વડોદરા: કૉમેડી શોમાં 'અશ્લીલ હરકતો'નો વીડિયો વાઇરલ થયા બાદ યૂટ્યૂબર ભુવન બામ સામે પોલીસ ફરિયાદ - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, શો દરમિયાન ભુવન બામ (વચ્ચે) મંચ પરથી કથિતપણે 'અશ્લીલ હરકતો-ટિપ્પણીઓ' કરી હોવાની ફરિયાદ છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ગત 25 નવેમ્બરના રોજ વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીમાં યોજાયેલ કૉમેડી શો દરમિયાન જાણીતા યૂટ્યૂબર ભુવન બામ પર કથિતપણે 'અશ્લીલ હરકતો' અને 'અશ્લીલ ટિપ્પણીઓ' કરવા મામલે પોલીસે કાર્યવાહી કરી છે.

યુનિવર્સિટીના જ સિક્યૉરિટી હેડની ફરિયાદને આધારે વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 296 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

આ અંગે વાત કરતાં ડીવાયએસપી પીએન પટેલે એફઆઇઆર થયાની સત્તાવાર પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે, "શોના આયોજન માટે યુનિવર્સિટી સત્તાધીશોને મંજૂરી અપાઈ હતી, પરંતુ અશ્લીલ કન્ટેન્ટની મંજૂરી નહોતી. મંજૂરીમાં શૈક્ષણિક સંસ્થાની પ્રતિષ્ટા અને શિસ્ત જાળવવાની સ્પષ્ટ શરત રખાઈ હતી. આ અંગે યુનિવર્સિટીની ભૂમિકાની તપાસ થશે."

"ભુવન બામને નોટિસ આપવા અને પૂછપરછ માટે બોલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ શોના આયોજકો સામે કાર્યવાહી કરવી કે નહીં એ તપાસના પુરાવા પર આધારિત છે."

નોંધનીય છે કે મળતી માહિતી મુજબ, પોલીસ શોના અન્ય કલાકારોની પણ તપાસ કરશે.

સ્ટાલિનને મનાવવાના પ્રયાસ નિષ્ફળ, ડીએમકેએ કહ્યું - સીમાંકન બિલનું સમર્થન 'કરો યા મરો'નો મામલો

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ચેન્નાઈમાં એમકે સ્ટાલિનના ઘરે તેમને ભેટતાં રાહુલ ગાંધી

સીમાંકન બિલનું સમર્થન કરી રહેલા ડીએમકે ચીફ સ્ટાલિનને મનાવવા પહોંચેલાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું મિશન નિષ્ફળ ગયું છે.

બંને પક્ષોની વાતચીતમાં સમાધાન ન થઈ શક્યું. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે બેઠક બાદ ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "અમારું વલણ એ છે કે જો સીમાંકન બિલ પડી જાય તો તામિલનાડુ પાસે ન્યૂનતમ સુરક્ષાની જે જોગવાઈ છે, એ પણ ખતમ થઈ જશે."

તેમણે કહ્યું કે ડીએમકે પાસે સીમાંકન બિલનું સમર્થન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, કારણકે તામિલનાડુનાં રાજકીય દળો માટે આ 'કરો યા મરો'ની સ્થિતિ છે.

સ્ટાલિને કહ્યું, "ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પાસે કોઈ યોગ્ય વિકલ્પ નથી."

આ પહેલાં ડીએમકેની આઇટી પાંખે પોતાના એક્સ એકાઉન્ટ પર લખેલું કે પાર્ટી પોતાના વલણ પર અડગ છે.

નોંધનીય છે કે રવિવારે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિનને મનાવવા ચેન્નાઈ પહોંચ્યાં હતાં.

આરએસએસના શતાબ્દી વર્ષ સમાપન સમારોહમાં ભાગવત બોલ્યા, 'મતભેદ ભલે હોય, પણ આપણે એક જ પરિવારના'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આજે પાટનગર દિલ્હીમાં શતાબ્દી વર્ષનું સમાપન 'રાષ્ટ્ર વંદનમ' નામના આયોજન સાથે કરાયું

વર્ષ 2024માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ પોતાની સ્થાપનાનાં 100 વર્ષ પૂરાં કર્યાં અને આગામી એક વર્ષને શતાબ્દી વર્ષ તરીકે ઉજવ્યું.

આજે પાટનગર દિલ્હીમાં એ શતાબ્દી વર્ષનું સમાપન 'રાષ્ટ્ર વંદનમ' નામના આયોજન સાથે કરાયું.

આ પ્રસંગે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત હાજર હતા. સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જગદીશસિંહ ખેહર આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા.

ભાગવત સાથે મંચ શૅર કરતાં જસ્ટિસ ખેહરે કહ્યું કે 1984નાં શીખવિરોધી રમખાણો અને ભારત-પાકિસ્તાન વિભાજ દરમિયાન આરએસએસ સ્વયંસેવકોએ શીખોની મદદ કરી હતી.

સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે કેટલાક મતભેદ હોય એ સ્વાભાવિક બાબત છે, પરંતુ તેમ છતાં દેશનો દરેક નાગરિક એક જ 'કુટુંબ'નો ભાગ છે.

તેમણે એવું પણ કહ્યું કે દેશના યુવાનો બારતને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માગે છે અને તેઓ 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનામાં વિશ્વાસ ધરાવે છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડા અને ભાજપ અધ્યક્ષ નીતિન નબીન સામેલ થયા.

સીજેપી નેતા સૌરવ દાસે ડિલિમિટેશન અંગે કહ્યું - 'વોટચોરી બાદ, હવે સીટચોરી'

બીબીસી ગુજરાતી

કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ સીમાંકન બિલનો વિરોધ કર્યો છે. આ મુદ્દે રવિવારે સીજેપી નેતા સૌરવ દાસે દિલ્હીમાં પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી.

સૌરવ દાસે આરોપ કર્યો, "વોટચોરીથી મન ન ભરાયું તો સરકાર હવે સીટચોરી પર આવી ગઈ છે. દેશ ઉપર તોળાઈ રહેલો સૌથી મોટો ખતરો જેરીમેંડરિંગ છે."

"સીમાંકનની આડમાં સરકારમાં બેઠેલા લોકો 'જેરિમેંડરિંગ' એટલે કે ચૂંટણીક્ષેત્રની સીમા નક્કી કરવાનો અધિકાર એક સીમાંકન પંચ પાસે હશે, જેને આ સરકાર ચૂંટશે. એ બાદ ચૂંટણીક્ષેત્રની સીમા એ રીતે નક્કી કરાશે, જેનાથી એક જ પાર્ટીને આખો લાભ થશે એ છે ભાજપ."

સૌરવ દાસે દાવો કર્યો કે હાલમાં જ આસામમાં થયેલા સીમાંકનમાં ચૂંટણીક્ષેત્રની સીમાઓ એવી રીતે નક્કી કરાઈ , જેનાથી ભાજપને સીધો લાભ થયો.

સ્ટાલિન અને પવારને મનાવવાના પ્રયાસોએ ગતિ પકડી, સોનિયા-રાહુલ સહિતના નેતા પહોંચી રહ્યા છે ચેન્નાઈ અને મુંબઈ

બીબીસી ગુજરાતી

સીમાંકન બિલ પર ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિનને મનાવવાના પ્રયાસમાં ચેન્નાઈ પહોંચી રહ્યા છે.

ઇન્ડિયા બ્લૉકનો ભાગ રહેલા સ્ટાલિનની પાર્ટી ડીએમકેએ સીમાંકન બિલ પર સરકારના સમર્થનની જાહેરાત કરી છે.

રવિવારવે સવારે ચેન્નાઈ માટે રવાના થતા પહેલાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારોના સવાલ પર માત્ર એટલું કહ્યું કે, 'જોઈશું.'

રાહુલ ગાંધીએ એક્સ પર આની જાણકારી આપતાં કહ્યું કે તેઓ ડીએમકેના વરિષ્ઠ નેતા એમકે સ્ટાલિનને મળા ચેન્નાઈ જઈ રહ્યા છે.

બીબીસી મરાઠી પ્રમાણે ચેન્નાઈમાં સ્ટાલિનને મળ્યા બાદ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને ઇન્ડિયા બ્લૉકના અન્ય નેતા મુંબઈમાં શરદ પવારને પણ મળશે.

નોંધનીય છે કે શરદ પવારના જૂથવાળી રાષ્ટ્રવાદી કૉંગ્રેસે પણ સીમાંકન બિલના પક્ષમાં મતદાન કરવાની જાહેરાત કરી છે.

રાહુલ ગાંધીએ સીમાંકન બિલને 'કોરો ચેક' ગણાવ્યું, વિપક્ષમાં ફાંટા પડ્યા

શનિવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક બાદ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શું કહ્યું?
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શનિવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં ડિલિમિટેશન બિલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે 543 બેઠકો પર પણ મતવિસ્તારોની સીમાઓ બદલીને રાજકીય ફેરફાર લાવી શકાય છે, પરંતુ 850 જેટલી મોટી સંખ્યામાં બેઠકો થવાથી સરકાર પોતાની મનમાની મુજબ કામ કરી શકશે.

તેમણે આ બિલને સરકાર માટે 'બ્લેન્ક ચેક' ગણાવ્યું છે.

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ડિલિમિટેશન બિલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં હિતોની વિરુદ્ધ છે.

જોકે, આ બેઠકમાં ડીએમકે અને એનસીપી (શરદ પવાર) સામેલ થયા ન હતા. તેમણે અગાઉથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું.

સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ, આમ આદમી પાર્ટી અને બીજુ જનતા દળ (બીજેડી)ને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ પક્ષોએ તેમાં ભાગ લીધો ન હતો.

આ પહેલી વાર નથી જ્યારે વિપક્ષની એકતા નબળી દેખાઈ હોય. આ અગાઉ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસી અને કૉંગ્રેસે અલગ-અલગ રસ્તો અપનાવ્યો હતો.

તો બીજી તરફ, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે મતભેદો જોવા મળ્યા હતા.

મમતા બેનરજી દિલ્હી પહોંચ્યાં, કહ્યું- જલદી આવવા કહેવાયું હતું

મમતા બેનરજીએ 'નારી શક્તિ' વિશે કહ્યું કે નારી શક્તિનું બિલ વર્ષ 2024માં પાસ થઈ ચૂક્યું છે, સરકાર ખોટી વાત કરી રહી છે
ઇમેજ કૅપ્શન, મમતા બેનરજીએ 'નારી શક્તિ' વિશે કહ્યું કે નારી શક્તિનું બિલ વર્ષ 2024માં પાસ થઈ ચૂક્યું છે, સરકાર ખોટી વાત કરી રહી છે

પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્ય મંત્રી અને ટીએમસી (મમતા બેનરજી જૂથ)નાં પ્રમુખ મમતા બેનરજી શનિવારે રાત્રે દિલ્હી પહોંચ્યાં છે.

મમતા બેનરજીએ કહ્યું છે કે 'ઇન્ડિયા' ગઠબંધનની રવિવારની મીટિંગ વિશે તેમને કંઈ ખબર નથી, પરંતુ તેમને વહેલા આવવાનું કહેવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું, "મને જલદી આવવા કહેવામાં આવ્યું, એટલે હું આવી ગઈ. હવે જઈને તપાસ કરું છું કે શું વાત છે."

મમતા બેનરજીએ 'નારી શક્તિ' વિશે કહ્યું કે નારી શક્તિનું બિલ વર્ષ 2024માં પાસ થઈ ચૂક્યું છે, સરકાર ખોટી વાત કરી રહી છે.

આ પહેલાં શનિવારે પણ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નવી દિલ્હીસ્થિત નિવાસસ્થાને ઇન્ડિયા બ્લૉકના નેતાઓની બેઠક યોજાઈ હતી.

ત્યાર બાદ સીમાંકનની પ્રસ્તાવિત પ્રક્રિયા અંગે ઇન્ડિયા બ્લૉકે કેન્દ્ર સરકાર સામે ત્રણ મુખ્ય માગણી મૂકી છે.

વિપક્ષી દળોએ લોકસભાની હાલની સભ્ય સંખ્યા જાળવી રાખવા, વર્તમાન બેઠકોના આધારે જ મહિલાઓને અનામત આપવા અને આગામી 25 વર્ષ સુધી રાજ્યો વચ્ચે બેઠકોની હાલની ફાળવણી યથાવત્ રાખવાની માગ કરી છે.

મ્યાનમારમાં લગ્ન સ્થળ અને શાળા પર સેનાનો બૉમ્બમારો, ડઝનથી વધારે લોકોના મોતના સમાચાર

મ્યાનમારની લશ્કરી આગેવાની હેઠળની સરકારે આ હુમલાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી
ઇમેજ કૅપ્શન, મ્યાનમારની લશ્કરી આગેવાની હેઠળની સરકારે આ હુમલાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે. આ હુમલાઓના ટાર્ગેટમાં લગ્નસ્થળ અને એક શાળા સામેલ છે.

બચાવકર્મીઓએ જણાવ્યું કે શનિવારે બપોરે દેશના દક્ષિણી શાન રાજ્યના મોએ બાય ગામમાં લગ્ન સમારોહ સ્થળ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ઓછામાં ઓછા 35 અન્ય લોકો ઘાયલ થયા છે.

મ્યાનમારની નિર્વાસિત નૅશનલ યુનિટી ગવર્નમેન્ટ (એનયુજી) અનુસાર, ગુરુવારે મધ્ય મ્યાનમારના મગવે પ્રદેશના ઇન યોન ગામમાં એક શાળા પર થયેલા હવાઈ હુમલામાં વિદ્યાર્થીઓ, યુવા બૌદ્ધ ભિક્ષુઓ અને શિક્ષકો સહિત ઓછામાં ઓછા 20 નાગરિકો માર્યા ગયા હતા.

મ્યાનમારની લશ્કરી આગેવાની હેઠળની સરકારે આ હુમલાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી.

શનિવારે સાંજે પશ્ચિમ મ્યાનમારના રાખાઇન રાજ્યના મ્રાઉક-યૂ શહેરમાં પણ સેનાએ હવાઈ હુમલા કર્યા.

સ્થાનિક સમય મુજબ રાત્રે શહેરના એક રહેણાક વિસ્તાર પર બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ, આ હુમલામાં 10થી વધુ લોકોનાં મોત થયાં છે અને આશરે 20 અન્ય ઘાયલ થયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન