'સબરસ'ની કહાણી: ગુજરાતમાં બેસતા વર્ષે શુકનિયાળ મનાતું મીઠું પકવનારા અગરિયાની શું સ્થિતિ છે?

'સબરસ'ની કહાણી: દિવાળી પછી નવા વર્ષે જ્યાં મીઠાને શુકનિયાળ ગણવામાં આવે તે ગુજરાતમાં મીઠું પકવતા આગરિયાઓની શું સ્થિતિ છે?
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

ગુજરાતમાં દિવાળી પછીના દિવસે નવા વર્ષની ઉજવણીમાં વહેલી સવારે ગુજરાતીઓ મીઠાના ગાંગડાને સારા શુકન માનીને ખરીદતા હોય છે, આ દિવસે મીઠાને "સબરસ" કહેવામાં આવે છે.

અમદાવાદ જેવાં શહેરોમાં વહેલી સવારે 'સબરસ સબરસ'ની બૂમો સંભળાતી હોય છે, આ પ્રથા વર્ષો જૂની છે. જોકે, નિષ્ણાતો માને છે કે આ પ્રથા હવે નવા શહેરમાંથી ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે.

હાલ, દેશના 87.4 ટકા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાત સહિત ભારતભરમાં મીઠાનું મહત્ત્વ છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 246 અંતર્ગત સાતમી અનુસૂચિની સંઘીય યાદીમાં આઇટમ નંબર 58 તરીકે મીઠાને સ્થાન અપાયું છે.

આજે જ્યારે એકતરફ ગુજરાતીઓનો મીઠા પ્રત્યેનો શુકન ભાવ છે. ત્યારે બીજી તરફ, દર વર્ષની જેમ આગરિયા દિવાળી બાદ મીઠું પકવવા આઠ મહિના સુધી કચ્છના નાના રણમાં જાય છે અને કડવી વાસ્તવિકતાઓથી રૂબરૂ થાય છે.

'સબરસ' એટલે શું?

'સબરસ'ની કહાણી: દિવાળી પછી નવા વર્ષે જ્યાં મીઠાને શુકનિયાળ ગણવામાં આવે તે ગુજરાતમાં મીઠું પકવતા આગરિયાઓની શું સ્થિતિ છે?

ભગવદ્ગોમંડલ મુજબ, 'સબરસ સંગ્રામ' એ ગાંધીજીએ મીઠા માટે કરેલ સત્યાગ્રહ, જે દાંડીકૂચના નામે જાણીતો છે.

ભગવદ્ગોમંડલ મુજબ 'સબરસ' એટલે મીઠું, જેને સંસ્કૃતમાં લવણ પણ કહેવાય છે. રતિલાલ નાયક દ્વારા લિખિત પુસ્તક શબ્દકોશમાં સબરસનો અર્થ મીઠું જ છે.

"સબરસ એટલે જેમાં બધા રસ સામેલ છે."

વિલિયમ ડી. ક્રમ્પે નોંધ્યું છે કે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ માટે દિવાળી પછી નવા વર્ષની શરૂઆત થાય છે. નૂતન વર્ષના પ્રથમ દિવસે જીવનમાં સારા શુકન અને આભાર વ્યક્ત કરવાના પ્રતીક તરીકે લોકો પરંપરાગત રીતે સૂર્યોદય પહેલાં વહેલી સવારે રસ્તા પર "સબરસ" તરીકે ઓળખાતું મીઠું વેચવા નીકળે છે.

ક્રમ્પે નોંધ્યું છે કે આ દિવસે સૂર્યોદય પહેલાં મીઠું ખરીદવું જેટલું શુભ માનવામાં આવે છે, એટલું જ વેચવું પણ શુભ માનવામાં આવે છે.

અગરિયાના જીવન પર ફોટોગ્રાફી અને પત્રકારત્વ કરનાર અંબુભાઈ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે નૂતન વર્ષના દિવસે સબરસને ઘરના ઉંબરે મૂકવામાં આવે છે. આની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, તે એક માન્યતા છે.

"'મીઠું' શબ્દ પણ ખારાશ માટે વાપરે, આ કરામત તો ગુજરાતે કરી છે"

'સબરસ'ની કહાણી: દિવાળી પછી નવા વર્ષે જ્યાં મીઠાને શુકનિયાળ ગણવામાં આવે તે ગુજરાતમાં મીઠું પકવતા આગરિયાઓની શું સ્થિતિ છે?

આગરિયાના પ્રશ્નો પર કામ કરનાર કર્મશીલ અને 'ગણતર' સંસ્થાના પ્રમુખ સુખદેવ પટેલ બીબીસી ગુજરાતીને જણાવે છે કે સબરસ શબ્દ હિંદીમાંથી ઊતરી આવ્યો છે.

"સબ અને રસ. એટલે બધા રસ"

"પણ અહીં એક બાબત નોંધવી જરૂરી છે કે ખારું તે બધા માટે ખારું છે, તીખું બધા માટે તીખું છે, મીઠું બધા માટે મીઠું નથી."

તેઓ કહે છે, "એટલે ગુજરાતમાં મીઠું શબ્દનો અર્થ જુદો નીકળે છે, અને તે મીઠાશ સાથે સંબંધિત નથી, તે ખારાશ છે અને ખારાશ પણ યોગ્ય પ્રમાણમાં મીઠાશ આપી શકે છે."

"કોઈ બીજી ભાષામાં ખારાને મીઠું નથી કહેવાતું, પણ ગુજરાતમાં મીઠું પણ ખારું છે, આ કરામત તો ગુજરાતે કરી છે."

"મીઠા વગરની કોઈ પણ વાનગી ફિક્કી છે. મીઠું જીવનમાં રસ ભેળવે છે, તે દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. એટલે નવા વર્ષે તો એ આશા જન્મે છે કે સીધા જીવનમાં વળાંક આવવો જોઈએ."

તેઓ સબરસની માન્યતા અંગે વાત કરતાં આગળ કહે છે, "એટલે 'સબરસ' મીઠાની વહેંચણી એ પ્રતીકાત્મક છે, એ રસની વહેંચણી છે અને એ બધા માટે છે."

"પહેલવહેલું કામ મીઠાથી કરવું તે સાંકેતિક છે."

'અગરિયાનાં બાળુડાં માટે ગાંગડા એ જ રમકડાં'

'સબરસ'ની કહાણી: દિવાળી પછી નવા વર્ષે જ્યાં મીઠાને શુકનિયાળ ગણવામાં આવે તે ગુજરાતમાં મીઠું પકવતા આગરિયાઓની શું સ્થિતિ છે?
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વડા પ્રો. ડૉ. અશ્વિનકુમાર તેમના લેખ 'એક વખતની મુઠ્ઠીમાંથી સરી ગયેલા મીઠાંના ગાંગડા' લખે છે કે, "એક વખત એવો હતો કે, ફેરિયા ચાર પૈડાંવાળી લારીમાં મીઠાના ગાંગડાનો નાનકડો 'પહાડ' ખડકીને આવતા.

'દળેલું' ન હોય તેવું મીઠું, 'આખું મીઠું' કે 'ગાંગડા મીઠું' તરીકે ઓળખાતું હતું. શહેરમાં ભંગારની લેવેચ કરતા ફેરિયા કાચના અડધા ભારે 'આખું મીઠું' આપતા હતા."

મીઠાના મહત્ત્વના ઉપયોગો વિશે આ લેખમાં અશ્વિનકુમાર લખે છે કે, "વિક્રમ સંવતના પ્રથમ પરોઢિયે, કિશોરો 'સબરસ'ની બૂમો પાડીને, મીઠાના ગાંગડા વેચવા નીકળતા હતા. નગરજનો વર્ષની પહેલી સાંકેતિક ખરીદીરૂપે ચાર-આઠ આના કે એક-બે રૂપિયાનું શુકનિયાળ 'સબરસ' ખરીદતા હતા."

આ સિવાય પણ શુભ પ્રસંગે તેના ઉપયોગ વિશે તેમણે લખ્યું છે કે, "લગ્ન જેવા માંગલિક પ્રસંગે, બાજઠ ઉપર ગણેશસ્થાપના કરવામાં આવે ત્યારે મીઠાના ગાંગડાનું પણ સ્થાપન થતું હતું."

"નવા મકાનમાં કળશ-વિધિ કરવામાં આવે ત્યારે પાણિયારા ઉપર માટલીની જોડે આખું મીઠું મૂકવામાં આવતું હતું."

"કચ્છના નાના રણમાં નમક પકવતા અગરિયા 'ભવની ભાંગે ભૂખ રે, ગાંગડો વહાલો લાગે સે' જેવું લોકગીત લલકારે છે."

"અગરિયાનાં બાળુડાં માટે ગાંગડા એ જ રમકડાં છે, જ્યારે નગરિયાનાં બાળકોએ આખું મીઠું ન પણ જોયું હોય"

પત્રકાર અંબુભાઈ પટેલ જણાવે છે કે, "અમારા વિસ્તારની તો એવી માન્યતા છે કે સમુદ્રમંથન દરમિયાન મીઠું પણ નીકળ્યું હતું, હિન્દુ ધર્મમાં મીઠું લક્ષ્મીમાતાનો ભાઈ પણ ગણાય, ઉંબરા પર મીઠું પડ્યું હોય તો લક્ષ્મીજી ખુશ થાય તેવી પણ ધાર્મિક માન્યતા છે અને આમ કરવાથી આર્થિક સમૃદ્ધિ વધશે તેવું ધાર્મિક લોકો માનતા હોય છે."

દર વર્ષે બેસતા વર્ષની સવારે સબરસ વેચનારાં બહેનોએ શું કહ્યું?

'સબરસ'ની કહાણી: દિવાળી પછી નવા વર્ષે જ્યાં મીઠાને શુકનિયાળ ગણવામાં આવે તે ગુજરાતમાં મીઠું પકવતા આગરિયાઓની શું સ્થિતિ છે?

અમદાવાદની શેરીઓમાં ગુજરાતી નવા વર્ષની સવારે સબરસ વેચતાં વર્ષાબહેન બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "હું નિયમિતપણે મીઠું નથી વેચતી, પરંતુ કેટલીક વખત અમારી ચાલી અને આસપાસના વિસ્તારોમાં સવારે ત્રણ વાગે સબરસ વેચી લઉં છું. આ કામમાં મને મજા આવે છે, આવક એટલી નથી."

"પરંતુ હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી સબરસનું ચલણ ઘટયું છે, અગાઉના સમયમાં વેચાતું હતું તેટલું નથી વેચાતું."

અન્ય એક સબરસ વેચનાર મહિલા પોતાનું નામ જાહેર કરવા નથી માગતાં, તેઓ કહે છે, "હું છેલ્લાં 40 વર્ષથી લારી લઈને બેસતા વર્ષની સવારે સબરસ વેચવા નીકળું છું. હું અને મારા પતિ આ કામ કરતાં હતાં, હવે તેઓ હયાત નથી. તેથી આ વર્ષે હું એકલી સબરસ વેચવા જઈશ."

"બેસતા વર્ષના દિવસે અમે વિસ્તારમાં ફરીફરીને સબરસ વેચતાં. 2500થી 3000 રૂ. મેળવતાં. જોકે, અમારો હેતુ પૈસા કમાવવા કરતાં આ પ્રથા જે અમે વર્ષોથી પાળતાં આવ્યાં છીએ તે ચાલુ રાખવાનો છે."

"જોકે, મને નથી ખબર કે મારી આવનારી પેઢી આ કામ કરશે કે નહીં"

સમાજશાસ્ત્રી પ્રો.ગૌરાંગ જાની બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે તેઓ જ્યારે સાતેક વર્ષના હતા ત્યારે નવા વર્ષની સવારે સબરસ વેચવા જતા હતા.

"અમારા વિસ્તારમાં અમે સાત-આઠ વર્ષનાં બાળકો સવારે નાની થેલીમાં મીઠાના ગાંગડા લઈને ઘરે ઘરે સબરસ સબરસ બોલતા નીકળતા હતા"

"હવે સબરસની પ્રથા લુપ્ત થવાના આરે છે. ગરીબ શ્રમજીવી કુટુંબોનાં બાળકો ક્યાંક આ સબરસ વેચતા જોવા મળી જાય છે."

કચ્છના નાના રણમાં ક્રિસ્ટલ 'વડાગરું મીઠું' એ જ સબરસ

'સબરસ'ની કહાણી: દિવાળી પછી નવા વર્ષે જ્યાં મીઠાને શુકનિયાળ ગણવામાં આવે તે ગુજરાતમાં મીઠું પકવતા આગરિયાઓની શું સ્થિતિ છે?

અંબુભાઈ પટેલ જણાવે છે કે કચ્છના નાના રણમાં ક્રિસ્ટલ 'વડાગરું મીઠું' ગાંગડ સબરસ તરીકે ઓળખાય છે.

"વર્ષના આઠ મહિના આગરિયા પોતાના ઘરથી દૂર કચ્છ નાના રણમાં મીઠું પકવવા જતા રહે છે. આ આઠ મહિનામાં ત્યાં પીવાના પાણીથી લઈને શિક્ષણ મળવું પણ અઘરું છે, ઉપરાંત વિષમ આબોહવા શરીરને નુકસાન કરે છે."

"આગરિયા જે જમીનના ભાગ પર કામ કરે છે તે પણ અનેક વિષમતાઓથી ભરેલી છે."

તેઓ કહે છે, "જીવન જીવવાના ભયાનક સંઘર્ષ વચ્ચે આગરિયા તેમની જિંદગીનો 70% સમય રણમાં ગુજારે છે, જ્યાં તેમનું જીવન નરક સામાન છે."

"અગરિયા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, ત્યાં ટેકાના ભાવ પણ નથી મળતા અને તેમને આર્થિક રીતે બજારોના આધારે રહેવું પડે છે."

"જે લોકો આપણા ભોજનનો કોળિયો મીઠો બનાવે છે, તેમના જીવનમાં ખારાશ ન હોવી જોઈએ."

મીઠું અગરિયાની સંઘર્ષગાથા રજૂ કરે છે?

'સબરસ'ની કહાણી: દિવાળી પછી નવા વર્ષે જ્યાં મીઠાને શુકનિયાળ ગણવામાં આવે તે ગુજરાતમાં મીઠું પકવતા આગરિયાઓની શું સ્થિતિ છે?

પ્રસિદ્ધુ મૅગેઝિન પારી (પીપલ્સ આર્કાઇવ ઑફ રૂરલ ઇન્ડિયા)માં જાણીતા લેખક અને પત્રકાર ઉમેશ સોલંકી પોતાના લેખમાં અગરિયા અને તેમની સંઘર્ષગાથાનો ઉલ્લેખ કરતાં લખે છે, "કચ્છના નાના રણના કાંઠેનાં ગામોમાં કડિયાકામ કરતા, ખેતમજૂરી કરતા, છૂટક મજૂરી કરતા અગરિયા ઑક્ટોબરથી મે સુધીના આઠ મહિના સુધી ખારાઘોડાના રણમાં મીઠું પકવવા જાય છે."

"બે હજાર ટન મીઠાની આવક થાય 11,58,304 રૂપિયા, અને એક ટન મીઠું 579.15 રૂપિયામાં પડે છે. ત્યારે બજારમાં એક કિલોગ્રામ TATA Salt (ટાટા નમક)નો ભાવ 28 રૂપિયા (એમઆરપી) છે. સામે અગરિયાને એક કિલોગ્રામ મીઠું લગભગ 58 પૈસામાં પડે છે." આ અહેવાલ જૂન 2025માં પ્રકાશિત થયો હતો.

"મીઠાના રણમાં 15 દિવસે નહાવા માટે એક ડોલ પાણી પણ જવલ્લે જ મળે"

'સબરસ'ની કહાણી: દિવાળી પછી નવા વર્ષે જ્યાં મીઠાને શુકનિયાળ ગણવામાં આવે તે ગુજરાતમાં મીઠું પકવતા આગરિયાઓની શું સ્થિતિ છે?

અગરિયાના અધિકારો વિશે સુખદેવ પટેલ જણાવે છે કે, "ગાંધીજીએ દાંડીયાત્રા મીઠાના કરની નાબૂદી માટે કરેલી, ગાંધીજી પણ ગુજરાત સાથે સંબંધ છે, અહીં ગાંધી ગુજરાતના એવું તો નહીં કહીએ આપણે, પણ મીઠું ગુજરાતનું છે, એ વાત કહેવી જોઈએ."

સુખદેવ પટેલ જણાવે છે કે આખા દેશમાં ખારાઘોડા મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે, સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું ખારાઘોડા અંગ્રેજો માટે 'સૌથી મોટું ટૅક્સ કલેક્શન સેન્ટર' હતું.

અગરિયાની વ્યથા પર ધ્યાન દોરતાં તેઓ જણાવે છે કે, "દરેક માણસને જીવવા માટે પાણી જરૂરી છે, ગુજરાતના અગરિયાઓની આસપાસ પાણીની વિપુલતા છે, પણ એ પાણી મીઠું પકવે તેવું ખારું હોય છે."

"દરિયાના પાણી કરતાં પણ ચાર ગણું આ પાણી ખારું હોય છે. તે પાણી પીવા કે વાપરવાયોગ્ય પણ નથી, કારણકે ચામડી પર એની છારી જામી જાય છે."

"અગરિયા જ્યારે મીઠું પકવવા રણમાં જાય છે, તો ત્યાં નહાવા માટે 15 દિવસે એક ડોલ પાણી પણ જવલ્લે જ મળે છે. તેઓ ત્યાં આઠ મહિના કાઢે છે."

તેઓ આગળ કહે છે, "આ પાંચ હજાર સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં એક લીલું પાંદડું પણ નથી હોતું, આ એવી જમીન છે જ્યાં વનસ્પતિ પણ નથી ઊગી શકતી એટલે ત્યાં કોઈ છાંયડો નથી. ઉનાળાના તાપમાં પરસવો વળે અને એમાં રણમાં ઊડતી ધૂળ ભળે, આમ, પરસેવાવાળા આ શરીરની ચામડી પર ધૂળ જામી જતી હોય છે."

"આવી વિષમ પરિસ્થિતિમાં જ્યારે જીવવાનું હોય અને એમાં પણ નહાવા માટે જ્યારે 15 દિવસેય માંડ પાણી મળતું હોય તો ત્યાં પડતી મુશ્કેલીઓની કલ્પના કરવું પણ અઘરું છે."

"હવે સરકાર તરફથી પાણી મળે છે, પણ એ અગરિયા સુધી પહોંચતા દોઢ-બે મહિના થાય છે. રણમાં સ્થળાંતર કરીને અગરિયા મીઠું પકવવા જ્યાં જાય છે, એ આખો વિસ્તાર ચોમાસામાં કળણ હોય છે."

તેઓ કહે છે, "ઉત્તર ગુજરાતની સરસ્વતી, બનાસ અને રૂપેણ નદીઓનું પાણી ત્યાં આવે છે."

"સમય જતાં તે સુકાઈ જાય છે. દિવાળી પછી અગરિયા ત્યાં જઈને કામ કરે છે. ત્યારે પણ જમીન થોડી ભીની હોય છે, તેથી કોઈ સરકારી ટૅન્કર પહોંચે ત્યારે ટાયર જમીનમાં ખૂંપી જાય છે."

"અગરિયાની આવી કાળજું કંપાવી દેનારી મહેનત બાદ લોકોના ઘર માટે એક કિલો મીઠું પહોંચતાં પહોંચતાં આશરે તે 25-30 રૂપિયા કિલો થઈ જાય છે, અને આ અગરિયાએ મીઠું ગત વર્ષે 600 રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચ્યું હતું."

"તેનો અર્થ છે કે એક કિલો મીઠું અગરિયા 60 પૈસા પ્રતિ કિલોના ભાવે વેચે છે, આમ, આપણે 60 પૈસા અને 30 રૂપિયા વચ્ચેનું અંતર જોઈ શકીએ છીએ. અહીં ટેકાના ભાવ જ નથી. વેપારીઓ ભાવ નક્કી કરે છે."

"આ પરિસ્થિતિમાં જે આપણું ભોજન 'રસદાર' બનાવે છે, તેમનાં જીવન રસહીન રહ્યાં છે."

"ફોલ્લા ફૂટે ત્યારે લોટ પણ નથી બાંધી શકતા"

'સબરસ'ની કહાણી: દિવાળી પછી નવા વર્ષે જ્યાં મીઠાને શુકનિયાળ ગણવામાં આવે તે ગુજરાતમાં મીઠું પકવતા આગરિયાઓની શું સ્થિતિ છે?
ઇમેજ કૅપ્શન, અગરિયણ જલ્પાબહેન

બીબીસી ગુજરાતીના એક અહેવાલ અનુસાર કચ્છના નાના રણમાં સૂર્યોદયની સાથે જ અગરિયા કામે વળગી જાય છે.

અગરિયણ જલ્પાબહેન બીબીસી ગુજરાતીને કહે છે કે, "આ કામમાં હાથમાં ફોલ્લા પડી જાય છે, આ ફોલ્લા ફૂટીને મટી જાય એટલે એ ભાગની ચામડી ભેગી થઈ જાય અને ત્યાં મીઠું અડે એટલે કામ વધારે કાઠું લાગે."

"દુખાવો એટલો અસહ્ય બની જાય કે અમે લોટ પણ ના બાંધી શકીએ."

આવી વિષમ પરિસ્થિતિઓમાં છથી સાત કલાક સુધી તેઓ ધોમધખતા તાપમાં મીઠું પકવવા જાય છે.

તેઓ કહે છે, સવારના નવ-દસ વાગ્યાથી જ અહીં વાતાવરણ ગરમ થઈ જાય છે, બુટ ન પહેરીએ તો પગ ખૂંપી જાય.

બીમારી હોય કે લગ્નપ્રસંગ, જલપાબહેન ક્યારેય કોઈ રજા નથી લેતાં અને સતત તડકો વેઠવાના કારણે ઘણી વખત તેમની તબિયત પણ ખરાબ થઈ જાય છે.

જલ્પાબહેન જણાવે છે કે, "માસિકના દિવસમાં તો મને વધારે દુખે તોય એ દિવસોમાં હું ગરમીમાં કામે જઉં."

અગરિયા હિતરક્ષક મંચના ભરતભાઈ સુમેરા જણાવે છે કે, "મીઠાના કામનો સૌથી વધુ બોજો મહિલા પર પડે છે. પુરુષો કરતાં બહેનોનું કામ વધારે હોય છે."

"ઉનાળામાં એક તો પાણીની તકલીફના કારણે, ગરમીના કારણે સતત મજૂરી કરવાથી બાવડા દુખે, કમર દુખે, પેટનો પણ દુખાવો રહે છે."

ભારતના સૉલ્ટ ડિપાર્ટમેન્ટના (મીઠાનો વિભાગના) અહેવાલ (2021-22)ની પ્રસ્તાવનાના બીજા ફકરામાં લખાયું છે કે, "દેશમાં ગયા વર્ષે થેયેલા 265.64 લાખ ટનના મીઠાના ઉત્પાદનનની સરખામણીએ આ વર્ષે એટલે કે 2021-22માં 265.99 લાખ ટન મીઠાનું ઉત્પાદન થયું છે."

આમ, ભારત મીઠાના ઉત્પાદનમાં ચીન અને યુએસએ પછી ત્રીજા સ્થાને છે. એક તરફ મીઠાના ઉત્પાદનની દૃષ્ટિએ આગેકૂચ કરતો આપણો દેશ છે તો બીજી તરફ, અગરિયાની 'તનતોડ મહેનત બાદ નજીવી આવક'ની હકીકત, આ બાબત ઉત્પાદનની આ વૃદ્ધિની 'ખરી કિંમત' કોણ ચૂકવી રહ્યું છે એ અંગે વિચારવા મજબૂર કરી દે છે, આવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન