બિલકીસબાનો ગૅંગરેપ કેસ: સુપ્રીમ કોર્ટે બે દોષિતોની સજા સ્થગિત કરી, જામીન આપી દીધા

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો ગૅંગરેપ કેસમાં દોષિત ઠરેલા બે લોકોની આજીવન કેદની સજાને સ્થગિત કરી દીધી છે અને તેમને જામીન આપી દીધા છે.
આ બંને આરોપીઓને હત્યાના ગુનામાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
બીબીસી સંવાદદાતા વિનીત ભલ્લાના જણાવ્યા અનુસાર, ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે 28 ઑક્ટોબર, 2026ના રોજ આ આદેશ આપ્યો હતો પરંતુ તેને આજે 16 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.
બંને દોષિતોએ બૉમ્બે હાઈકોર્ટના 4 મે, 2017ના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં ટ્રાયલ કોર્ટની સજા ચાલુ રાખવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે બંને દોષિતો 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. તેમાંથી એક ગંભીર રીતે વિકલાંગ છે. કોર્ટે ઉમેર્યું હતું કે અપીલમાં તથ્ય અને કાયદા સાથે જોડાયેલા મુદ્દા પણ છે જેના પર નિર્ણય લેવાની જરૂર છે.
ગુનેગારોએ શું દલીલ કરી?
દોષિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કોર્ટને જણાવ્યું હતું કે બંનેએ 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે.
તેમણે દલીલ કરી હતી કે એફઆઈઆરમાં એક આરોપીનું નામ નહોતું અને ઘટનાનાં લગભગ ત્રણ વર્ષ પછી તેને કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો.
સરકારે જામીનનો વિરોધ કર્યો

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા ઍડિશનલ સોલિસિટર જનરલ રાજા ઠાકરેએ દોષિતોની દલીલોનો વિરોધ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે બંને નીચલી અદાલતોએ રેકૉર્ડ પરની સંબંધિત સામગ્રીનો વિચાર કર્યો હતો. તેમણે ગુનાની ગંભીરતાનો પણ ઉલ્લેખ કર્યો.
જોકે, સુપ્રીમ કોર્ટે બંને દોષિતોની સજા પર રોક લગાવી અને તેમને જામીન આપ્યા.
કોર્ટે કહ્યું, "ઉપરોક્ત બાબતો અને આ અપીલમાં સામેલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, અમે સજા સ્થગિત કરીએ છીએ અને અપીલ કરનારાઓને જામીન આપીએ છીએ. જામીનની શરતો સંબંધિત ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે."
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે અપીલને યોગ્ય સમયે વધુ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવે.
આ મામલો શું છે અને અત્યાર સુધી શું-શું બન્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં સાબરમતી ઍક્સપ્રેસને સળગાવી દેવામાં આવ્યા બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
તે સમયે 21 વર્ષનાં બિલકીસબાનો પાંચ મહિનાનાં ગર્ભવતી હતાં. હિંસા અને આગચંપીને કારણે તેઓ તેના પરિવાર સાથે તેમના ગામ રણધીકપુરથી ભાગી ગયાં હતાં.
3 માર્ચ, 2002ના રોજ પાનીવેલ નજીક એક ટોળાએ તેમના પરિવાર પર હુમલો કર્યો. બિલકીસબાનોએ આ ગુનેગારોને હુમલાખોરો ગણાવ્યા હતા.
આ હુમલામાં તેમના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા, જેમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે. બિલકીસબાનો પર પણ સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
સ્થાનિક પોલીસ દ્વારા પ્રારંભિક તપાસ બાદ, કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. 16 ડિસેમ્બર, 2003ના રોજ, સુપ્રીમ કોર્ટે તપાસ સીબીઆઈને સોંપી.
સીબીઆઈએ વધુ તપાસ હાથ ધરી હતી. તેણે મૃતદેહોને કબરમાંથી બહાર કાઢ્યા અને ફૉરેન્સિક પુરાવા એકત્રિત કર્યા. એજન્સીએ 19 એપ્રિલ, 2004ના રોજ ચાર્જશીટ દાખલ કરી.
ત્યારબાદ ટ્રાયલને મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરવામાં આવી. ટ્રાયલ કોર્ટે બળાત્કાર અને હત્યાના કેસમાં તમામ 11 આરોપીઓને દોષિત ઠેરવ્યા. 4 મે, 2017 ના રોજ, બૉમ્બે હાઈકોર્ટે તેમની સજા અને આજીવન કેદને સમર્થન આપ્યું.
ઑગસ્ટ 2022 માં, ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
8 જાન્યુઆરી, 2024ના રોજ, સુપ્રીમ કોર્ટે મુક્તિના આદેશોને રદ કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે ટ્રાયલ મહારાષ્ટ્રમાં થઈ હોવાથી, ગુજરાત સરકાર પાસે દોષિતોને મુક્ત કરવાનું કોઈ અધિકારક્ષેત્ર નથી. કોર્ટે તમામ દોષિતોને આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ફરી જેલમાં તેમને પૂરવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























