પોરબંદરના ગોસાબારામાં 1992 બૉમ્બ બ્લાસ્ટ માટે RDX ઉતારવાના કેસમાં 33 વર્ષ પછી સજા, શું છે સમગ્ર મામલો?

ગોસાબારા કેસ, મુંબઈ, ગુજરાત, દાઉદ, 1993 મુંબઈ બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, AFP/ The The India Today Group via Getty Images

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટે ગોસાબારા આરડીઍક્સ લૅન્ડિંગ કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

સોમવારે 12 આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસ ત્રણ દાયકાથી વધુ સમય સુધી ચાલ્યો, જેમાં દાઉદ ઇબ્રાહિમ સહિત 15ને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

સ્પેશિયલ ટેરરિસ્ટ ઍન્ડ ડિસર્પ્ટિવ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો જુલાઈ 1993માં નોંધાયેલા કેસનો આંશિક અંત લાવે છે જેમાં દાયકાઓ સુધી ચાલેલી તપાસ અને ટ્રાયલ સામેલ હતી.

12 માર્ચ, 1993માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 257 લોકો મૃત્યુ પામ્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

પોલીસ અને સીબીઆઈના મતે, આ કાવતરું અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ, ટાઇગર મેમણ, મુસ્તફા દોસા અને તેમના સહયોગીઓ દ્વારા રચવામાં આવ્યું હતું.

ત્યારે આ બૉમ્બ બ્લાસ્ટ માટે આવેલું આરડીઍક્સ અને દારૂગોળો પોરબંદરના ગોસાબારા પર ઉતારવામાં આવ્યા હતા.

ગોસાબરા કેસ છે શું જાણીએ આ અહેવાલમાં.

ગોસાબારા કેસ છે શું?

ગોસાબારા કેસ, મુંબઈ, ગુજરાત

ઇમેજ સ્રોત, Darshan Thakkar

બાબરી મસ્જિદ વિધ્વંસ અને ત્યાર બાદ થયેલાં કોમી રમખાણોનો બદલો લેવા માટે દાઉદના સાથી મોહમ્મદ દોસાની માલિકીની ઓછામાં ઓછી ત્રણ બોટ હથિયારો અને દારૂગોળો લઈને ભારતનાં અલગ અલગ સ્થળોએ પહોંચી હતી.

જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાઘેલાની એફઆઈઆર મુજબ, 10 ફેબ્રુઆરી, 1993ની આસપાસ પોરબંદરના ગોસાબારા કિનારે એક બોટ સદા-અલ-બહાર આવી હતી, જ્યાંથી હથિયારો અને વિસ્ફોટકો ટ્રકોમાં લોડ કરવામાં આવ્યાં હતાં, જેને અન્ય બોટની મદદથી મુંબઈ અને બીજા વિસ્તારમાં મોકલવામાં આવ્યાં હતાં.

આ કેસ ત્રણ દાયકાથી વધુ સમય સુધી ચાલ્યો, જેમાં ગુજરાતના કેટલાક ટોચના આઈપીએસ અધિકારીઓ સાક્ષી તરીકે જુબાની આપી હતી.

મોટાભાગે કબૂલાત અને સાક્ષીઓનાં નિવેદનો પર આધાર રાખીને લેવામાં આવ્યાં, જેમણે "સદા-અલ-બહાર અને બિસ્મિલ્લાહ પાસેથી શસ્ત્રો અને દારૂગોળાના ટ્રાન્સફર" સાક્ષી હોવાની કબૂલાત કરી હતી.

કોર્ટે આપેલા ચુકાદામાં નોંધાયેલા પુરાવાઓ અનુસાર, બોટમાં "પાવડર" ની 125 શણની થેલીઓ, પિસ્તોલ, રિવૉલ્વર વગેરેની 45 શણની થેલીઓ અને 40-50 લાકડાનાં બૉક્સ હતાં.

ગોસાબારા કેસના ચુકાદામાં કોર્ટે શું નોંધ્યું?

ગોસાબારા કેસ, મુંબઈ, ગુજરાત

ઇમેજ સ્રોત, Darshan Thakkar

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત રાજ્ય વિરુદ્ધ ઓસમાન ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા કેસમાં કોર્ટે તેના જજમેંટમાં નોંધ્યું છે કે, પ્રોસિક્યુશન પક્ષના જણાવ્યા અનુસાર, "6 ડિસેમ્બર 1991ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસ પછી, ફરાર આરોપી દાઉદ ઇબ્રાહિમ, મૃત આરોપી મુસ્તફા અહમદ દોસા અને અન્ય જાણીતા અને અજાણ્યા આરોપીઓએ દેશની સુરક્ષા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવા અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરાવવાના ઇરાદાથી ગુનાહિત કાવતરું ઘડ્યું અને ભારતમાં શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો."

"ષડયંત્રના મુખ્ય સૂત્રધારોમાં વૉન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમ, મૃતક આરોપી મુસ્તફા અહમદ દોસા ઉર્ફે મજનુ શેઠ અને અન્ય જાણીતા-અજાણીતા આરોપીઓ સામેલ હતા."

"આ કાવતરાને અંજામ આપવા માટે જામનગરના બેડી ખાતે ઓસ્માન ઉર્ફે ઉસ્માન (A1), મામદ અલીમામદ (A2) અને હારુન આદમ (A3) વચ્ચે બેઠકો યોજાઈ હતી અને તેમણે હથિયારો ઉતારવા માટે જગ્યાઓની પસંદગી કરી હતી."

"ત્યાર બાદ તેઓ દુબઈ ગયા અને મુસ્તફા દોસાના નિર્દેશન હેઠળ 'સદા-અલ-બહાર' નામની બોટ લઈને પાકિસ્તાનના કરાચી કિનારાએ હથિયારો, દારૂગોળો અને આરડીઍક્સ જેવો પ્રતિબંધિત સામાન 'સદા-અલ-બહાર' બોટમાં ચડાવવામાં આવ્યો હતો."

"ત્યાર બાદ આ બોટ મધદરિયે ગઈ જ્યાં મુસ્તફા દોસાની માલિકીની અન્ય બે બોટ 'બિસ્મિલ્લાહ' અને 'મરવાહ' હતી ત્યાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલાં હથિયારોનો કેટલોક જથ્થો 'મરવાહ બોટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, જે મહારાષ્ટ્ર તરફ આગળ વધી જ્યારે 'સદા-અલ-બહાર' લૉન્ચ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ હતી."

"સદા-અલ-બહાર' લૉન્ચ પોરબંદરના દરિયા કિનારે આવેલા ગોસાબારા ખાતે પહોંચી હતી."

"ત્યાં અગાઉથી હાજર અન્ય સ્થાનિક આરોપીઓની મદદથી આ હથિયારો અને વિસ્ફોટકોના જથ્થાને લૉન્ચમાંથી ટ્રકોમાં લોડ કરવામાં આવ્યો હતો."

"ત્યાર બાદ આ ઘાતક હથિયારો અને આરડીઍક્સને દેશના જુદા-જુદા ભાગોમાં ફેલાવવાના ઇરાદે મોકલી આપવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાં ખરાં હથિયારો બાદમાં પોલીસ તપાસ દરમિયાન જુદા-જુદા આરોપીઓ પાસેથી રિકવર પણ કરવામાં આવ્યા હતા."

"આ સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તત્કાલીન ડીએસપી પી. કે. ઝાની મંજૂરી બાદ જામનગર સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટાડા ઍક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી."

કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું છે કે સરકારી વકીલોના જણાવ્યા અનુસાર, નોંધનીય છે કે આ ગુનાહિત કાવતરામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું ન હતું કે કોઈને શારીરિક ઈજાઓ પહોંચી ન હતી, પરંતુ દેશ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ આચરવા માટે પ્રતિબંધિત હથિયારો ઘૂસાડવાના આ ગંભીર ષડયંત્રના કેસનો ચુકાદો સ્પેશિયલ ટાડા અદાલત દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

સરકારી વકીલોનું શું કહેવું છે?

ગોસાબારા કેસ, મુંબઈ, ગુજરાત

ઇમેજ સ્રોત, Darshan Thakkar

આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ જમન ભંડેરી હતા. તેઓએ બીબીસી ગુજરાતી સાથેની તેમની વિસ્તૃત વાતચીતમાં જણાવ્યું હતું, આ કેસમાં કુલ 46 આરોપીઓ હતા. તેમાંથી 12 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે, જેમાં દાઉદ સહિત 15 આરોપીઓને વૉન્ટેડ (ફરાર) જાહેર કર્યા છે.

"જામનગર 1993થી 2018 સુધી આ કેસની તપાસ ચાલી, અને ફરિયાદીની બાતમીના આધારે જાણવા મળેલ 6 ડિસેમ્બર બાબરી મસ્જિદ તૂટી તેના બાદ કાવતરાના ભાગરૂપે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને ભારતમાં જુદી જુદી જગ્યાએ વિસ્ફોટ કરવાનો પ્લાન હતો."

"તે પ્લાનમાં ગોસાબારા લૅન્ડિંગ કાવતરાનો પર્દાફાશ થયો ત્યારે, અને તે દરમિયાન જે બોટ આવી હતી પાકિસ્તાનની મરીન સિક્યૉરિટીની બોટ હતી, જેમાં 15થી 20 માણસો સહિત બોટમાં સ્ફોટક પદાર્થો હતા."

જમન ભંડેરીનું કહેવું છે, "સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટ હોવાથી સીધા હવે સુપ્રીમ કોર્ટમાં આની જામીન મળી શકે."

આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યુટર તરીકે તુષાર ગોકાણી હતા.

જ્યારે બચાવ પક્ષના વકીલોમાં અશ્વિન મકવાણા, વી એચ કનારા, હર્ષદ ભટ્ટ, પરેશ બુચ, એમ સી હકીમ અને એમ ઘોરી જેવા વકીલો હતા.

16 ફરાર આરોપીઓ પૈકીનો એક આરોપી દાઉદ

ગોસાબારા કેસ, મુંબઈ, ગુજરાત

ઇમેજ સ્રોત, The The India Today Group via Getty Images

ઇમેજ કૅપ્શન, દાઉદ ઇબ્રાહિમની 1991માં શારજાહમાં લેવાયેલી તસવીર

આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યુટર તરીકે રહેલા તુષાર ગોકાણી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, જ્યારે 1992માં બાબરી મસ્જિદ તૂટી ત્યાર બાદ તેના પછી દાઉદ ઇબ્રાહિમ શેખ પાકિસ્તાનમાં જેના માણસો રહેતા હતા, તે લોકોએ દુબઈમાં આખું કાવતરું ઘડેલું.

"1993માં આ હથિયારોનું લૅન્ડિંગ ગોસાબારા બંદર પર જ્યાંથી દેશના વિવિધ ભાગોમાં પહોંચ્યું, 1993થી તપાસ શરૂ થઈને 2018 સુધી ચાલી કેમ કે, સમયાંતરે આરોપીઓ પકડાતા રહ્યા."

"છેવટે 2018માં છેલ્લા બે આરોપીઓ પકડાયા ત્યારે, છેલ્લી ચાર્જશીટ ફાઇલ કરીને 2019માં કેસ શરૂ કરેલો ત્યાર બાદ કોરોનાના સમયને બાદ કરતાં 63 જેટલા સાક્ષીઓની જુબાની લીધી હતી."

"તેમ ઘણા આઇપીએસ ઑફિસરો પી કે ઝા, મનોજ શશિધર જેવા આઇપીએસ પણ જુબાની આપી હતી, જેમાં હથિયારો શોધી કાઢ્યાં હતાં, વગેરે બાબતો સામેલ હતી."

"આ આરોપીઓ અલગ-અલગ વિસ્તારના અમુક મુંબઈ, ઉત્તર પ્રદેશ, દુબઈ અને પાકિસ્તાન જામનગરના છે."

બચાવ તેમજ આરોપી પક્ષના વકીલોનું શું કહેવું છે?

ગોસાબારા કેસ, મુંબઈ, ગુજરાત

ઇમેજ સ્રોત, Ashwin Makwana

ઇમેજ કૅપ્શન, બચાવ અને આરોપી પક્ષના વકીલ અશ્વિન મકવાણા

બચાવ અને આરોપી પક્ષના વકીલ અશ્વિન મકવાણા બીબીસી ગુજરાતીને જણાવે છે, 1995માં અમે અમારા આરોપીના વકીલ હતા, જેમનું આખું નામ આરીફ અબ્દુલ રહેમાન લખાની ઉર્ફે આરીફ લંબુ હતું.

"અમુક આરોપીઓ ગુજરી પણ ગયા છે. આ કેસમાં ટાડા સેકશન 15 હેઠળ ગુનો સ્વીકારતાં નિવેદનો લેવાયાં હતાં."

વકીલ અશ્વિન મકવાણાએ કહ્યું હતું, "આરોપીઓનાં નિવેદન બાબતે અમારો ડિફેન્સ હતો."

અશ્વિન મકવાણા બીબીસી ગુજરાતીને જણાવે છે, "પીકે ઝાએ 16 નિવેદન લીધાં હતાં અને કોર્ટે તે ન માન્ય રાખ્યાં કેમ કે તેઓ હાલ હયાત નથી."

અશ્વિન મકવાણા બીબીસી ગુજરાતીને જણાવે છે, "હવે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું."

આરોપી પક્ષે રહેલા વકીલ હર્ષદ ભટ્ટ બીબીસી ગુજરાતીને જણાવે છે, "અમારો મુખ્ય જે બચાવ, ટાડા ઍક્ટ હેઠળની ફરિયાદમાં એસપીના કન્ફર્મેશન જેવી બાબતો હતી."

"તેને લઈને આરોપી પક્ષે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું."

દોષિત ઠેરવેલા આરોપીના સગા સાથે બીબીસીએ સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ વાત થઈ શકી ન હતી, તેમનો પ્રતિભાવ મળે તો આ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન