ગુજરાતના જિલ્લામાં ભરઉનાળે વરસાદની આગાહી, હજી પણ તોફાની પવન સાથે માવઠાની શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આગામી દિવસોમાં હજી પણ તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશનાં ઘણાં રાજ્યોમાં ગાજવીજ અને ઝડપી પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં 5 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં તોફાન સાથે વરસાદ પડ્યો હતો અને ઘણા વિસ્તારોમાં વરસાદ પહેલાં ઝડપી પવન ફૂંકાયો હતો.
હાલની સ્થિતિ પ્રમાણે ઉત્તર ભારત, પૂર્વોત્તર ભારત તથા દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની થન્ડર સ્ટ્રોમ ઍક્ટિવિટી થવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ ગરમી છે અને હજી ગરમીમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ તેની સાથે કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પણ પડશે.
એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધી રાજ્યમાં આ પ્રકારે વરસાદી ગતિવિધિ જોવા મળતી હોય છે, જેને ચોમાસા પહેલાંનો વરસાદ કહેવામાં આવે છે.
ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, imd
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં 6 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વરસાદ સાથે ગાજવીજ થવાની પણ સંભાવના છે.
હવામાન વિભાગ પ્રમાણે કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
હાલની હવામાનની સ્થિતિ અને રાજ્યની આસપાસ બનેલી સિસ્ટમોને જોતાં રાજ્યમાં 8થી 9 મે સુધી આ પ્રકારે વરસાદ પડી શકે છે. જે બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમ ઍક્ટિવિટી જોવા મળે તેવી સંભાવના છે.
આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઓડિશા, આંધ્ર પ્રદેશ સહિતના ઘણા વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ, પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં ગરમી વધશે કે વરસાદને કારણે ઘટશે?

ઇમેજ સ્રોત, imd
હાલ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં મહતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો નોંધાયો છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં ગરમીમાંથી થોડી રાહત મળી છે.
અમદાવાદ કે જે એક સમયે અહીં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું ત્યાં 5 મેના રોજ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, ડીસા, ભુજ સહિતનાં શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયો છે.
5 મેના તાપમાનના આંકડા પ્રમાણે સૌરાષ્ટ્રમાં વધારે ગરમી પડી રહી છે, રાજકોટ 42.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હવે આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગના મૉડલ પ્રમાણે 10 મેની આસપાસથી રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે.
ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીમાં વધારો થશે અને ઘણા વિસ્તારોમાં તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ગુજરાતમાં અત્યારે વરસાદ કેમ પડી રહ્યો છે?

ઇમેજ સ્રોત, imd
સામાન્ય રીતે રાજ્યમાં ચોમાસા પહેલાં જ વરસાદી ગતિવિધિ શરૂ થઈ જતી હોય છે અને ઉનાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડતો હોય છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બેથી ત્રણ સિસ્ટમો અસર કરી રહી છે અને ખાસ કરીને અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો વરસાદી ગતિવિધિને મદદ કરી રહ્યા છે.
રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતને અસર કરી રહ્યું છે. આ બંને સિસ્ટમો સાથે ગરમી અને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફથી ગુજરાતમાં પવનો આવી રહ્યા છે.
ગરમીને કારણે ભેજ હવામાં વધારે સંગ્રહાય છે અને બપોર બાદ કેટલાક વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં હજી પણ ત્રણ ચાર દિવસ સુધી આ પ્રકારે વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















