત છે. તેમાંની એક કથા ભગવાન રામ સાથે જોડાયેલી છે. 14 વર્ષનો વનવાસ પૂરો કરીને રામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યા પરત ફર્યાં ત્યારે ત્યાંના લોકોએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું મનાય છે.
દક્ષિણ ભારતમાં પ્રચલિત કથા અનુસાર, ભગવાન કૃષ્ણે ભારે વિનાશ વેરી રહેલા રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. તેના મૃત્યુના દિવસને લોકો ઉત્સવ તરીકે ઉજવવા લાગ્યા.
પંડિત અયોધિદાસરના મતે, "દિવાળી બૌદ્ધ ધર્મનો તહેવાર છે. તેમના કહેવા પ્રમાણે, બ્રાહ્મણોએ આ તહેવારને અપનાવી લીધો હતો."
અયોધિદાસરે 13 નવેમ્બર, 1907ના રોજ દિવાળી વિશે એક લેખ લખ્યો હતો. આ લેખનું શીર્ષક 'દીપાવતી સ્નાનાવરમ્' હતું. તેમાં તેમણે દિવાળીને બૌદ્ધ તહેવાર ગણાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે સમયે બૌદ્ધ અનુયાયીઓ 'દીપાવતી નદી'માં સ્નાન કરતા હતા, નવાં કપડાં પહેરતા હતા અને ગરીબોને ભોજન કરાવતા હતા. કારતક મહિનાની ચૌદશના દિવસે આ પર્વને 'દીપાવતી સ્નાન દિવસ' તરીકે ઉજવવામાં આવતો હતો.
તેમના મતે, "જ્યારે સમગ્ર દેશમાં બૌદ્ધ ધર્મ પ્રસરેલો હતો, ત્યારે ધનવાનોથી લઈને ગરીબો સુધીના સૌ કોઈ આ પર્વને ભારે આનંદથી ઉજવતા હતા."
"પછી અન્ય સમુદાયોના લોકો અહીં આવીને વસવા લાગ્યા."
અયોધિદાસર કહે છે કે, ત્યાર પછી બૌદ્ધ ધર્મ નબળો પડવા લાગ્યો, દારૂની દુકાનો ખૂલવા લાગી અને લોકોમાં શિક્ષણનો અભાવ વધ્યો.
તેઓ લખે છે, "લોકો વધુ સવાલો પૂછતા ન હતા કે કોઈ બાબતની તપાસ પણ કરતા ન હતા. આથી તેઓ આ પર્વનો સાચો ઇતિહાસ જાણી શક્યા નહીં."
અયોધિદાસર આગળ લખે છે કે, લોકોએ જ્યારે પોતાના ગુરુઓને આ તહેવાર વિશે પૂછ્યું ત્યારે ગુરુઓ પાસે પણ તેની સાચી માહિતી ન હતી.
"ત્યારે એવી વાર્તા પ્રચલિત કરવામાં આવી કે એક બહુ મોટો અસુર હતો, જે દેવતાઓને હેરાન કરતો હતો. પછી એક દેવે તેનો વધ કર્યો. તેનાથી દેવતાઓને સુખ અને શાંતિ મળી. આની ખુશીમાં લોકો સ્નાન કરે છે, નવાં કપડાં પહેરે છે અને વાનગીઓ બનાવીને ખાય છે."
અયોધિદાસરનો આક્ષેપ હતો કે આ એક 'ઉપજાવી કાઢેલી વાર્તા' હતી.
રાક્ષસ નરકાસુરની કહાણીમાં કેટલું સત્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધક મયિલૈ સી. વેંકટસામીનું માનવું હતું કે, દીપાવલી મૂળભૂત રીતે જૈન ધર્મનો તહેવાર હતો.
તેઓ લખે છે કે જૈન ધર્મના છેલ્લા તીર્થંકર વર્ધમાન મહાવીર પાવાપુરી નગરમાં એક રાજાના મહેલમાં રોકાયા હતા. ત્યાં તેમણે લોકોને ધર્મ અને નૈતિકતાનો ઉપદેશ આપ્યો હતો.
"આ ઉપદેશ આખી રાત ચાલ્યો હતો અને સવારે પૂરો થયો હતો. આખી રાત જાગવાને કારણે લોકો પોતપોતાના ઘરે પાછા ફર્યા ન હતા. તેઓ ત્યાં અલગ-અલગ જગ્યાએ સૂઈ ગયા હતા."
વેંકટસામીના જણાવ્યા અનુસાર, "આ દરમિયાન મહાવીરે પોતાના આસન પર જ નિર્વાણ પ્રાપ્ત કર્યું. લોકો જ્યારે જાગ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા છે. આ સમાચાર રાજાને આપવામાં આવ્યા હતા."
"ત્યારબાદ રાજાએ અન્ય લોકો સાથે વિચારવિમર્શ કર્યો. મહાવીર સ્વામીની સ્મૃતિમાં દરેક ઘરમાં દીવા પ્રગટાવવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારથી લોકોએ દીવા પ્રગટાવીને આ પર્વ ઉજવવાનું શરૂ કર્યું."
જૈનોનો આ તહેવાર પછી હિંદુ ધર્મમાં કેવી રીતે આવ્યો, એ વિશે પણ વેંકટસામી જણાવે છે કે જૈન ધર્મના પતન પછી મોટી સંખ્યામાં જૈનોએ હિંદુ ધર્મ અપનાવી લીધો હતો. જોકે, તેમણે દીપાવલી ઉજવવાની પોતાની જૂની પરંપરા છોડી ન હતી. તેઓ પહેલાંની જેમ જ આ પર્વ ઉજવતા રહ્યા.
"હિંદુ સમાજ પણ આ પરંપરાને સંપૂર્ણપણે બંધ કરાવી શક્યો નહીં. એટલે તેણે પણ આ પરંપરા અપનાવી લીધી."
જોકે, વેંકટસામીના મતે, આની સાથે એક નવી પૌરાણિક કથા જોડી દેવામાં આવી. તેમાં નરકાસુરના વધનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને તેની યાદમાં દિવાળી ઉજવાતી હોવાનું કહેવાયું હતું.
પરંતુ વેંકટસામીને આ કથા તર્કસંગત લાગતી ન હતી.
તેમનું કહેવું હતું કે દીપાવલીને જૈન પરંપરા સાથે જોડવામાં ન આવે એ માટે પાછળથી નરકાસુરની આ કથા 'ઉપજાવી કાઢવામાં આવી' હતી.
"19મી સદી સુધી તામિલ ઇતિહાસમાં દીપાવલીનો ઉલ્લેખ જ નથી," એમ તેમણે જણાવ્યું હતું.
તામિલ ઇતિહાસ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ બધી વાતો દિવાળીની ઉત્પત્તિ સાથે જોડાયેલી કથાઓ છે. જોકે, તેના પરથી તે સાબિત થતું નથી કે તે સમયે ખરેખર દિવાળી ઉજવવામાં આવતી હતી.
આ સંદર્ભમાં ઉપલબ્ધ દસ્તાવેજો તપાસીએ તો તામિલ ભાષામાં દિવાળી વિશે બહુ ઓછા ઉલ્લેખો જોવા મળે છે.
સંશોધક પો. વેલ્સામીનું કહેવું છે કે, 19મી સદી સુધી તામિલ ઇતિહાસમાં દીપાવલીનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તામિલ સાહિત્યકાર વીરમામુનિવરનો 'સદુરકરાદી' નામનો તામિલ શબ્દકોશ 1732માં પ્રકાશિત થયો હતો.
તેઓ કહે છે, "પરંતુ તેમાં દિવાળી શબ્દ મળતો નથી."
"19મી સદી સુધીના તામિલ સાહિત્યમાં પણ દીપાવલીનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. જોકે, 1842માં શ્રીલંકામાં પ્રકાશિત થયેલા 'માનિપ્પાય તામિલ-તામિલ શબ્દકોશ'માં આ શબ્દ મળે છે. તેમાં દીપાવલી સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓની સમજૂતી પણ આપવામાં આવી છે."
પો. વેલ્સામીનું માનવું છે કે સંભવતઃ આ જ સમયગાળામાં આ તહેવાર તામિલ સમાજમાં જાણીતો થયો હશે. તેઓ એમ પણ જણાવે છે કે તામિલ પરંપરામાં મોટા ભાગના તહેવારો પાકની લણણી પછી ઉજવવામાં આવે છે. પરંતુ દિવાળી સાથે આવો કોઈ સંબંધ જોવા મળતો નથી.
પો. વેલ્સામીના મતે, 19મી સદી અને 20મી સદીની શરૂઆતમાં પણ દીપાવલી બહુ લોકપ્રિય તહેવાર હતો એમ કહી શકાય તેમ નથી.
તેઓ તામિલ વિદ્વાન ઉ.વે. સામીનાથ અય્યરની આત્મકથા 'એન સરિત્તિરમ'નું પણ ઉદાહરણ આપે છે. તેમના કહેવા પ્રમાણે, આ પુસ્તકમાં દીપાવલીનો કોઈ વિશેષ ઉલ્લેખ જોવા મળતો નથી.
આ ઉપરાંત, તામિલનાડુની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓએ ત્યાંના સમાજ, રીત-રિવાજો અને પોતાના પ્રવાસના અનુભવો વિશે જે લખ્યું છે, તેમાં પણ દિવાળીનો ઉલ્લેખ મળતો નથી.
જોકે, પો. વેલ્સામી એ વાત સ્વીકારે છે કે, કારતક મહિનામાં દીવા પ્રગટાવીને કેટલાંક ધાર્મિક અને સામાજિક અનુષ્ઠાનો કરવામાં આવતાં હતાં. પરંતુ તેમના મતે, આ પરંપરાઓને આજે ઉજવવામાં આવતી દિવાળી સાથે સીધો સંબંધ નથી.
"પ્રાચીન તામિલનાડુમાં દિવાળી નામનો કોઈ તહેવાર ન હતો," એમ તેમનું કહેવું હતું.
તામિલનાડુમાં કયા તહેવારો ઉજવાતા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
સાંસ્કૃતિક સંશોધક પરમશિવન પણ માને છે કે, પ્રાચીન તામિલનાડુમાં દીપાવલી નામનો કોઈ તહેવાર ન હતો. તેમણે 'તહેવારોનો સામાજિક ઇતિહાસની દૃષ્ટિએ અભ્યાસ' નામના લેખમાં આ વિષય પર વિગતવાર લખ્યું હતું.
તો. પરમશિવનના જણાવ્યા અનુસાર, "તામિલનાડુના મોટા ભાગના પરંપરાગત તહેવારો તામિલ પંચાંગના થૈ મહિનાથી લઈને આડી મહિનાની વચ્ચે ઉજવવામાં આવતા હતા."
"તામિલનાડુ ગરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. તેથી અહીં સામાન્ય રીતે ખેતીનાં કામ ઓછાં હોય તેવા સમયગાળામાં તહેવારો ઉજવવામાં આવતા હતા."
પરમશિવનના મતે, "તામિલનાડુના લોકદેવતાઓના ઉત્સવો પણ આ જ સમયગાળામાં યોજાતા હતા." તેઓ વધુમાં કહે છે કે આજે જે દિવાળી મોટા પાયે ઉજવવામાં આવે છે, તે ઉજવણી વિજયનગરના શાસકોના સમયમાં તેલુગુ બ્રાહ્મણો મારફતે તામિલનાડુમાં પહોંચી હતી.
તેમના મતે, ઉત્તર ભારતમાં આ તહેવાર મૂળભૂત રીતે જૈન ધર્મ સાથે જોડાયેલો હતો.
જોકે, લોકસંસ્કૃતિના સંશોધક શિવસુબ્રમણ્યમ્ આ ચર્ચાને એક અલગ દૃષ્ટિકોણથી જુએ છે.
તેમનું કહેવું છે કે, જ્યારે મોટા ભાગના લોકો કોઈ તહેવાર આનંદથી ઉજવતા હોય, ત્યારે તે તહેવાર ક્યાંથી આવ્યો કે તેને ઉજવવો જોઈએ કે નહીં, તે વિશે ચર્ચા કરવી જરૂરી નથી.
તેઓ માને છે કે જેને તહેવાર ઉજવવો ગમતો હોય તે ઉજવે અને જેને ન ઉજવવો હોય તે ન ઉજવે.
શિવસુબ્રમણ્યમ કહે છે, "જ્યારે લોકો આનંદથી ફટાકડા ફોડી રહ્યા હોય, નવાં કપડાં પહેરી રહ્યા હોય અને તહેવાર ઉજવી રહ્યા હોય, ત્યારે તેની ટીકા કરીને કે લોકોને દુઃખી કરીને શું હાંસલ થવાનું છે?"
તેમનું કહેવું છે, "જેને ઇચ્છા હોય તે દીપાવલી ઉજવે અને ન ઉજવવી હોય તે શાંતિથી ઘરમાં રહે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























