અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ACC
- લેેખક, રશીદ શકૂર
- પદ, બીબીસી ન્યૂઝ હિંદી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
શનિવારે સાંજે ઓમાનમાં અંડર-19 એશિયા કપની રોમાંચક ફાઇનલ મૅચમાં ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને છેલ્લા બૉલે અને એક વિકેટથી હરાવી દીધી હતી.
આ પરિણામ સાબિત કરે છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનું ક્રિકેટ ભલે સિનિયર સ્તર પર હોય કે જુનિયર સ્તર પર, પરંપરાગત પ્રતિદ્વંદ્વી હોવાનો જોશ, જીતવાની ચાહના અને રોમાંચક વાતાવરણ દરેક જગ્યાએ જોવા મળે છે.
અંડર-19 એશિયા કપમાં પણ સૌ કોઈ સારી રીતે જાણતું હતું કે, ટુર્નામેન્ટમાં ભલે 8 ટીમો રમી રહી હોય, પરંતુ નિર્ણાયક મુકાબલો આ બંને પરંપરાગત હરીફો વચ્ચે જ થશે, જે દરેક ટુર્નામેન્ટમાં સૌનું ધ્યાન અને રસનું કેન્દ્ર રહે છે.
પાકિસ્તાનની આ હાર પર સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ નિષ્ણાતો અને દેશના પૂર્વ ક્રિકેટરો પણ ટિપ્પણીઓ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, ACC
પાકિસ્તાનની અંડર-19 ટીમની હાર બાદ, પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ ક્રિકેટરો અને વિશ્લેષકોએ બંને ટીમોની સરખામણી કરી છે.
આ ફાઇનલ મૅચ અંગે સોશિયલ મીડિયા પર પણ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
આ સાથે જ, એવી વિડિયો ક્લિપ્સ પણ વાઇરલ થઈ રહી છે, જેમાં ભારતીય ખેલાડીઓ જીત બાદ અતિ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.
ઘણા લોકોએ તેમના આ વર્તનને ખેલભાવનાથી વિપરીત ગણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, ACC
પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન રાશિદ લતીફે બીબીસી હિંદી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ ટુર્નામેન્ટમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને ફાઇનલ મૅચ પણ ખૂબ જ શાનદાર રહી, જેનો નિર્ણય છેક છેલ્લી ઓવરમાં આવ્યો."
તેમણે ઉમેર્યું હતું કે, "પાકિસ્તાનમાં યુવા ખેલાડીઓને આગળ વધવાની સારી તકો મળી રહી છે. અંડર-19 પાકિસ્તાન, ઇમર્જિંગ અને પાકિસ્તાન શાહીન જેવાં મંચો પર પ્રતિભાશાળી ક્રિકેટરોએ સારું પ્રદર્શન કર્યું છે."
"તેમાંથી અઝાન ઓવૈસ, અરાફાત મિન્હાસ, સમીર મિન્હાસ, અબ્દુલ્લા ફઝલ અને તૈયબ આરિફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચ્યા છે. હાલની અંડર-19 ટીમમાં પણ ઉસ્માન ખાન, ફરહાન યુસુફ, અબ્દુલ કાદિર અને અન્ય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે, જે સકારાત્મક બાબત છે."
'ભારત અને પાકિસ્તાનની નીતિ અલગ છે'

ઇમેજ સ્રોત, ACC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાશિદ લતીફ કહે છે, "યુવા પ્રતિભા અંગેની ભારતની નીતિ આપણા કરતાં અલગ છે. ત્યાં એક અંડર-19 વર્લ્ડ કપ પછી કોઈ પણ યુવા ખેલાડીને ફરીથી રમાડવામાં આવતો નથી. પાકિસ્તાને પણ આ જ નીતિ અપનાવવી પડશે, જેનાથી સારાં પરિણામો મળશે."
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન અઝહર અલીએ બીબીસી હિંદી સાથે વાત કરતાં કહ્યું હતું કે "ભારતની સફળતાની સૌથી પ્રશંસનીય બાબત એ છે કે તેમની જૂની ટીમને બીજી તક આપવાને બદલે તેઓ આ ટુર્નામેન્ટમાં નવી ટીમ સાથે આવ્યા અને ચૅમ્પિયન બન્યા."
"બીજી બાજુ, પાકિસ્તાને એ વાત ધ્યાનમાં લેવાની જરૂર છે કે એક જ ખેલાડીઓને વારંવાર રમાડીને તમે નવી પ્રતિભાના ઊભરવાનો માર્ગ રોકી રહ્યા છો. એક અંડર-19 એશિયા કપ અને એક અંડર-19 વર્લ્ડકપની નીતિ હોવી જોઈએ, પછી ભલે તમે જીતો કે હારો. જો કોઈ ખેલાડી 16 વર્ષનો હોય, તોપણ તેણે વધુમાં વધુ બે વર્ષ સુધી અંડર-19 ટીમમાં રહેવું જોઈએ અને પછી આગળ વધવું જોઈએ."
તેમણે ઉમેર્યું હતું કે, "છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કોઈ અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ નથી, જેના કારણે અમને નુકસાન થઈ રહ્યું છે. અમારી પાસે પ્રતિભા હોવા છતાં અમને વારંવાર એકના એક ખેલાડીઓ સાથે મેદાનમાં ઊતરવું પડે છે. આનું ઉદાહરણ અબ્દુલ કાદિર છે, જેમણે આ ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે."

ઇમેજ સ્રોત, ACC
વરિષ્ઠ ક્રિકેટ વિશ્લેષક ડૉ. નોમાન નિયાઝે બીબીસી હિંદી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "પાકિસ્તાનની અંડર-19 ટીમમાં હાલમાં એવા ત્રણ કે ચાર ખેલાડીઓ છે, જેમને અંડર-19 એશિયા કપમાં નહીં, પરંતુ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં હોવા જોઈતા હતા. જેમાં ફરહાન યુસુફ, અલી રઝા અને અબ્દુલ સુબહાનનો સમાવેશ થાય છે."
તેમણે ઉમેર્યું હતું કે "જ્યાં સુધી ભારતની વાત છે, રાહુલ દ્રવિડે એક એવી નીતિ બનાવી છે કે માત્ર એક ખેલાડી એક જ અંડર-19 વર્લ્ડકપમાં રમશે. આ નીતિનો હેતુ જુનિયર સ્તરે જ ખેલાડીની પ્રતિભાને ઓળખવાનો છે. ત્યારબાદ તેને ઇન્ડિયા-A માટે રમાડવામાં આવે છે અને પછી તે સિનિયર ભારતીય ટીમ તરફ આગળ વધે છે."
ડૉ. નોમાન નિયાઝ આગળ કહે છે કે "ભારતમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે. તે ખેલાડીઓની પ્રતિભાને યોગ્ય રીતે ઓળખે છે અને તેમને આગળ વધારે છે. જ્યારે પાકિસ્તાનમાં જે ખેલાડીઓએ અંડર-19 સ્તરે રમવું ન જોઈએ, તેઓ હાલમાં પણ ત્યાં રમી રહ્યા છે."
'ભારતની સિસ્ટમ પાકિસ્તાન કરતાં સારી છે'

ઇમેજ સ્રોત, ACC
પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બાઝીદ ખાને કહ્યું હતું કે "આ એક શાનદાર ફાઇનલ હતી, જેમાં હાઇ લૅવલ ક્રિકેટ રમાયું હતું. અંડર-19 સ્તરે આ પ્રકારની ફાઇનલ મૅચ જોવી દુર્લભ છે, જ્યાં તમને શાનદાર ક્રિકેટ જોવા મળે છે અને ટીમ અંતિમ ક્ષણોમાં લક્ષ્યાંક (ટાર્ગેટ) પ્રાપ્ત કરે છે."
તેઓ આગળ કહે છે, "ખેલાડીઓના વિકાસની વાત આવે ત્યારે પાકિસ્તાન અન્ય દેશો કરતાં અલગ છે. બાકીના વિશ્વમાં એક જ ટીમ અથવા મોટા ભાગના ખેલાડીઓ સાથે બે કે ચાર ટુર્નામેન્ટ રમવાનું ભાગ્યે જ બને છે. સામાન્ય રીતે અંડર-19 સિરીઝમાં આવું થતું નથી. એક ખેલાડી અંડર-19 ટીમમાં આવે અને એક વાર તેનો વિકાસ થઈ જાય પછી, તેને આગલા સ્તર પર પ્રમોશન (બઢતી) આપવામાં આવે છે; તે અંડર-19 ટીમમાં પાછો ફરતો નથી."
"ભારતની નીતિ ખૂબ જ સ્પષ્ટ છે કે તેઓ અંડર-19 વર્લ્ડકપમાં કોઈ પણ ખેલાડીને એકથી વધુ વખત રમાડતા નથી," બાઝીદ ખાન ઉમેરે છે.
"ભારતની વ્યવસ્થા ખૂબ સારી છે. ત્યાં પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ ઊભરી રહ્યા છે. જો તમે વારંવાર એક જ વયજૂથમાં ખેલાડીઓને રમાડશો, તો પાછળ તકની રાહ જોઈ રહેલા અન્ય ખેલાડીઓનો વિકાસ અવરોધાશે."
"આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ ફેવરિટ હતી અને તેને અનુભવી ટીમ માનવામાં આવતી હતી. અંડર-19 ટીમમાં આવું ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે બીજી બાજુ ભારતીય ટીમ નવા ખેલાડીઓથી બનેલી હતી. તેથી આ જીત વધુ મહત્ત્વ ધરાવે છે."
તેઓ કહે છે, "પાકિસ્તાનના દૃષ્ટિકોણથી મને તેમની ફિલ્ડિંગ સૌથી વધુ ગમી. આખી ટુર્નામેન્ટ દરમિયાન તેમનું સ્તર ઉત્તમ રહ્યું."
રમતગમત પત્રકાર શાહિદ હાશ્મીએ બીબીસી હિંદી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આ ખૂબ જ રસપ્રદ ફાઇનલ હતી, પરંતુ પાકિસ્તાને જીતવાની સારી તક ગુમાવી દીધી. બંને ઇનિંગ્સની છેલ્લી છ ઓવર મૅચના પરિણામ માટે મહત્ત્વપૂર્ણ હતી."
છેલ્લી ઓવરોમાં બંને ટીમોના પ્રદર્શનમાં મોટો તફાવત

ઇમેજ સ્રોત, ACC
શાહિદ હાશ્મીના મતે, "પાકિસ્તાને છેલ્લી છ ઓવરમાં માત્ર 38 રન બનાવ્યા અને છ વિકેટ ગુમાવી દીધી, નહિતર સ્કોર 370 સુધી પહોંચી શક્યો હોત. તેનાથી વિપરીત, ભારતે છેલ્લી છ ઓવરમાં તેના બૅટ્સમૅનોની શાનદાર બેટિંગથી મૅચનું પરિણામ પલટાવી નાખ્યું હતું."
તેમણે ઉમેર્યું હતું કે, "252 રનમાં આઠ વિકેટ પડી ગઈ હતી. ફરહાન યુસુફે આ સમયે ભૂલ કરી. તે સમયે તેમણે એક સામાન્ય બૉલર પાસે ઓવર ફેંકવાવવી જોઈતી હતી. કૅપ્ટનની વ્યૂહરચનાની આ ભૂલના કારણે છેલ્લી ઓવર સ્પિનર પાસે નખાવવી પડી હતી. આનો તમામ શ્રેય ભારતના નીચલા ક્રમના બૅટ્સમૅનોને જાય છે, ખાસ કરીને ઉલ્વાને, જેમણે શાનદાર બેટિંગ કરી હતી."
શાહિદ હાશ્મી આગળ કહે છે કે, "જો આપણે બંને ટીમોની સરખામણી કરીએ તો, પાકિસ્તાને પોતાના ખેલાડીઓને વિકસાવવાની તક ગુમાવી દીધી છે. ભારતે પોતાની અંડર-19 ટીમને ઘણી સારી રીતે તૈયાર કરી છે. આનો પુરાવો એ છે કે 2025ના અંડર-19 એશિયા કપનો એક પણ ક્રિકેટર આ ટીમમાં સામેલ નહોતો, જ્યારે બીજી તરફ, 2025ના એશિયા કપમાં રમેલા છ કે સાત પાકિસ્તાની ક્રિકેટરો આ ટીમમાં પણ રમ્યા હતા."
"વાસ્તવમાં, ફરહાન યુસુફ, અલી રઝા, ઉસ્માન ખાન અને મોહમ્મદ હુઝૈફા 2024ના અંડર-19 એશિયા કપમાં પણ રમ્યા હતા. આ દર્શાવે છે કે તમે યુવા ક્રિકેટરોના વિકાસને રોકી રહ્યા છો અને છતાં કંઈ હાસિલ કરી રહ્યા નથી. આ ભારતીય વ્યવસ્થા (સિસ્ટમ) માટે વિજય છે અને પાકિસ્તાની વ્યવસ્થા માટે હાર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























