અમદાવાદમાં દિલજિતની કૉન્સર્ટ : ન અંગ્રેજીની ચિંતા, ન 'બૅડ બૉય' બનવાનો શોખ, દોસાંજ પાછળ દુનિયા ઘેલી કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝોયા મતીન
- પદ, બીબીસી ન્યૂઝ
- દ્વારા રિપોર્ટિંગ, દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
દિલજિત દોસાંઝ કોણ છે?
આ પ્રશ્નનો જવાબ તમે કોને પૂછો છો, તેના પર આધાર રાખે છે.
જેઓ તેમને નથી ઓળખતા, તેમના માટે દિલજિત એક અત્યંત લોકપ્રિય પંજાબી ગાયક છે; જેમણે બે વર્ષ પહેલા જિમી ફેલોનના 'ધ ટૂનાઇટ શૉ'માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. 40 વટાવી ચૂકેલા દિલજિત હાલ "પંજાબી વેવ"ની ટોચ પર છે, જે દેશી પંજાબી સંગીતને રેપ અને હિપ-હૉપ સાથે જોડનારા કલાકારોની એક નવી પેઢી છે.
જિમી ફેલોને દોસાંઝને "દુનિયાના સૌથી મોટા પંજાબી આર્ટિસ્ટ" તરીકે રજૂ કર્યા હતા.
દિલજિતે પોતાના પરંપરાગત પોશાકમાં પ્રેક્ષકો સમક્ષ પોતાનાં હિટ ગીતો "બોર્ન ટુ શાઇન" અને "GOAT" રજૂ કર્યાં હતાં.
આ શૉ અંગે વાત કરતાં ફિલ્મવિવેચક સુચારિતા ત્યાગી કહે છે, "ગીત શરૂ થયાની થોડી જ સેકન્ડોમાં દરેક વ્યક્તિ નાચવા લાગી હતી. તમારે ત્યાંના હાઉસ બૅન્ડના ચહેરા જોવા જેવા હતા; તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા."

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં દોસાંઝને વર્સેટાઈલ ઍક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે જે તેમની બધી ફિલ્મોમાં ગાય પણ છે, તેમજ એક કુશળ પ્રોડ્યુશર પણ છે. અને જે લોકોએ ક્યારેય તેમની ફિલ્મો જોઈ નથી કે તેમના સંગીતને સાંભળ્યું નથી તેમના માટે તેઓ ફક્ત એક સોશિયલ મીડિયા સ્ટાર છે જે રેગ્યુલર ઇન્સ્ટાગ્રામ પર કૉમેડી વીડિયો બનાવીને લોકોનું ધ્યાન ખેંચે છે .
વોઇસ આસિસ્ટન્ટ 'ઍલેક્સા' સાથે પંજાબીમાં રમુજી વાતચીત કરતો તેમના આ વીડિયો ઘણા લોકોને ગમતાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દોસાંઝ ખાસ કરીને એક આગવું અને રસપ્રદ વ્યક્તિત્વ છે કારણ કે તેમની છબી પંજાબી હિપ-હૉપની સ્ટીરિયોટાઈપ છાપથી બિલકુલ વિપરીત છે, તેઓ એક એવા સંગીતકાર છે જે સંગીતના ભારે અવાજ અને શબ્દોને છોડીને કંઈક વધુ ઑર્ગેનિક અને ટ્રેડિશનલ રીતે અપનાવે છે.
તેઓને દિલને સ્પર્શી જનારા ગાયકોમાંના એક છે, તેમનો ઊંડો બેરીટોન અવાજમાં યોગ્ય જગ્યાએ ભાવનાઓ ઊભરી આવે છે. શૉમાં તે પોતાની ઊર્જાથી સૌને નાચવા ઝૂમવા મજબૂર કરી દે છે (અને ઍડ શીરનને પંજાબીમાં ગાવા માટે કહે છે ). અને પડદા પર તેમનું પર્ફોર્મન્સ લોકોને રડાવી કે હસાવી શકે છે.
તેમના ચાહકો માટે, તેઓ સૌથી પહેલા એક "બીબા મુંડા" એટલે કે "સારા છોકરા" છે, જેમની સહજતા, કુદરતી આકર્ષણ અને લોકો સાથે જોડાઈ જવાની કળા તેમને તેમના સમયના સૌથી પ્રિય સ્ટાર્સમાંથી એક બનાવે છે.
ત્યાગી કહે છે, "એક રૂમમાં ત્રણ લોકોને પૂછો કે તેમને આ માણસ કેમ ગમે છે અને તેઓ અલગ-અલગ કારણો આપશે: તેમનો અભિનય, ગાયકી અથવા માત્ર તેઓ જે ઈન્સ્ટાગ્રામ કન્ટેન્ટ બનાવે છે તે. પરંતુ તે બધામાં એક વાત સામાન્ય હશે અને તે છે તેમના પ્રત્યેનો પ્રેમ."

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંજાબના દોસાંઝ કલાં ગામમાં દિલજિત સિંહ તરીકે જન્મેલા દોસાંઝે સ્થાનિક ગુરુદ્વારામાં ભક્તિગીતો ગાઈને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
તે સમયે તેમને ઓળખનારા લોકો કહે છે કે, તેઓ એક "શરમાળ યુવાન" હતા, જેમને "માંડ દાઢી આવી હતી; પરંતુ તેમનામાં લય હતો, તેઓ સારા ભાંગડા કરતા હતા અને ખૂબ જ સારી પાઘડી બાંધતા હતા."
દોસાંઝને પહેલો બ્રેક આપનાર ગીતનિર્માતા રાજિન્દર સિંહે એકવાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ને કહ્યું હતું, "તેઓ ખૂબ જ ઈશ્વરભીરુ (ઈશ્વરનો ડર રાખનારા) અને સીધા-સાદા (બીબા) છોકરા હતા, જેમને શીખવાની ખૂબ ભૂખ હતી."
16 વર્ષની ઉંમરે તેમણે પોતાનું પ્રથમ ઍલ્બમ રિલીઝ કર્યું. આ ગીતો નાઇટ ક્લબ કરતાં લગ્ન સમારંભોમાં વધુ લોકપ્રિય થયાં, જ્યાં તેમની વિશાળ આંખોવાળી માસૂમિયત અને ભાવનાત્મક અવાજે તેમને તરત જ પ્રિય બનાવી દીધા. ટૂંક સમયમાં તેમને લગભગ દરરોજ શૉ મળવા લાગ્યા.
થોડાં વર્ષો પછી તેમનાં માતા-પિતાએ તેમને સ્થાનિક સંગીતકાર એવા તેમના કાકા સાથે રહેવા અને તાલીમ લેવા માટે લુધિયાણા મોકલ્યા. તે પૉપ સંગીત માટે ખૂબ જ સારો સમય હતો, જેમાં દલેર મહેંદી અને "મુંડિયાં તો બચ કે" ફેમ પંજાબી એમસી જેવા પ્રાદેશિક કલાકારો પંજાબી સંગીતને વિશ્વભરમાં લઈ જઈ રહ્યા હતા.
2006માં દોસાંઝે કૅનેડામાં પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો અને એક વર્ષ પછી તેમણે પોતાનું બીજું ઍલ્બમ લૉન્ચ કર્યું તથા આ વખતે તે પોતાના નવા નામ 'દિલજિત દોસાંઝ' હેઠળ રજૂ કર્યું.
એક પછીએક સફળતા મળતી ગઈ અને 2010 સુધીમાં દોસાંઝે પંજાબના ધમધમતા ફિલ્મઉદ્યોગમાં એક લોકપ્રિય અભિનેતા તરીકે પણ પોતાની ઓળખ બનાવી લીધી હતી. છ વર્ષ પછી તેમણે બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું. હવે તેઓ એક ગ્લોબલ સ્ટાર છે.

ઇમેજ સ્રોત, Getty Images
થોડા વર્ષ પહેલાં તેમણે કૉચેલા ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરનાર પ્રથમ પંજાબી ભાષાના ગાયક બનીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે પૉપ ગાયિકા સિયા સાથે પણ કામ કર્યું તથા જ્યારે ઍડ શીરન ભારતના પ્રવાસે હતા, ત્યારે તેમની સાથે પણ જોડાયા.
પોતાના ઇન્ટરવ્યૂમાં દોસાંઝે વારંવાર કહ્યું છે કે, તેમની સફળતા કોઈ સંયોગ નથી. અહીં સુધી પહોંચવા માટે તેમણે દિવસ-રાત મહેનત કરી છે; જ્યારે તેમને તકો નહોતી મળી રહી, ત્યારે પણ તેમણે ખંતપૂર્વક ગાયનનો અભ્યાસ કર્યો હતો.
પરંતુ તેઓ જે નમ્રતાથી પોતાની જાતને રજૂ કરે છે, તેનાથી એવું લાગે છે કે જાણે તેઓ પોતાની આ ખ્યાતિના માર્ગમાં માત્ર એક નિર્દોષ પ્રેક્ષક છે.
કૉમ્યુનિકેશન કન્સલ્ટન્ટ દિલીપ ચેરિયન કહે છે કે, "જ્યારે કોઈ સ્ટાર એક ચોક્કસ ઊંચાઈ પર પહોંચે છે, ત્યારે તેઓ સામાન્ય રીતે પોતાની છબી બદલવા માગે છે. પરંતુ દોસાંઝની લોકપ્રિયતા સતત વધી રહી હોવા છતાં તેઓ કોઈ અંગત દેખાડો કે અતિરેક કરતા નથી."
તેઓ ઉમેરે છે કે, "આ નમ્ર અને ડાહ્યા છોકરાની છબી જાળવી રાખીને તેઓ પ્રેક્ષકોના દિલના તાર યોગ્ય રીતે છેડે છે."
છતાં ચેરિયન માને છે કે, જે દેખાય છે તેના કરતાં પણ કંઈક વિશેષ છે અને દોસાંઝની આ અસલી લાગતી છબી કદાચ થોડી બનાવટી પણ હોઈ શકે છે.
હકીકતમાં દોસાંઝે પોતે કહ્યું છે કે, સ્પર્ધાની પરવા ન કરનાર "શુદ્ધ આત્મા" તરીકેની તેમની છબીથી વિપરીત તેઓ સતત સ્પર્ધામાં આગળ નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે: "આ મારું કામ છે અને હું તેને છુપાવતો નથી."
ચેરિયન કહે છે કે, દોસાંઝે પોતાના મોટા ભાગના સાથી કલાકારો દ્વારા અપનાવવામાં આવેલા પરંપરાગત માર્ગ એટલે કે "બૅડ બૉય" બનવાની જાળમાં ફસાવાનું જાણીજોઈને ટાળ્યું છે.
તેમની કારકિર્દીના શરૂઆતના તબક્કાને બાદ કરતાં, જ્યાં તેમના ગીતોમાં બંદૂકો અને પુરુષ ગૌરવની વાતો હતી, દોસાંઝ મોટા ભાગે વિવાદાસ્પદ વિષયોથી દૂર રહ્યા છે.
પંજાબી પૉપમાં બદલો અને હિંસાના સામાન્ય વિષયોને છોડીને તેમણે શ્રદ્ધા, પ્રેમ અને પરંપરા જેવા વિષયો અપનાવ્યા છે. તેમના કેટલાક સૌથી લોકપ્રિય ગીતો જેવા કે 'G.O.A.T' અને 'બોર્ન ટુ શાઇન' એ વિશે વાત કરે છે કે, તેઓ અહીં પૈસા માટે નહીં પરંતુ પોતાનું અને પોતાના ગામનું નામ રોશન કરવા આવ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ દરેક કોન્સર્ટની શરૂઆત "પંજાબી આ ગયે ઓયે (પંજાબી આવી ગયા છે)"ની ઘોષણા સાથે કરે છે, તેઓ માત્ર પોતાની માતૃભાષામાં જ ગાય છે અને દાવો કરે છે કે તેમને સારું અંગ્રેજી બોલવાની જરાય પરવા નથી.
એકવાર તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "જ્યારે તમે મારા જેવા ખરેખર નાના સ્થળેથી આવો છો, ત્યારે તમે ઈચ્છો છો કે દુનિયા તેના વિશે જાણે."
દોસાંઝ પોતાના મૂળથી વાકેફ હોવા છતાં દરેક ગીત તેની પંજાબી ઓળખના કોઈને કોઈ પાસાને રજૂ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ તેનાથી બંધાયેલા પણ નથી. તેઓ પરંપરામાંથી ઘણું બધું લે છે પરંતુ તેની સાથે પ્રયોગો પણ કરે છે, પોપ સંગીતને જોરદાર ભાંગડા બીટ્સ સાથે ભેળવીને એવા ગીતો બનાવે છે જે જૂની પરંપરાઓને તાજી અને સુસંગત બનાવે છે.
જ્યારે અભિનયની વાત આવે ત્યારે તેઓ કૉમેડી અને ગંભીર બંને પ્રકારની ભૂમિકાઓ ભજવે છે, જેમાં 'ઉડતા પંજાબ' જેવી પંજાબમાં બળવાખોરી અને ડ્રગ્સની સમસ્યા પરની ફિલ્મોની સાથે 'જટ્ટ ઍન્ડ જુલિયટ' જેવી હળવી કોમેડી અને પ્રેમકથાઓ પણ સામેલ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાગી જેવા લોકો, જેઓ તેમને મળ્યા છે, તેઓ તેમનું વર્ણન "શરમાળ અને શાંત પરંતુ અત્યંત બારીક અવલોકન કરનાર વ્યક્તિ" તરીકે કરે છે. પરંતુ એ બાબત તેમને સોશિયલ મીડિયા પર મજાક-મસ્તી કરવાથી અને પોતાના પર જ જોક્સ બનાવવાથી રોકતી નથી.
ચેરિયન કહે છે કે, "ઇન્ડસ્ટ્રીમાં વર્ષો વિતાવ્યા પછી દોસાંઝ પાસે એવા લોકોની ટીમ છે, જે તેમને આ છબી જાળવી રાખવામાં મદદ કરે છે; જે માત્ર અસલી રહેવા વિશે જ નહીં, પરંતુ તેમની પસંદગીઓ દ્વારા દેશી અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો વચ્ચે સંતુલન જાળવવા વિશે પણ છે."
તેમની અસલિયત અંગે ગમે તે અભિપ્રાય હોય, પરંતુ એ વાતનો ઇનકાર કરી શકાય તેમ નથી કે, દોસાંઝ અસાધારણ પ્રતિભા ધરાવતી વ્યક્તિ છે.
દોસાંઝની પોતાની જ મજાક ઉડાવવાની રમૂજ પણ ક્યારેક હેતુપૂર્વકની લાગે છે. બીજું કોઈ મજાક કરે તે પહેલાં જ તેઓ પોતે પોતાની મજાક ઉડાવી લે છે — જેમાં સારું અંગ્રેજી ન આવડવાની વાત પણ સામેલ છે.
પરંતુ આ હળવાશની પાછળ એક ગંભીર કલાકાર રહેલા છે, જેઓ સતત વિશ્વમાં પોતાના સ્થાન વિશે અને પંજાબના એક નાના ગામનો યુવાન પોતાની કલા દ્વારા તેને કેવી રીતે પડકારી શકે છે, તે વિશે વિચારે છે.
તેમનું સંગીત ભલે પોતાની કારકિર્દીનો પાયો હોય, છતાં દોસાંઝ ઘણું બધું આપે છે: તેઓ એક સંપૂર્ણ પૅકેજ છે, જૂના અને નવાનું મિશ્રણ, સીધાસાદા અને સાથોસાથ સ્ટાઇલિશ — આ બધી બાબતો તેમને અત્યંત પોતીકા બનાવે છે.
ત્યાગી કહે છે કે, "અને જો તેમની થોડીઘણી સાદગી બનાવટી પણ હોય, તો તેનાથી કોને નુકસાન થાય છે? તેઓ પોતાની સિદ્ધિઓ કે પ્રતિભા વિશે જૂઠું નથી બોલી રહ્યા."
"હજી ઘણાં શિખરો સર કરવાના બાકી છે અને દોસાંઝ બધું જ કરવા માગે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























