ગાંધીજીના એક ઉપવાસે ડૉ. આંબેડકરની કઈ માગણી છીનવી લીધી? જાણો પૂના કરારની આખી કહાણી

ગાંધીજીના એક ઉપવાસે આંબેડકરની કઈ માગણી છીનવી લીધી? જાણો પૂના કરારની આખી કહાણી
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

દલિતોના અધિકાર અને સમાનતા માટેના સંઘર્ષની વાત નીકળે ત્યારે ડૉ. આંબેડકર અને ગાંધીજીનાં નામ અચૂક લેવાય છે. બંને પોતપોતાની રીતે અસમાનતાના તીવ્ર વિરોધી હોવા છતાં, તેમની વચ્ચે મહત્ત્વનો વૈચારિક ભેદ હતો. તેના કારણે ડૉ. આંબેડકર ગાંધીજીના કટુ ટીકાકાર બન્યા. તેમની વચ્ચેના સંઘર્ષનો એક મહત્ત્વનો મુદ્દો હતો અલગ મતદાર મંડળોની જોગવાઈ.

અંગ્રેજીમાં 'સેપરેટ ઇલેક્ટોરેટ' તરીકે ઓળખાતાં અલગ મતદાર મંડળનો સાદો અર્થ એ કે અમુક સમાજના ઉમેદવારોને એ સમાજના મતદારો જ ચૂંટે. બીજા કોઈ મતદારે તેમાં મત આપવાનો નહીં. ભારતમાં અંગ્રેજ સરકારે મુસ્લિમો ઉપરાંત અન્ય કેટલાક લઘુમતી સમુદાયોને અલગ મતદાર મંડળનો લાભ આપ્યો હતો.

અલગ મતદાર મંડળનો આરંભ

દાયકાઓ પછી ફક્ત આંબેડકર-ગાંધી સંઘર્ષને કારણે યાદ રહેલાં અલગ મતદાર મંડળની શરૂઆત થઈ, ત્યારે બંનેમાંથી કોઈ ભારતના જાહેર જીવનમાં સક્રિય ન હતા. અંગ્રેજ સરકારે ભારતીયોને સ્થાનિક વહીવટી સંસ્થાઓમાં થોડો ભાગ આપવાનું નક્કી કર્યું. તે માટે 1909માં મોર્લી-મિન્ટો સુધારા આવ્યા. તેમાં કેન્દ્રીય ધારાસભા સ્થાપવામાં આવી અને મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની માગણીનો સ્વીકાર થયો. તે માટેની રજૂઆત 1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગે કરી હતી. (મહમદઅલી ઝીણા ત્યારે કૉંગ્રેસના સભ્ય હતા.)

દર દસ વર્ષે ભારતીયોની સામેલગીરી વધારવાની નીતિ પ્રમાણે, ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ, 1919 અંતર્ગત મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, ઍન્ગ્લો-ઇન્ડિયન જેવા કેટલાક સમુદાયોને અલગ મતદાર મંડળ મળ્યાં. તેની સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે ત્યારે દરેક પુખ્ત વ્યક્તિને મતાધિકાર ન હતો. જમીનમાલિકી, ઉચ્ચ શિક્ષણ, જાહેર સંસ્થામાં ઉચ્ચ હોદ્દો, આવકવેરો ભરવો- એવી 'લાયકાત' ધરાવનાર જ મત આપી શકતા હતા. એટલે, મહિલાઓ અને દલિતો મહદ્ અંશે મતાધિકારથી વંચિત હતી. આશરે 30 કરોડની વસ્તીમાંથી મતદારોની સંખ્યા ફક્ત 50 લાખ હતી.

1909 અને 1919 પછી 1929ના સુધારા પહેલાં, સંબંધિત જૂથોને મળીને પરિસ્થિતિનો અભ્યાસ કરવા 1928માં સાયમન કમિશન ભારત આવ્યું. તેના સભ્યોમાં મજૂર પક્ષના ક્લેમેન્ટ એટલીનો પણ સમાવેશ થતો હતો. (બે દાયકા પછી તેમના શાસનકાળ દરમિયાન ભારતને આઝાદી મળવાની હતી.) સાયમન કમિશનમાં એકેય ભારતીય સભ્ય ન હોવાથી કૉંગ્રેસે તેનો બહિષ્કાર કર્યો, પરંતુ બાકીના બધા પક્ષો અને સમુદાયોએ તેની સમક્ષ રજૂઆતો કરી. તેમાં ડૉ. આંબેડકરનો પણ સમાવેશ થતો હતો.

ડૉ. આંબેડકરઃ પહેલાં વિરોધ, પછી સમર્થન

દાયકાઓ પછી ફક્ત આંબેડકર-ગાંધી સંઘર્ષને કારણે યાદ રહેલાં અલગ મતદાર મંડળની શરૂઆત થઈ, ત્યારે બંનેમાંથી કોઈ ભારતના જાહેર જીવનમાં સક્રિય ન હતા
ઇમેજ કૅપ્શન, દાયકાઓ પછી ફક્ત આંબેડકર-ગાંધી સંઘર્ષને કારણે યાદ રહેલાં અલગ મતદાર મંડળની શરૂઆત થઈ, ત્યારે બંનેમાંથી કોઈ ભારતના જાહેર જીવનમાં સક્રિય ન હતા

સાયમન કમિશનના એક દાયકા પહેલાં, ભારતમાં કોને અને કેવી રીતે મતાધિકાર આપવો તે નક્કી કરવા માટે લૉર્ડ સાઉથબરોની આગેવાની હેઠળની એક સમિતિ ભારત આવી હતી. તેની સમક્ષ 'ડીપ્રેસ્ડ ઇન્ડિયા ઍસોસિયેશન'ના નેતા જી.એ. ગવઈએ કરેલી રજૂઆતમાં દલિતો માટે અલગ મતદાર મંડળની માગણી કરવામાં આવી હતી. (ત્યારે દલિતો સત્તાવાર રીતે 'ડીપ્રેસ્ડ ક્લાસ' તરીકે ઓળખાતા હતા.)

ગવઈની જેમ આંબેડકર પણ મહારાષ્ટ્રના દલિતોમાં પ્રભાવી ગણાતી મહાર પેટાજ્ઞાતિના હતા. પરંતુ બંનેના રસ્તા અલગ હતા. ડૉ. આંબેડકરે સાઉથબરો સમિતિ સમક્ષ મુસલમાનોને અપાયેલા અલગ મતદાર મંડળનો વિરોધ કર્યો. તેમના મતે, અલગ મતદાર મંડળથી બંને કોમો વચ્ચે અંતર વધતું હતું. દલિતોને તેમણે, ત્યારે પ્રચલિત એક માન્યતા પ્રમાણે, 'આદિ-હિંદુ' (આર્યો પહેલાંના) ગણાવવાને બદલે, સમાજમાં અમાનવીય ભેદભાવ અને ગુલામી વેઠતા સમુદાય તરીકે ગણાવ્યા અને એ ધોરણે તેમનું પ્રતિનિધિત્વ માગ્યું, જેથી દલિતો પોતાની સ્થિતિ સુધારી શકે. જોકે, સરકારે એકેય માગણી મંજૂર રાખી નહીં અને વિવિધ પ્રાંતની ધારાસભામાં એક-એક દલિત પ્રતિનિધિને ચૂંટણીથી નહીં, પણ નિયુક્તિ દ્વારા મૂકવાનું ઠરાવ્યું. (આંબેડકર્સ વર્લ્ડ, ઇલેનોર ઝેલિયટ, પૃ. 112-114)

સાઉથબરો સમિતિ સમક્ષ એક જ દલિત સંગઠને રજૂઆત કરી હતી, પણ દસ વર્ષ દરમિયાન એટલી જાગૃતિ આવી હતી કે સાયમન કમિશન આવ્યું ત્યારે 20 દલિત જૂથોએ રજૂઆતો કરી. તેમાંથી 16 જૂથોએ ડીપ્રેસ્ડ ક્લાસ (દલિતો) માટે અલગ મતદાર મંડળની માગણી કરી હતી, પણ ડૉ. આંબેડકર તે માગણીમાં સામેલ ન હતા. તેમણે દલિતો માટે, અને મુસ્લિમો માટે પણ, સંયુક્ત મતદાર મંડળની માગણી કરી. તેમની દલીલ હતી કે અલગ મતદાર મંડળને કારણે વિભાજન આગળ વધશે, લઘુમતીઓ માટે અસરકારક કાયદા નહીં બને તથા ચૂંટણી વખતે અને ચૂંટાયા પછી એકબીજાનું હિત સાચવવા માટે, એકબીજાનો ટેકો આપવા-લેવાની, અને એ રીતે પરસ્પર હળવાભળવાની સંભાવના નાબૂદ થઈ જશે.

દલિતો માટે સંયુક્ત મતદાર મંડળ સિવાય પણ કેટલીક મહત્ત્વની માગણીઓ તેમણે કરી હતી. જેમ કે, દરેક જિલ્લામાં એક દલિત પોલીસ અફસર નીમવો. માગણીઓ મુકતી વખતે તેમણે એવી આશા વ્યક્ત કરી કે એક દિવસ એવો આવશે, જ્યારે આ કશાની જરૂર નહીં રહે, પણ તેનો આધાર બહુમતી લઘુમતી પ્રત્યે કેવી રીતે વર્તે છે તેની પર રહેશે. (ઝેલિયટ, પૃ. 125-127) પરંતુ ભારતના ભાવિ બંધારણ વિશેની ચર્ચા કરવા માટે લંડનમાં મળેલી ગોળમેજી પરિષદો સુધીમાં ડૉ. આંબેડકરની માન્યતા બદલાઈ ગઈ હતી.

ગોળમેજી પરિષદ અને પૂના કરાર

ગાંધીજીના એક ઉપવાસે આંબેડકરની કઈ માગણી છીનવી લીધી? જાણો પૂના કરારની આખી કહાણી
ઇમેજ કૅપ્શન, 1930-31માં યોજાયેલી પહેલી ગોળમેજી પરિષદ અંગ્રેજ સરકાર સામે આંદોલને ચડેલા ગાંધીજી અને કૉંગ્રેસની ગેરહાજરીને કારણે નિષ્ફળ રહી (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દલિતો માટે સંયુક્ત મતદાર મંડળની માગણી કરતી વખતે ડૉ. આંબેડકર સાર્વત્રિક મતાધિકારની શરત પણ ઉમેરતા હતા. પુખ્ત વયના બધા અથવા મોટા ભાગના દલિતો મત આપી શકે, તો જ સંયુક્ત મતદાર મંડળમાં દલિતોનો અવાજ ઉમેરાય અને કશો અર્થ સરે. પરંતુ અંગ્રેજ સરકાર દલિતોને ચૂંટણી દ્વારા નહીં, નિયુક્તિ દ્વારા જ પ્રતિનિધિત્વ આપે છે, તે જોયા પછી ડૉ. આંબેડકરના વિચાર બદલાયા. તેમનું આધારભૂત ચરિત્ર લખનાર અભ્યાસી ઇલેનોર ઝેલિયટના મતે, પહેલી ગોળમેજી પરિષદમાં જતાં પહેલાં જ ડૉ. આંબેડકરને સમજાઈ ગયું હતું કે અંગ્રેજ સરકાર તરફથી દલિતોને વ્યાપક મતાધિકાર મળવાની આશા નથી. એટલે, તે અલગ મતદાર મંડળના વિકલ્પ તરફ ઢળ્યા. (ઝેલિયટ, પૃ.130)

1930-31માં યોજાયેલી પહેલી ગોળમેજી પરિષદ અંગ્રેજ સરકાર સામે આંદોલને ચડેલા ગાંધીજી અને કૉંગ્રેસની ગેરહાજરીને કારણે નિષ્ફળ રહી. ગાંધીજી અને વાઇસરૉય વચ્ચે સમાધાન થયા પછી 1931માં ભરાયેલી બીજી ગોળમેજી પરિષદમાં બંને નેતાઓ લંડન પહોંચ્યા. ત્યાં જતાં પહેલાં ડૉ. આંબેડકર અને ગાંધીજી વચ્ચે મુંબઈમાં મુલાકાત થઈ, પણ તેમાં બંનેના જુદા અને સામા છેડાના લાગે એવા અભિગમ સ્પષ્ટ થયા. ગાંધીજીને મન દલિતો પ્રત્યેના અમાનવીય ભેદભાવનો ઉકેલ હિંદુઓ પ્રાયશ્ચિત કરે તે હતો, જ્યારે ડૉ. આંબેડકર હવે સંયુક્ત નહીં, પણ અલગ મતદાર મંડળ દ્વારા દલિતોના વાસ્તવિક રાજકીય અધિકાર મળે, તેને સાચો ઉકેલ ગણતા હતા. ગાંધીજીને લાગતું હતું કે દલિતો ફક્ત દલિતોના મતથી જ ચૂંટાય તો તે કાયમ માટે હિંદુ સમાજથી અલગ થઈ જશે અને હિંદુ સમાજ વિભાજિત થશે. તેમણે બીજી ગોળમેજી પરિષદમાં જાહેર કર્યું કે દલિતોને અલગ મતદાર મંડળ આપવામાં આવશે તો તે પ્રાણના ભોગે પણ તેનો વિરોધ કરશે.

–અને તેમણે એેવું કર્યું પણ ખરું. અનિર્ણાયક એવી બીજી ગોળમેજી પરિષદ પછી, લઘુમતીઓના પ્રતિનિધિત્વનો આખરી ફેંસલો જેમની પર છોડવામાં આવ્યો હતો તે બ્રિટનના વડા પ્રધાન રામ્સે મેકડોનાલ્ડે દલિતો માટે અલગ મતદાર મંડળની જાહેરાત કરી. ઉપરાંત, મુસ્લિમો, શીખો સહિત અગાઉના બધા સમુદાયો માટેનાં અલગ મતદાર મંડળ યથાવત્ રહ્યાં. (ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ, 1935 પછી ફક્ત મુસ્લિમો અને શીખો માટે અલગ મતદાર મંડળ રહ્યાં) ગાંધીજીએ તેની નાબૂદી માટે આમરણ ઉપવાસ કરતાં ડૉ. આંબેડકર પર ગાંધીજીનો જીવ બચાવવાનું પ્રચંડ દબાણ આવ્યું. છેવટે, પૂના કરાર અંતર્ગત તેમણે અલગ મતદાર મંડળમાં મળતી 71 બેઠકોને બદલે, સંયુક્ત મતદાર મંડળમાં દલિતો માટેની 148 અનામત બેઠકો સ્વીકારી. આ ઉપરાંત, અનામત બેઠક પર બે ચૂંટણીની જોગવાઈ કરવામાં આવીઃ પ્રાથમિક ચૂંટણીમાં ફક્ત દલિતો મત આપીને ચાર દલિત ઉમેદવારોને ચૂંટે. તે ચારેય સામાન્ય ચૂંટણીમાં ઊભા રહે અને બધા મતદારોના મતમાંથી જેને સૌથી વધુ મત મળે, તે જીતે.

અલગ વસાહતની માગણી

1920ના દાયકામાં ડૉ. આંબેડકરે પૂના, સિંધ, ઇંદોર રાજ્ય વગેરે ઠેકાણે અલગ જમીન મેળવીને ત્યાં દલિતોને વસાવવાની વાત મૂકી હતી
ઇમેજ કૅપ્શન, 1920ના દાયકામાં ડૉ. આંબેડકરે પૂના, સિંધ, ઇંદોર રાજ્ય વગેરે ઠેકાણે અલગ જમીન મેળવીને ત્યાં દલિતોને વસાવવાની વાત મૂકી હતી (ફાઇલ ફોટો)

ડૉ. આંબેડકરે કચવાતા મને, ગાંધીજીનો જીવ બચાવવાના દબાણ તળે આવીને, અલગ મતદાર મંડળ જતાં કર્યાં. થોડા સમય પૂરતું તેમણે બમણી સંખ્યામાં અનામત બેઠકોથી મન મનાવવાની કોશિશ કરી હશે. ગાંધીજીના ઉપવાસ પછી કામચલાઉ ધોરણે ઘણે ઠેકાણે મંદિરો કે તળાવો કે જાહેર સ્થળો દલિતો માટે ખુલ્લાં થયાં, ગાંધીજીની હરિજન યાત્રાના પગલે હિંદુઓમાં ઠીક ઠીક જાગૃતિ આવી, ઠેકઠેકાણે રૂઢિચુસ્તોએ તેમનો વિરોધ કર્યો ને પૂનામાં તો તેમની પર હુમલો કર્યો. તે બધું થવા છતાં, દલિતોની સ્થિતિમાં પડેલો ફરક ડૉ. આંબેડકરની વાજબી અપેક્ષા કરતાં ઘણો ઓછો હતો. એટલે તેમણે છેક આઝાદી સુધી અલગ મતદાર મંડળ મેળવવાના પ્રયાસ ચાલુ રાખ્યા. સાથોસાથ, દલિતો માટે અલગ વસાહતોની માગણી ઉમેરી.

1920ના દાયકામાં ડૉ. આંબેડકરે પૂના, સિંધ, ઇંદોર રાજ્ય વગેરે ઠેકાણે અલગ જમીન મેળવીને ત્યાં દલિતોને વસાવવાની વાત મૂકી હતી. તેમની દૃઢ માન્યતા હતી કે દલિતો ગામડાંના શોષણખોર અને ભેદભાવયુક્ત માળખામાંથી છૂટે, તો જ તે નવેસરથી સ્વતંત્ર જીવન શરૂ કરી શકે. 1942માં ક્રિપ્સ મિશને દલિતો માટે કશી વિશેષ જોગવાઈ વિના બંધારણ સભા રચવાનું સૂચન કર્યું, ત્યારે ડૉ. આંબેડકરે તેની તીવ્ર પ્રતિક્રિયા આપી. તેના પગલે, નાગપુરમાં 1942માં ભરાયેલી ઑલ ઇન્ડિયા ડીપ્રેસ્ડ ક્લાસ કૉન્ફરન્સમાં આશરે 70 હજાર દલિતોની હાજરીમાં, અલગ મતદાર મંડળો ઉપરાંત અલગ વસાહતોની માગણી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. (ડૉ. આંબેડકર ઍન્ડ અનટચેબિલિટી, ક્રિસ્ટોફ જેફ્રલો, પૃ.80-81) નાગપુરની કૉન્ફરન્સના અંતે ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ 'શીડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન' નામના રાજકીય પક્ષની સ્થાપના થઈ, જેનો આશય હિંદુઓ અને કૉંગ્રેસ સાથે દલિતોનો છેડો ફાડી નાખવાનો અને અલગ મતદાર મંડળની માગણી કરવાનો હતો.

1946માં થયેલી ચૂંટણીમાં મુંબઈ પ્રાંતમાં ડૉ. આંબેડકરના પક્ષનો એક પણ ઉમેદવાર જીત્યો નહીં. મુંબઈ, મદ્રાસ અને મધ્ય પ્રાંતમાં પ્રાથમિક ચૂંટણીમાં તેમના ઉમેદવારોને વધારે મત મળ્યા હતા, પરંતુ દલિતો ઉપરાંતના બીજા મતદારો પણ મત આપે, ત્યારે ડૉ. આંબેડકરના ઉમેદવાર હારી જતા હતા અને કૉંગ્રેસના અથવા અપક્ષ ઉમેદવાર જીતી જતા હતા. (ઝેલિયટ, પૃ.190-191) સંયુક્ત પ્રાંત (હાલના ઉત્તર પ્રદેશ)માં દલિતો માટેની અનામત બેઠકો પર પ્રાથમિક ચૂંટણીમાં ડૉ. આંબેડકરના પક્ષના 9 ઉમેદવાર અને કૉંગ્રેસના 4 ઉમેદવાર ચૂંટાયા હતા, પણ ત્યાર પછીની આખરી ચૂંટણીમાં બિનદલિત મતદારોના મતથી ચૂંટાવાનું આવ્યું ત્યારે ડૉ. આંબેડકરના પક્ષના નવે નવ ઉમેદવાર હારી ગયા. (જેફ્રલો,પૃ.83) બીજો કોઈ ઉપાય ન રહેતાં ડૉ. આંબેડકરના પક્ષે પૂના, નાગપુર, લખનૌ અને કાનપુરમાં અલગ મતદાર મંડળની માગણી સાથે સત્યાગ્રહ સુધ્ધાં કર્યા. (ઝેલિયટ, પૃ.191) એ જ વર્ષે ડૉ. આંબેડકર અલગ મતદાર મંડળની માગણી માટે બ્રિટન જઈ આવ્યા. પરંતુ ચૂંટણીમાં થયેલી હાર પછી અંગ્રેજો તેમની માગણી ગણકારે એવી સ્થિતિ રહી ન હતી. (જેફ્રલો, પૃ.83) 1947માં બંધારણસભામાં પહોંચતાં પહેલાં ડૉ. આંબેડકરનું પુસ્તક 'સ્ટેટ્સ ઍન્ડ માઇનોરિટી' પ્રકાશિત થયું. સંયુક્ત ભારતના સૂચિત બંધારણ જેવા એ પુસ્તકમાં પણ ડૉ. આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળ અને અલગ વસાહતોની માગણી કરી હતી.

બંધારણ સભામાં ડૉ. આંબેડકર

ગાંધીજીના એક ઉપવાસે આંબેડકરની કઈ માગણી છીનવી લીધી? જાણો પૂના કરારની આખી કહાણી

બંગાળમાં ડૉ. આંબેડકરના પક્ષના સભ્ય જોગેન્દ્રનાથ મંડલને ત્યાંની મુસ્લિમ લીગની સરકારે પ્રધાનપદું આપ્યું. મુસ્લિમ લીગની સરકાર થકી બંગાળમાંથી ડૉ. આંબેડકર બંધારણ સભામાં પહોંચ્યા. પરંતુ બંગાળના ભાગલા થતાં, ડૉ. આંબેડકરવાળી બેઠક પાકિસ્તાનમાં ગઈ અને તે બંધારણ સભાના સભ્ય મટી ગયા. દેશના ઇતિહાસના મહત્ત્વના સમયગાળામાં રાજકીય ગતિવિધિઓથી અળગા રહેવાનું ડૉ. આંબેડકરને અકારું લાગતું હતું. તે સમયે તેમને મળેલા કાનજી દ્વારકાદાસે લખ્યું હતું, "મને લાગે છે કે તે (ડૉ. આંબેડકર) કૉંગ્રેસ સાથે સુલેહ સાધવા રાજી છે અને ટૂંક સમયમાં બંને સાથે કામ કરતા થઈ જશે." (ગાંધી, 1914-1948, રામચંદ્ર ગુહા, પૃ..841)

ડૉ. આંબેડકર ગાંધીજીની દયાથી બંધારણ સભામાં પહોંચ્યા હતા કે નહીં–એવી ચર્ચા કરનારા પોતપોતાના ઉત્સાહમાં પ્રાથમિક હકીકતોને નજરઅંદાજ કરે છે. સરદાર પટેલે 10 જૂન, 1947ના રોજ મુંબઈ પ્રાંતના મુખ્ય પ્રધાન બાળાસાહેબ ખેરને લખ્યું હતું, "ડૉ. જયકર અને શ્રી માનેનાં રાજીનામાંથી પડનારી ખાલી જગ્યા હાલ ભરવી ન જોઈએ અને રાહ જોવી જોઈએ." (સિલેક્ટેડ કોરસ્પોન્ડન્સ ઑફ સરદાર પટેલ, ખંડ 5,સંઃ દુર્ગા દાસ, પૃ.148) ત્યાર પછીનો સરદારનો પત્ર 1 જુલાઈ 1947નો છે, જેમાં તેમણે ખેરને લખ્યું હતું," તમારી સાથે કાલે રાત્રે થયેલી વાતના અનુમોદનમાં, તમારે ડૉ. આંબેડકરની ચૂંટણી માટેની વ્યવસ્થા કરવાની છે, શક્ય હોય તો 14મી પહેલાં." (દુર્ગા દાસ, પૃ.149) તેનાથી સ્પષ્ટ થાય છે કે ડૉ. આંબેડકર કૉંગ્રેસની મદદથી બંધારણ સભામાં જઈ શક્યા. ડૉ. આંબેડકરના બધા ચરિત્રકારોએ આ હકીકત નોંધી છે. તે સ્વીકારવાથી ડૉ. આંબેડકરની પ્રતિભાને ઘસારો પહોંચતો નથી. કેમ કે, તે બંને પક્ષે થયેલી સમજૂતીનો ભાગ હતો.

તે સમજૂતી શી રીતે થઈ, તેની આધારભૂત માહિતી ગાંધીજીના ચરિત્રકાર રામચંદ્ર ગુહાએ આપી છે. ડૉ. આંબેડકર બંધારણ સભામાં હતા ત્યારે કૉંગ્રેસનાં સભ્ય રાજકુમારી અમૃતકોરને ઘણી વાર મળવાનું થતું હતું. તે પરિચયમાંથી ડૉ. આંબેડકરે વાત આગળ વધારી. ગુહાએ નોંધ્યા મુજબ, રાજકુમારી અમૃતકોર સમક્ષ પણ ડૉ. આંબેડકરે અલગ મતદાર મંડળની માગણી મૂકી હતી. રાજકુમારીએ તેમને સંયુક્ત મતદાર મંડળ માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે ચૂંટણીનાં પરિણામ ટાંકીને, હિંદુ મતો દલિત મતને કેવી રીતે નકામા બનાવી દે છે, તેની વાત કરી હતી. પરંતુ ગાંધીજી અલગ મતદાર મંડળની, થોડાં વર્ષ પૂરતી જોગવાઈ માટે પણ, તૈયાર ન હતા. આખરે, ડૉ. આંબેડકરને તેમની માગણી પડતી મૂકવી પડી. (ગુહા, પૃ.842)

અલબત્ત, ત્યારે એ માગણી સ્વીકારાઈ હોત તો પણ, તેને બંધારણમાં સ્થાન મળ્યું હોત? કેમ કે, બંધારણના ઘડતર વખતે, સરદાર પટેલની અધ્યક્ષતામાં મુસ્લિમોના અલગ મતદાર મંડળ વિશે ચર્ચા થઈ ત્યારે, દેશની એકતા માટે સૈદ્ધાંતિક રીતે જ અલગ મતદાર મંડળની જોગવાઈ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ ઐતિહાસિક બનાવોના અને ગાંધી-આંબેડકરના અવસાનના દાયકાઓ પછી જોઈ શકાય છે કે હિંદુ સમાજ પર ગાંધીજીએ રાખેલો ભરોસો ઠગારો નીવડ્યો છે. તેનાથી અલગ રીતે, એ પણ નોંધવું રહ્યું કે જ્ઞાતિના ભેદભાવનો ભોગ બનેલા દલિત સમાજમાં પેટાજ્ઞાતિવાદનું દૂષણ ઓછું થયું નથી. જાણીતા અભ્યાસી ચંદુ મહેરિયાએ પૂના કરાર વિશેના તેમના લેખના સમાપનમાં માર્મિક સવાલ પૂછ્યો હતો,"ગુજરાતની દલિત વસ્તીમાં સાવ જ અલ્પ પ્રમાણ ધરાવતી પેટાજાતિના પ્રતિનિધિઓ પણ રાજકીય અનામતને કારણે સત્તાના રાજકારણમાં પ્રવેશી શક્યા છે…અલગ મતાધિકાર હોય તો આ શક્ય બન્યું હોત ખરું?" (દલિત અધિકાર, 20-9-2012, પૃ.3)

ગાંધી-આંબેડકરના મુદ્દે સામસામી છાવણીઓમાં વહેંચાઈ જવાનું સૌથી સહેલું છે, અને સૌથી અઘરું છે સમાનતા માટે બંનેની તેમની રીતની ખેવનામાંથી બોધપાઠ લઈને આગળ વધવાનું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન