ધોળકા : એકસમયે ગુલાબની નગરી કહેવાતાં આ ગામોની ઓળખ દૂષિત પાણીએ કેવી રીતે છીનવી?

વીડિયો કૅપ્શન, ધોળકા: એકસમયે ગુલાબની નગરી કહેવાતાં આ ગામોની ઓળખ દૂષિત પાણીએ કેવી રીતે છીનવી?
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
બીબીસી ગુજરાતી ભેટાવાડાના મુખ્ય રસ્તા પાસે આવેલાં મકાનોની આસપાસ લીલાશ પડતું પાણી ભરાયેલું જોવા મળે છે, જેમાંથી અતિશય દુર્ગંધ ફૂટે છે. ધોળકા: એકસમયે ગુલાબની નગરી કહેવાતાં આ ગામોની ઓળખ દૂષિત પાણીએ કેવી રીતે છીનવી?
ઇમેજ કૅપ્શન, ભેટાવાડાના મુખ્ય રસ્તા પાસે આવેલાં મકાનોની આસપાસ લીલાશ પડતું પાણી ભરાયેલું જોવા મળે છે, જેમાંથી અતિશય દુર્ગંધ ફૂટે છે.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પાલડી ગામમાં રહેતા દશરથભાઈ કહે છે કે, "પાછલાં ઘણાં વર્ષથી કેમિકલયુક્ત પાણીને કારણે અમારા ગામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારું ગામ એક સમયે ગુલાબની ખેતી માટે ખ્યાત હતું, પરંતુ હવે આ કેમિકલવાળાં પાણી ખેતરોમાં વારંવાર આવી જાય છે, તેના કારણે ગુલાબની ખેતી મોટા ભાગે નિષ્ફળ જ જઈ રહી છે."

પોતાના ખેતરમાં ગુલાબના કરમાયેલા છોડ બતાવતાં તેઓ કહે છે, "હું હાલ મારા ખેતરે જ ઊભો છું, તમને દેખાશે કે અહીં કલમો ઊછરી નથી રહી. આ માત્ર અમારા પાલડી ગામની જ વાત નથી, પરંતુ ભેટાવાડા સહિત આસપાસનાં ચાર ગામોમાં કેમિકલયુક્ત પાણી આવવાને કારણે ગુલાબનાં ફૂલ સહિતની બાગાયતી ખેતીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એક સમયે ભેટાવાડા, પાલડી અને નેસડા સહિતનાં આ પાંચ ગામો 'ગુલાબની નગરી' કહેવાતાં, પણ હવે એવું ઉત્પાદન થતું નથી."

તેમનું કહેવું છે કે સત્તાવાળા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના વાયદા કરે છે, પણ 'હજુ સુધી કોઈ નક્કર પગલાં એ દિશામાં લેવાયાં નથી.'

ભેટાવાડા અને આસપાસનાં ચાર અન્ય ગામો, ત્રાસદ, પાલડી, નેસડા અને આંબારેલીના લોકોની ફરિયાદ છે કે તેમનાં ગામોની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો અને નગરપાલિકા દ્વારા છોડાતા 'ગંદા પાણી' અને 'સરકારી નિષ્ક્રિયતા'ને પરિણામે પાછલાં કેટલાંક વર્ષોથી આ ગામોમાં સતત 'ત્વચા સંબંધી તકલીફો અને કૅન્સર' સહિતના 'ઘણા કેસો' જોવા મળી રહ્યા છે. તેમજ ગામમાં પરંપરાગત ખેતીની પ્રવૃત્તિ પર પણ 'કેમિકલયુક્ત પાણી'ને કારણે ખરાબ અસર પડી હોવાનો પણ ગામલોકોએ દાવો કર્યો છે.

ધોળકાના નાયબ કલેક્ટર શૈલેશ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગામલોકોની ફરિયાદો અંગે વાત કરતાં કહ્યું હતું કે, "ગામલોકોની માંદગી સહિતની રજૂઆતોને પગલે અમારી તાલુકા હેલ્થ ઑફિસરની ટીમે આ ગામડાંમાં સર્વે કર્યો છે, તેમજ આગળ હાઉસ ટુ હાઉસ સર્વે કરવાના આદેશ અપાયા છે. તેમજ ગામલોકોના સ્વાસ્થ્ય અને માંદગી અંગેની ચિંતાઓની ચકાસણી કરવાના પણ આદેશ અપાયા છે. આ સિવાય ગામલોકોની કૅન્સર અને ખેતીમાં નુકસાન સહિતની ચિંતાઓ અંગે સરકાર તપાસ રિપોર્ટ કરાવવાના અને સમિતિ બનાવવાનો નિર્ણય સરકારમાંથી લેવામાં આવશે."

અહેવાલ: અર્જુન પરમાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન