ભાજપના વધુ શક્તિશાળી બનવાથી પ્રાદેશિક પક્ષો પર તોળાતું જોખમ, કૉંગ્રેસ માટે 'આશાનું કિરણ'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
ચોથી મેનાં ચૂંટણીનાં પરિણામોએ ફરી વખત એ ચર્ચા છેડી દીધી છે કે શું ભાજપનું વિસ્તરણ પ્રાદેશિક પક્ષોના અસ્તિત્વ માટે જોખમી છે?
પશ્ચિમ અને મધ્ય ભારતમાં એક ઝારખંડ રાજ્યના ઝારખંડ મુક્તિ મોરચાને બાદ કરતાં બાકીનાં તમામ રાજ્યોમાં ભાજપનું શાસન છે. ઉત્તર પૂર્વ ભારતમાં એક મિઝોરમ સિવાયનાં બધાં રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષો સત્તા પર છે.
જોકે, આ વર્ચસ્વ દક્ષિણ ભારતમાં નથી જોવા મળતું. દક્ષિણ ભારતમાં ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન એકમાત્ર આંધ્ર પ્રદેશમાં જ સત્તા ધરાવે છે.
ઉત્તર ભારતમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબ જ વિપક્ષોના ગઢ તરીકે બચ્યા છે, તે સિવાય બાકીનાં તમામ રાજ્યોમાં ભાજપનું શાસન છે.
મમતા બેનરજી અને એમકે સ્ટાલિન સિવાય, નવીન પટનાયક, અરવિંદ કેજરીવાલ, કે ચંદ્રશેખર રાવ (કેસીઆર), તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ તથા માયાવતી જેવાં ભૂતકાળના શક્તિશાળી પ્રાદેશિક પક્ષોનાં નેતાઓના હાથમાંથી સત્તા સરકી ગઈ છે.
પ્રાદેશિક પક્ષોએ ખાસ કરીને 1989માં શરૂ થયેલા ગઠબંધનના યુગ પછી દેશના રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનું સ્થાન ઊભું કર્યું. 2014 પહેલાં સુધી દિલ્હીમાં સત્તાની ચાવી આ પક્ષોના હાથમાં જ રહી હતી.
વાજપેયીના સમયગાળા દરમિયાન, ભાજપ સ્વયં પણ મજબૂત સ્થાનિક બળો સાથે જોડાણો કરીને જ ઊભરી આવ્યો હતો.
પણ આ પ્રાદેશિક પક્ષોની વધી રહેલી નબળાઈ હવે ઘણા સવાલો ઉઠાવે છે. શું "ડબલ-એન્જિન ગવર્મેન્ટ"ના ભાજપના સૂત્ર સામે પ્રાદેશિક પક્ષો નબળા પડી રહ્યા છે? કે પછી આ ભાજપના પ્રભુત્વની ચરમસીમા છે, અર્થાત્ પ્રાદેશિક રાજકારણ તેની તાકાત પાછી મેળવશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું હવે પ્રાદેશિક ઓળખ પૂરતી નથી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્રણ દસકાથી પત્રકાર તથા રાજકીય વિશ્લેષક તરીકે કામ કરતાં નીરજા ચૌધરી દેશની ચૂંટણીના રાજકારણમાં આવેલા પેઢીગત પરિવર્તન વિશે વાત કરે છે.
તેમણે બીબીસી હિંદીને જણાવ્યું હતું, "આ ચૂંટણીઓએ દર્શાવ્યું છે કે સામાજિક કલ્યાણ અને પ્રાદેશિક ઓળખ વિજય મેળવવા માટે પર્યાપ્ત નથી. હું માનું છું કે ઘણા મહત્ત્વાકાંક્ષી હોય, તેવા યુવાન મતદારો રાજકારણનાં સમીકરણોને અગાઉના મતદાતાઓની માફક નથી જોતાં."
"સામાજિક પ્રગતિનો માર્ગ દેખાય, ત્યારે તેઓ પ્રયોગો અજમાવવાને લઈને વધુ મુક્ત માનસિકતા ધરાવે છે. આથી જ તામિલનાડુમાં વિજય અને પશ્ચિમ બંગાળમાં ભાજપ ચૂંટાઈ આવ્યા."
પણ અહીં અન્ય એક મહત્ત્વનું કારણ પણ રહેલું છે. નિવૃત્ત આઇએએસ અધિકારી તથા તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના રાજ્યસભાના પૂર્વ સાંસદ જવાહર સરકારે જણાવ્યું હતું, "પ્રાદેશિક પક્ષો કોઈ રાજકીય પક્ષ સામે નહીં, બલકે એક એવી કૉર્પોરેટ કંપની સામે લડી રહ્યા છે, જેની પાસે અત્યાધુનિક તકનીકી સંસાધનો છે. આવાં સંસાધનો કોઈ પણ રાજકીય પક્ષની પહોંચથી બહાર છે."
તેઓ નાણાં અને અદ્યતન એઆઇ ટૅક્નૉલૉજીના મિશ્રણ સાથે લડી રહ્યા છે," એમ સરકાર જણાવે છે. "પ્રાદેશિક પક્ષોએ એ સમજી લેવું જોએ કે તેનો કેવળ એક જ દુશ્મન છેઃ ભાજપ. પણ ભાજપ તે તમામ સાથે એકસાથે નહીં લડે, બલકે એક-એક કરીને તેમને ખતમ કરશે.
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપને "પરિવારવાદ" ધરાવતો પક્ષ નહીં, બલકે "જમીન સ્તરનો પક્ષ" ગણાવે છે. તેઓ કહે છે કે, ભાજપે તેના "વિકાસ-કેન્દ્રી અભિગમ અને પ્રયાસો" થકી લોકપ્રિયતા હાંસલ કરી છે.
લેખક અને વરિષ્ઠ પત્રકાર નીલંજન મુખોપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને હિંદુત્વની અપીલ હજુયે અકબંધ છે.
ભાજપની રણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષકો પ્રાદેશિક સ્તર પર ભાજપની પ્રગતિ બદલ તેની ગઠબંધનની રણનીતિ તરફ પણ ઇશારો કરે છે.
નીલંજન મુખોપાધ્યાય આજે ભાજપ તેના સાથી પક્ષોને કેવી રીતે જુએ છે, તેનું ઉદાહરણ આપે છે.
તેઓ કહે છે, "2012ની વાત છે, હું ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનું જીવનચરિત્ર લખવા માટે સંશોધન કરી રહ્યો હતો. હું તેમને મળ્યો અને તેમને પૂછ્યું કે ભાજપ તેની લોકપ્રિયતા વધારવા માટે સાથી પક્ષોને પોતાની તરફ લાવવા માટે કેવી રીતે યોજના બનાવી રહ્યું છે?"
"ત્યારે તેમણે એક શબ્દમાં જવાબ આપ્યો - જીતવાની ક્ષમતા. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે સાથી પક્ષો ત્યારે જ ભાજપમાં જોડાશે, જ્યારે તેમને લાગે કે આ પક્ષ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે.
"આ બાબત વ્યાવસાયિક અભિગમ દર્શાવે છે. આજે, જેડીયુ તરફ નજર કરો કે પછી હરિયાણામાં ભાજપે જેમની સાથે હાથ મિલાવ્યા છે, તે નાના પક્ષો કે શિવસેનાનું જ ઉદાહરણ લો. ભાજપે તે પક્ષોને પોતાની જ ઓળખમાં સમાવી લીધા છે. આ પક્ષોએ તેમની નજીવી હાજરીને બાદ કરતાં તેમની વ્યક્તિગત ઓળખ ગુમાવી દીધી છે."
તેની સાથે જ સરકારે ભાજપ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું, "ભાજપે તેના સાથી પક્ષોને આવકાર્યા અને પછી તેમને ખતમ કરી નાખ્યા."
કૉંગ્રેસને ભવિષ્યમાં ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
2009ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે 206 બેઠકો પર જીત મેળવી હતી. જોકે, ત્યાર પછીની 2014, 2019 અને 2024ની ચૂંટણીઓમાં પક્ષ આપબળે 100 બેઠકો પણ કબજે કરી શકી નથી.
સરકારે કહ્યું હતું, "ભાજપને પાછળ ધકેલવાની જવાબદારી એટલા માટે પણ પ્રાદેશિક પક્ષો ઉપર આવી ગઈ, કારણ કે રાષ્ટ્રીય પક્ષો, ખાસ કરીને કૉંગ્રેસ તેના નબળા માળખાને કારણે ભાજપ સાથે સ્પર્ધા કરવામાં અસમર્થ રહી."
જોકે, આ પડતીથી સૌથી વધુ ફાયદો કૉંગ્રેસને જ થઈ શકે છે.
નીરજા ચૌધરી કહે છે, "પક્ષે આ તક ઝડપી લેવી જોઈએ. મમતા બેનરજીને પરાજય પછીના તેમના પ્રથમ નિવેદનમાં 'ઇન્ડિયા ગઠબંધન' માટે કામ કરવાની વાત કરતાં જોઈને મને આશ્ચર્ય થયું હતું. મને લાગે છે કે, તેઓ જાણે છે કે હવે તેમના માટે અને તેમના પક્ષ માટે ખાસ કશું બચ્યું નથી. આ અસ્તિત્વ ટકાવી રાખવાનો સવાલ છે."
તેમણે આગળ કહ્યું હતું, "2024માં કૉંગ્રેસે અખિલેશ યાદવ સાથે કામ કર્યું હતું. આથી, ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં તેમને સમર્થન ન કરવાનું કૉંગ્રેસ માટે કોઈ કારણ નથી. એ જ રીતે, કેરળ જેવા રાજ્યમાં કૉંગ્રેસનું ગઠબંધન જીતી જાય, તો પણ તેમના માટે એ સુનિશ્ચિત કરવું યોગ્ય રહેશે કે ડાબેરી મોરચો સંપૂર્ણપણે તૂટી ન જાય. નહિતર, ભાજપને ફાયદો થશે."
ભારતના રાજકારણમાં હવે આગળ શું થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, નિષ્ણાતો પ્રાદેશિક પક્ષો ફરી ઊભરીને આવવાની સંભવિતતા નકારી નથી કાઢતા.
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીમાં 31.34 ટકા મત હિસ્સો (વોટ શેર) કબજે કરીને 282 બેઠકો જીતી લીધી હતી. 2019માં આ ટકાવારી વધીને 37.7 ટકા થવા સાથે 303 બેઠકો સુધી પહોંચી હતી. જોકે, 2024માં, બેઠકોની સંખ્યા ઘટીને 240 થઈ ગઈ હતી અને મત હિસ્સો 36.5 ટકા થઈ ગયો હતો.
મુખોપાધ્યાયના જણાવ્યા અનુસાર, બે મહત્ત્વના મુદ્દા સમજી લેવાની જરૂર છે. પ્રથમ તો, તમે ભાજપના મત હિસ્સા તરફ નજર કરશો તો, માલૂમ પડશે કે તેના પ્રભુત્વ છતાં આ વોટ શેર 50 ટકા કરતાં ઊંચો ગયો નથી."
"તેનો અર્થ એ કે, બિન-હિંદુત્વ રાજકારણ પાસે ભાજપનો મુકાબલો કરવાનો અવકાશ બચ્યો છે. સવાલ એ છે કે, શું અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ઓમર અબ્દુલ્લાહ કે અન્ય પ્રાદેશિક નેતાઓ સ્વયંને ફરી સ્થાપિત કરીને તે જગ્યા ફરી પાછી હાંસલ કરી શકશે?"
સરકારના મતે, આ પક્ષો અને તેમના નેતાઓએ ભાજપ પાસેથી પણ શીખવાની જરૂર છે.
તેઓ કહે છે, "ભાજપ યુપીએને ઘેરવા માટે સતત મુદ્દાઓ ઊભા કરવામાં સફળ રહ્યો હતો, કારણ કે તેની પાસે એ પ્રકારના લોકો હતા, જે નવા સોશિયલ મીડિયા કે મૅસેજિંગના માધ્યમથી નૅરેટિવ બનાવવા કે બગાડવા માટે તેને સાચા તકનિકી ઇનપુટ આપી શકતા હતા."
"વિરોધ પક્ષોએ એકજૂથ થઈને નિષ્ણાતો સાથે બેસીને ઉપલબ્ધ તકનીકી વિકલ્પોનું વિશ્લેષણ કરવાની જરૂર છે. સાથે જ તેમણે તેને ખતમ કરવા માટે ભાજપ દ્વારા ભરવામાં આવેલાં પગલાંનો અભ્યાસ કરવાની જરૂર છે."
મુખોપાધ્યાયે કહ્યું હતું, "તે ઉપરાંત, તેમાં પરંપરાગત પદ્ધતિ પણ રહેલી છે. સંબંધિત રાજ્યોની ખાસ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે આંદોલનકારી રાજકારણનો માર્ગ અપનાવવો પડશે. જનતા સાથે જોડાયેલા હોય, તેવા મુદ્દાઓને જન આંદોલનો થકી ઉઠાવવા પડશે."
"આવું છેલ્લું આંદોલન રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હતું અને કૉંગ્રેસ પ્રમુખ 2024માં ભાજપને પડકાર ફેંકવામાં સફળ રહ્યા હતા. એ વાત જુદી છે કે તે પછી મોદીએ તેમની પકડ ફરી પાછી મજબૂત બનાવી લીધી છે. પણ આ દર્શાવે છે કે આ મુશ્કેલ તબક્કામાંથી બહાર નીકળવાનો માર્ગ મોજૂદ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























