ગુજરાતની સરહદે આવેલા આ ગામમાં બે લાખ મરઘાં કેમ મારી નાખવામાં આવ્યાં?

ગુજરાતની બાજુમાં આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ વધી રહ્યો છે. પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે વહીવટીતંત્ર આકરા પગલાં લઈ રહ્યું છે.
બર્ડ ફ્લૂનો ફેલાવો અટકાવવા માટે વહીવટીતંત્રે 'કલિંગ' અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે. પશુપાલન વિભાગે છેલ્લા બે દિવસમાં મોટા પાયે કાર્યવાહી કરી છે.
કલિંગ એટલે બર્ડ ફ્લૂ અથવા અન્ય ચેપી રોગોનો પ્રસાર અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતાં મરઘાં તથા અન્ય પક્ષીઓને સામૂહિક મારી નાખવાની અને નાશ કરવાની પ્રક્રિયા.
વહીવટીતંત્રે મરઘીઓનો મોટા પાયે નાશ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. સંબંધિત વિસ્તારના લોકોને મરઘી અને ઈંડા ન ખાવાની સૂચના વહીવટીતંત્રે આપી છે. સંભવિત જોખમ ટાળવા માટે સતર્ક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે.
નંદુરબાર જિલ્લાનાં કલેક્ટર ડૉ. મિતાલી સેઠીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત વ્યક્તિગત રીતે લીધી હતી અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ચેપનો ફેલાવો અટકાવવા માટે વિસ્તારો નક્કી કરીને પગલાં લેવામાં આવ્યાં છે. ડૉ. મિતાલી સેઠીએ જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂનો પ્રસાર રોકવા માટે વહીવટીતંત્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું હતું કે "30 એપ્રિલે બર્ડ ફ્લૂ ફેલાયાની માહિતી મળ્યા વહીવટીતંત્ર ઍલર્ટ મોડ પર છે. આ માટે રાજ્ય સરકારના 150 કર્મચારીઓની 25 રેપિડ રિસ્પોન્સ ટીમ હાલ નવાપુરમાં કાર્યરત્ છે. અમે રાજ્યનાં પોલ્ટ્રી ફાર્મ માલિકો સાથે વાતચીત કરી છે. તેમની સમસ્યાઓ અને વળતર બાબતે પણ ચર્ચા કરી છે."
દરમિયાન, નવાપુરમાં પશુપાલન વિભાગના સહાયક કમિશનર ડૉ. સમીર કાઝીએ કલિંગ ઑપરેશન વિશે માહિતી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે "બર્ડ ફ્લૂ ફાટી નીકળવાની સંભાવનાને કારણે નવાપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક કિલોમીટર વિસ્તારમાંનાં પોલ્ટ્રી ફાર્મ્સમાં કલિંગની કામગીરી હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે."
"આ કલિંગ ઑપરેશનમાં અમે બે લાખથી વધુ પક્ષીઓનો નાશ કર્યો છે. આઠ લાખથી વધુ ઈંડાઓનો નાશ કરવામાં આવ્યો છે. અમે પશુખાદ્યનો પણ નાશ કર્યો છે," એમ તેમણે ઉમેર્યું હતું.
પાળેલી મરઘીઓનો પણ નાશ કરવામાં આવશે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્ય સરકારે પોલ્ટ્રી માલિકોના નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારી વળતરનું તાત્કાલિક અને પારદર્શક રીતે વિતરણ કરવાની સૂચના આપી છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પાંચ કિલોમીટરના વિસ્તારને બફર ઝોન તરીકે નક્કી કરવામાં આવ્યો છે અને મરઘીઓ તથા ઈંડાઓ સંબંધિત કોઈ પણ વ્યવહાર તથા આદાન-પ્રદાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે "આ ફ્લૂ બહાર ન ફેલાય એટલા માટે યોગ્ય તકેદારી લેવામાં આવી રહી છે. નાસિકની લૅબોરેટરી નમૂના એકઠા કરી રહી છે. એ ઉપરાંત આ વિસ્તારમાં ઘરે ઘરે જઈને નાગરિકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે લોકોમાં લક્ષણ દેખાશે તેમને દવા આપવામાં આવશે."
નવાપુર વિસ્તારમાંના દેશી મરઘાંઓનો પણ નાશ કરવામાં આવશે, એવું જણાવતાં ડૉ. સમીર કાઝીએ ઉમેર્યું હતું કે "એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતાં દેશી મરઘાંનો નાશ કરવાનું કામ હવે શરૂ કરવામાં આવશે.
"આ ત્રિજ્યામાંનાં ઘરેલુ પક્ષીઓનું કલિંગ કરવામાં આવશે. દેશી મરઘાના નાશ માટે પ્રતિ પક્ષી રૂ. 150 અને ઈંડા દીઠ રૂ. ચાર સબ્સિડી આપવામાં આવશે," એમ તેમણે કહ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ, છઠ્ઠી મેથી આ વિસ્તારમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. એ દરમિયાન જ કલિંગ કરવામાં આવશે અને તાત્કાલિક વળતર આપવામાં આવશે.
કલિંગ એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
કલિંગ એટલે બર્ડ ફ્લૂ અથવા અન્ય ચેપી રોગોનો પ્રસાર અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતાં મરઘાં તથા અન્ય પક્ષીઓને સામૂહિક મારી નાખવાની અને નાશ કરવાની પ્રક્રિયા.
મરઘાં અથવા બતક જેવાં ચેપગ્રસ્ત ઘરેલુ પક્ષીઓની સાથે નકામાં પક્ષીઓનો પણ વિવિધ રીતે નાશ કરવામાં આવે છે.
માત્ર ઈંડાનાં ઉત્પાદનના હેતુસરના પોલ્ટ્રી ફાર્મ્સમાંના નર મરઘાનાં બચ્ચાંઓનો જ શરૂઆતમાં નાશ કરવામાં આવે છે.
બર્ડ ફ્લૂનો પ્રસાર રોકવા માટે અમે 100 ટકા પ્રયાસો કરી રહ્યા છીએ, એમ જણાવતાં જિલ્લા કલેક્ટરે નાગરિકોને સહયોગ આપવા વિનંતી કરી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલ આકરા પ્રતિબંધ લાદવામાં આવ્યા છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તથા વહીવટીતંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
બર્ડ ફ્લૂ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
'બર્ડ ફ્લૂ' એ H5N1 વાઇરસથી થતો રોગ છે. તેને ઍવિયન ઇન્ફલ્યુએન્ઝા કહેવામાં આવે છે. આ વાઇરસ મુખ્યત્વે બતક, મરઘાં તથા સ્થળાંતર કરનારાં પક્ષીઓમાં જોવા મળે છે. તે ચેપી રોગ છે.
ઘણીવાર સ્થળાંતર કરી રહેલાં પક્ષીઓને કારણે ચેપ મોટા વિસ્તારમાં ફેલાય છે અને તે માણસોમાં પણ ફેલાઈ શકે છે.
માનવીમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ 1997માં નોંધાયો હતો. તેની શરૂઆત હૉંગકૉંગના એક પક્ષી બજારમાંથી થઈ હતી. એ સમયે આ વાઇરસથી સંક્રમિત 60 ટકા લોકો મૃત્યુ પામ્યાં હતાં.
આ બર્ડ ફ્લૂ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકતો નથી. એકમેકના ગાઢ સંપર્કમાં હોય તેવા લોકોમાં જ બર્ડ ફ્લૂ ફેલાતો હોવાનું જાણવા મળ્યું છે.
માણસોમાં બર્ડ ફ્લૂનાં લક્ષણો શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં માનવીમાં બર્ડ ફ્લૂનો કોઈ કેસ હજુ સુધી નોંધાયો નથી, પરંતુ આ વાઇરસ માનવ શરીરના શ્વસનતંત્ર પર હુમલો કરે છે અને તેમાં ન્યૂમોનિયા અથવા ઍક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (એઆરડીએસ) જેવી તકલીફ થઈ શકે છે. તેના લક્ષણોમાં તાવ, શરદી, ગળામાં દુ:ખાવો, પેટમાં દુ:ખાવો અને ઝાડા સામેલ હોઈ શકે છે.
કોને બર્ડ ફ્લૂ થવાનું જોખમ હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમે મરઘાં અથવા બતક પાળતા હો અથવા તેનો ઉછેર કરતા હો અથવા મોટા પ્રમાણમાં મરઘાં હોય તેવું પોલ્ટ્રી ફાર્મ ધરાવતા હો કે પછી મરઘાંનાં માંસના વેપાર સાથે ગાઢ રીતે સંકળાયેલા હો તો તમને આ ચેપ લાગવાનું જોખમ હોય છે. તેથી પક્ષીઓને સંભાળતી વખતે રબરના ગ્લૉવ્ઝ, માસ્ક, ફેસ શીલ્ડ અથવા પીપીઈ પહેરવા જોઈએ.
કોરોના કાળ દરમિયાન આપણે જે તકેદારી લીધી હતી તે અહીં પણ લાગુ પડે છે. વારંવાર હાથ ધોવા જોઈએ. સેનિટાઇઝર્સનો ઉપયોગ કરવો જોઈએ. ચહેરા, નાક અને મોંને હાથથી વારંવાર સ્પર્શ ન કરવો જોઈએ. તમારા ઘર નજીક પાળેલાં, અન્ય કે સ્થળાંતર કરી રહેલાં પક્ષીઓ મરી રહ્યાં છે, એવું જણાય તો તત્કાળ નજીકના વહીવટીતંત્રનો સંપર્ક કરવો જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























