હવે સુપર અલ નીનોથી છ મહિનામાં 4.50 લાખ લોકોનાં મોતની ચેતવણી, ભારત પર કેટલું જોખમ?

ઇમેજ સ્રોત, Getty Images
અલ નીનોની અસરના કારણે આ વખતે ભારતના ઘણા ભાગોમાં અપૂરતો વરસાદ પડ્યો છે અને દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે.
હવે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ વર્ષે "સુપર અલ નીનો"ના કારણે દુનિયાભરમાં જે ભયંકર ગરમી પેદા થઈ હતી, તેનાથી આગામી વર્ષ સુધીમાં લગભગ 4.50 લાખ લોકોના મૃત્યુ નિપજી શકે છે.
ગ્લોબલ રિસર્ચ સંગઠન ક્લાઇમેટ ઇમ્પૅક્ટ લૅબ દ્વારા તાજેતરમાં આ રિપોર્ટ પ્રકાશિત થયો હતો.
તે મુજબ અલ નીનોના કારણે દુષ્કાળ અને કેટલીક જગ્યાએ પૂર તથા જંગલોમાં આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં મૃત્યુ નોંધાશે.
હાલમાં અલ નીનોના કારણે પૃથ્વી ગરમ થતી જાય છે અને સોમવારે જ સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું.
યુરોપની જેમ અનેક વિસ્તારોમાં આ વર્ષે અગાઉની ગરમી કરતા આ વખતે તાપમાન એટલું ઊંચું રહ્યું છે કે વૈજ્ઞાનિકો તેને "ગોડઝિલા લેવલ" તરીકે ઓળખાવે છે.
રિપોર્ટ શું કહે છે?

ઇમેજ સ્રોત, CIL
ક્લાઇમેટ ઇમ્પૅક્ટ લૅબનો રિપોર્ટ કહે છે કે જૂન 2026થી ફેબ્રુઆરી 2027ના અંત સુધીમાં સામાન્ય રીતે ગરમીના કારણે જે લોકો મૃત્યુ પામતા હોય છે તેના કરતા 4.51 લાખ વધારે લોકો મૃત્યુ પામે તેવી શક્યતા છે.
1996થી 2025 દરમિયાન અલ નીનોથી જે સરેરાશ મૃત્યુ થતાં હતાં, તેની તુલનામાં સુપર અલ નીનો દરમિયાન મૃત્યુનો આંક વધી જશે એવી ચેતવણી આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે વર્ષ દરમિયાન અત્યંત ગરમ દિવસોની સંખ્યામાં 44 ટકાનો વધારો થવાની શક્યતા છે. તેમાં જણાવાયા મુજબ અલ નીનો એ ભવિષ્ય તરફથી પોસ્ટકાર્ડ છે. તે દર્શાવે છે કે આગામી અમુક દાયકામાં ઊંચું તાપમાન એ સામાન્ય ચીજ બની જશે.
વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે દુનિયાભરમાં આગામી મહિનાઓમાં સુપર અલ નીનોની અસરથી જમીનના તાપમાનમાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. સુપર અલ નીનોની શરૂઆત જૂન મહિનાથી થઈ છે અને તેના કારણે અસામાન્ય ગરમી પેદા થઈ છે.
તેઓ માને છે કે વધતા તાપમાનને અનુકૂળ થવા માટે માનવીને સમય મળે તે અગાઉ જ તાપમાન વધી જશે.
ભારત માટે રિપોર્ટ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઊંચા તાપમાનના કારણે પરેશાન દેશોમાં ભારત પણ સામે છે.
ક્લાઇમેટ ઇમ્પૅક્ટ લૅબના રિપોર્ટ મુજબ ગરમીના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાતા હોય તેવા દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે છે.
ભારત કરતા આગળ હોય તેવા દેશોમાં નાઇજિરિયા, ઇન્ડોનેશિયા અને સુદાન સામેલ છે.
આ ઉપરાંત બ્રાઝિલ, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો, નાઇજર, ચાડ, ફિલિપાઇન્સ અને સાઉથ સુદાનમાં પણ ગરમીના કારણે મૃત્યુની સંખ્યા ઊંચી રહેશે.
સુપર અલ નીનોના કારણે ફેબ્રુઆરી 2027ના અંત સુધીમાં ભારતમાં લગભગ 15,800 લોકોનાં મોત નિપજવાનો અંદાજ છે. તેમાં 1600ની વધઘટ શક્ય છે.
નાઇજિરિયા, સુદાન, નાઇજર અને ચાડમાં કુલ 66,800 લોકોનાં મૃત્યુનો અંદાજ છે. તેમાં 2,700ની વધઘટ શક્ય છે.
રિપોર્ટ મુજબ વધતી ગરમીના કારણે ગ્લોબલ સાઉથના દેશોને સૌથી વધારે અસર થશે. જેમ કે આફ્રિકામાં સહારાના રણના વિસ્તારમાં આવેલા સાહેલ દેશોમાં સામાન્ય વર્ષની તુલનામાં સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીના ગાળામાં 66,800 વધારે મૃત્યુ નોંધાઈ શકે છે.
તેમાં એકલા નાઇજિરિયામાં અડધા મૃત્યુ (31400) નોંધાવાની શક્યતા છે.
સુદાનમાં સામાન્ય કરતા 17,500 વધારે મૃત્યુ થવાની અને નાઇજરમાં 10,000 તથા ચાડમાં 8,000 વધારે મૃત્યુનો અંદાજ છે.
આ મૃત્યુને કઈ રીતે ટાળી શકાય?

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
રિપોર્ટમાં જણાવાયું છે કે સુપર અલ નીનોની અસરથી લોકોના મૃત્યુ ઘટાડવા માટે ઇમરજન્સી ફંડનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો પડશે.
રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરની સરકારોએ અસરકારક પગલાં પર કામ કરવું પડશે.
તેમાં હેલ્થ વૉર્નિંગ, નબળા વર્ગને આરોગ્ય સુવિધા આપવી, કુલિંગ સેન્ટર અને હાઇડ્રેશન સ્ટેશન સ્થાપવા, કમદારોનું રક્ષણ વગેરે પગલાં સામેલ છે.
લોકો માટે પાણીની સુવિધા વધારવી, તાપમાન અંગે વહેલાસર સચોટ ઍલર્ટ આપવું વગેરે પગલાં પર ભાર મૂકવામાં આવ્યો છે.
અલ નીનો શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
અલ નીનો એ અલ નીનો સધર્ન ઑસિલેશન (ENSO) નામની આબોહવાની કુદરતી ઘટનાનો એક ભાગ છે.
આ કુદરતી ઘટનામાં એકબીજાથી તદ્દન વિરુદ્ધ બે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. એક છે અલ નીનો અને બીજી છે લા નીના. આ બંને સ્થિતિ વિશ્વના હવામાન પર અસર કરે છે. એટલે કે તેના લીધે હવામાનમાં ફેરફારો થાય છે.
અલ નીનોની સ્થિતિ સર્જાઈ છે કે નહીં તે જાણવા માટે વિવિધ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
- ઉષ્ણકટિબંધીય પૂર્વ પ્રશાંત મહાસાગરમાં સપાટીનું સામાન્ય કરતાં વધુ તાપમાન
- ડાર્વિન, ઓસ્ટ્રેલિયા (પશ્ચિમ પ્રશાંત મહાસાગર) ખાતે વાતાવરણનું સામાન્ય કરતાં વધારે દબાણ અને તાહિતી, ફ્રેન્ચ પોલિનેશિયા (મધ્ય પેસિફિક) ખાતે સામાન્ય કરતાં ઓછું દબાણ
ન્યૂટ્રલ એટલે કે 'તટસ્થ' પરિસ્થિતિમાં પ્રશાંત મહાસાગરમાં સપાટીનું પાણી પૂર્વમાં ઠંડું અને પશ્ચિમમાં ગરમ હોય છે. અલ નીનો ન હોય અને લા નીના પણ ન હોય એવી સ્થિતિને તટસ્થ સ્થિતિ કહેવામાં આવે છે.
અલ નીનો દરમિયાન વૈશ્વિક તાપમાન સામાન્ય રીતે વધે છે અને લા નીના દરમિયાન ઘટે છે.
અલ નીનોમાં ગરમ પાણી વધુ ફેલાય છે અને સપાટીની નજીક રહે છે. તે વાતાવરણમાં વધારે ગરમી છોડે છે, જેનાથી હવા વધારે ભેજવાળી અને ગરમ રહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























