મોંઘવારીમાં ગધેડાનું માંસ ખાવાનું શરૂ કર્યું, સ્વાદ લોકોને દાઢે કેમ વળગી ગયો?

ઇમેજ સ્રોત, Personal Archive
- લેેખક, માર્સિયા કાર્મો
- પદ, બ્યૂએનોસ એરિસથી બીબીસી ન્યૂઝ બ્રાઝિલ
- વાંચવાનો સમય: 6 મિનિટ
ગુણવત્તા અને નરમાશ બદલ પ્રખ્યાત આર્જેન્ટાઇન ગોમાંસનો દેશની ખાણી-પીણીમાં હંમેશાથી દબદબો રહ્યો છે. જનીનશાસ્ત્ર, પોષણ અને (જ્યાં સપાટ ભૂપ્રદેશ પ્રાણીઓનો શારીરિક શ્રમ ઘટાડે છે, તેવાં) પેમ્પાસનાં વિશાળ મેદાનોમાં પશુપાલનના સંયોજનના પરિણામે અહીંનું માંસ તેની નરમાશ બદલ એટલું જાણીતું છે કે, સ્થાનિકો અને પ્રવાસીઓ કહે છે કે, તેને "ચમચી વડે પણ કાપી શકાય છે."
પરંતુ, ગોમાંસ (બીફ)ના વધી રહેલા ભાવની વચ્ચે - જે 3.4 ટકાના માસિક ફુગાવાના દરને પાર માર્ચમાં 6.9 ટકા વધ્યા હતા (જે છેલ્લા 12 મહિનાનો સૌથી ઊંચો દર છે) આર્જેન્ટિનામાં એક બિનપરંપરાગત પ્રકારનું માંસ સ્થાન જમાવી રહ્યું છે, અને તે છેઃ ગધેડાનું માંસ. ગયા સપ્તાહે પેટાગોનિયાના ટ્રેલેવમાં આ પ્રકારના માંસનો સ્વાદ તથા વેચાણ રાષ્ટ્રીય સમાચાર બન્યા હતા. શહેરની એક કસાઈની દુકાન તથા એક પરંપરાગત રૅસ્ટોરાંને આવરી લેતો આ અનુભવ "પેટાગોનિયન ડોન્કીઝ" તરીકે ઓળખાતા પાઇલટ પ્રોજેક્ટનો ભાગ છે.
આ પહેલ ગામમાં રહેતા જુલિયો સિટાદિની દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિક તથા રાષ્ટ્રીય આરોગ્ય સત્તાતંત્ર પાસેથી પરવાનગી મેળવવાની રાહ જોવા દરમિયાન આશરે બે વર્ષથી તેઓ આ વિચાર પર કામ કરી રહ્યા હતા. મંજૂરી મળી ગયા પછી તેઓ આ પ્રસ્તાવ શહેરની એક કસાઈની દુકાન તથા એક પરંપરાગત રૅસ્ટોરાં પાસે લઈ ગયા હતા, જ્યાં ગ્રાહકો આ નવીનતા પ્રત્યે તરત આકર્ષિત થયા હતા.
બીબીસી ન્યૂઝ બ્રાઝિલને આપેલા ઇન્ટરવ્યૂમાં ડોન પેડ્રો રૅસ્ટોરાંનાં માલિક કાર્લા ગુટિરેઝે જણાવ્યું હતું કે, તેમની રૅસ્ટોરાંમાં ગધેડાના માંસમાંથી બનેલી એમ્પાનાદાસ, બાર્બેક્યૂ તથા સોસેજ જેવી ડિશો પીરસવામાં આવી હતી અને ગ્રાહકોને તે ભાવી હતી.
"તેમાં સફળતા મળી. ઘણા લોકો આવ્યા અને તેમને તે વાનગી પસંદ પડી. મેં પણ તે ચાખી અને મને પણ ભાવી. આ માંસ બીફ જેવું જ છે, બસ તેનો રંગ થોડો વધારે ઘેરો છે અને તેમાં ચરબી થોડી ઓછી છે. કસાઈની દુકાનમાં પણ માંસ ઝડપથી વેચાઈ ગયું," એમ કાર્લા ગુટિરેઝે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું, "મેં જોયું કે, ઘણાં લોકો માંસ માટે પૂછી રહ્યા હતા અને કસાઈ કહેતો હતો કે, તે માંસ પૂરું થઈ ગયું છે."
મીડિયાના આકર્ષણ છતાં, આર્જેન્ટિનાના માંસ નિષ્ણાત વિક્ટર ટોનેલી જણાવે છે કે, ગધેડાના માંસનો વપરાશ હજુયે છૂટોછવાયો છેઃ
"વપરાશ અને સ્થાનિક ઉત્પાદન પર કોઈ પ્રભાવ પડ્યો નથી, કારણ કે, તે કંઈક અત્યંત વિશિષ્ટ છે." તેમ છતાં, કહેવાતા "ડોન્કી સ્ટેક્સ"ને કારણે ગ્રાહક વર્તણૂંકના એક પાસાં તરફ ધ્યાન જરૂર ખેંચાયું છેઃ ઘટી રહેલી ખરીદશક્તિની સ્થિતિમાં વિકલ્પોની શોધ.
કાર્લાના મતે, એમાં કોઈ શંકા નથી કે, તેમાં કિંમત પણ મહત્ત્વનું પરિબળ છે. તેમણે કહ્યું હતું કે, ટ્રેલેવમાં ગધેડાનું એક કિલો માંસ આશરે 7,500 પેસો (500થી થોડા વધારે રૂપિયાસ)માં વેચાયત છે, જ્યારે ગાયના માંસનો ભાવ કિલોએ 18,000 કે 19,000 પેસો (1300 રૂપિયા) હોઈ શકે છે - જે લગભગ ત્રણ ગણો ભાવ છે. "આપણે મંદીમાં સપડાયા છીએ અને આ મંદી માત્ર ખાદ્ય ઉદ્યોગને લાગુ નથી પડતી," એમ તેમણે કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઊંચો ફુગાવો અને ઘટતો વપરાશ

ઇમેજ સ્રોત, El Chubut Daily
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આર્જેન્ટિનામાં સસ્તા વિકલ્પોની શોધ વપરાશ પર દબાણના સમયે આવી છે, જે ફુગાવા દ્વારા પ્રેરિત છે. આ વર્ષે ત્યાં ફુગાવામાં 9.4 ટકાનો વધારો નોંધાયો છે. આર્જેન્ટિનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ સેન્સસ (INDEC)ના તાજેતરના અહેવાલ અનુસાર, ખોરાકની શ્રેણીમાં જેમાં સૌથી ઊંચો ભાવ વધારો થયો છે, તેમાં માંસ અને માંસનાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે ફુગાવાના બંધારણનાં મુખ્ય પરિબળો પૈકીનું એક છે.
ઉદાહરણ તરીકે, ગ્રેટર બ્યૂએનોસ એરિસમાં માંસના ભાવ વાર્ષિક ધોરણે 55 ટકા વધી ગયા હતા અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં તેમાં 61.5 ટકાનો વધારો નોંધાયો હતો, જેને પગલે તે ગાળા દરમિયાન તે સૌથી વધુ ભાવ વધારો ધરાવતી ચીજ બની હતી. ખાસ કરીને બીફના કિસ્સામાં ગ્રાહક ખર્ચ પર તેની સીધી અસર પડી છે. તાજેતરનો ડેટા દર્શાવે છે કે, ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બીફનો વપરાશ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આશરે 10 ટકા જેટલો ઘટી જઈને બે દાયકાના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો.
ટોનેલીના મત અનુસાર, આ ઘટાડો ખાણી-પીણીની આદતોમાં થયેલો ફેરફાર દર્શાવે છે. વર્તમાન સમયમાં આર્જેન્ટિનામાં માંસનો કુલ વ્યક્તિદીઠ વપરાશ દર વર્ષે 115થી 116 કિલોગ્રામ છે, જેમાં આશરે 51 કિલોગ્રામ ચિકન, 45 કિલોગ્રામ બીફ અને 19-20 કિલોગ્રામ જેટલા પોર્ક (ડુક્કરના માંસ)નો સમાવેશ થાય છે. તેમાં બીફનો વપરાશ ગત વર્ષ કરતાં ઓછો છે અને દેશના ઐતિહાસિક સ્તર કરતાં ઘણો દૂર છે.
ટોનેલીએ જણાવ્યું હતું, "ગયા વર્ષે આ સમયે, વપરાશ વ્યક્તિદીઠ આશરે 50 કિલો હતો. જ્યારે, તમારી જાણ માટે કહું છું - 60 વર્ષ પહેલાં તે વ્યક્તિદીઠ 82 કિલો હતો, જેની તુલનામાં ચિકન અને પોર્કનો સંયુક્ત વપરાશ કેવળ 12 કિલો હતો."
આર્જેન્ટિનાના લોકો સ્વયં ઘણી વખત યાદ કરે છે કે, તે સમયે આહારમાં બીફના મોટાપાયે વપરાશ તથા ખોરાકમાં ઓછી વિવિધતાને લીધે દેશ "માંસાહારી" ગણાતો હતો.
'ગધેડાનું માંસ બીફ કરતાં સસ્તું'

ઇમેજ સ્રોત, El Chubut Daily
60 વર્ષ સુધી ખેડૂત તરીકે કામ કરનારા સિટાડિની કહે છે કે, આ પ્રોજેક્ટ હાલની આર્થિક સ્થિતિના પ્રતિસાદરૂપે નહોતો બનાવાયો.
તેમના મતે, પેટાગોનિયાની આકરી આબોહવા, ઉબડ-ખાબડ પ્રદેશ તથા શિકારીઓની હાજરીને કારણે ઢોર-ઢાંખર તથા ઘેટાં-બકરાંના પાલનમાં આવતી મુશ્કેલીઓમાંથી આ પહેલનો ઉદ્ભવ થયો હતો. "આથી જ મેં ગધેડાના વિકલ્પનો વિચાર કર્યો. તે અહીંના વાતાવરણ સામે વધુ ખડતલ પ્રાણી છે. વળી, પેટાગોનિયાની આબોહવા તેના માટે એકદમ અનુકૂળ છે."
વર્તમાન સમયમાં, સિટાડિની પાસે લગભગ 150 ગધેડા છે અને ચુબુટ પ્રાંતના સ્થાનિક બજારને ધ્યાનમાં રાખીને તેઓ ટૂંક સમયમાં તેમની સંખ્યા વધારવાની યોજના ધરાવે છે. તેમણે પત્રકારને જણાવ્યું હતું, "એ સાચું છે કે, ગધેડાનું માંસ બીફ કરતાં સસ્તું છે, પણ આ પ્રોજેક્ટને હાલની આર્થિક સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. અમે અગાઉ પણ ઘણી કટોકટીમાંથી પસાર થયા છીએ અને આ એવી જ વધુ એક કટોકટી છે. અમે તેનાથી ટેવાયેલાં છીએ અને અમે હંમેશાં ફરી બેઠાં થઈએ છીએ, અમે હંમેશાં મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તેમના પર વિજય મેળવ્યો છે."
આ અંગે નેશનલ સર્વિસ ફોર એગ્રીફૂડ હેલ્થ એન્ડ ક્વોલિટી (સેનાસા)એ જણાવ્યું હતું કે, દેશમાંથી ગધેડાના માંસની નિકાસ કરવામાં આવતી હોવાનો કોઈ રેકોર્ડ નથી. વળી, ગધેડાના માંસનો વપરાશ "સામાન્ય નથી, પણ તેના પર પ્રતિબંધ પણ નથી."
આર્જેન્ટિનાની આર્થિક સ્થિતિ

ઇમેજ સ્રોત, El Chubut Daily
આર્જેન્ટિનાની આર્થિક સ્થિતિએ ખાસ કરીને વપરાશ, વેપાર તથા ઉદ્યોગ ક્ષેત્રોને પ્રભાવિત કર્યાં છે. અર્થશાસ્ત્રી રિકાર્ડો એરિયાઝુના જણાવ્યા પ્રમાણે, દેશ ગહન માળખાગત ફેરફારનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું, "અત્યારે જે થઈ રહ્યું છે, તેવું અગાઉ કદી મેં જોયું નથી. ઊર્જા, ખનન અને ખેતીકીય ક્ષેત્રોમાં નવી ગતિશીલતા જોવા મળી રહી છે, જે દેશ માટે વિદેશી હૂંડિયામણમાં મજબૂત વધારો કરે છે, પણ તે શ્રમ ક્ષેત્રને રોજગાર પૂરો નથી પાડતા. ઉદ્યોગ, નિર્માણ અને વાણિજ્ય પીછેહઠનો અનુભવ કરી રહ્યાં છે."
આર્જેન્ટાઇન ઇન્ડસ્ટ્રિયલ યુનિયન (યુઆઈએ)ના મતે, ઔદ્યોગિક ક્ષેત્ર ગયા વર્ષના માર્ચ મહિનાથી દર મહિને 1,000થી 1,500 નોકરીઓ ગુમાવી રહ્યું છે. સત્તાવાર ડેટા એ પણ સૂચવે છે કે, ફેબ્રુઆરી માસમાં આર્જેન્ટિનાના ઉદ્યોગોમાં ગત વર્ષના ફેબ્રુઆરીની તુલનામાં 8.7 ટકાનો ઘટાડો થયો હતો, અને આ ઘટાડો સતત આઠ મહિના ચાલુ રહ્યો છે. આ સ્થિતિમાં, માર્ચનો ફુગાવો (3.4 ટકા) સરકાર માટે ચિંતાનો મુખ્ય વિષય રહ્યો હોવાનું સ્થાનિક પ્રેસે જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી સમયે, જેવિયર મિલેઇએ ફુગાવા સામે લડવાનું મુખ્ય ચૂંટણીવચન આપ્યું હતું. જોકે, ઊંચા ફુગાવાનો ઈતિહાસ ધરાવતા દેશમાં કિંમતો પરના દબાણને પગલે ભાવ વધારો અંકુશમાં લેવાનો પડકાર વધુ મોટો થઈ ગયો છે.
ગયા અઠવાડિયે એક વક્તવ્યમાં મિલેઇએ આર્જેન્ટિનાની પ્રજાને ધૈર્ય જાળવવાનો અનુરોધ કર્યો હતો અને પરિસ્થિતિમાં સુધારો થશે, એવો પુનરોચ્ચાર કર્યો હતો. વ્યાવસાયિક આગેવાનોના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું, "સામાન્યપણે, રાજકારણીઓ નકારાત્મક ડેટા મળે, ત્યારે અજાણ હોવાનો ડોળ કરે છે અથવા બીજા વિષય પર વાત કરે છે, પણ હું મિલેઇ છું અને પરંપરાગત રાજકારણની પદ્ધતિ મને પસંદ નથી, ફુગાવાને હું ધિક્કારું છું અને આ આંકડાઓ જોઈને હું નિરાશ થયો છું, આથી હું ફુગાવા વિશે વાત કરીશ."
વિશ્વ બૅન્કના અંદાજ પ્રમાણે 2026માં આર્જેન્ટિનાનું અર્થતંત્ર 3.6 ટકા અને 2027માં 3.7 ટકા વૃદ્ધિ પામશે, જે આ પ્રદેશના સૌથી ઊંચા વૃદ્ધિ દરો પૈકીનો એક છે. જોકે, અર્થશાસ્ત્રી અરિયાઝુ નોંધે છે કે, આ વૃદ્ધિ અસમાન છે. આ દરમિયાન, જ્યાં બીફનું હંમેશ વર્ચસ્વ રહ્યું છે, તેવા આર્જેન્ટિના જેવા દેશમાં આર્થિક વિકલ્પ તરીકે કે પછી ગેસ્ટ્રોનોમિક નવીનતા તરીકે ટ્રેલેવ જેવા અનુભવો કુતૂહલ જન્માવતા રહે છે.
ગધેડાના માંસનો વપરાશ સીમિત હોવા છતાં તે દર્શાવે છે કે, આર્થિક ફલક પર થતા ફેરફારો કેવી રીતે આર્જેન્ટિનાની ખોરાકની સંસ્કૃતિમાં ઊંડે સુધી જડાઈ ગયેલી આદતોને પણ પ્રભાવિત કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























