સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાએ કહ્યું, 'સ્થાયી બેઠક માટે ભારતને અમારું સમર્થન' – ન્યૂઝ અપડેટ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરતાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ
ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરતાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની સ્થાયી સભ્યપદની દાવેદારીને રશિયાનું સમર્થન મળ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરતાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શનિવારે સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે પશ્ચિમી દેશોને વધારાની સ્થાયી બેઠકો આપવાનો વિરોધ કર્યો હતો.

લાવરોવે કહ્યું, "સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની પ્રક્રિયા હેઠળ પશ્ચિમી દેશોને, ખાસ કરીને જર્મની અને જાપાનને, કોઈ વધારાની સ્થાયી બેઠક આપવી જોઈએ નહીં, કારણ કે તેઓ હવે સૈન્યવાદ અને પ્રતિશોધના માર્ગે આગળ વધી રહ્યા છે."

લાવરોવે સુરક્ષા પરિષદમાં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના પ્રતિનિધિત્વમાં વધારો કરવાની જરૂરિયાત દર્શાવી હતી.

તેમણે કહ્યું, "અમે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના પ્રતિનિધિત્વમાં વધારો કરવાના પક્ષમાં છીએ. અમે સ્થાયી બેઠક માટે બ્રાઝિલ અને ભારતની ઉમેદવારીને સમર્થન આપીએ છીએ."

રશિયાનું આ વલણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા અંગે સભ્ય દેશો વચ્ચે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચા દરમિયાન મોરિશિયસે પણ સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સભ્યપદની દાવેદારીને સમર્થન આપ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોનાં મોત, અનેક વિસ્તારોમાં પૂરનો ખતરો

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોનાં મોત, અનેક વિસ્તારોમાં પૂરનો ખતરો – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, ગત 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં 19 ગણો વધુ વરસાદ નોંધાયો છે.

ઉત્તર પ્રદેશમાં શનિવારે વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 13 લોકોનાં મોત થયાં છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાહત કમિશનર ડૉ. હૃષિકેશ ભાસ્કર યશોદે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં આ માહિતીની પુષ્ટિ કરી હતી.

તેમણે જણાવ્યું, "છેલ્લા 48 કલાકથી રાજ્યના અનેક ભાગોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. તેનો પ્રભાવ ખાસ કરીને પૂર્વી ઉત્તર પ્રદેશ અને નેપાળની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વધુ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ ચક્રવાત અસનાના પ્રભાવને કારણે સર્જાઈ છે."

કમિશનરે વધુમાં જણાવ્યું, "અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને વિવિધ માધ્યમો દ્વારા લોકોને ચેતવણીઓ આપવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળા અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે, જ્યારે મુખ્ય મંત્રી પણ સ્થિતિની દેખરેખ રાખી રહ્યા છે."

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 17 લોકો ઘાયલ પણ થયા છે. એજન્સીએ અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે રાજ્યના 63 જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને કેટલાક વિસ્તારોમાં અચાનક પૂર આવવાનો મધ્યમ સ્તરનો ખતરો યથાવત્ છે.

ગત 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં 19 ગણો વધુ વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદ, આંધી અને ઝડપી પવનના કારણે ઊભા પાકોને નુકસાન પહોંચ્યું છે અને 117 મકાનોને નુકસાન થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, અલગ-અલગ ઘટનાઓમાં માટીની દિવાલ તૂટી પડતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.

તે જ સમયે, ભારે વરસાદ અને ઝડપી પવન દરમિયાન વૃક્ષો ધરાશાયી થતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં અને 14 લોકો ઘાયલ થયા હતા. લખીમપુર ખીરી, અમેઠી, બારાબંકી અને ગોરખપુર જિલ્લાઓમાંથી જાનહાનિના અહેવાલ સામે આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોનાં મોત, અનેક વિસ્તારોમાં પૂરનો ખતરો – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, લખનઉમાં વરસાદ બાદ દિવાલને નુકસાન

લખનઉના ચૈના ગામમાં માટીના મકાનની દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. તેમને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

કન્નૌજમાં સતત વરસી રહેલા વરસાદના કારણે 20 કાચાં મકાનોને નુકસાન થયું છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, શુક્રવારથી શનિવાર સવારે સુધી લખનૌમાં 125.8 મીલીમીટર વરસાદ નોંધાયો હતો.

ફર્રુખાબાદમાં સામાન્ય કરતાં 200 ગણો, કાનપુર નગરમાં 160 ગણો તેમજ કન્નૌજ, કાનપુર દેહાત અને હરદોઈમાં સામાન્ય કરતાં 130 ગણો વધુ વરસાદ નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગે શનિવારે પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.

રવિવારે પણ અનેક સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન