વડોદરા : 'લવારી શો'માં 'અશ્લીલ હરકતો, ટિપ્પણીઓ' કરવા બદલ ભુવન બામ સામે ફરિયાદ, શું છે મામલો?

ઇમેજ સ્રોત, Hardik
ગત 25 નવેમ્બરના રોજ વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીમાં યોજાયેલ 'લવારી' કૉમેડી શો દરમિયાન જાણીતા યૂટ્યૂબર ભુવન બામ પર કથિતપણે 'અશ્લીલ હરકતો' અને 'અશ્લીલ ટિપ્પણીઓ' કરવા મામલે પોલીસે કાર્યવાહી કરી છે.
યુનિવર્સિટીના જ સિક્યૉરિટી હેડની ફરિયાદને આધારે વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 296 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.
આ અંગે વાત કરતાં ડીવાયએસપી પીએન પટેલે એફઆઇઆર થયાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં આયોજિત આ શોમાં ભુવન બામે કરેલી 'હરકતો'ના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા, જે બાદ કાર્યવાહીની માગ ઊઠી હતી.
એફઆઇઆરમાં શું છે?

ઇમેજ સ્રોત, Hardik
એફઆઇઆર પ્રમાણે, આ યુનિવર્સિટીના ખુલ્લા ગ્રાઉન્ડમાં યુનિવર્સિટીના કૉમેડી ફૅક્ટરી ઇવેન્ટ ગ્રૂપ દ્વારા 'લવારી શો'નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મનન દેસાઈ, ચિરાયુ મિસ્ત્રી, દીપ વૈદ્ય, યૂટ્યૂબર ભુવન બામ અને સંજિદા શેખ જેવાં કલાકારો આવ્યાં હતાં.
એફઆઇઆરમાં ફરિયાદીએ આપેલી વિગત પ્રમાણે, "આ દરમિયાન ચાલુ પ્રોગ્રામમાં ભુવન બામે સંજિદા શેખને ઉદ્દેશીને અશ્લીલ ટિપ્પણી કરી હતી. તેમજ સંજિદા શેખની સામે જઈને અશ્લીલ હરકત જાહેરમાં કરી હતી."
"જાહેરમાં આ કૃત્ય કરવાથી સમાજની લાગણી દુભાયેલ હોઈ જેથી તેમના વિરુદ્ધ ધોરણસરની તપાસ થવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીવાયએસપી પીએન પટેલે કહ્યું હતું કે, "શોના આયોજન માટે યુનિવર્સિટી સત્તાધીશોને મંજૂરી અપાઈ હતી, પરંતુ અશ્લીલ કન્ટેન્ટની મંજૂરી નહોતી. મંજૂરીમાં શૈક્ષણિક સંસ્થાની પ્રતિષ્ટા અને શિસ્ત જાળવવાની સ્પષ્ટ શરત રખાઈ હતી. આ અંગે યુનિવર્સિટીની ભૂમિકાની તપાસ થશે."
"ભુવન બામને નોટિસ આપવા અને પૂછપરછ માટે બોલાવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ શોના આયોજકો સામે કાર્યવાહી કરવી કે નહીં એ તપાસના પુરાવા પર આધારિત છે."
નોંધનીય છે કે મળતી માહિતી મુજબ, પોલીસ શોના અન્ય કલાકારોની પણ તપાસ કરશે.
'લવારી' શું છે?

ઇમેજ સ્રોત, The Comedy Factory/YouTube
કૉમેડી ફૅક્ટરી ગ્રૂપ દ્વારા સંચાલિત 'ધ લવારી શો'એ ગુજરાતી કલાકારો અને સ્ટેન્ડઅપ કૉમેડિયનો દ્વારા ચલાવાતો એક 'કૉમેડી શો' છે, જેમાં વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ આવીને હળવું મનોરંજન પૂરું પાડે છે.
બુકમાયશોમાં આપેલી વિગત પ્રમાણે આ એક 'ગુજરાતી શો' છે.
ધ કૉમેડી ફૅક્ટરીના યૂટ્યૂબ પેજ પર 'લવારી'ના એપિસોડ સમયાંતરે મુકાતા રહે છે. પેજના યૂટ્યૂબ ડિસ્ક્રિપ્શન પ્રમાણે તે "વિશ્વની સૌથી પૉપ્યુલર એવી ગુજરાતી યૂટ્યૂબ ચૅનલ છે, જે આખી દુનિયામાં વસતા ગુજરાતીઓને મનોરંજન પૂરું પાડતું ઑરિજિનલ કૉમેડી કન્ટેન્ટ બનાવે છે."
બુક માય શો પ્રમાણે 'ધ લવારી શો' મનન દેસાઈ, ચિરાયુ મિસ્ત્રી, દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ દ્વારા રજૂ કરાયો છે.
'ધ કૉમેડી ફૅક્ટરી'ના યૂટ્યૂબ પેજ પર 11.30 લાખ સબસ્ક્રાઇબર્સ છે, અત્યાર સુધી આ ચૅનલ પર 777 વીડિયો અપલોડ થઈ ચૂક્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















