ડિલિમિટેશન લાગુ થયા પછી સાંસદો-ધારાસભ્યો પરનો ખર્ચ કેટલો વધશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, લોકસભા સ્પીકર ઓમ બિરલા
    • લેેખક, ચંદનકુમાર જજવાડે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતમાં ડિલિમિટેશન ખરડાને લઈને રાજકીય ચર્ચા ઘણી તેજ થઈ ગઈ છે.

એક તરફ કૉંગ્રેસ સહિત ભાજપનો વિરોધ કરતા અનેક પક્ષોએ આ ખરડાનો સ્પષ્ટ વિરોધ કર્યો છે, તો બીજી તરફ કેટલાક પક્ષોએ સરકારને પોતાનું સમર્થન પણ આપ્યું છે.

કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. ચર્ચા છે કે આ દરમિયાન મોદી સરકાર ડિલિમિટેશન ખરડો પસાર કરાવવાનો પ્રયાસ કરશે.

આ રાજકીય ચર્ચા વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે જો ડિલિમિટેશન ખરડો પસાર થાય અને નવું ડિલિમિટેશન લાગુ થાય, તો લોકસભા તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાની બેઠકોના વિસ્તારોમાં ફેરફાર આવશે.

ડિલિમિટેશન પછી આ બેઠકોની સંખ્યામાં પણ ફેરફાર થશે.

વધુ સાંસદોને બેસાડવા માટે નવા સંસદભવનનું નિર્માણ પહેલેથી જ થઈ ચૂક્યું છે, જેના પર 800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.

હાલના પ્રસ્તાવ પ્રમાણે જો ડિલિમિટેશન ખરડો પસાર થાય, તો લોકસભાની બેઠકોની સંખ્યા 543થી વધીને મહત્તમ 850 સુધી થઈ શકે છે.

વિપક્ષી પક્ષોનો એક આરોપ એ પણ છે કે તેનાથી સાંસદો પાછળ સરકારના ખર્ચનો બોજ વધશે.

વિપક્ષ શું આરોપ લગાવી રહ્યો છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીના સંજયસિંહનું કહેવું છે સીમાંકન ભાજપને ચૂંટણી જિતાડવા માટે હાથ ધરવામાં આવી રહ્યું છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહનું કહેવું છે કે ડિલિમિટેશન ભાજપને ચૂંટણી જીતાડવા માટે કરવામાં આવી રહ્યું છે.

ભારતના નવા સંસદભવનમાં લોકસભાના 888 સભ્યો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ઉપલા ગૃહ રાજ્યસભાના 384 સભ્યો તેમાં બેસી શકશે.

નવા સંસદભવનમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક દરમિયાન 1,272 સભ્યો બેસી શકશે.

નવા સંસદભવનનું નિર્માણ ભવિષ્યમાં સાંસદોની સંખ્યામાં થનારી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તેને બનાવવામાં 862 કરોડ રૂપિયા ખર્ચાયા છે.

ભારતમાં હાલમાં લોકસભામાં 543 અને રાજ્યસભામાં 245 બેઠકો છે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું છે કે અમેરિકામાં 1929 પછી દેશની વસ્તી વધી, પરંતુ ત્યાં સાંસદોની સંખ્યા વધારવામાં આવી નથી.

સંજય સિંહે 'X' પર એક પોસ્ટમાં લખ્યું, "ભારતમાં વસ્તી વધી, પરંતુ લોકો માટે ડૉક્ટર, શિક્ષક, શાળા, હૉસ્પિટલ અને યુવાનો માટે નોકરીઓ વધારવામાં આવી રહી નથી. ભાજપને જીતાડવા માટે સાંસદોની સંખ્યા વધારવામાં આવી રહી છે."

30 નવેમ્બર એટલે કે સોમવારે સંસદનું વિશેષ સત્ર યોજાવાનું છે, જેમાં ડિલિમિટેશન ખરડો રજૂ કરવામાં આવશે.

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે 'X' પર દાવો કર્યો, "સરકાર મંત્રીપરિષદ (હાલમાં 68 મંત્રી) પર દર વર્ષે કરદાતાઓના 620 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. સરેરાશ દરેક મંત્રી પાછળ દર વર્ષે કરદાતાઓના 9.1 કરોડ રૂપિયા ખર્ચ થાય છે."

"ડિલિમિટેશન પછી મંત્રીઓની મહત્તમ સંખ્યા 81થી વધીને 122 થઈ શકે છે. 41 વધારાના મંત્રીઓ પર સરકાર દર વર્ષે અંદાજે વધુ 374 કરોડ રૂપિયા ખર્ચી શકે છે."

દીપકેનું કહેવું છે કે લોકસભા અને મંત્રીપરિષદનો વિસ્તાર કરવાનો અર્થ એટલો જ થશે કે સામાન્ય જનતાને તેનાથી કંઈ મળવાનું નથી.

હકીકતમાં બંધારણીય જોગવાઈઓ અનુસાર મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાની અથવા કોઈ રાજ્યના કિસ્સામાં વિધાનસભાની કુલ બેઠકોના 15 ટકાથી વધુ હોઈ શકતી નથી.

જો કુલ બેઠકોની સંખ્યા વધશે તો સ્વાભાવિક રીતે સરકાર પાસે વધુ લોકોને મંત્રી બનાવવાની તક રહેશે.

કેટલી થઈ જશે બેઠકો?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વધુ સાંસદોની બેઠકવ્યવસ્થા માટે નવા સંસદભવનનું નિર્માણ અગાઉથી જ થઈ ચૂક્યું છે, જેના પર 800 કરોડ રૂપિયા કરતાં વધુની રકમનો ખર્ચ થઈ ચૂક્યો છે

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલે 16 એપ્રિલે સંસદમાં ત્રણ ખરડા રજૂ કર્યા હતા, જેનો હેતુ મહિલાઓ માટે અનામત લાગુ કરવાનો અને લોકસભાની બેઠકોની સંખ્યા વધારવાનો છે.

મેઘવાલે કહ્યું, "લોકસભાના સભ્યોની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવામાં આવશે. તેનાથી લોકસભાના સભ્યોની સંખ્યા વધીને 815 થઈ જશે. તેમાંથી 272 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે."

સ્વતંત્ર સંશોધન સંસ્થા PRS ઇન્ડિયા અનુસાર, જો સરકાર બંધારણીય સુધારા ખરડો પસાર કરાવી લે તો લોકસભામાં સાંસદોની મહત્તમ સંખ્યા 850 સુધી થઈ શકે છે. હાલમાં આ મહત્તમ સંખ્યા 550 છે.

જો ડિલિમિટેશન લાગુ થાય તો તેનાથી વિધાનસભાઓમાં બેઠકોની સંખ્યા પણ 50 ટકા સુધી વધી શકે છે.

ચૂંટણીપંચના આંકડા અનુસાર હાલ દેશનાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ધારાસભ્યોની કુલ સંખ્યા 4,123 છે, જેને વધારીને 6,185 સુધી કરી શકાય છે.

હાલમાં રાજ્યસભામાં બેઠકોની મહત્તમ સંખ્યા 250 છે.

આ સમીકરણમાં સરકારને એક સ્પષ્ટ ફાયદો એ થશે કે જો કોઈ મુદ્દે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે, તો લોકસભાની બેઠકોના આધારે તેને સંયુક્ત બેઠકમાં પણ અગાઉની સરખામણીએ વધુ સરસાઈ મળશે.

ખર્ચ કેટલો વધશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભારત સરકાર હાલ દરેક સાંસદ પર દર મહિને લગભગ 2.86 લાખ રૂ. ખર્ચે છે

ભારત સરકાર હાલમાં દરેક સાંસદ પાછળ દર મહિને લગભગ 2,86,000 રૂપિયા ખર્ચ કરે છે.

આ આંકડો વાર્ષિક લગભગ 35 લાખ રૂપિયા થાય છે. તેમાં 1,24,000 રૂપિયા મૂળ વેતન, 87 હજાર રૂપિયા સંસદીય મતવિસ્તાર ભથ્થું અને 75 હજાર રૂપિયા કાર્યાલય ભથ્થું સામેલ છે.

આ ઉપરાંત સંસદના સત્ર દરમિયાન અથવા કોઈ સંસદીય સમિતિની બેઠક માટે સાંસદોને અન્ય અનેક સુવિધાઓ આપવામાં આવે છે, જેના પર સરકાર ખર્ચ કરે છે.

તેમાં મફત હવાઈ મુસાફરી, મફત ટ્રેન મુસાફરી અને માર્ગ દ્વારા મુસાફરી કરવા પર તેના ખર્ચની ચુકવણી સામેલ છે.

સાંસદોને દર વર્ષે 1.5 લાખ મફત સ્થાનિક કૉલ કરવાની સુવિધા, વાહન ખરીદવા માટે ચાર લાખ રૂપિયા સુધીનું ઍડવાન્સ, દર વર્ષે ચાર હજાર કિલોલિટર મફત પાણી અને 50 હજાર યુનિટ મફત વીજળીની સુવિધા પણ આપવામાં આવે છે.

જો ડિલિમિટેશન પછી લોકસભાના સાંસદોની સંખ્યા 850 સુધી થઈ જાય, તો તેનાથી સરકારનો દર મહિને થતો ખર્ચ 186 કરોડ રૂપિયાથી વધીને 291 કરોડ રૂપિયા થઈ જશે.

સ્વાભાવિક છે કે જો સાંસદોની સંખ્યા વધશે તો તેમનાં માટે સરકારી રહેઠાણ, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની પણ જરૂર પડશે.

લોકસભા અથવા વિધાનસભાની બેઠકોની સંખ્યા વધવાની મોટી અસર ચૂંટણી ખર્ચ પર પણ પડી શકે છે.

ધારાસભ્યો પર ખર્ચ કેટલો થાય?

ધારાસભ્યોની વાત કરીએ તો અલગ-અલગ રાજ્યોમાં તેમને અલગ-અલગ વેતન અને ભથ્થાં મળે છે.

ધારાસભ્યોની સંખ્યા વધે તો તેમના પાછળ થતો ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધી જશે.

રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હી વિધાનસભાની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર એક ધારાસભ્યનો પગાર દર મહિને 30 હજાર રૂપિયા છે, જ્યારે તેમને દર મહિને 25 હજાર રૂપિયા વિધાનસભા બેઠકનાં ભથ્થાં તરીકે આપવામાં આવે છે.

દિલ્હીમાં ધારાસભ્યોને સચિવાલય સહાય તરીકે દર મહિને 15 હજાર રૂપિયા આપવામાં આવે છે.

સાથે જ દરેક ધારાસભ્યને 10 હજાર રૂપિયાનું ટેલિફોન ભથ્થું આપવામાં આવે છે. તેમને 10 હજાર રૂપિયાનું પરિવહન ભથ્થું પણ મળે છે. 1,500 રૂપિયાનું દૈનિક ભથ્થું પણ મળે છે.

દિલ્હીમાં ધારાસભ્યોને એક વખત અલગથી એક લાખ રૂપિયા આપવામાં આવે છે, જે લૅપટૉપ, કમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ વગેરે ખરીદવા માટે હોય છે.

દિલ્હીમાં દરેક ધારાસભ્યને પોતે અથવા પરિવાર સાથે મુસાફરી કરવા માટે દર વર્ષે મહત્તમ એક લાખ રૂપિયા પણ આપવામાં આવે છે.

આ ઉપરાંત ધારાસભ્યો પાછળ દર મહિને વીજળી અને અન્ય સુવિધાઓ પર પણ સરકાર ખર્ચ કરે છે.

ધારાસભ્યોને આરોગ્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. સાથે જ તેઓ ડેટા એન્ટ્રી ઑપરેટર માટે દર મહિને એક લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન