વીજળી પડવાથી મૃત્યુ પામેલી વ્યક્તિનું શરીર 'ચુંબક બની જાય?', આવા મૃતદેહની ચોરી થવાનો ભય કેમ રહે છે?

વીજળી પડવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
વાંચવાનો સમય: 7 મિનિટ

બાંગ્લાદેશમાં વીજળી પડવાથી મોત નીપજવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. છેલ્લા ચાર દિવસમાં જ દેશમાં વીજળી પડવાને કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો અહેવાલ માધ્યમોએ આપ્યો હતો. તેમાંથી 26મી એપ્રિલના રોજ એક જ દિવસમાં 14 લોકો મોતને ભેટ્યા હતા.

વીજળી પડવાથી મૃત્યુ પામેલાં બાળકનો મૃતદેહ ચોરાઈ ન જાય, એ બીકે લોકોએ આખી રાત જાગીને મૃતદેહની રક્ષા કર્યાનો બનાવ પણ અખબારોની હેડલાઇન બન્યો હતો.

પણ વીજળી ત્રાટકવાની આ કુદરતી આફત કેવી રીતે આવે છે, જો વીજળીને કારણે કોઈને ઈજા પહોંચે, તો તેવા વખતે શું કરવું? વળી, જ્યારે વીજળી પડવાથી કોઈનું મોત નીપજે, ત્યારે મૃતદેહની કેમ ચોરી થાય છે?

વીજળી એટલે શું?

વીજળી પડવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વીજળી એ મુખ્યત્વે એક શક્તિશાળી કુદરતી ઘટના છે. પૃથ્વીના ગમે તે સ્થળે વીજળી પડી શકે છે.

યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા અનુસાર, દર મિનિટે 6,000 વખત વીજળી થાય છે અને આ આંકડો દિવસમાં 80 લાખ કરતાં ઊંચો જઈ શકે છે.

અમેરિકામાં દર વર્ષે આશરે ચાર કરોડ વખત વીજળી પડે છે. જોકે, વીજળીની ઝપેટમાં આવનારા આશરે 90 ટકા જેટલા લોકો બચી જતા હોય છે.

બાંગ્લાદેશમાં 2016માં જ્યારે બે દિવસમાં 50 કરતાં વધુ લોકો ઉપર વીજળી પડી, ત્યારે દેશના આપત્તિ વ્યવસ્થાપન અને રાહત મંત્રાલયે તે જ વર્ષે વીજળીને 'રાષ્ટ્રીય હોનારત' જાહેર કરી હતી.

વીજળી પડવાની ઘટનામાં બચી ગયેલા લોકોની સંખ્યા અંગે કોઈ ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી, તેમ છતાં બાંગ્લાદેશમાં દર વર્ષે આ આફતને લીધે સેંકડો લોકોનાં મૃત્યુ નીપજે છે.

બાંગ્લાદેશના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 2015થી 2025ના ગાળા દરમિયાનનાં દસ વર્ષમાં દેશમાં વીજળી પડવાને લીધે 3,658 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

વીજળી કેવી રીતે પડે છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વીજળી પડવા માટે ત્રણ તત્ત્વો હોવાં જરૂરી બની રહે છેઃ ભેજ, અસ્થિર હવા તથા ઉપરની તરફ લાગતું (ઊર્ધ્વગામી) બળ.

આ ભેજ સામાન્યપણે સમુદ્રમાંથી આવતો હોય છે. સમુદ્રની આસપાસના પ્રદેશમાંથી વિપુલ માત્રામાં ભેજનું બાષ્પીભવન થાય છે અને તે હવા સાથે ભળી જાય છે. આ ભેજ વાદળો રચે છે.

યુએસ નૅશનલ એન્વાયરન્મેન્ટલ સેટેલાઇટ, ડેટા ઍન્ડ ઇન્ફર્મેશન સર્વિસના જણાવ્યા પ્રમાણે, સપાટીની નજીક ગરમ, ભેજયુક્ત હવાની ઉપર જ્યારે સૂકી તથા ઠંડી હવા આવે, ત્યારે અસ્થિર હવા રચાય છે. આ બંને સ્તરો વચ્ચેની હવાની ઘનતામાં રહેલો તફાવત ઊર્ધ્વગામી બળનું સર્જન કરે છે, જે અસ્થિર હવાને ઉપરની તરફ ધકેલે છે. આ રીતે ગાજવીજ સાથેનાં વરસાદી વાદળો બને છે.

આ વાદળોની અંદર ગરમ અને ભેજવાળી હવા ઝડપથી ઉપર-નીચે તરફ ગતિ કરે છે. ઉપરની તરફનો હવાનો પ્રવાહ હવાને થીજવાના સ્તરની ઉપર ધકેલે છે, જેના લીધે હવામાં રહેલાં પાણીનાં ટીપાં થીજીને બરફ રૂપાંતરિત થઈ જાય છે.

તેના પરિણામે વાદળની અંદર બરફ અને પાણીનું મિશ્રણ બને છે, જે પરસ્પર સાથેના ઘર્ષણ દ્વારા ઇલેક્ટ્રિકલ ચાર્જ (વીજભાર)ની આપલે કરે છે. તે ધીમે-ધીમે વીજભાર એકત્રિત કરે છે અને જ્યારે તે વધી જાય, ત્યારે વીજળીના સ્વરૂપમાં મુક્ત થાય છે.

વીજળી પડે, તે દરમિયાન હવાનું તાપમાન આશરે 30,000 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી શકે છે. હવા એટલી ઝડપથી ગરમ થાય છે કે, તે અચાનક જ વિસ્તરે છે અને હવાનાં વિરાટ કંપનો શોકવેવ્ઝ (આઘાત તરંગો) ઉત્પન્ન કરે છે. તેને આપણે ગર્જના અથવા તો વીજળીનો કડાકો કહીએ છીએ.

શું વરસાદ વિના પણ વીજ ગર્જના થઈ શકે છે?

વીજળી પડવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વીજ ગર્જના સંભળાય, પણ વરસાદ ન પડતો હોય, તે સ્થિતિને "ડ્રાય થન્ડરસ્ટોર્મ - શુષ્ક વાવાઝોડું" કહેવામાં આવે છે.

સૂકા વાવાઝોડા દરમિયાન, વાદળો નીચેની હવા અત્યંત ગરમ કે સૂકી હોય છે, જેના કારણે વરસાદનાં ટીપાં જમીન સુધી પહોંચે, તે પહેલાં જ તેનું બાષ્પીભવન થઈ જાય (વરાળ બની જાય) છે.

આ પ્રકારનાં વાવાઝોડાંને કારણે જંગલોમાં આગ લાગતી હોય છે, કારણ કે, ત્યાં બળીને ખાખ થઈ રહેલી વનસ્પતિને ભીંજવવા માટે વરસાદ હોતો નથી.

વીજળી ત્રાટકે, તે દરમિયાન આસપાસની હવાનું તાપમાન 30,000 ડિગ્રી સેલ્શિયસ જેટલું ગરમ થઈ શકે છે, જે સૂર્યની સપાટીના તાપમાન કરતાં પણ ઊંચું છે.

અચાનક જ ઉત્પન્ન થતી આ ગરમી હવાને એટલી ઝડપથી વિસ્તારે છે કે, તે જબરદસ્ત વિસ્ફોટક ધ્વનિ ઉત્પન્ન કરે છે, જે આપણને વીજ ગર્જના કે વીજળીના કડાકા તરીકે સંભળાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ ઉપર વીજળી ત્રાટકે, ત્યારે શું થાય છે?

જ્યારે કોઈ વ્યક્તિ ઉપર વીજળી પડે, ત્યારે તેના શરીરમાંથી વીજળી પસાર થાય છે. પરિણામે, તે વ્યક્તિની નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર)ને નુકસાન થાય છે. વીજળીને કારણે મસ્તિષ્કને નુકસાન પહોંચી શકે છે તેમજ કાર્ડિયાક અરેસ્ટ પણ આવી શકે છે.

જોકે, જો ઈજા સામાન્ય હોય, તો સ્નાયુઓમાં દુખાવો, માથું દુખવું, ઊબકા આવવા, મૂંઝારો થવો, સ્મૃતિને લગતી સમસ્યા થવી, ચક્કર આવવા અને અસંતુલન જેવાં લક્ષણો જોવા મળી શકે છે.

લાંબા ગાળે તેના કારણે ધીમી પ્રતિક્રિયા, ચીડિયાપણું, સ્મૃતિને લગતી સમસ્યાઓ, દીર્ઘકાલીન દુખાવો, માથું દુખવું, નિદ્રાની સમસ્યા, કાનમાં અવાજ આવવો, હતાશા અને વ્યક્તિત્વમાં ફેરફાર જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

વીજળી પડવાથી મોતને ભેટેલા લોકોના મૃતદેહો શા માટે ચોરાઈ જાય છે?

ગયા અઠવાડિયે વીજળી પડવાથી મૃત્યુ પામનારા એક બાળકના મૃતદેહનું રક્ષણ કરવા માટે આખી રાત જાગી રહેલા એક વ્યક્તિની સ્ટોરી સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ હતી. અગાઉ, વીજળી પડવાથી મૃત્યુ પામેલી એક વ્યક્તિનો મૃતદેહ ચોરાઈ ગયો હોવાના અહેવાલો માધ્યમોમાં વહેતા થયા હતા.

પરંતુ, અહીં સવાલ એ છે કે, વીજળી પડવાથી મરનારા માણસનો મૃતદેહ શા માટે ચોરવામાં આવે છે? તેનો જવાબ છે, 'અંધશ્રદ્ધા'.

મૃતદેહોની ચોરી મુખ્યત્વે એવી અંધશ્રદ્ધાને કારણે થાય છે કે, "વીજળીના ઝાટકાથી મરનારા લોકોના મૃતદેહ ચુંબક બની જાય છે," પરંતુ નિષ્ણાતો કહે છે કે, તે સદંતર અંધવિશ્વાસ છે.

ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલના ફોરેન્સિક વિભાગના ભૂતપૂર્વ હેડ સોહેલ મહમૂદે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે, વીજ કરંટ લાગવાથી મોતને ભેટનાર અને વીજળી પડવાથી મૃત્યુ પામનારા લોકોના મૃતદેહો વચ્ચે કોઈ ફરક હોતો નથી.

વીજળીથી બચવાના ઉપાયો

વીજળી પડવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બાંગ્લાદેશ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયરમેન્ટલ સાયન્સ ઍન્ડ ડિઝાસ્ટર મૅનેજમેન્ટના ભૂતપૂર્વ હેડ અને પ્રોફેસર ડૉક્ટર એમએ ફારુકે બીબીસી બાંગ્લાને જણાવ્યા મુજબ, બાંગ્લાદેશમાં વીજળી પડવાથી મૃત્યુ પામનારા 87 ટકા લોકો વીજળીના સીધા સંપર્કમાં આવતા વિસ્તારોમાં હતા.

યુએસ નૅશનલ વેધર સર્વિસ કહે છે કે, વીજળી પડે, તે સમયે બહારનું કોઈ પણ સ્થળ સલામત નથી હોતું, કારણ કે, વીજળી પડવાથી મૃત્યુ પામનારા મોટા ભાગના લોકો બહાર હોય છે.

પરિણામે, વીજળીનો અવાજ સંભળાય, તે સાથે તમારે સલામત સ્થળે જતા રહેવું જોઈએ. જો તેમ કરવું શક્ય ન હોય, તો એકલવાયાં ઊભેલાં ઊંચાં વૃક્ષો કે ટાવરોથી દૂર રહેવું.

તેનો અર્થ એ કે, જો ખાલી જગ્યામાં ઊંચાં વૃક્ષો, વીજળીના થાંભલા, ધાતુની ચીજો કે મોબાઇલ ટાવરો આવેલાં હોય, તો તેની નજીક ઊભા ન રહેવું.

આ ઉપરાંત, ગાજવીજ સાથેનું તોફાન સામાન્યપણે 40 મિનિટથી માંડીને એક કલાક સુધી ચાલી શકે છે. તે સમય દરમિયાન તમારે ઘરની અંદર રહેવું જોઈએ. જો કટોકટીની સ્થિતિમાં તમારે ઘરની બહાર નીકળવું પડે, તો તમારે રબ્બરના શૂઝ પહેરવા જોઈએ. તે તમને વીજળી સામે રક્ષણ પૂરું પાડશે.

જો ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન તમે ખુલ્લા ખેતરમાં હો, તો તમારે પંજા ઉપર નીચા નમીને બેસી જવું જોઈએ અને આંગળીઓ કાનમાં દબાવી દેવી જોઈએ.

જો વીજળી પડવાનું જોખમ રહેલું હોય, તો શક્ય તેટલા વહેલા કોઈ બિલ્ડિંગ કે કૉંક્રિટના આશ્રયસ્થાન નીચે આશરો લઈ લેવો. બિલ્ડિંગ કે ઊંચાં સ્થળોની છત પર જવું નહીં.

જો વાવાઝોડા દરમિયાન તમે સમુદ્રમાં કે નદીમાં હો, તો માછીમારી બંધ કરીને હોડીના છાપરા નીચે આશરો લેવો જોઈએ.

આવા સમયે જો કોઈ વ્યક્તિ વાહનની અંદર હોય, તો તેમનું શરીર વાહનના ધાતુના ભાગોના સંપર્કમાં ન હોવું જોઈએ.

અને તમે ઘરની અંદર હો અને વીજળી પડે, તો તમારે વીજ ઉપકરણો, સિંક, બાથટબ, નળ, કૉંક્રિટની દીવાલો, તળિયાં, બારી અને બારણાથી દૂર રહેવું જોઈએ.

વીજળી પડવાથી થયેલી ઈજાઓની સારવાર માટે શું જરૂરી છે?

જો કોઈ વ્યક્તિને વીજળી પડવાના કારણે ઈજા પહોંચે, તો તેને વીજ કરંટ (ઇલેક્ટ્રિક શોક) લાગ્યો હોય, તેવી વ્યક્તિ જેવી જ સારવાર આપવી જોઈએ.

વીજળી પડવાથી ઈજાગ્રસ્ત થયેલી વ્યક્તિના શ્વાસ અને હૃદયના ધબકારા ઝડપથી પુનઃ શરૂ કરવા જોઈએ. જો ગણતરીની મિનિટોમાં આર્ટિફિશિયલ રેસ્પિરેશન આપવામાં આવે, તો તે વ્યક્તિને બચાવવી શક્ય છે. જો વધુ વિલંબ થાય, તો ઈજાગ્રસ્ત વ્યક્તિ જીવ ગુમાવી શકે છે.

સીપીઆર દ્વારા હૃદય ધબકતું રહેવું જોઈએ. આ દરમિયાન, ઍમ્બુલન્સ કે કાર બોલાવવી જોઈએ અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તરત હૉસ્પિટલ લઈ જવી જોઈએ. ઈજાગ્રસ્ત વ્યક્તિને હૉસ્પિટલ પહોંચાડવામાં મોડું ન થવું જોઈએ.

તે ઉપરાંત, વીજળી પડવાથી ઈજાગ્રસ્ત થયેલી વ્યક્તિને પકડવામાં કોઈ સમસ્યા હોતી નથી, કારણ કે, વીજળીને કારણે ઈજાગ્રસ્ત થનાર કે મૃત્યુ પામનારી વ્યક્તિના શરીરમાં વીજળી નથી હોતી.

શું વીજળી એક જ જગ્યાએ વારંવાર ત્રાટકે છે?

જો કોઈ વ્યક્તિને વીજળી પડવાના કારણે ઈજા પહોંચે, તો તેને વીજ કરંટ (ઇલેક્ટ્રિક શોક) લાગ્યો હોય, તેવી વ્યક્તિ જેવી જ સારવાર આપવી જોઈએ.

વીજળી પડવાથી ઈજાગ્રસ્ત થયેલી વ્યક્તિના શ્વાસ અને હૃદયના ધબકારા ઝડપથી પુનઃ શરૂ કરવા જોઈએ. જો ગણતરીની મિનિટોમાં આર્ટિફિશિયલ રેસ્પિરેશન આપવામાં આવે, તો તે વ્યક્તિને બચાવવી શક્ય છે. જો વધુ વિલંબ થાય, તો ઈજાગ્રસ્ત વ્યક્તિ જીવ ગુમાવી શકે છે.

સીપીઆર દ્વારા હૃદય ધબકતું રહેવું જોઈએ. આ દરમિયાન, ઍમ્બુલન્સ કે કાર બોલાવવી જોઈએ અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તરત હૉસ્પિટલ લઈ જવી જોઈએ. ઈજાગ્રસ્ત વ્યક્તિને હૉસ્પિટલ પહોંચાડવામાં મોડું ન થવું જોઈએ.

તે ઉપરાંત, વીજળી પડવાથી ઈજાગ્રસ્ત થયેલી વ્યક્તિને પકડવામાં કોઈ સમસ્યા હોતી નથી, કારણ કે, વીજળીને કારણે ઈજાગ્રસ્ત થનાર કે મૃત્યુ પામનારી વ્યક્તિના શરીરમાં વીજળી નથી હોતી.

શું વીજળી એક જ જગ્યાએ વારંવાર ત્રાટકે છે?

અંગ્રેજીમાં એક જૂની કહેવત છે, "વીજળી કદી એક જગ્યાએ બીજી વખત નથી પડતી."

આ કહેવતનો મૂળભૂત અર્થ એ છે કે, કોઈ ખરાબ ઘટના એક વાર બની ગઈ હોય, તે બીજી વાર નથી બનતી.

આ કહેવતના લીધે ઘણા લોકો એવું માનતા હોય છે કે, જો વીજળી એક વખત કોઈ જગ્યાએ ત્રાટકે, તો તે એ જ જગ્યાએ ફરી વખત નથી ત્રાટકતી.

જોકે, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા કહે છે કે, આ દાવો વાસ્તવમાં કોઈ વૈજ્ઞાનિક આધાર ધરાવતો નથી. ઊલટું, જ્યાં હવામાન અને પર્યાવરણની સ્થિતિ વીજળી માટે સાનુકૂળ હોય, તેવાં સ્થળોએ વીજળી વારંવાર થઈ શકે છે.

બાંગ્લાદેશમાં આટલી બધી વીજળી શા માટે પડે છે?

સંશોધકોનું કહેવું છે કે, બાંગ્લાદેશમાં વીજળી પડવાના ઊંચા પ્રમાણ પાછળનું મુખ્ય કારણ તેનું ભૌગોલિક સ્થાન છે.

દેશની એક તરફ બંગાળનો અખાત આવેલો છે અને તેનાથી આગળ હિંદ મહાસાગર છે. ત્યાંથી ગરમ અને ભેજયુક્ત હવા આવે છે. તે પછી ઉત્તરે પર્વતીય વિસ્તાર આવેલો છે અને માત્ર થોડા જ અંતરે હિમાલય આવેલો છે. તે દિશામાંથી ઠંડી હવા પ્રવેશ કરે છે.

આ બે પ્રકારના પવનોનું સંયોજન વીજળી માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે.

આ વર્ષે વધુ પ્રમાણમાં વીજળી પડવાનું કારણ શું છે?

આ વર્ષે બાંગ્લાદેશના દક્ષિણ તરફના ભાગમાં, ખાસ કરીને બંગાળના અખાતમાં ભેજના ઊંચા પ્રમાણને લીધે વાદળોનું પ્રમાણ પણ વધ્યું છે.

પ્રોફેસર ફારુકે બીબીસીને જણાવ્યું હતું, "આ ભેજ ગાજવીજ સાથેનાં વાદળો અને વાવાઝોડાં સાથે સંકળાયેલો છે."

તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં હીટવેવની સાથે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે અને ભેજ પણ વધી રહ્યો છે, જેના કારણે આ વર્ષે વીજળી પડવાની ઘટનાઓ વધી રહી છે.

બાંગ્લાદેશ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્વાયરમેન્ટલ સાયન્સ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટના પ્રોફેસરે કહ્યું હતું, "છેલ્લાં 20 વર્ષોના ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે, દર વર્ષે પૂર કરતાં વીજળી પડવાને લીધે જીવ ગુમાવનારા લોકોનો મૃત્યુઆંક બમણો છે."

એમ તેમણે ઉમેર્યું હતું, પરિણામ સ્વરૂપે વીજળીને રાષ્ટ્રીય હોનારત જાહેર કર્યાનાં દસ વર્ષ પછી પણ સરકારે તેના નિવારણ માટે યોગ્ય પગલાં ભર્યાં નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન