ગુજરાતમાં પટેલો અને આંજણા ચૌધરીઓ એક જ છે કે અલગઅલગ, શું છે એમનો ઇતિહાસ?

બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

થોડા દિવસ પહેલાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં હિંમતનગરસ્થિત'અર્બુદા ધામ'માં યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લક્ષદ્વીપ, દીવ, દમણ અને દાદરા-નગરહવેલીના ઍડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ખોડા પટેલે પટેલો અને આંજણા ચૌધરી સમાજને 'એક' થવાની અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર હતા.

રાજ્યમાં આ પહેલાં 'કોળી મુખ્ય મંત્રી'નો મુદ્દો ઊઠ્યા બાદ 'આંજણા અને પટેલોની એકતા માટેની અપીલ' આવતાં ફરી એક વખત જ્ઞાતિ-સમીકરણોની આસપાસ ચર્ચા શરૂ થઈ છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પટેલ અને આંજણા ચૌધરી સમાજ સામાજિક અને રાજકીય રીતે 'મજબૂત' મનાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે આ બંને સમાજોને એક થવા માટેની અપીલ કેમ કરાઈ રહી છે અને આંજણા ચૌધરીઓ ખરેખર કોણ છે તેમજ તેમનો પટેલો સાથે શો સંબધ છે એ અંગે પણ ઘણાના મનમાં પ્રશ્ન ઊઠે એ સ્વાભાવિક છે.

આંજણા ચૌધરી કોણ છે?

બીબીસી ગુજરાતી

ઍન્થ્રૉપૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા વર્ષ 1985માં હાથ ધરાયેલા 'પીપલ ઑફ ઇન્ડિયા' પ્રોજેક્ટમાં 'પીપલ ઑફ ઇન્ડિયા ગુજરાત: વૉલ્યુમ 22, પાર્ટ 3'માં આંજણા પટેલ સમાજ અંગે વિગતો અપાઈ છે.

જે પ્રમાણે, "મહેસાણા જિલ્લામાં આંજણા પટેલ, આંજણા પાટીદાર, કણબી અને ચૌધરી પટેલ તરીકે પણ ઓળખાય છે. તેઓ પોતાની જાતને આંજણા પટેલ અથવા પાટીદાર કહે છે."

"તેઓ કહે છે કે સૌપ્રથમ તેઓ કાશ્મીરથી રાજસ્થાનના ભરતપુરમાં આવીને વસ્યા. એ બાદ તેમનું સ્થળાંતર માઉન્ટ આબુમાં થયું અને તેમનામાંનો એક વર્ગ રાજસ્થાનમાં જ રહી ગયો અને બીજો વર્ગ અંતે મહેસાણા જિલ્લામાં આવીને વસ્યો."

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પુસ્તક પ્રમાણે, આ સમાજના લોકો અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અને ખેડામાં પથરાયેલા છે.

આંજણા પટેલોના વ્યવસાય અંગે પુસ્તકમાં થયેલી નોંધ મુજબ, "આ સમાજ પરંપરાગત રીતે ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલો છે અને આ સમાજ તેમના વિસ્તારમાં એક મોટી જમીનદાર કોમ છે અને જમીનો પણ ખાસી ફળદ્રુપ છે."

પથુભાઈ વીરસંગભાઈ દેસાઈ લિખિત 'ભારતના આંજણા' પુસ્તકને ગુજરાતીમાં લખાયેલું આંજણા સમુદાયના ઇતિહાસ માટેનું 'આધારભૂત પુસ્તક' માનવામાં આવે છે.

આ પુસ્તકમાં લખાયેલી વિગતો મુજબ, "ભારતમાં મુખ્યત્વે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, કચ્છ, અને મહારાષ્ટ્રમાં આંજણા વસવાટ કરે છે. તઓ 'આંજણા', 'આંજણા પાટીદાર', 'આંજણા પટેલ', 'આંજણા કણબી/કલબી' અને 'ચૌધરી'નાં નામોથી ઓળખાય છે."

"જ્યારે કેટલાક પોતાને 'આજણા' કે પોતાનાં મૌર્ય, હૂણ, ગુર્જર, માલવ-માલવી, કાગ, જુવા, સોલંકી, ભાટિયા, લોહ, હાડિયા જેવાં કુળનામો અર્થાત્ અટકોથી ઓળખાવે છે. "

પુસ્તક મુજબ, "આંજણા 'આંજણા' તરીકે ઈસવીસન પૂર્વે 1000થી પણ પહેલાંથી જાણીતા છે."

આ પુસ્તકમાં આંજણા નામની ઉત્પત્તિ અંગે વિવિધ મતો રજૂ કરવામાં આવ્યા છે, એ પૈકી કેટલાક નીચે મુજબ છે.

  • પુરાણકાળના પૃથુ રાજાના જમણવારમાં ઊભાં ઊભાં જમ્યા તે 'આંજણા' કહેવાયા અને બેઠાં બેઠાં જમનારા 'જાટ' કહેવાયા.
  • વાંસવાડા સ્ટેટના ગડી કસબાના 'આંજણા' ગામથી બીજા પ્રદેશોમાં પ્રસરતાં તેમનું નામ આંજણા પડ્યું.
  • ગુજરાતમાં ભીમદેવના રાજપૂત સૈનિકોએ આબુ પર્વત પર 'આંજનગઢ' નામનું જનપદ સ્થાપ્યું, જેના વતનીઓ પાછળથી આંજણા કહેવાયા.
  • ઉત્તર ગુજરાત અગાઉના સમયમાં 'આનર્ત'ને નામે ઓળખાતું. આ પ્રદેશના ગુર્જરો 'અજાણ્ય', 'આંજનો' કે 'આજના' નામે ઓળખાતા. આ પ્રદેશમાં વસવાટ કરતા લોકોનું નામ 'આંજણા' પડ્યું.

જોકે, આ જ પુસ્તકમાં જ આ પૈકી કેટલાક મતો અંગે શંકા વ્યક્ત કરાઈ છે.

આંજણા અને પટેલો વચ્ચે કોઈ નાતો ખરો?

બીબીસી ગુજરાતી

'ભારતના આંજણા' પુસ્તકમાં નોંધાયું છે એ મુજબ, "આંજણાઓનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે. રાજપૂતો, લેઉવા પાટીદારો, કડવા પાટીદારો, વેગેરે ખેતીનો વ્યવસાય કરતાં લોકોની જેમ તેઓ પોતાની સાથે ઢોર-ઉછેરનો પૂરક ધંધો પણ કરે છે."

સાર્થ જોડણીકોશની મોબાઇલ ઍપ્લિકેશનમાં આપેલી વ્યાખ્યા 'ચોધરી' શબ્દનો અર્થ નીચે મુજબ છે.

"મુખ્ય ગાડીત; સારથિ, સીમન રક્ષમ કરવા બદલ પસાયતું ખાનાર, ડુંગરાઓમાં વસતી એક જંગલી કોમ, આંજણા (પટેલ) જ્ઞાતિનો માણસ, ચૌધરી."

'ભારતના આંજણા' પુસ્તકના 179 પર લખાયું છે કે, "આંજણાઓ ચૌધરી અટક ધરાવે છે, આ અટક જ્ઞાતિસૂચક નથી. ચૌધરી એટલે ગામનો મુખ્ય આગેવાન જાગીરદાર. આ અટક તેમના ભવ્ય ભૂતકાળ તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ અટક પદવીસૂચક છે, જાતિ કે જ્ઞાતિસૂચક નહીં."

"દેસાઈ એટલે સોળમી સદીના મધ્ય ભાગથી અઢારમી સદીના મધ્ય ભાગ સુધીના વખતના મુઘલ કાળમાં એક ગામ કે તેથી વધારે ગામોનો જમીન મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો રાખનારાના વંશજો. ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામો તથા રાજસ્થાનના સાંચોર વિભાગ વગેરે પ્રદેશોમાં આંજણાઓ આવા ઇજારા રાખતા હતા, જેમના વંશો પૈકી કેટલાક દેસાઈ અટક ધારણ કરે છે."

લેખક પીવી દેસાઈ આગળ લખે છે કે, "આ અટક પણ જ્ઞાતિસૂચક નથી, તે ધંધા-પદવીસૂચક છે."

આંજણામાં 'પટેલ' અટક વિશે આ પુસ્તકમાં લખાયું છે કે, "અગાઉના વખતમાં ગામનો મુખ્ય અધિકારી 'અક્ષપટલિક' કહેવાતો. ગામની પોલીસ અને તલાટી તેના હાથ નીચે રહેતા. ગામનો તે માનનીય આગેવાન વડીલ ગણાતો. દરેક ગામદીઢ જે પંચાયત ગામના વહીવટ માટે રચવામાં આતી તેનો તે પ્રમુખ રહેતો અને તેની પાસે દીવાની અને ફોજદારી સત્તા પણ રહેતી. આ 'અક્ષપટલિક' શબ્દ પરથી 'પટેલ' શબ્દ થયો છે. 'પાટિલ' અને 'પટ્ટલિક' શબ્દો 'અક્ષપટલિક' શબ્દના અપભ્રંશરૂપે જ છે. દેસાઈ અને ચૌધરીની માફક પટેલ શબ્દ પણ જ્ઞાતિસૂચક નથી; તે પદવીસૂચક છે. વાણિયા, મુસલમાનો વગેરે પણ આવી અટકો ધરાવે છે."

"આંજણાઓ આ ત્રણે અટકો ધારણ કરે છે, પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઘણા ખરા આંજણા આ પદવીસૂચક અટકો ધારણ કરવાના અધિકારી હોવા છતા, તેઓ પોતાનાં કુળો-શાખા-ગોત્રોનાં જ નામો અટક તરીકે ધારણ કરી પૂર્વજોના ભવ્ય ભૂતકાળની યાદ તાજી રાખે છે."

સુરતમાં સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝના નિવૃત્ત પ્રોફેસર અને સમાજશાસ્ત્રી ડૉ. અર્જુન પટેલે પટેલો અને આંજણા ચૌધરી વચ્ચેના સંબંધ અને સામ્યતાઓ અંગે વાત કરતાં કહ્યું, "આમ જોવા જઈએ તો સામાજિક-આર્થિક રીતે સરકારી આંકડા પ્રમાણે પણ પટેલો અને આંજણા ચૌધરી એક નથી. સામાજિક દૃષ્ટિએ પણ આ સમૂહો વચ્ચે લગ્નવ્યવહાર જેવા સંબંધો નથી. આ ઉપરાંત આ લોકો રાજ્યમાં જુદાં-જુદાં ભૌગોલિક ક્ષેત્રમાં વિભાજિત છે."

ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્રભવનના પૂર્વ અધ્યક્ષ અને સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની જણાવે છે કે, "પટેલો અને આંજણા ચૌધરી ભાઈ-ભાઈ તો નહીં, પરંતુ એક જ વિસ્તારમાં છે. તેમજ આ બંને કોમો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે. આંજણા સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં રહે છે. તેમજ આ જ વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારો પણ ખરા. આ બંને સમૂહો ખેતી સાથે જોડાયેલા છે."

"વ્યવસાયની સામ્યતા ઉપરાંત આ બંને સમાજોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ખેતી સાથે જોડાયેલા હોવાના કારણે અને રોકડિયા પાક લેતા સમૂહો હોઈ આંજણા પાટીદાર ધીમે ધીમે કડવા પાટીદાર જેવા જ સમૃદ્ધ પણ થયા. ઉપરાંત ઓબીસી અનામતને કારણે આંજણા ચૌધરી સરકારી નોકરીઓમાં સારા એવા પ્રમાણમાં આવ્યા. આર્થિક અને સામાજિક સમાનતાના કારણે આ બંને જૂથો વચ્ચે કેટલીક વાર 'સ્પર્ધાનું તત્ત્વ' પણ જોવા મળે છે."

તાજેતરના નિવેદન પાછળ 'રાજકીય મંશા' જવાબદાર?

વરિષ્ઠ પત્રકાર અજય નાયક 'કડવા-લેઉઆ પાટીદાર અને આંજણા ચૌધરીઓને ત્રણ સગી બહેનોનાં સંતાનો' ગણાવવાવાળા પ્રફુલ પટેલના નિવેદનના રાજકીય પાસા અંગે વાત કરતાં કહે છે:

"મને એવું લાગે છે કે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, અને જ્યારે પણ ચૂંટણી નિકટ આવે છે, પછી ભલે એ લોકસભાની, વિધાનસભાની, નગરપાલિકાની કે પંચાયતોની હોય, આવા ટાણે આવા સંવેદનશીલ મુદ્દાને ઉછાળવામાં આવે છે. જેથી ટાર્ગેટેડ મતદારોને પોતાની તરફ આકર્ષી શકાય."

"હકીકતમાં આંજણા ચૌધરી પટેલોને અનામતનો લાભ મળે છે, તેમાંથી વર્ષ 2015માં થયેલું અનામત આંદોલન શરૂ થયું હતું. જો હવે તમે એવું કહેતા હો કે - લેઉઆ, કડવા અને આંજણા ત્રણ બહેનોનાં એક જ સંતાન છે, તો તેનો તેના બે અર્થ નીકળે."

તેઓ આગળ કહે છે કે, "એક એ કે તમે જે-તે સમયના સત્તાધીશો સામે બદઇરાદા સાથે કામ કર્યું હતું. બીજો અર્થ એ કે હવે પાછી ચૂંટણી આવવાની છે ત્યારે તમે પાટીદારને પંપાળવા માગો છો, તેથી તમે આ બધું કરી રહ્યા છો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન