અક્વાન : બંગાળની ખાડીમાં ઊભું થયેલું આ વાવાઝોડું કેટલું ખતરનાક, કયાં રાજ્યોમાં વરસાદ થશે?

બીબીસી ગુજરાતી, હવામાન વિભાગની આગાહી, આઈએમડી, વાવાઝોડું અક્વાન, આંધ્ર પ્રદેશ ઓડિશા અને તલંગણાને અક્વાનની શું અસર થશે,
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

બંગાળની ખાડીમાં 'અક્વાન' નામનું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. જે આજે (17 નવેમ્બર) સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડું (સિવિયર સાઇક્લૉનિક સ્ટૉર્મ) બને તેવી શક્યતા છે.

સાથે જ તે ગુરુવારે (19 નવેમ્બર) સવારે અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડાનું (વેરી સિવિયર સાઇક્લૉનિક સ્ટૉર્મ) સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

તે શુક્રવાર (તા. 20 નવેમ્બર) બપોરની આસપાસ આંધ્ર પ્રદેશ અને યનમના તટવિસ્તારમાં નેલ્લોર તથા તૂનીની વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. આ દરમિયાન હવાની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિકલાક રહે તેવી શક્યતા છે. જે 145 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ સાથે જોડાયેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીના મધ્યભાગમાં આકાર લઈ રહ્યું છે.

હવામાન વિભાગે સોમવારની (તા. 16 નવેમ્બર) રાત્રે સાડા અગિયાર વાગ્યે જે અપડેટ આપ્યા છે, તે મુજબ 'અક્વાન' વાવાઝોડું હાલમાં ચેન્નાઈથી 610 કિલોમીટર પૂર્વમાં, ત્રિંકોમાલીથી 639 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં, મછલીપટ્ટનમથી 660 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં, વિશાખાપટ્ટનમથી 670 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પૂર્વ અને ગોપાલપુરથી લગભગ 790 કિલોમીટર દક્ષિણે આવેલું છે.

આ સાઇક્લૉનનું નામ ઈરાને રાખ્યું છે. ફારસી પૌરાણિકકથાઓમાં 'અક્વાન'નો ઉલ્લેખ જોવા મળે છે. આ નામ 'અક્વાન-એ-દીવ' સાથે જોડાયેલું છે. જે વિખ્યાત ફારસી મહાકાવ્યા 'શાહનામા'નું એક રાક્ષસી પાત્ર છે. આ મહાકાવ્યની રચના ફિરદૌસીએ કરી હતી.

હવામાન વિભાગની ચેતવણી

બીબીસી ગુજરાતી, હવામાન વિભાગની આગાહી, આઈએમડી, વાવાઝોડું અક્વાન, આંધ્ર પ્રદેશ ઓડિશા અને તલંગણાને અક્વાનની શું અસર થશે,

હવામાન વિભાગે ચાલુ સપ્તાહ (તા. 22 નવેમ્બર સુધી) દરમિયાન દેશના અલગ-અલગ ભાગોમાં વરસાદનું અનુમાન કર્યું છે.

દક્ષિણ ભારતમાં કેરળ, માહે, તામિલનાડુ, પુડ્ડુચેરી તથા કરાઇકલમાં કેટલાંક સ્થાનોએ વરસાદ પડી શકે છે. લક્ષદ્વીપમાં તા. 22 નવેમ્બરે, કર્ણાટકના દરિયાકિનારાના તથા આંતરિક વિસ્તારોમાં તા. 20થી 22 નવેમ્બર વચ્ચે વરસાદ પડે તેવી શક્યતા છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આંધ્ર પ્રદેશના દરિયાકિનારાના વિસ્તારો અને યનમમાં તા. 16થી 18 નવેમ્બર તથા 21 નવેમ્બર, જ્યારે રાયલસીમામાં તા. 16થી 18 નવેમ્બર અને તા. 21-22 નવેમ્બર દરમિયાન કેટલાંક સ્થળોએ વરસાદ પડે તેવી શક્યતા છે. તેલંગણામાં તા. 19 નવેમ્બરે વરસાદ પડશે, તેવું અનુમાન છે.

તા. 19 અને 20 નવેમ્બર દરમિયાન આંધ્ર પ્રદેશના તટવિસ્તારો તથા યનમ અને રાયલસીમામાં અનેક વિસ્તારોમાં વરસાદ પડશે, એવી આગાહી છે. તેલંગણામાં તા. 20થી 22 નવેમ્બરની વચ્ચે પણ અનેક સ્થળોએ વરસાદ પડે તેવી શક્યતા છે.

મધ્ય ભારતની વાત કરીએ તો પશ્ચિમ મધ્ય પ્રદેશમાં તા. 21 અને 22 નવેમ્બર, પૂર્વ મધ્ય પ્રદેશમાં તા. 20થી 22 નવેમ્બર, મહારાષ્ટ્રના વિદર્ભમાં તા. 19થી 21 નવેમ્બર અને છત્તીસગઢમાં તા. 18થી 22 નવેમ્બર દરમિયાન કેટલાંક સ્થળોએ વરસાદ પડે તેવી શક્યતા છે.

અંદમાન તથા નિકોબાર દ્વીપસમૂહમાં તા.16થી 17 નવેમ્બરની વચ્ચે પણ કેટલાંક સ્થળોએ વરસાદ પડી શકે છે.

પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો 21થી 22 નવેમ્બરે, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તા. 19થી 21 નવેમ્બર દરમિયાન તથા ઓડિશામાં તા. 19થી 22 નવેમ્બર દરમિયાન કેટલાંક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. ત્રિપુરામાં તા. 19થી 21 નવેમ્બર દરમિયાન અનેક સ્થળોએ વરસાદ પડે તેવી આગાહી છે. આસામ તથા મેઘાલયમાં તા. 16થી 22 નવેમ્બર દરમિયાન કેટલાંક સ્થળોએ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે વરસાદ ઉપરાંત ઝાંકળની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તા. 17થી 20 નવેમ્બર દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી તથા પંજાબમાં ગાઢ ઝાંકળ રહેવાની પ્રબળ શક્યતા છે. આ સિવાય બુધવાર સુધી પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ ઝાંકળ રહેવાની શક્યતા છે.

દરિયાની પરિસ્થિતિ

વીડિયો કૅપ્શન, ચોમાસું ગયું પછી હવે ગુજરાતમાં હાલ આટલી ગરમી અને રાતે ઠંડીની બેવડી ઋતુ કેમ છે?

હવામાન વિભાગે બંગાળની ખાડીએ અલગ-અલગ વિસ્તારોમાં અને આજુબાજુના દરિયાઈ વિસ્તારોમાં દરિયાની સ્થિતિ વિકરાળ બનશે, તેવી ચેતવણી ઉચ્ચારી છે.

મંગળવાર અને બુધવારે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં દરિયો ખરાબથી અત્યંત ખરાબ થઈ શકે છે.

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં તા. 17થી 19 નવેમ્બર દરમિયાન સ્થિતિ ખરાબથી વધુ વધુ ખરાબ (વેરી હાઈ) થઈ શકે છે.

પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં તા. 17થી 18 નવેમ્બરની વચ્ચે અત્યંત ખરાબથી ખૂબ જ વધુ ખરાબ થઈ શકે છે. તા. 19 નવેમ્બરથી 24 કલાક દરમિયાન દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબથી લઈને 'અસામાન્ય' સ્તર પર પહોંચી શકે છે.

પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તા. 16થી 19 નવેમ્બર દરમિયાન પરિસ્થિતિ કથળી શકે છે. તે અત્યંત 'ખરાબ'થી લઈને 'ખૂબ જ વધુ ખરાબ'નું સ્વરૂપ ધારણ કરી શકે છે.

ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તા. 19મી નવેમ્બરે દરિયાની સ્થિતિ ખરાબથી ખૂબ જ ખરાબ રહેવાની શક્યતા છે.

ઉત્તર તામિલનાડુ અને પુડ્ડુચેરીના તટીય વિસ્તારો પાસે બુધવાર સુધી દરિયાની સ્થિતિ 'ખરાબથી બહુ ખરાબ' રહેશે તેવી આગાહી છે.

આંધ્ર પ્રદેશ તથા યનમના દરિયાની પાસે તા. 17 નવેમ્બર સુધી દરિયાની સ્થિતિ 'ખરાબથી વધુ ખરાબ' રહે તેવી શક્યતા છે.

તા. 19 નવેમ્બરના સવાર સુધી તે 'અત્યંત ખરાબથી ખૂબ જ ખરાબ' થઈ શકે છે. એ પછી તા. 19 નવેમ્બરથી 20 નવેમ્બર સવાર સુધીની સ્થિતિમાં તે "અસામાન્ય" સ્તર પર પહોંચી શકે છે.

ઓડિશાના આ વિસ્તારો માટે ઑરેન્જ ઍલર્ટ

બીબીસી ગુજરાતી, હવામાન વિભાગની આગાહી, આઈએમડી, વાવાઝોડું અક્વાન, આંધ્ર પ્રદેશ ઓડિશા અને તલંગણાને અક્વાનની શું અસર થશે,
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક ફાઇલ તસ્વીર

'અક્વાન'ના કારણે ઓડિશાના તટ નજીક તા. 18 નવેમ્બરથી 20 નવેમ્બરની સવારે સુધી સમુદ્રની સ્થિતિ ખરાબથી અત્યંત ખરાબ રહેવાની શક્યતા છે.

ઓડિશાના મહેસૂલ અને આપદા વ્યવસ્થાપન મંત્રી સુરેશ પુજારીએ કહ્યું, "હાલના ચક્રવાતના 20 નવેમ્બરની બપોરે આંધ્ર પ્રદેશમાં નેલ્લોર અને તૂની વચ્ચે લૅન્ડફૉલ કરશે, તેવી આગાહી છે. ભારતના હવામાન વિભાગે અંદાજ વ્યક્ત કર્યો છે કે 19 નવેમ્બરે ગંજમ, ગજપતિ અને પુરીમાં કેટલાંક સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદ પડશે."

તેમણે જણાવ્યું, "આ ત્રણેય જિલ્લાઓને ઓરેન્જ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે. 20 નવેમ્બરે ચક્રવાત તટ સાથે ટકરાશે તે દિવસે મલ્કાનગીરી, કોરાપુટ, રાયગડા, ગજપતિ અને ગંજામમાં કેટલાંક સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદના કારણે નોંધપાત્ર અસર થવાની આશંકા છે."

હવામાન વિભાગે માછીમારોને સલાહ આપી છે કે તેઓ નીચેના વિસ્તારોમાં દરિયો ન ખેડવા સૂચના આપી છે:

* 17 નવેમ્બર સુધી અંદમાન અને અંદમાન તથા નિકોબાર દ્વીપસમૂહના આસપાસના વિસ્તારોમાં.

* 17 નવેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં.

* 16 થી 19 નવેમ્બર દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં.

* 16 થી 20 નવેમ્બર દરમિયાન મધ્ય બંગાળની ખાડીમાં.

* 19 થી 20 નવેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં.

ચક્રવાતોને નામ કેવી રીતે આપવામાં આવે છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં શિયાળાની ખરેખર શરૂઆત ક્યારથી થશે, કયા પરિબળો તેને અસર કરે?

વર્ષ 2000માં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદ્ભવતા ચક્રવાતોને નામ આપવાની પદ્ધતિ એશિયા અને પ્રશાંત ક્ષેત્ર માટેના સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ (ESCAP) અને વિશ્વ હવામાન સંગઠન (WMO) દ્વારા શરૂ કરવામાં આવી હતી.

તે હેઠળ બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશોના એક જૂથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદ્ભવતા ચક્રવાતો માટે 13 નામોની એક સૂચિ સોંપી હતી.

2018માં આ દેશોના પેનલમાં ઈરાન, કતર, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત અને યમનના નામ પણ જોડાયા. આ પેનલનું કામ ચક્રવાતોનાં નામ નક્કી કરવાનું છે.

આ દેશો દ્વારા સૂચવાયેલાં નામોને દેશોના નામના વર્ણાનુક્રમ મુજબ સૂચિબદ્ધ કરવામાં આવે છે. આ યાદીની શરૂઆત બાંગ્લાદેશથી થાય છે.

ત્યારબાદ તેમાં ભારત, ઈરાન, માલદીવ, ઓમાન અને પાકિસ્તાનના નામ આવે છે.

આ જ ક્રમ પ્રમાણે ચક્રવાતોના નામ રાખવામાં આવે છે. 2020માં આવેલા ચક્રવાત 'નિવાર' પછી જે ચક્રવાતોના નામ સાંભળવા મળ્યા છે, તે છે બુરેવી (માલદીવ), તૌકતે (મ્યાનમાર), યાસ (ઓમાન) અને ગુલાબ (પાકિસ્તાન) મુખ્ય છે.

એપ્રિલ-2020માં આ નામો ધરાવતી નવી યાદીને સભ્ય દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

પ્રસ્તાવિત નામો કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, ધર્મ, સંસ્કૃતિ અથવા લિંગના આધારે ન હોવા જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન