ગુજરાતમાં 24થી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ

ગુજરાત હવામાન, બીબીસી ગુજરાતી, ચોમાસું ગુજરાતમાં 24થી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં આજથી બે દિવસ સુધી ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહીને પગલે આખા ગુજરાતમાં વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે.

આગાહી અનુસાર, આણંદ શહેરમાં વહેલી સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે.

તો વડોદરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે.

બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે સંબંધિત જિલ્લામાં શાળાઓમાં રજા અપાઈ છે.

વરસાદની આગાહીને લીધે રાજ્ય સરકારની તૈયારી શું છે?

અતિભારે વરસાદની આગાહીના પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સંતર્ક થયું છે. નર્મદા નદીના ઉત્તર-દક્ષિણ વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અને 26 બોટ તહેનાત કરાઈ છે

ઇમેજ સ્રોત, gujarat information department

ઇમેજ કૅપ્શન, અતિભારે વરસાદની આગાહીના પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સંતર્ક થયું છે. નર્મદા નદીના ઉત્તર-દક્ષિણ વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અને 26 બોટ તહેનાત કરાઈ છે

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોની સાથે પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વિવિધ વિભાગો સાથે મળીને સંયુક્ત 'ઇવેક્યુએશન પ્લાન' બનાવાયો છે.

તેમજ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાનો તહેનાત કરાયા છે.

ગુજરાત રાજ્યના પોલીસવડા જી.એસ. મલિકના અધ્યક્ષસ્થાને વીડિયો કૉન્ફરન્સ થઈ હતી અને તેમાં રાજ્યનાં તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ કામગીરીમાં જોડવામાં આવી છે.

સમગ્ર પરિસ્થિતિ પર 24 કલાક નજર રાખવા જિલ્લા કંટ્રોલ રૂમ સક્રિય કરાયા છે, જે ગાંધીનગરસ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેશે.

સંવેદનશીલ સ્થળો પર પોલીસ, હોમગાર્ડ્સ, જીઆરજી, ટીઆરબી અને ફાયર સર્વિસના જવાનોને અગાઉથી જ ખડેપગે કરી દેવાયા છે.

સુરતમાં રાતથી જ ધોધમાર વરસાદ ચાલુ : NDRF, SDRFની ટીમો ઍલર્ટ

વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે

ઇમેજ સ્રોત, hardik

ઇમેજ કૅપ્શન, વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. વાઘોડિયા સહિત પીપળિયા, ગોરજ, રૂસ્તમપુરા, નિમેટા, આજવા વગેરે વિસ્તારમાં વરસાદ પડ્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં ગુરુવારની રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને શુક્રવારે સવારે પણ વરસાદ ચાલુ છે.

સવારે છ વાગ્યા સુધીમાં અલગ-અલગ ઝોનમાં ચારથી સાત મિમી વરસાદ નોંધાયો હતો અને હજુ પણ ચાલુ છે. 31 જુલાઈની સ્થિતિ પ્રમાણે સુરતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 1382 મિમી એટલે કે લગભગ 54 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેટા પ્રમાણે તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટી આજે સવારે છ વાગ્યે 316.51 ફૂટ હતી. હાલમાં ડૅમમાં 11689 ક્યુસેકનો પ્રવાહ આવી રહ્યો છે જ્યારે 800 ક્યુસેકની જાવક છે. ઉકાઈ ડેમની ફૂલ સપાટી 345 ફૂટ છે.

સુરતના અલગ-અલગ વિસ્તારોમાં પૂર માટે જવાબદાર ગણાતી પાંચેય ખાડીઓમાં હાલની સ્થિતિમાં પાણી નિયંત્રણ હેઠળ છે. પરંતુ વરસાદ ચાલુ રહે તો તેમાં પાણીનું સ્તર વધવાની પૂરી શક્યતા છે.

સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને એએનઆઇને જણાવ્યું હતું કે બંગાળની ખાડી પરથી વાવાઝોડું આવવાની શક્યતાના કારણે સુરત હાઈ ઍલર્ટ પર છે.

તેમણે કહ્યું કે સુરત શહેર અને જિલ્લા માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈયાર રાખવામાં આવી છે. જરૂર પડશે તો વધુ ટીમો ગોઠવવામાં આવશે. 150 હોર્ડિંગ અને 100 જોખમી ઝાડોને હટાવાયાં છે. નીચાણવાળા વિસ્તારોમાં શેલ્ટર હોમ શરૂ કરવામાં આવ્યા છે.

કયા કયા જિલ્લામાં શાળાઓમાં રજા રખાઈ?

ભારે વરસાદની આગાહીના પગલે સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર, મહીસાગર, છોટા ઉદેપુર, મહેસાણા, પંચમહાલ, વલસાડ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

તો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે અને 31 જુલાઈ અને પહેલી ઑગસ્ટે શાળા-કૉલેજો અને આંગણવાડીઓ બંધ રાખવાના નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મીડિયાને જણાવ્યું કે નગરજનોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને ખાનગી સંસ્થાઓ શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપે.

ખેડા જિલ્લામાં આજે અને આવતી કાલે શાળા-કૉલેજ આંગણવાડીઓ બંધ રહેશે.

પંચમહાલ જિલ્લામાં પણ તમામ પ્રાથમિક શાળા અને આંગણવાડીઓમાં 31 જુલાઈએ રજા રખાઈ છે.

મહેસાણા જિલ્લામાં 31 જુલાઈના રોજ તમામ શાળાઓ બંધ રહેશે.

ભરૂચ જિલ્લામાં 31મી જુલાઈએ જિલ્લાની તમામ શાળાઓમાં રજા રખાઈ છે.

તેમજ કેટલીક જગ્યાએ નોકરીયાત લોકોને ઘરેથી કામ કરવાની અપીલ પણ કરાઈ છે.

વરસાદી સિસ્ટમ આગળ વધી, આગામી 24 કલાક મહત્ત્વના

ગુજરાત હવામાન, બીબીસી ગુજરાતી, ચોમાસું

ઇમેજ સ્રોત, imd

હવામાન વિભાગ અનુસાર, ગુજરાત માટે આગામી 24થી 48 કલાક મહત્ત્વના માનવામાં આવે છે, કેમ કે એટલા સમયગાળા દરમિયાન બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવે તેવી શક્યતા છે.

ગઈ કાલે છત્તીસગઢના મધ્ય ભાગો અને નજીકના ઉત્તર ઓડિશા પર બનેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ અને ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.

તે છત્તીસગઢમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, એ પછી આગામી 12 કલાકમાં ધીમેધીમે ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે.

એ પછી આગામી 24 કલાક દરમિયાન તે વિદર્ભ અને દક્ષિણ મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન તરીકે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

સરેરાશ દરિયાઈ સપાટી પરનો એક ઑફ-શોર ટ્રક દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલો છે.

ગુજરાતમાં આગામી કલાકોમાં ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

ગુજરાત હવામાન, બીબીસી ગુજરાતી, ચોમાસું

ઇમેજ સ્રોત, imd

ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી કેટલાક કલાકોમાં વરસાદનું જોર વધશે. એટલે કે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, 31 જુલાઈએ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી અને ડાંગમાં છૂટાંછવાયાં સ્થળોએ અત્યંત ભારેથી અસાધારણ વરસાદનું અનુમાન છે.

તેમજ ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જિલ્લામાં પણ છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

આ સિવાયના મોટા ભાગના જિલ્લામાં 31 જુલાઈએ કેટલાંક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

તો ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત્ રહેવું તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

પહેલી ઑગસ્ટે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને આણંદ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

તો એ સિવાય કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ભરૂચ, બોટાદ, ભાવનગર, મોરબી જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને દમણમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન