શૅરબજારમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે, સેબીએ આઇપીઓ દરમિયાન GMP છાપવાની કેમ મનાઈ કરી?

શૅરબજારમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે, સેબીએ GMP છાપવાની કેમ મનાઈ કરી?
ઇમેજ કૅપ્શન, તાજેતરમાં જિયો પ્લેટફૉર્મના આઇપીઓએ ભારે ચર્ચા જગાવી હતી. તેમાં જીએમપી મુજબ જ લિસ્ટિંગ થયું હતું.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતીય શૅરબજારની નિયમનકાર સંસ્થા સેબીએ તમામ માર્કેટ પ્લેયર્સને આગામી આઇપીઓ દરમિયાન ગ્રે માર્કેટ પ્રીમિયમ (જીએમપી)ના આંકડા ન છાપવા જણાવ્યું છે.

અત્યાર સુધી કોઈ પણ કંપનીનો આઇપીઓ આવે ત્યારે બજારમાં તેનું જીએમપી કેટલું ચાલે છે તેની ચર્ચા થતી હતી. જીએમપી ઊંચો હોય, ત્યારે તે શૅરનું સારા ભાવે લિસ્ટિંગ થશે તેમ માનવામાં આવતું હતું અને ઘણા રોકાણકારો જીએમપીના આધારે આઇપીઓ ભરવો કે નહીં તે નક્કી કરતા હતા. પરંતુ હવે સેબીની સૂચના મુજબ રોજેરોજ જીએમપી નહીં છાપી શકાય.

કોઈ કંપનીનો કેટલો જીએમપી ચાલે છે તેની માહિતી વેબસાઇટ, એસએમએસ અને સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવતી હતી અને તેનો ઉપયોગ આઇપીઓના પ્રચાર માટે પણ થતો હતો. આના પર હવે સેબીની ઍડ્વાઇઝરી પછી નિયંત્રણ આવશે તેમ માનવામાં આવે છે.

સૌથી પહેલાં એ જાણીએ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે?

બજારમાં કોઈ પણ આઇપીઓ આવે ત્યારે તેના લિસ્ટિંગ અગાઉ જ ગ્રે માર્કેટમાં શૅરના બિનસત્તાવાર સોદા થાય છે. જ્યારે શૅરની પ્રાઇસ બેન્ડ કરતા જીએમપી ઊંચો હોય ત્યારે એવું માનવામાં આવે છે કે આવા શૅરની ડિમાન્ડ વધારે છે અને તેનું ઊંચા ભાવે લિસ્ટિંગ થશે. તેથી ઘણા રોકાણકારો જીએમપી જોઈને શૅરમાં રોકાણ કરવા લલચાય છે.

તેનાથી વિરુદ્ધ જીએમપી નીચો હોય તો નાના રોકાણકારોને આવા શૅરમાં રસ નથી પડતો અને તેઓ ઇશ્યૂ ભરવાનું ટાળતા હોય છે.

મોટા ભાગના કેસમાં જીએમપી ઘણો આકર્ષક હોય ત્યારે શૅરનું લિસ્ટિંગ ઊંચા ભાવે થતું હોય છે. જેમ કે તાજેતરમાં જિયો પ્લૅટફૉર્મનો આઇપીઓ આવ્યો ત્યારે બજારમાં લિસ્ટિંગ અગાઉ જ 22 ટકાની આસપાસ જીએમપી ચાલતું હતું અને શૅરનું લિસ્ટિંગ પણ 21 ટકાથી ઉપર રહ્યું હતું.

પરંતુ હંમેશાં આવું થાય તે જરૂરી નથી. જીએમપી સારો હોય છતાં શૅરનું લિસ્ટિંગ નબળા ભાવે થાય તેવું પણ બને છે.

સેબીએ શું કહ્યું છે?

શૅરબજારમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે, સેબીએ GMP છાપવાની કેમ મનાઈ કરી?
ઇમેજ કૅપ્શન, કંપનીનો બિઝનેસ સમજ્યા વગર માત્ર જીએમપીના આધારે ઇશ્યૂ ભરવામાં નુકસાન જઈ શકે છે. સેબીએ આ અંગે રોકાણકારોને પણ ચેતવ્યા છે.

સેબીએ સોમવારે એક ઍડ્વાઇઝરી બહાર પાડી છે જેમાં રોકાણકારોને સલાહ આપી છે કે તેમણે "માત્ર જીએમપીને આધાર બનાવીને કોઈ ટ્રાન્ઝેક્શન કરવા નહીં અને જીએમપીને શેરના લિસ્ટિંગ પ્રાઇસના સૂચક તરીકે જોવું નહીં."

સેબીએ કહ્યું છે કે, "રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે કે સ્ટૉક ઍક્સ્ચેન્જ પર શૅરનું સત્તાવાર લિસ્ટિંગ થાય તે અગાઉ તેના વિશેના પ્રિ-લિસ્ટિંગ પ્રીમિયમના આંકડા બિનસત્તાવાર, ચકાસણી વગરના અને બિનનિયંત્રિત હોય છે."

નિયમનકારે એમ પણ કહ્યું છે કે "આવાં ટ્રાન્ઝેક્શન ઍક્સચેન્જના ફ્રેમવર્ક બહાર થાય છે અને તેના પર નિયમનકારી દેખરેખ હોતી નથી, તેમાં કોઈ સેટલમેન્ટ ગેરંટી કે રોકાણકારનું રક્ષણ હોતું નથી."

આ ઉપરાંત સેબીએ જણાવ્યા પ્રમાણે "આવા આંકડા રોકાણકારોને નુકસાન પહોંચાડી શકે છે અને શૅરબજારમાં પારદર્શિતા તથા જવાબદેહીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેથી રોકાણકારોના હિત માટે જીએમપીના આંકડા કોઈ પણ પ્લૅટફૉર્મ પર પ્રકાશિત, ડિસ્પ્લે અથવા સર્ક્યુલેટ કરી શકાશે નહીં."

રોકાણકારોને શું ફાયદો?

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શૅરબજારમાં નાના રોકાણકારો પાસે કંપનીઓની નાણાકીય સ્થિતિ અને બિઝનેસ અંગે બહુ ઓછી માહિતી હોય છે તેથી ઘણી વખત તેઓ જીએમપીને ગાઇડ તરીકે જોઈને આઇપીઓ ભરતા હોય છે.

આના વિશે શૅર માર્કેટના વિશ્લેષક નિખિલ શાહ કહે છે કે, "સેબીએ શૅરબજારનાં કેટલાંક જોખમો સામે રોકાણકારોનું ધ્યાન દોર્યું છે જે જરૂરી હતું. ઘણી વખત જીએમપી બહુ ઊંચો હોય ત્યારે રોકાણકારો એવું માની બેસતા હતા કે તેમને લિસ્ટિંગ પર સારો નફો મળશે."

"જોકે, જીએમપી એ હંમેશાં વાસ્તવિક ચિત્ર રજૂ નથી કરતું. કેટલીક વખત બિનસત્તાવાર બજારમાં 10થી 20 ટકા જીએમપી ચાલતો હોય અને શૅરનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ ભાવે થાય તેવું પણ બની શકે છે."

"ઉદાહરણ તરીકે 2025માં લેન્સકાર્ટના આઇપીઓ વખતે શૅર દીઠ 100 રૂપિયા સુધી જીએમપી ચાલતો હતો. પરંતુ શેર ખૂલ્યો તે દિવસે ભાવ ત્રણેક ટકા જેટલો નીચે ગયો હતો."

તેઓ કહે છે કે "બહુ મોટી અને જાણીતી કંપનીઓના આઇપીઓ આવે ત્યારે જીએમપી પરથી થોડો અંદાજ આવી જાય છે કે ઇશ્યૂ કેવો દેખાવ કરશે. પરંતુ ઓછી જાણીતી અને બજારમાં જેના વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ કંપનીના આઈપીઓ વખતે સાવધાન રહેવું જોઈએ. કમસે કમ મોટા રોકાણના નિર્ણયો માત્ર જીએમપી જોઈને ન લઈ શકાય."

કોઈ શૅર માટે માર્કેટમાં બહુ આતુરતાથી રાહ જોવાતી, જીએમપી મજબૂત હોય અને છતાં લિસ્ટિંગના દિવસે શૅર નિરાશ કરે તેવું બની શકે છે. 2008માં અનિલ અંબાણીની રિલાયન્સ પાવરનો આઇપીઓ આવ્યો ત્યારે 80થી 100 ટકા જીએમપી જોવા મળ્યો હતો.

એટલે કે લિસ્ટિંગના દિવસે શૅર ઇશ્યૂ પ્રાઇસ કરતા ડબલ ભાવે પહોંચશે તેવી ધારણા હતી. તેનું કારણ એ હતું કે આ ઇશ્યુ લગભગ 70 ગણો છલકાયો હતો.

પરંતુ જ્યારે 11 ફેબ્રુઆરી, 2008ના રોજ શૅરનું લિસ્ટિંગ થયું ત્યારે શૅર થોડો સમય ઉપર રહ્યો હતો અને દિવસના અંતે 17 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું વિશ્વસનીય?

શૅરમાર્કેટને લગતી વેબસાઇટ ઇન્વેસ્ટરગેઇન પર જીએમપી અને શૅરના વાસ્તવિક લિસ્ટિંગની સરખામણી કરતું ટ્રેકર આપવામાં આવ્યું છે.

તે મુજબ નાણાકીય વર્ષ 2026માં 253 કંપનીઓનું લિસ્ટિંગ થયું હતું. તેમાંથી 130 આઇપીઓ એવા હતા જેમાં જીએમપી કરતા ઊંચા ભાવે લિસ્ટિંગ થયું હતું, 123 આઇપીઓનું લિસ્ટિંગ જીએમપી કરતા નીચા ભાવે થયું હતું. એકંદરે 196 આઇપીઓના પૉઝિટિવ લિસ્ટિંગ થયાં હતાં, જ્યારે 57 કંપનીઓના નેગેટિવ ભાવે લિસ્ટિંગ થયાં હતાં.

શાહ કહે છે કે, "શૅરબજારમાં લિસ્ટિંગ અગાઉ શૂન્ય જીએમપી હોય તેવા કેસ પણ જોવા મળે છે. તાજેતરમાં કોલ ઇન્ડિયાની પેટા કંપની મહાનદી કોલફિલ્ડ્સનો ઇશ્યૂ બંધ થયો જેમાં શૂન્ય રૂપિયા જીએમપી હતું. એટલે કે લિસ્ટિંગ પર કોઈ ફાયદો નહીં મળે તેવો ગ્રે માર્કેટનો અંદાજ છે."

મોટા આઇપીઓની વાત કરવામાં આવે તો હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનું લિસ્ટિંગ જીએમપીની તુલનામાં નબળું રહ્યું હતું. આ શૅર માટે જીએમપી થોડા સમય માટે પોઝિટિવ હતો, પરંતુ શૅરનું લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસથી નીચા ભાવે થયું હતું.

2022માં દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના આઇપીઓ વખતે પણ જીએમપી કરતા બહુ નીચા ભાવે લિસ્ટિંગ થયું હતું. તેવી જ રીતે પેટીએમના નબળા લિસ્ટિંગે પણ રોકાણકારોને નિરાશ કર્યા હતા.

બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન