'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનાં મનાતાં કામને સહજ રીતે પાડતાં 'વાયરવુમન' જ્યોતિની કહાણી

'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનું માનવામાં આવતું કામ સહજ રીતે પાર પાડનારી 'વાયરવુમન જ્યોતિ' બીબીસી ગુજરાતી મહિલા ગુજરાત મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, PrajwalBhalerao/BBC

ઇમેજ કૅપ્શન, છેલ્લાં ચાર વર્ષથી વીજળી પુરવઠા વિભાગમાં કામ કરી રહેલાં જ્યોતિ બુલઢાણા જિલ્લાના ધામણગાવમાં વીજ પુરવઠા સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવે છે.
    • લેેખક, આશય યેગડે
    • પદ, બીબીસી મરાઠી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલું નાનું ગામ ધામણગાવ. આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામમાં એક મંદિર, એક ચોક, એક હોટલ અને વીજળી વિભાગનું એક કાર્યાલય આવેલું છે.

દેશનાં કોઈપણ ગામમાં જોવા મળે એવું આ દૃશ્ય છે. પરંતુ આ ગામમાં બાઇક પર ફરીને વીજળી પુરવઠા વિભાગમાં કામ કરી રહેલાં એક મહિલા ઘણા લોકોને ગર્વ છે. આ મહિલાનું નામ છે જ્યોતિ આહેર.

છેલ્લાં ચાર વર્ષથી વીજળી પુરવઠા વિભાગમાં કામ કરી રહેલાં જ્યોતિ બુલઢાણા જિલ્લાના ધામણગાવમાં વીજ પુરવઠા સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવે છે. સોશિયલ મીડિયા, વિવિધ માધ્યમો અને તેના વિભાગમાં તેમની ઓળખ મહિલા વાયરવુમન તરીકે હોય, પરંતુ ગામલોકો માટે તેઓ તેમની પોતાની દીકરી છે.

કમર પર પકડ, પાછળ લોખંડના થાંભલા પર ચઢવા માટેનાં શૂઝ, ખભા પર સુરક્ષાનો બેલ્ટ અને હાથમાં કામ માટે જરૂરી સામગ્રી. જ્યોતિનો આ પહેરવેશ હવે ગામલોકો માટે સહજ બની ગયો છે.

ગામના ચોકમાં એક વૃદ્ધ દાદા તેને હાથ બતાવી રોકે છે.

તેઓ તેમને પૂછે છે, "થઈ ગયું ને કાલે?"

"થઈ ગયું... કાલે જ કર્યું. બાર-એક વાગ્યે," જ્યોતિ આહેર જવાબ આપે છે અને ફરી બીજા કોઈની ફરિયાદનું નિરાકરણ કરવા નીકળી પડે છે.

આ કોઈ મોટી ઘટના નથી. પરંતુ ધામણગાવમાં જ્યોતિની ઓળખ સમજવી હોય તો આ એક પ્રસંગ જ પૂરતો છે.

ગામમાં વીજળી જાય, કોઈ ખામી સર્જાય અથવા ક્યાંક લાઇન બંધ પડી જાય તો ઘણા લોકોનો પહેલો ફોન જ્યોતિને જ આવે છે.

'પુરુષોનું માનવામાં આવતું કામ'

વીજ વિતરણ વ્યવસ્થામાં ફિલ્ડ પરનું કામ ઘણા દાયકાઓથી પુરુષોનું અધિકારક્ષેત્ર માનવામાં આવતું હતું. થાંભલા પર ચઢવું, ફ્યૂઝ બદલવા, તૂટેલી લાઇનોની મરામત કરવી અથવા વરસાદ અને વાવાઝોડામાં બહાર નીકળી વીજ પુરવઠાને ફરી સામાન્ય કરવો, આ પ્રકારનાં કામોમાં મહિલાઓ બહુ ઓછી જોવા મળતી હતી.

વીજળી વિભાગે વર્ષ 2013માં મહિલાઓને લાઇનસ્ટાફનાં પદો પર તક આપવાની શરૂઆત કરી. તે સમયે આશરે 2,200 મહિલાઓ 'વિદ્યુત સહાયક' તરીકે ભરતી થઈ હતી. વર્ષ 2013ના એક અહેવાલ મુજબ 2,206 મહિલાઓની તબક્કાવાર ભરતી માટે પસંદગી કરવામાં આવી હતી.

'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનું માનવામાં આવતું કામ સહજ રીતે પાર પાડનારી 'વાયરવુમન જ્યોતિ' 'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનું માનવામાં આવતું કામ સહજ રીતે પાર પાડનારી 'વાયરવુમન જ્યોતિ' બીબીસી ગુજરાતી મહિલા ગુજરાત મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, PrajwalBhalerao/BBC

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં વીજળી વિભાગે વર્ષ 2013માં મહિલાઓને લાઇનસ્ટાફનાં પદો પર તક આપવાની શરૂઆત કરી.

2024ના એક અહેવાલ અનુસાર, વીજળી પુરવઠા વિભાગમાં લગભગ 55 હજાર કર્મચારીઓ છે, જેમાંથી આશરે 10 હજાર મહિલાઓ છે.

જ્યોતિ આ પરિવર્તનનો એક ભાગ છે. પરંતુ તેની સાથે વાત કરતાં એવું લાગતું નથી કે તે કંઈક અસાધારણ કરી રહી છે.

'ડ્યૂટીનો સમય નક્કી નથી'

"લાઇટ ગઈ કે તરત ફોન આવે છે. અમારી ડ્યૂટીનો સમય ક્યાં નક્કી હોય છે? ચોવીસ કલાક, જ્યારે પણ ફોન આવે ત્યારે જવું પડે. અડધી રાત્રે પણ."

ધામણગાવ સેક્શનમાં કામ કરતાં જ્યોતિ સાથે એક દિવસ પસાર કરતાં આ વાક્યનો સાચો અર્થ અનુભવવા મળે છે.

પહેલી ફરિયાદ ગામની બહાર આવેલા ખેતરમાં હતી. અમે બાઇક પર ત્યાં સુધી પહોંચ્યાં. ત્યારબાદ લગભગ એક કિલોમીટર પગપાળા ચાલીને એક લોખંડના થાંભલા સુધી પહોંચ્યાં. તે થાંભલા પર એક જૂની ડીપી હતી.

'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનું માનવામાં આવતું કામ સહજ રીતે પાર પાડનારી 'વાયરવુમન જ્યોતિ' 'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનું માનવામાં આવતું કામ સહજ રીતે પાર પાડનારી 'વાયરવુમન જ્યોતિ' બીબીસી ગુજરાતી મહિલા ગુજરાત મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, PrajwalBhalerao/BBC

ઇમેજ કૅપ્શન, થાંભલા પર ચઢવું એ હવે જ્યોતિના કામનો એક ભાગ છે.

થાંભલા પર ચઢતાં પહેલાં જ્યોતિએ સૌપ્રથમ વીજળીના કાર્યાલયમાં ફોન કર્યો. સંબંધિત લાઇનનો વીજ પુરવઠો બંધ કરવાની સૂચના આપવામાં આવી. ખાતરી થયા પછી જ તેણે સુરક્ષા પટ્ટો બાંધ્યો, હાથમોજાં પહેર્યાં અને થાંભલા પર ચઢવાનું શરૂ કર્યું.

થાંભલા પર ચઢવું એ આ કામનો માત્ર એક ભાગ છે. સંબંધિત લાઇન બંધ છે તેની ખાતરી કરવાથી લઈને કામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો ફરી શરૂ થાય ત્યાં સુધી દરેક તબક્કે સાવધાની જરૂરી છે.

કામ પૂર્ણ થયા બાદ તેઓ નીચે ઊતર્યાં. સુરક્ષિત અંતરે ગયા પછી તેણે ફરી કાર્યાલયમાં ફોન કરીને વીજળીનો પુરવઠો શરૂ કરવા જણાવ્યું. થોડી જ મિનિટોમાં તે વિસ્તારમાં ફરી વીજળી આવી ગઈ.

'પહેલી વાર થાંભલા પર ચઢતી વખતે...'

આજે લોખંડના થાંભલા પર આસાનીથી ચઢતાં જ્યોતિ પહેલી વાર ખૂબ ડરી ગયાં હતાં.

ઍપ્રેન્ટિસશિપ દરમિયાન તાલીમ ચાલી રહી હતી ત્યારે તેને પ્રૅક્ટિસ માટેના થાંભલા પર ચઢવા કહેવામાં આવ્યું.

"મેં કહ્યું, 'મેડમ, હું કેવી રીતે ચઢી શકું?'"

જવાબ મળ્યો, "'જા... પડીશ તો હું હૉસ્પિટલ લઈ જઈશ.'"

જ્યોતિ કોઈ રીતે થાંભલા પર ચઢી ગયાં. ત્યારબાદ આઠ દિવસ સુધી સતત અભ્યાસ કર્યો.

"હવે હું લોખંડના થાંભલા પર સહેલાઈથી ચઢી જાઉં છું," તેઓ હસતાં-હસતાં કહે છે.

'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનું માનવામાં આવતું કામ સહજ રીતે પાર પાડનારી 'વાયરવુમન જ્યોતિ' 'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનું માનવામાં આવતું કામ સહજ રીતે પાર પાડનારી 'વાયરવુમન જ્યોતિ' બીબીસી ગુજરાતી મહિલા ગુજરાત મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, PrajwalBhalerao/BBC

ઇમેજ કૅપ્શન, જ્યોતિની કમર પર હંમેશાં એક પકડ લટકેલી હોય છે.

જ્યોતિની કમર પર હંમેશાં એક પકડ લટકેલી હોય છે.

"આ મારો જીવ છે. આ વગર હું ક્યાંય જઈ શકતી નથી."

સુરક્ષા બેલ્ટ, હાથમોજાં, શૂઝ, અર્થિંગ રૉડ અને પકડ. આ દરેક વસ્તુ તેના માટે અત્યંત મહત્ત્વની છે.

તે પોતાને ક્યારેય બહાદુર નથી કહેતી. પરંતુ તેનું કામ જોતાં સમજાય છે કે બહાદુરી તો તેના રોજિંદા કામનો ભાગ બની ગઈ છે. એક ઘટના આજે પણ તેને સારી રીતે યાદ છે.

એક સાંજે આખા ગામનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ડીપીનો ફ્યૂઝ ગયો હતો. એક પછી એક ફોન આવી રહ્યા હતા. તે સમયે તેની સાથે બીજો કોઈ કર્મચારી નહોતો.

"પછી હિંમત કરી. ગામના કેટલાક મિત્રો મદદ માટે આવ્યા. ફ્યૂઝ નાખવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો ત્યારે જ ડીપીમાં મોટો સ્પાર્ક થયો. બધા લોકો ડરી ગયા. શરીર ધ્રૂજી ઉઠ્યું."

આવા પ્રસંગો જ્યોતિનાં કામનો હિસ્સો છે. શરૂઆતમાં ડરતાં જ્યોતિ હવે આ કામમાં પારંગત બની ગયાં છે.

'ગણવેશ પહેરવો જ હતો'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યોતિ માટે આ નોકરી માત્ર રોજગાર નથી.

બાળપણમાં તેને પણ અન્ય બાળકોની જેમ ગણવેશનું આકર્ષણ હતું.

"પોલીસ બનવું હતું. ક્યાં તો આર્મીમાં જવું હતું."

પરંતુ ઊંચાઈ ઓછી પડતાં તે સ્વપ્ન અધૂરું રહી ગયું. છતાં ગણવેશ પહેરવાની ઇચ્છા યથાવત્ રહી.

વીજળી વિભાગની ભરતી યાદીમાં તેમનું નામ આવ્યું તે દિવસ તેમને માટે યાદગાર બની ગયો.

"ખૂબ આનંદ થયો."

તે દિવસે તેમના પરિવાર અને ગામલોકોએ મળીને પાંચથી સાત કિલો સાકર વહેંચી હતી.

જ્યોતિના પિતા ડ્રાઇવર છે. ચાર સંતાનોને ભણાવતાં તેમણે દરેકને સમાન તક આપી. જ્યોતિ કહે છે કે તે અભ્યાસમાં ઠીકઠાક હતી, પરંતુ રમતમાં આગળ હતી.

તે પોતાના પરિવારમાં પ્રથમ સરકારી કર્મચારી બની.

જ્યોતિના કાર્યાલયમાં ઇજનેર તરીકે કામ કરતા સુમિત ખબૂતરે તેમના વિશે વાત કરતાં ગર્વ અનુભવે છે.

તેમના મતે, ફિલ્ડ પરનું કામ મહિલાઓ માટે શારીરિક અને માનસિક રીતે પડકારજનક હોય છે. પરંતુ જ્યોતિએ આ પડકારને માત્ર સ્વીકાર્યો નથી, પરંતુ ઘણી વખત પુરુષ સહકર્મચારીઓની બરાબરીમાં અને ક્યારેક તો તેમની કરતાં પણ વધુ સારું કામ કર્યું છે.

"તેમણે અમને પણ મહિલાઓ તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલતા શીખવ્યું," તેઓ કહે છે.

ધામણગાવમાં જ્યોતિ સાથે ફરતાં આ શબ્દો સાચા જણાય છે.

'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનું માનવામાં આવતું કામ સહજ રીતે પાર પાડનારી 'વાયરવુમન જ્યોતિ' 'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનું માનવામાં આવતું કામ સહજ રીતે પાર પાડનારી 'વાયરવુમન જ્યોતિ' બીબીસી ગુજરાતી મહિલા ગુજરાત મહારાષ્ટ્ર

ઇમેજ સ્રોત, PrajwalBhalerao/BBC

ગામની મહિલાઓ તેને ગર્વથી જુએ છે. જ્યારે ઘણા લોકો માટે તે હવે એટલી પરિચિત બની ગયાં છે કે તેનું થાંભલા પર ચઢવું પણ રોજનું સામાન્ય દૃશ્ય બની ગયું છે.

મેં જ્યોતિને પૂછ્યું,

"તમને હું વાયરમૅન કહું તે ગમશે કે વાયરવુમન?"

તેઓ થોડી ક્ષણો માટે અટક્યાં.

"લોકો તો મને નામથી જ બોલાવે છે... જ્યોતિ કહે છે."

પછી તેઓ સહજ રીતે બોલ્યાં, "વાયરવુમન કહો કે વાયરમૅન કહો... કામ તો એક જ કરવાનું છે ને?"

દિવસભર તેની સાથે ફર્યા પછી મારા મનમાં સૌથી વધુ રહી ગયેલું દૃશ્ય એટલે ખેતરમાંથી ચાલતી જ્યોતિ.

એક હાથમાં અર્થિંગ રોડ, કમર પર પકડ અને ખભા પર જવાબદારી.

શરીરે પાતળા લાગતાં આ મહિલા ચાલતી વખતે જાણે કોઈ અનુભવી કર્મચારીનો આત્મવિશ્વાસ લઈને ચાલી રહ્યાં હોય એવું લાગે છે.

કામનું શ્રેય ન મળે તો પણ તેને તેનો ખાસ અફસોસ નથી.

"લોકોની સમસ્યાઓ દૂર થાય છે... અમને ખૂબ સંતોષ છે. અમે કર્યું એટલે તેમનું કામ થયું... બસ."

કદાચ આ જ કારણ છે કે ધામણગાવમાં વીજળી જાય ત્યારે લોકો વીજળી વિભાગને ફોન નથી કરતા, પરંતુ સીધા જ જ્યોતિને ફોન કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન