માવઠું : ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે?

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત સહિત દેશભરમાં ભરઉનાળે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કેટલાંક રાજ્યોમાં તોફાની પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોને છોડીને દેશનાં લગભગ તમામ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

ભારતમાં આશરે એકાદ મહિના બાદ ચોમાસાની શરૂઆત થશે, એ પહેલાં જ દેશભરમાં હાલ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિએ જોર પકડ્યું છે.

ગુજરાતમાં પણ હાલ થન્ડર સ્ટ્રોમ ઍક્ટિવિટી ચાલી રહી છે, એટલે કે રાજ્યમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને સાથે ઝડપી પવન ફૂંકાયો છે.

આગામી દિવસોમાં પણ ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ રહેવાની છે અને કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જોકે, વધારે વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા નથી.

દેશનાં 15 કરતાં વધારે રાજ્યોમાં વરસાદની આગાહી

ભારતમાં માર્ચથી મે મહિના દરમિયાન ઝડપી પવન સાથે વરસાદ, ધૂળભરી આંધી અને હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ઘણાં રાજ્યોમાં પડતો હોય છે, જેને પ્રિ-મૉન્સુન ઍક્ટિવિટી કહેવામાં આવે છે.

સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત 1 જૂનની આસપાસ થતી હોય છે અને તે બાદ એકાદ મહિનામાં ચોમાસું દેશના મોટા ભાગના વિસ્તારોમાં પહોંચતું હોય છે.

હવામાન વિભાગ પ્રમાણે હાલ દેશભરમાં પ્રિ-મૉન્સુન ઍક્ટિવિટી જોરમાં છે અને ઉત્તર અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી 30થી 60 કિમીની ઝડપે પવનની સાથે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે દેશનાં 15 કરતાં વધારે રાજ્યોમાં 5મેથી 7 મે દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. જે બાદ ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ઘટતી જશે.

હાલની સ્થિતિ પ્રમાણે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે અને કેટલીક જગ્યાએ ઝડપી પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો અને પૂર્વોત્તરના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં હવામાનમાં કેવા ફેરફારો થશે?

હવામાન વિભાગે ગુજરાતમાં હાલ વરસાદની આગાહી કરી નથી, પરંતુ રાજ્યમાં દરિયા પરથી પવનો આવી રહ્યા છે અને ગરમી પણ પડી રહી છે. જેથી કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમની સ્થિતિ થવાની શક્યતા છે.

રાજ્યમાં 4 અને 5 મેના રોજ કેટલાક વિસ્તારોમાં પવન સાથે હળવો વરસાદ પડ્યો હતો. એ જ પ્રકારને હજી 7 મે સુધી થોડા ઝડપી પવન અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનની આસપાસ થતી હોય છે અને તે પહેલાં ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિની શરૂઆત થઈ જતી હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતના ગાળામાં ચોમાસા પહેલાંનો વરસાદ પડે છે.

એટલે કે ચોમાસાની વિધિવત્ રીતે શરૂઆત થાય તે પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જતી હોય છે.

આગામી દિવસોમાં રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદની શક્યતા નથી, પરંતુ મે મહિનામાં થન્ડર સ્ટ્રોમ ઍક્ટિવિટી હજી પણ આગળના દિવસોમાં જોવા મળે એવી શક્યતા છે.

ગુજરાતમાં હજી પણ ગરમી વધશે

હવામાન વિભાગના મૉડલ પ્રમાણે રાજ્યમાં હજી પણ ગરમી વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોને આકરી ગરમીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.

હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીમાંથી થોડી રાહત મળી છે પરંતુ બપોરના ભાગે ભારે ગરમી પડી રહી છે. આગામી ચારથી પાંચ દિવસો બાદ હજી ગરમી વધશે.

9 અને 10 મેની આસપાસથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તાપમાન હજી વધશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે.

આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી વધશે અને ભેજ સાથે અહીં ગરમી પડતા અનેક વિસ્તારોમાં બફારાનો અનુભવ થવાની શક્યતા છે.

ગુજરાતમાં સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધારે ગરમી પડતી હોય છે અને ચોમાસાની વિધિવત્ શરૂઆત થાય ત્યાં સુધી રાજ્યમાં ગરમી પડતી હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન