કુનાલ શાહ : ડિલિવરી બૉયથી શરૂઆત કરીને વૉટ્સઍપના ગ્લોબલ CEO બનનારા ગુજરાતી કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images/Kunal Shah/Instagram
દુનિયાની સૌથી મોટી ટૅક્નૉલૉજી કંપનીઓમાં ગણવામાં આવતી મેટા પ્લૅટફૉર્મે વૉટ્સઍપના નવા ગ્લોબલ હેડ તરીકે કુનાલ શાહના નામની જાહેરાત કરી છે.
વૉટ્સઍપના પ્રમુખ વિલ કેથકાર્ટે ઘોષણા કરી છે કે તેઓ પોતાનુ પદ છોડી રહ્યા છે.
કેથકાર્ટ લગભગ સાત વર્ષથી મેટાના લોકપ્રિય મૅસેજિંગ પ્લૅટફૉર્મની દેખરેખ રાખી રહ્યા હતા અને તેમણે વૉટ્સઍપની ચૅટને દુનિયાભરમાં ત્રણ અબજથી વધારે ઉપયોગકર્તાઓ સુધી પહોંચાડી છે.
તેમણે સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું, "આ પ્લૅટફૉર્મ અત્યારસુધીની સૌથી મજબૂત સ્થિતિમાં છે, પરંતુ છતાં પાછળ હઠવાનો આ યોગ્ય સમય લાગી રહ્યો છે."
કેથકાર્ડ મેટાના નેતૃત્વમાં પોતાની ભૂમિકા ભજવતા રહેશે, ત્યાં ભારતીય ફિનટૅક સ્ટાર્ટ-અપ ક્રૅડના સંસ્થાપક કુણાલ શાહ વૉટ્સઍપના પ્રમુખ તરીકેનો ભાર સંભાળશે.
ફેસબુકના સંસ્થાપક અને મેટાના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગે કહ્યું કે શાહે ક્રૅડ સાથે મળીને "ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ પ્રૌદ્યોગીકી કંપનીઓમાંથી એક"નું નિર્માણ કર્યું છે.
ઝુકરબર્ગે કહ્યું કે તેઓ કુણાલ સાથે મળીને કામ કરવા ઉત્સુક છે જેથી વૉટ્સઍપના અબજો ઉપયોગકર્તા અને વ્યવસાયીઓ માટે તેને સર્વશ્રેષ્ઠ બનાવી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Kunal Shah/Instagram
મૂળ ગુજરાતી કુનાલ શાહનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો અને હાલમાં તેઓ બૅંગ્લુરુ સ્થિત CRED નામના સ્ટાર્ટ-અપના માલિક છે. હવે તેઓ વૉટ્સઍપના સીઈઓ બની રહ્યા છે જે દુનિયાભરમાં લગભગ 3.3 અબજ જેટલા માસિક ઍક્ટિવ યુઝર્સ ધરાવે છે.
આ ઉપરાંત વૉટ્સઍપની પેરન્ટ કંપની મેટા પ્લૅટફૉર્મ દ્વારા કુનાલ શાહની CREDમાં 90 કરોડ ડૉલર (લગભગ 8550 કરોડ રૂપિયા)નું રોકાણ પણ કરવામાં આવશે. કુનાલ શાહ હવે પોતે સ્થાપેલી કંપની છોડીને વૉટ્સઍપને સંભાળશે.
47 વર્ષીય કુનાલ શાહે એક સમયે ફ્રીચાર્જ નામનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું હતું અને પછી કરોડો રૂપિયામાં વેચી નાખ્યું હતું. તેઓ 2019થી વૉટ્સઍપના ગ્લોબલ હેડ તરીકે કામ કરતા વિલ કેથકાર્ટની જગ્યા લેશે.
કુનાલ શાહ કોણ છે?

ઇમેજ સ્રોત, Kunal Shah/Instagram
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતી પરિવારમાં જન્મેલા અને મુંબઈમાં ભણતર મેળવનારા કુનાલ શાહે બહુ નાના પાયેથી શરૂઆત કરી હતી પરંતુ પછી સ્ટાર્ટ-અપના ક્ષેત્રમાં મોટું નામ મેળવ્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે કુનાલ શાહનો પરિવાર એક સમયે નાણાકીય સંકટમાં હતો ત્યારે તેમણે ડિલિવરી બૉય અને ડેટા ઍન્ટ્રી ઑપરેટર તરીકે પણ કામ કરવું પડ્યું હતું.
ઇન્ફોએજના સ્થાપક સંજીવ બિખચંદાણીએ ઍક્સ પર લખ્યું છે કે,"દિલ્હીની એક કૉફી શૉપમાં કુનાલ શાહ સાથે બેઠો હતો. આઈઆઈટી અને આઈઆઈએમમાંથી સ્થાપકો આવતા હોય છે, ત્યારે કુનાલ શાહ અલગ તરી આવે છે કારણ કે તેમણે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી ફિલૉલૉફીમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. મેં તેમને પૂછ્યું કે તમે ફિલૉસૉફી કેમ ભણ્યા, શું તેમને ધોરણ 12માં ઓછા માર્ક્સ આવ્યા હતા કે પછી તેમને ફિલૉસૉફીમાં રસ હતો? ત્યારે તેમણે મને કહ્યું કે તેમનો પરિવાર નાણાંની ભીડમાં હતો અને તેમણે ડિલિવરી બૉય તથા ફૂલ ટાઇમ ડેટા ઍન્ટ્રી ઑપરેટર તરીકે કામ કર્યું હતું. જ્યારે ફિલૉસૉફી એ એકમાત્ર એવો વિષય હતો જેના ક્લાસ સવારના 8થી 10 વાગ્યા સુધી ચાલતા હતા. સલામ છે."
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે કુનાલ શાહે થોડો સમય એમબીએમાં પણ ઍડમિશન લીધું હતું, પરંતુ તેને અધવચ્ચેથી છોડી દીધું હતું.
કુનાલ શાહે મે 2023માં કરેલી એક ઍક્સ પોસ્ટમાં લખ્યું હતું કે "બાળપણમાં તેમને પતંગો ઉડાવાનો બહુ શોખ હતો, પરંતુ નવા પતંગો ખરીદવાના રૂપિયા ન હતા. તેઓ બે-ત્રણ મહિના સુધી પતંગો પકડતા અને પછી તેને ઉડાવતા. પતંગને તેઓ અમુક ઊંચાઈ સુધી લઈ જતા અને પછી ફરીથી ઉતારીને સાચવીને રાખી દેતા, જેથી લોકો તેમને 'ટેસ્ટર' કહેતા હતા."
તેઓ લખે છે કે, "હું 9-10 વર્ષનો હતો ત્યારે શક્ય એટલા વધારે પતંગો ખરીદવા માટે મને સુપરપાવર મળે તેવી ઇચ્છા રાખતો હતો."
તેમણે લખ્યું છે કે "16 વર્ષની ઉંમરે હું નાનાં-મોટાં કામ કરીને નાણાકીય રીતે સ્વતંત્ર થઈ ગયો હતો. 18-19 વર્ષની ઉંમરે મારી પાસે એટલા રુપિયા હતા કે ઢગલાબંધ પતંગો ખરીદી શકું."
2010માં તેમણે સંદીપ ટંડન સાથે મળીને 'ફ્રીચાર્જ'ની સહ-સ્થાપના કરી ત્યારે તેમને મોટી સફળતા મળી હતી. 2015માં ઇ-કૉમર્સ કંપની સ્નૅપ-ડીલે ફ્રીચાર્જને લગભગ 40 કરોડ ડૉલરમાં ખરીદી લીધું હતું. તે સમયે તે ભારતના સ્ટાર્ટ-અપ જગતમાં સૌથી મોટા સોદા પૈકી એક હતો.

ઇમેજ સ્રોત, Getty Images
CREDની સ્થાપના કરી
ફ્રીચાર્જ વેચી નાખ્યા પછી કુનાલ શાહ થોડા સમય માટે ઍન્જલ ઇન્વેસ્ટર હતા. જે દરમિયાન તેમણે કેટલાક ટૅક્નૉલૉજીકલ સ્ટાર્ટ-અપને નાણાકીય ટેકો આપ્યો હતો. ત્યાર પછી 2018માં તેમણે CRED નામના પ્લૅટફૉર્મની સ્થાપના કરી જેમાં શરૂઆતમાં યુઝર્સને ક્રૅડિટ કાર્ડના બિલ સમયસર ભરવા પર રિવૉર્ડ પૉઇન્ટ મળતા હતા.
આગળ જતા આ પ્લૅટફૉર્મનું કામ વિસ્તારવામાં આવ્યું અને ધિરાણ, વેલ્થ પ્રોડક્ટ, ઇન્શ્યૉરન્સ, કૉમર્સ વગેરે કામ પણ શરૂ થયું. કંપનીનો દાવો છે કે તે હાલમાં લાખો યુઝર્સ ધરાવે છે અને ભારતમાં ક્રૅડિટ કાર્ડ બિલ પેમેન્ટમાં મોટો હિસ્સો ધરાવે છે.
તેમની હાલની નેટવર્થનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે તેમની નેટવર્થ લગભગ 50 કરોડ ડૉલરથી વધારે છે.
CREDમાં તેઓ દર મહિને માત્ર 15 હજાર રૂપિયાનો પગાર લેતા હતા કારણ કે તેઓ માને છે કે કંપની નફો કરતી ન થાય ત્યાં સુધી મોટો પગાર લેવો ન જોઈએ.
માર્ક ઝકરબર્ગે વખાણ કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે કુનાલ શાહના વખાણ કરતા કહ્યું છે કે "કુનાલે ક્રૅડને ભારતની સૌથી મહત્ત્વની ટૅક્નૉલૉજી કંપનીઓ પૈકીની એક બનાવી છે. તેમની પાસે એવી બિલ્ડર મૅન્ટાલિટી અને વૈશ્વિક દૃષ્ટિકોણ છે જે તેમને વિશ્વના સૌથી મોટા મૅસેજિંગ ઍપને ચલાવવામાં મદદ કરશે."
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે મેટા દ્વારા CREDમાં 20 ટકા હિસ્સો મેળવવામાં આવશે.
મેટાની અન્ય ઍપ્સમાં ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને મૅસેન્જરનો પણ સમાવેશ થાય છે. પરંતુ ભારતમાં વૉટ્સઍપનો વધારે ઉપયોગ થાય છે અને તેના યુઝર્સની સંખ્યા લગભગ 85.3 કરોડ જેટલી છે.

ઇમેજ સ્રોત, Mark Zuckerberg/FB
કુનાલ શાહે શું કહ્યું?
કુનાલ શાહને વૉટ્સઍપના ગ્લોબલ હેડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યાર બાદ તેમણે ઍક્સ પર એક પોસ્ટ કરી હતી.
તેમાં તેમણે અત્યાર સુધીની સફર વિશે માહિતી આપી છે. જેમ કે 2015થી 2018 દરમિયાન તેમણે ફ્રીચાર્જ છોડ્યું અને 10 લાખ ડૉલરની પર્સનલ મૂડીથી CREDની સ્થાપના કરી.
2019થી 2025 દરમિયાન તેમણે શૂન્યથી શરૂ કરીને 1.7 કરોડ મેમ્બર્સ મેળવ્યા, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ પાસેથી 90 કરોડ ડૉલર એકત્ર કર્યા અને 35 કિલો વજન ઉતાર્યું હતું.
તેમણે ઍક્સ પર લખ્યું છે કે મેટા એ CREDમાં માઇનોરિટી ઇન્વેસ્ટર હશે અને તેને મેમ્બરના ડેટાનો ઍક્સેસ નહીં મળે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















