The Hunting Wives Season 2: સેક્સ અને કૌભાંડથી ભરપૂર સિરીઝની નવી સીઝનમાં શું છે ખાસ?

- લેેખક, લૉરા માર્ટિન
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
પૂર્વ ટેક્સાસનાં રહસ્યોથી ભરપૂર ધનાઢ્ય સમુદાયનું બેધડક ચિત્રણ કરતી નેટફ્લિક્સની આ શ્રેણી ભારે લોકપ્રિય બની છે. આ સમુદાયમાં રૂઢિચુસ્તો અને ઉદારમતવાદીઓ વચ્ચેના સંઘર્ષો પણ જોવા મળે છે. હવે તેની બીજી સીઝન આવી રહી છે, જે અગાઉ કરતાં પણ વધુ બેધડક અને ચોંકાવનારી હોવાની ખાતરી આપે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં રહસ્યો ધરાવતી ધનાઢ્ય મહિલાઓ પર આધારિત ભપકાદાર ટેલિવિઝન શૉ ખૂબ લોકપ્રિય બન્યા છે. આવા શૉ હવે ટેલિવિઝનની સૌથી લોકપ્રિય પેટાશૈલીઓમાંનાં એક બની ગયા છે. જોકે, 'ધ હન્ટિંગ વાઇવ્ઝ' જેટલી જબરદસ્ત અસર બહુ ઓછા શૉ નિપજાવી શક્યા છે. પૂર્વ ટેક્સાસના કાલ્પનિક, સમૃદ્ધ વિસ્તાર મેપલ બ્રૂકની પૃષ્ઠભૂમિમાં રચાયેલી નેટફ્લિક્સની આ ભપકાદાર સૉપ ઑપેરા જેવી શ્રેણી ધનાઢ્ય રૂઢિચુસ્ત મહિલાઓના એક જૂથ પર કેન્દ્રિત છે. આ જૂથનું નેતૃત્વ તેલના વ્યવસાયના એક શક્તિશાળી ઉદ્યોગપતિનાં પત્ની માર્ગો બૅન્ક્સ (મેલિન એકરમેન) કરે છે. પૂર્વ કિનારેથી આવેલાં, અગાઉ રાજકીય જનસંપર્કના ક્ષેત્રે કામ કરતાં સોફી ઓ'નીલ (બ્રિટની સ્નો)ના આગમનથી આ જૂથના જીવનમાં ખળભળાટ મચે છે.
પરિણીત અને રાજકીય વિચારોની દૃષ્ટિએ એકબીજાથી વિપરીત સોફી અને માર્ગો વચ્ચે પ્રેમસંબંધ બંધાય છે. આ શોમાં સેક્સ, કૌભાંડ અને સાંસ્કૃતિક સંઘર્ષોનું ઉશ્કેરણીજનક અને બેફામ મિશ્રણ પીરસવામાં આવ્યું છે. સ્નોના કહેવા પ્રમાણે, આ શો જાણીજોઈને 'લોકોને આંચકો આપવા' માટે બનાવવામાં આવ્યો છે.
પ્રથમ સીઝનના પહેલા ઍપિસોડની શરૂઆતની પાંચ મિનિટ જ જુઓ. નેશનલ રાઇફલ ઍસોસિયેશનના એક ભવ્ય સમારંભ દરમિયાન મહિલાઓનાં શૌચાલયમાં સોફીની પહેલી મુલાકાત માર્ગો (મેલિન એકરમેન) સાથે થાય છે. સોફી પાસે સેનિટરી પૅડ માગ્યા પછી માર્ગો પોતાનો ગાઉન ઉતારી દે છે અને પોતાનું નગ્ન શરીર બતાવે છે.

ઇમેજ સ્રોત, Netflix
સોફી માર્ગોને મનોરંજન માટે ઝેનૅક્સ નામની દવા આપે છે અને બંને પોતાની ગોળીઓના પ્યાલા ટકરાવીને જાણે ચીયર્સ કરે છે. માર્ગો મસ્તીભર્યા અંદાજમાં સોફીને કહે છે, "મને તો લાગે છે કે આ પાર્ટી હવે ઘણી વધારે મજેદાર બની ગઈ છે."
બીજી તરફ, માર્ગોનાં પતિ અને ટેક્સાસના ગવર્નરપદના સંભવિત ઉમેદવાર જેડ બેન્ક્સ (ડર્મોટ મુલરોની), સ્ટેટસન ટોપી પહેરીને, ઉગ્ર ભાષણ આપે છે. તેમાં તેઓ 'રોજેરોજ ધસી આવતા દુષ્ટ લોકોને ખાળવા માટે' હથિયારો રાખવાની આવશ્યકતા સમજાવે છે.
પ્રેક્ષકોએ પહેલી સીઝનના આ બેધડક અંદાજને ઉત્સાહપૂર્વક વધાવી લીધો હતો. નેટફ્લિક્સ પર અત્યાર સુધીમાં આ શ્રેણીને 3.5 કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે અને અમેરિકા સહિત 10 દેશોમાં તે પ્રથમ ક્રમે પહોંચી હતી.
તેની બીજી સીઝન રજૂ થઈ રહી છે, જેમાં અગાઉ કરતાં પણ વધુ સનસનાટીભર્યો ડ્રામા જોવા મળશે. આજકાલની ટેલિવિઝન શ્રેણીઓના જાણીતા ચલણ પ્રમાણે, આ શોની કથા હત્યાની તપાસની આસપાસ ફરે છે. જોકે, આ શ્રેણીનું ખરું આકર્ષણ તો સોફી અને માર્ગો વચ્ચેના સંબંધમાં તથા ઉચ્ચ વર્ગનાં પરિવારોનાં રંગીન બેવડાં જીવનમાં રહેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'રેડ સ્ટેટ' આધારિત ટેલિવિઝન શૉની વધતી લોકપ્રિયતા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ધ હન્ટિંગ વાઇવ્ઝ'ની ચર્ચા અમેરિકામાં કહેવાતા "રેડ સ્ટેટ" આધારિત ટેલિવિઝન શૉની નવી લહેરના ભાગરૂપે થઈ રહી છે. આ એવી શ્રેણીઓ છે, જે અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં આકાર લે છે, જેમાં રૂઢિચુસ્ત અથવા રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતાં પાત્રો હોય છે અને તેમને અસર કરતાં મુદ્દાઓની છણાવટ કરવામાં આવે છે.
આ પ્રકારનાં નોંધપાત્ર ઉદાહરણોમાં ટેલર શેરિડનની યેલોસ્ટોન, લૅન્ડમૅન અને આ વર્ષની ડટન રાંચ જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે. આ શોની સફળતા દર્શાવે છે કે અમેરિકાના દરિયાકાંઠાનાં શહેરોની બહાર રહેતા નાગરિકોના અનુભવો પર આધારિત નાટ્યશ્રેણીઓ જોવાની પણ પ્રેક્ષકોમાં કેટલી ઉત્સુકતા છે.
ધ હન્ટિંગ વાઇવ્ઝ રાજકીય વિચારધારાની બંને બાજુઓની ખૂબીપૂર્વક ટીકા કરે છે. તેમાં પૂર્વ ટેક્સાસના રિપબ્લિકન ઉચ્ચ વર્ગને દંભી બતાવવામાં આવ્યો છે. એક પાત્ર પોતે ગર્ભપાત કરાવે છે અને પછી બીજી મહિલાઓ સમક્ષ ગર્ભપાતની ક્લિનિકો પર હુમલો કરવાની વાતને લઈને બેફામ મજાક કરે છે.
બીજી તરફ, આ શ્રેણી ડેમૉક્રેટિક વિચારધારા તરફ ઝુકાવ ધરાવતાં પાત્રો, એટલે કે સોફી અને તેમના પતિ ગ્રેહામ (ઇવાન જોનિગકાઇટ)ની પણ એટલી જ મજાક ઉડાવે છે. મહાનગરોમાં વસતા આ ઉદારમતવાદીઓ આ સમુદાયનો હિસ્સો બનવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ પણ પોતાના નૈતિક સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવા લાગે છે.

ઇમેજ સ્રોત, Paramount
ટાઇમ સામયિકનાં ટેલિવિઝન વિવેચક જુડી બર્મન કહે છે, "સમાજનાં વિવિધ વર્ગોના લોકોને આ શ્રેણી પસંદ પડી છે. 'ધ હન્ટિંગ વાઇવ્ઝ'ની ખાસિયત એ છે કે તે પક્ષીય રાજકીય મુદ્દાઓની ચર્ચામાં ઊંડા ઊતરવાને કે કોઈ એક પક્ષનો પક્ષ લેવાને બદલે, રાજકારણમાં થતા દેખાડા અને આડંબરની છણાવટ કરે છે. સોફી પૂર્વ કિનારાની ઉદારમતવાદી છે અને અગાઉ રાજકીય જનસંપર્કના ક્ષેત્રમાં કામ કરતાં હતાં; જ્યારે માર્ગો ટેક્સાસની જમણેરી વિચારધારા ધરાવતી પ્રથમ મહિલા બનવા માટે પ્રચાર કરી રહ્યાં છે. આ બંને વચ્ચેનો સંબંધ એટલો રસપ્રદ બને છે, કારણ કે બંને નૈતિકતા કરતાં પોતાની છબીની વધુ ચિંતા કરે છે."
બર્મન ઉમેરે છે, "મને લાગે છે કે અત્યારે લાલ (રૂઢિચુસ્ત ઝુકાવવાળો રિપબ્લિકન પક્ષ) અને વાદળી (ઉદારમતવાદી ડેમૉક્રેટિક પક્ષ) અમેરિકા વચ્ચે જો કોઈ એક બાબતે સહમતી હોઈ શકે, તો તે એ છે કે રાજકારણ અત્યંત નિરાશાજનક અને તકવાદી વ્યવસાય બની ગયું છે."
ટેક્સાસના સમાજનું ચિત્રણ
આ શ્રેણીમાં સૉપ ઑપેરા જેવી અતિશયોક્તિભરી ઘટનાઓ હોવા છતાં, 'ટેક્સાસ મન્થલી' સામયિકનાં સંપાદક ટેલર પ્રુઇટ કહે છે કે ધ હન્ટિંગ વાઇવ્ઝ અમેરિકાના બીજા સૌથી મોટા રાજ્ય ટેક્સાસના વિવિધ રાજકીય અભિગમોનું સચોટ ચિત્રણ કરે છે.
ખરેખર, તેઓ ધ્યાન દોરે છે કે પરંપરાગત રીતે રૂઢિચુસ્ત ગણાતા આ રાજ્યે મધ્યસત્ર ચૂંટણીઓમાં હમણાં જ ઉદારમતવાદી પક્ષ તરફી ઝુકાવ દર્શાવ્યો છે. લગભગ 30 વર્ષમાં પહેલી વાર રાજ્યના ડેમૉક્રેટિક પક્ષના સેનેટર તરીકે જૅમ્સ ટેલારિકોની ચૂંટણી થઈ છે.
"અહીં અનેક પ્રકારની રાજકીય વિચારધારાઓ ધરાવતા લોકો વસે છે. કદાચ લોકોની રાજકીય વિચારધારામાં આટલું વૈવિધ્ય ન હોય એવા રાજ્યમાં આવું જોવા ન મળે. ટેક્સાસના લોકોએ ઘણી વાર પોતાનાથી વિપરીત વિચારો ધરાવતી વ્યક્તિ સાથે હળવા-મળવાનું થાય છે, પછી ભલે તેમની પોતાની માન્યતાઓ ગમે તેવી હોય. શ્રેણીમાં રાજકીય વિચારધારાની બંને બાજુના લોકો એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને ટોણા મારે છે, પાત્રો એકબીજા વિશે જે ધારણાઓ બાંધે છે, એવો અનુભવ અહીંના લોકોને ઘણી વાર થાય છે."

ઇમેજ સ્રોત, Getty Images
આ શ્રેણીનાં શો-રનર રેબેકા કટરે અગાઉ 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ને કહ્યું હતું: "સાંસ્કૃતિક સંઘર્ષની વાત આવે ત્યારે ટેક્સાસ સૌથી અગ્રેસર છે. એટલે મેં કહ્યું, 'ચાલો, આ વિષયમાં ઊંડા ઊતરીએ' અને જોઈએ કે તેને ઉપદેશાત્મક બનાવ્યા વિના રસપ્રદ બનાવી શકાય છે કે નહીં."
તેમણે ઉમેર્યું હતું કે આ શ્રેણી "દરેકની સરખી મજાક ઉડાવે છે."
સેક્સનાં દૃશ્યો કેમ ખાસ ધ્યાન ખેંચે છે?
આ શ્રેણીનું એક એવું પાસું જેણે સ્વાભાવિક રીતે ઘણું ધ્યાન ખેંચ્યું છે, તે છે સેક્સ. સોફી અને માર્ગો વચ્ચે વિરોધી રાજકીય વિચારધારા ધરાવતી બે વ્યક્તિઓ વચ્ચેનો કામુક સંબંધ તો છે જ, પરંતુ અન્ય મહિલા પાત્રો પણ એકબીજા સાથે આત્મીય સંબંધો બાંધતાં દર્શાવાયાં છે.
દરમિયાન, મુખ્ય પ્રવાહની ટેલિવિઝન શ્રેણીઓમાં ભાગ્યે જ જોવા મળતાં એક દૃશ્યમાં એક મહિલા સેક્સ ટૉયની મદદથી પોતાના પતિને જાતીય સુખ આપતાં બતાવવામાં આવ્યાં છે.
ભપકાદાર અને મુખ્ય પ્રવાહની સોપ ઓપેરા જેવી શ્રેણીમાં સ્ત્રીના જાતીય સુખને આટલું મહત્ત્વ આપવું નોંધપાત્ર છે. આ જ બાબતને કારણે 'કૉલ હર ડૅડી' પૉડકાસ્ટનાં સંચાલક એલેક્સ કૂપરે એકરમેનને પૂછ્યું હતું કે શું આ શ્રેણી ખાસ કરીને સ્ત્રીપ્રેક્ષકોને આકર્ષે એ રીતે સભાનપણે બનાવવામાં આવી છે?
એકરમેને જવાબ આપ્યો, "ચોક્કસ. મહિલા શો-રનર અને સર્જક, મહિલા દિગ્દર્શકો તથા મને ગમતી મહિલા સહકર્મીઓ સાથે કામ કરવાનો અનુભવ ખરેખર સરસ રહ્યો છે... અમારી મહિલા દિગ્દર્શકો સાથે બેસીને આ પ્રકારની વાતો કરી શકીએ છીએ કે આપણને શું કામુક લાગે છે? આપણને શું સુંદર દેખાશે એવું લાગે છે?"
ખરેખર, બીજી સીઝનમાં નેટફ્લિક્સ આ શ્રેણીના શૃંગારિક પાસા પર વધુ ભાર મૂકી રહ્યું છે. નવી સીઝનની જાહેરાત માટે લૉસ એન્જલસમાં બેધડક અને લોકોનું ધ્યાન ખેંચે એવાં હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યાં હતાં. તેમાં બંદૂકો, બંદૂકનાં ખોખાં અને સ્ટેટસન ટોપીઓને સૂચક રીતે સ્પર્શતા હાથ દર્શાવાયા હતા.
બીજી સીઝન પ્રસારિત થાય એ પહેલાં જ નેટફ્લિક્સે ત્રીજી સીઝનને પણ મંજૂરી આપી દીધી છે. આ બાબત દર્શાવે છે કે વિવિધ પ્રકારના પ્રેક્ષકોમાં આ શ્રેણીની લાંબા સમય સુધી ટકી રહેતી લોકપ્રિયતા અંગે નેટફ્લિક્સને કેટલો વિશ્વાસ છે. પ્રુઇટ કહે છે તેમ, આ શ્રેણીનું મુખ્ય આકર્ષણ દેખીતી રીતે જ "કૌભાંડો અને સેક્સ" છે. પરંતુ તેઓ ઉમેરે છે કે "આખરે તો ટેક્સાસના જીવનનું ચિત્રણ કરતી આ કથા ખૂબ સારી રીતે કહેવાઈ છે અને પ્રેક્ષકોને જકડી રાખે છે."
રાજકારણ હોય કે પાર્ટીઓ, પ્રુઇટના મતે ટેક્સાસના લોકોની ઓળખ ચોક્કસ પ્રકારના ભપકાદાર દેખાડાથી થાય છે. તેઓ કહે છે, "અમને ઝાકઝમાળ, નાટકીયતા અને વૈભવનું છૂટા હાથે પ્રદર્શન ગમે છે." અત્યાર સુધી તો 'ધ હન્ટિંગ વાઇવ્ઝ' આ અતિશયોક્તિભર્યા અંદાજને એવી રીતે રજૂ કરવામાં સફળ રહી છે કે મનોરંજનની શોધમાં રહેતા અનેક અમેરિકનોને તે આકર્ષે છે.
'ધ હન્ટિંગ વાઇવ્ઝ'ની બીજી સીઝન 26 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તરે નેટફ્લિક્સ પર રજૂ થઈ ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























