સોશિયલ મીડિયા પર જોઈને ધતૂરાનાં પાંદડાં સાથે દાળ બનાવીને ખાધી... પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
- વાંચવાનો સમય: 5 મિનિટ
એક પરિવારે સોશિયલ વીડિયો ઉપર જોયેલા એક વીડિયો ઉપર વિશ્વાસ મૂકીને ધતૂરાનાં પાંદડાંમાંથી રસોઈ બનાવીને આરોગતાં જીવ ગુમાવ્યો હતો.
કાકીનાડા જિલ્લાના ગંડેપલ્લી મંડલના યેરરામપલેમ ગામના બિક્કિના ગંગાભવાનીના પરિવારે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અન્ય પાંદડાંવાળી ભાજીની માફક જ ધતૂરાનાં પાંદડાંની સાથે દાળ બનાવીને ખાવી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
વીડિયોમાં બતાવ્યું હતું, તે પ્રમાણે તેમણે સોમવારે ધતૂરાનાં પાન નાખીને દાળ બનાવી. પછી બિક્કિના ગંગાભવાની, તેમનાં માતા મુત્યાલા વીરલક્ષ્મી, કાકા બિક્કિના વીરબ્બુ તથા પિતરાઈ બહેન રિમ્મલપુડી જયલક્ષ્મીએ ભાત સાથે તે દાળ આરોગી.
ખાધા પછી થોડી જ વારમાં તેઓ બીમાર પડ્યાં. આ બાબત ધ્યાનમાં આવતાં પરિવારના અન્ય સભ્યો તેમને તાકીદે કાકીનાડા સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા.
કાકીનાડા જીજીએચના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પદ્મનાભન શ્રીનિવાસે બીબીસીને જણાવ્યું હતું કે, તમામ સભ્યો અત્યારે જોખમની બહાર છે.
ખરેખર શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, UGC
બિક્કિના ગંગાભવાનીનો પરિવાર હૈદરાબાદમાં રહે છે.
કાકીનાડા જિલ્લાના ગંડેપલ્લી મંડલમાં આવેલું યેરરામપલેમ ગામ તેમનું વતન છે. ત્યાં દેવીનું એક તીર્થધામ આવેલું હોવાથી ગંગાભવાની, તેમના મામા વીરબ્બુ અને બે બાળકો હૈદરાબાદથી યેરરામપલેમ આવ્યાં હતાં. રવિવારે ત્યાં મોટો કાર્યક્રમ હતો.
ગંગાભવાનીનાં માતા વીરલક્ષ્મીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોયા પછી દાળ બનાવતી વખતે તેમાં ધતૂરાનાં પાંદડાં નાંખ્યાં હતાં. વીરબ્બુ, ગંગાભવાની, વીરલક્ષ્મી અને અન્ય એક સંબંધી જયલક્ષ્મીએ તે દાળ ખાધી હતી. જેમણે પણ દાળ ખાધી હતી, તે સૌને વારાફરતી ઊબકા આવવા માંડ્યા, ઊલટી થઈ, માથામાં દુખાવો થવા લાગ્યો અને કોમામાં જતાં રહ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગંગાભવાનીના પિતા હરીબાબુ તે તમામની હાલત જોઈને સાંજે ચાર વાગ્યે તાબડતોબ તેમને નજીકની પેદ્દાપુરમ હૉસ્પિટલમાં લઈ ગયા. પ્રાથમિક સારવાર પછી ડૉક્ટરોની સલાહને અનુસરીને તેમને કાકીનાડા જીજીએચમાં ખસેડવામાં આવ્યાં.
ગંગાભવાનીના બે પુત્રો અને હરીબાબુએ ધતૂરાનાં પાંદડાં સાથે બનાવેલી દાળ ખાધી નહોતી. આથી, તેમને કશું થયું નહોતું.
વીરબ્બુના ભાઈ પ્રસાદે જણાવ્યું હતું, "મારા મોટાભાઈનો પરિવાર તહેવારની ઉજવણી કરવા માટે આવ્યો હતો. તહેવારમાં અમે બધાં સાથે મળીને હર્યાં-ફર્યાં હતાં."
" અમારી સાથે ઘણો સમય પસાર કર્યો. સોમવારે સાંજે તેમની દૃષ્ટિ કમજોર થવા લાગતાં અમે તરત જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા."
"તેમના ફોન પરના વીડિયો જોયા પછી અમને ખબર પડી કે તેમણે ધતૂરાનાં પાનમાંથી બનાવેલી દાળ ખાધી હતી."
શું ધતૂરાનો છોડ જોખમી છે?

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નિષ્ણાતો કહે છે કે, ધતૂરાનો છોડ ઝેરયુક્ત હોય છે.
આંધ્ર યુનિવર્સિટી ખાતેના ડિપાર્ટમેન્ટ ઑફ બોટૅનીમાં ઔષધિઓના ક્યુરેટર ડૉક્ટર પ્રકાશ રાવે બીબીસીને જણાવ્યું હતું કે, ધતૂરાનો છોડ ઝેરીલો હોય છે.
ગુજરાતીમાં આપણે જેને ધતૂરો કહીએ છીએ, તે છોડનું બોટૅનિકલ નામ ડેટુરા સ્ટ્રેમોનિયમ છે.
આ છોડમાં એટ્રોપિન અને સ્કોપોલામાઇન નામના અત્યંત ઝેરીલા પદાર્થો રહેલા હોય છે.
ડૉક્ટર પ્રકાશ રાવે જણાવ્યું હતું, "ધતૂરાના છોડ ઉપર તાઇવાનના શી-શિન ચાંગ દ્વારા 1999માં તૈયાર કરવામાં આવેલો શોધપત્ર વેટરિનરી ઍન્ડ હ્યુમન ટૉક્સિકોલૉજી જર્નલમાં પ્રકાશિત થયો હતો. તે શોધપત્ર અનુસાર, ધતૂરાના છોડ, પાંદડાં અને ફૂલમાં પણ ઝેર હોય છે."
તેમણે ચેતવણી આપી હતી કે, ધતૂરાના છોડમાં એસ્ટ્રોપિન અને સ્કોપોલામાઇન જેવા વિષયુક્ત પદાર્થો રહેલા હોય છે, જે અમુક કિસ્સાઓમાં જીવલેણ પણ નીવડી શકે છે.
કાકીનાડા જીજીએચના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પદ્મનાભન શ્રીનિવાસને જણાવ્યું હતું કે, આ છોડનાં ફૂલ, પાંદડાં અને બીજ ખાવાથી ચક્કર આવવા, મોં સૂકાઈ જવું, હૃદયના ધબકારા વધી જવા અને દૃષ્ટિ કમજોર પડી જવી જેવી આરોગ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે.
ક્યુટેરટર ડૉક્ટર પ્રકાશ રાવે બીબીસીને કહ્યું હતું કે, શોધપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તેના કારણે અમુક વખત મોત પણ નીપજી શકે છે.
ડૉક્ટર પ્રકાશ રાવે જણાવ્યું હતું, "ધતૂરાના છોડ ઉપર સફેદ અને નારંગી રંગનાં ફૂલો ઊગે છે. તેની સુગંધ પણ એકદમ તીખી હોય છે. જોકે, તેમાં ઔષધિય ગુણો પણ રહેલા હોય છે."
"તેનો ઉપયોગ મુખ્યત્વે આયુર્વેદિક ઉપચારમાં થતો હોય છે. તે સિવાય અમુક સંયોજનો સાથે એલોપથી દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે."
'આયુર્વેદમાં તેનો ઉપયોગ થાય છે, પણ...'

ઇમેજ સ્રોત, UGC
તિરૂપતિની એસપી આયુર્વેદિક કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉક્ટર રેણુ દીક્ષિતે બીબીસીને જણાવ્યા મુજબ, આયુર્વેદમાં આ છોડનો ઉપયોગ થાય છે, પણ તે માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવાની રહે છે.
"ધતૂરાના છોડને સૌથી પહેલાં શુદ્ધ કરવો જોઈએ. છોડનું સીધું જ સેવન ન કરી શકાય. આ છોડ વિષયુક્ત ગુણધર્મો ધરાવે છે."
રેણુ દીક્ષિતે જણાવ્યું હતું કે,"વધુમાં, છોડ ઉપર અમુક ઔષધિ લગાવવામાં આવે છે. તે પરસ્પર પ્રતિક્રિયા (રિએક્ટ) કરે છે. તેમાં થતા કૅમિકલ રિએક્શનને કારણે તે વધુ વિષયુક્ત બને છે."
"એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર જોઈને તેમાંથી રસોઈ બનાવીને ખાવું તો અત્યંત જોખમી છે. આવું કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે."
ડૉક્ટર પ્રકાશ રાવ કહે છે, "ગુન્નેરુ, બિલ્લા ગુન્નેરુ તથા ધતૂરો એક જ પરિવારના (સોલાનેસી ફેમિલીના) છોડ છે. તેમાંથી અમુક છોડ ઝેરી ગુણધર્મો ધરાવે છે."
ઝેરીલા છોડથી સાવધ રહો

ઇમેજ સ્રોત, UGC
આ પરિવારના છોડ "ડેવિલ્સ ટ્રમ્પેટ", "થૉર્ન ઍપલ" તથા "જિમસન વીડ" જેવાં નામોથી પણ ઓળખાય છે. આ વનસ્પતિ દેખાવમાં સુંદર હોય છે, પણ તે અત્યંત વિષયુક્ત હોય છે.
ડૉક્ટર પદ્મનાભન શ્રીનિવાસને બીબીસીને જણાવ્યું હતું, "ધતૂરાના છોડનાં માત્ર ફૂલો જ નહીં... બલ્કે તેનાં બીજ, પાંદડાં, મૂળ... આમાંથી કશું જ સેવન કરવા યોગ્ય હોતું નથી, બધું ખૂબ જ ઝેરી હોય છે. શરીર ઉપર તેની ગંભીર અસર પડી શકે છે અને શરીરમાં ઝેર દાખલ થઈ શકે છે."
એફએસએસએઆઇના ડૅપ્યુટી ડિરેક્ટર સુરેશ ઉપ્પરાપલ્લીએ બીબીસીને જણાવ્યા અનુસાર, "નિષ્ણાતોની સલાહ લીધા વિના સોશ્યલ મીડિયા પરની રેસિપી અજમાવવી ન જોઈએ. વૈજ્ઞાનિક પ્રમાણીકરણ જરૂરી છે."
"આ માટે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)ની માર્ગદર્શિકાનું પાલન કરવું."
"સોશિયલ મીડિયા પર જે પણ બતાવાય છે, તે બધાંનો વિશ્વાસ ન કરશો. ખાસ કરીને જ્યારે આરોગ્યની વાત આવે, ત્યારે હંમેશાં નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ."
બે દર્દી હજુયે આઇસીયુમાં સારવાર હેઠળ
ડૅપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પદ્મનાભન શ્રીનિવાસને બીબીસીને જણાવ્યા મુજબ, "ધતૂરાના છોડનાં પાંદડાં, ફૂલ અને છાલ, બધું જ ઝેરીલું હોય છે. તેની અસર તરત ઓછી નથી થતી, બલ્કે ધીમે-ધીમે ઓછી થાય છે. અત્યારે ચાર વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે."
તેમણે કહ્યું હતું કે, તેમને હૉસ્પિટલમાં લવાયાં, તેના કરતાં અત્યારે તેમની સ્થિતિ બહેતર છે.
"ગત ચોથી મેના રોજ ત્રણ મહિલાઓ અને એક પુરુષને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ચારેય વ્યક્તિઓને આઇસીયુમાં રાખીને તેમની સારવાર કરાઈ હતી."
કાકીનાડા જીજીએચનાં રેસિડેન્ટ મેડિકલ ઑફિસર ડૉક્ટર કોમલાએ બીબીસીને જણાવ્યું હતું કે,"તે પૈકીનાં બે દર્દી હજુયે આઇસીયુમાં સારવાર હેઠળ છે. બે દર્દીઓની સ્થિતિમાં સુધારો નોંધાતાં અમે તેમને વૉર્ડમાં શિફ્ટ કરી દીધાં છે. તમામ દર્દીઓની સ્થિતિ હવે સામાન્ય છે અને તેમાંથી બે દર્દીઓને અસ્થમા હોવાથી અમે આઇસીયુમાં તેમની સારવાર ચાલુ રાખી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















