શું માત્ર ઇથેનોલથી કાર અને બાઇક દોડી શકશે, સરકાર ઇથેનોલના ઉપયોગને શા માટે આટલું મહત્ત્વ આપી રહી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇથેનોલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ 13મી જૂનના રોજ જાહેરાત કરી હતી કે, ભારત વાહનોમાં ઈંધણ તરીકે 100 ટકા ઇથેનોલ (ઇ100)નો ઉપયોગ કરવા માટે સજ્જ છે.

તેમણે કહ્યું હતું, "મેં ઈંધણ તરીકે 100 ટકા ઇથેનોલનો વપરાશ કરવા માટેની ફાઇલ પર 12મી જૂનના રોજ હસ્તાક્ષર કર્યા હતા."

પેટ્રોલ અને ડીઝલ જેવાં પરંપરાગત અશ્મિગત ઈંધણોને સ્થાને ઇથેનોલ તરફ વળવાનું આ પગલું દેશના પરિવહન ક્ષેત્ર માટે ચાવીરૂપ વળાંક બની રહેશે.

આમ તો ઇથેનોલ પહેલેથી જ વાપરવામાં આવી રહ્યું છે, પણ તે સીધે-સીધું ઉપયોગમાં ન લેવાતાં તેને ચોક્કસ માત્રામાં પેટ્રોલ સાથે ભેળવવામાં આવે છે.

જોકે, નિષ્ણાતો કહે છે કે, કેન્દ્ર સરકાર ઈંધણ તરીકે ઇથેનોલનો ઉપયોગ કરવાની છૂટ આપે, તો પણ વાહનોમાં હાલના સમયમાં ફેરફાર કરવો શક્ય નથી.

ઑટોમોબાઇલ ક્ષેત્રના નિષ્ણાત અને જેએનટીયુ-હૈદરાબાદના પ્રોફેસર વિજયકુમાર રેડ્ડીએ બીબીસીને જણાવ્યું હતું, "તે એક સારો નિર્ણય છે, પણ હાલનાં વાહનોનાં એન્જિન સંપૂર્ણપણે ઇથેનોલના વપરાશ માટે અનુકૂળ નથી. આ માટે મોટા ફેરફારો કરવા પડશે."

ભારતમાં પેટ્રોલ તથા ડીઝલનો વપરાશ ઘણો ઊંચો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ ઍનાલિસિસ સેલ (પીપીએસી)ના આંકડા દર્શાવે છે કે, મે, 2026માં 39.10 લાખ મેટ્રિક ટન પેટ્રોલનો વપરાશ થયો હતો. સમાન મહિનામાં ડીઝલનો વપરાશ 87.28 લાખ મેટ્રિક ટન નોંધાયો હતો.

પીપીએસીની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ભારતે 2,00,76,000 મેટ્રિક ટન ક્રૂડ ઑઇલની આયાત કરી હતી.

ઇ85 ઈંધણ પહેલેથી જ પ્રાપ્ય છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇથેનોલ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતનું માનવું છે કે, ઇથેનોલ પરની નિર્ભરતા આયાતો ઘટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. આ સંદર્ભમાં તે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપી રહ્યું છે.

અત્યાર સુધી ભારતમાં ઇ20 (80 ટકા પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલનું મિશ્રણ ધરાવતું ઈંધણ) ઉપલબ્ધ છે. ઑટોમોબાઇલ કંપનીઓએ તેમનાં વાહનોનાં એન્જિનોમાં તે અનુસારના ફેરફારો કર્યા છે.

વિજયકુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે, એન્જિનના કાર્યદેખાવનો આધાર ઈંધણમાં રહેલા ઇથેનોલની સાંદ્રતા પર રહે છે.

તેમણે જણાવ્યું હતું, "ઈંધણ તરીકે 29 ટકા ઇથેનોલનો ઉપયોગ કરીને આર ઍન્ડ ડી (રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ) કરવામાં આવ્યું છે."

"આ દિશામાં હજુ વધુ સંશોધન કરવાની જરૂર છે. જ્યારે ઇથેનોલનું પ્રમાણ ઊંચું હોય, ત્યારે એન્જિન પર તેની ગંભીર અસર પડે છે."

"જ્યારે ઑક્સિજન વધુ માત્રામાં હોય, ત્યારે ઊંચા તાપમાન પર એસિડ બને છે. એન્જિન તે એસિડને નિષ્ક્રિય કરવા માટે સક્ષમ હોવાં જોઈએ."

ઇથેનોલ ખરેખર શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇથેનોલ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ઇ85 ઈંધણ ઉપલબ્ધ કરાવ્યું હતું.

ઇ85નો અર્થ થાય છે, 80થી 85 ટકા ઇથેનોલ અને 14થી 19 ટકા પેટ્રોલ. તેનો અર્થ એ કે, તે ઈંધણમાં ઇથેનોલનું પ્રમાણ ઊંચું છે.

કેન્દ્ર સરકાર કહે છે કે, તે ફ્લેક્સ ફ્યૂઅલની કૅટેગરીમાં ઊંચા ઇથેનોલ પર દોડતાં વાહનોને વેગ આપવાના આશય સાથે ઇ85થી ઇ100 તરફ આગળ વધી રહી છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું, "મારુતિ સુઝુકી અને હિરો મોટોકોર્પે બે પ્રકારનાં ફ્લેક્સ-ફ્યૂઅલ વાહનો (એફએફવી) લૉન્ચ કર્યાં છે. આ વાહનો સંપૂર્ણપણે ઇથનોલ પર ચાલે છે."

"આગામી દોઢથી બે મહિનાની અંદર ટોયોટા, સુઝુકી, એમજી અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓ પણ આવાં વાહનો બહાર પાડશે."

વળી, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પણ કહ્યું હતું કે, દેશભરની જાહેર ક્ષેત્રની ઑઇલ માર્કેટિંગ કંપનીઓનાં 48 આઉટલેટ્સ પર ઇ85 લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.

જોકે, વિશાખાપટ્ટનમ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ ઍન્ડ એનર્જીના આસિસ્ટન્ટ પ્રોફેસર ગણેશ કુમારનું માનવું છે કે, કારચાલકો માટે સંપૂર્ણપણે ઇથેનોલ પર જ નિર્ભર હોય, એવાં વાહનો ચલાવવાનું કદાચ શક્ય નહીં બને.

તેમણે કહ્યું હતું કે, "ભવિષ્યમાં ઇથેનોલ આધારિત વાહનોનું પ્રમાણ વધી શકે છે, પણ તેમાં હજુ ઘણો લાંબો સમય લાગશે. આપણે તેના માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે."

જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી પેટ્રોલ પરની નિર્ભરતા ઘટી શકે છે.

ઇથેનોલ ઇથાઇલ આલ્કોહોલ તરીકે પણ ઓળખાય છે.

તે રંગહીન અને જ્વલનશીલ આલ્કોહોલ છે. તે બાયોફ્યૂઅલ (જૈવિક ઈંધણ) તરીકે, ફાર્માસ્યૂટિકલ અને કૅમિકલ ઉદ્યોગમાં દ્રાવક તરીકે અને પીણાંમાં ચાવીરૂપ ઘટક તરીકે વપરાય છે.

ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ, ઘઉં અને અન્ય અનાજમાંથી બનાવવામાં આવે છે.

"ઇથેનોલ ફૉર ઇન્ડિયા" પોર્ટલના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 450 કરતાં વધુ રજિસ્ટર્ડ વેપારીઓ ઇથેનોલનું વેચાણ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણનું પ્રમાણ અત્યારે 20 ટકા છે, તે વધારીને 2030-31 સુધીમાં 26-27 ટકા જેટલું કરવાનો આશય સેવી રહી છે.

પરિવહન નિષ્ણાત સીએલએન ગાંધીનું માનવું છે કે, ઇથેનોલનો ઉપયોગ વધારવા માટે વાહનોની ડિઝાઇન તથા એન્જિનોમાં બદલાવ લાવવો જરૂરી છે.

સીએલએન ગાંધીએ બીબીસીને જણાવ્યું હતું, "ઇથેનોલ એક બાયો-પ્રોડક્ટ છે. તે નાઇટ્રસ ઑક્સાઇડ પણ ઉત્પન્ન કરે છે."

"માત્ર પેટ્રોલ પર ચાલતા વાહનની તુલનામાં ઇથેનોલ ભેળવેલા ઈંધણ પર ચાલનારા વાહનનું માઇલેજ ઘટી જતું હોય છે."

"હાલમાં માર્ગો પર દોડી રહેલાં વાહનોમાં ઇથેનોલનો સીધો ઉપયોગ કરી શકાતો નથી."

"જો ચોક્કસ સ્તર કરતાં વધુ પ્રમાણમાં ઇથેનોલ ભેળવી દેવામાં આવે, તો એન્જિનને નુકસાન થવાનું જોખમ રહે છે."

જોકે, પ્રોફેસર વિજયકુમાર રેડ્ડીએ કહ્યું હતું કે, જો હાલનાં એન્જિનોને ઇથેનોલ પર ચલાવવા માટે તેમાં મોટા ફેરફારો કરવામાં આવે, તો તે એક મોટી મજાક બની જશે.

તેમણે કહ્યું હતું, "વાહનોનાં ઇલેક્ટ્રોનિક ઇન્ડક્શન યુનિટ્સ તથા સિલિન્ડરો બદલવાં જોઈએ."

"સરકારે આના પર આર ઍન્ડ ડી (સંશોધન અને વિકાસ) માટે એક ખાસ વિભાગ ઊભો કરવો જોઈએ. તેનાથી સંશોધનને વેગ મળશે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇથેનોલ

ઇમેજ સ્રોત, Getty Images

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેરાત કરી છે કે, તે ચાલુ વર્ષના ડિસેમ્બર સુધીમાં 500 ફ્યૂઅલ સ્ટેશનો અને ડિસેમ્બર, 2027 સુધીમાં 5,000 ઇ85 ફ્યૂઅલ આઉટસ્ટેશનો શરૂ કરશે.

ગણેશ કુમાર માને છે કે, વર્તમાન વાહનોમાં ફેરફાર કરવાને બદલે નવાં વાહનો બજારમાં લાવવામાં આવે, એવી શક્યતા વધુ રહેલી છે.

તેમના જણાવ્યા પ્રમાણે, "બીએસ6 એન્જિન 20 ટકા સુધીના ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ચાલી શકે છે."

"જો એન્જિનમાં ફેરફાર કરવામાં આવે અને નવાં વેરિયન્ટ્સ રજૂ કરવામાં આવે, તો જ ઇથેનોલ આધારિત વાહનો લાંબા આયુષ્ય સાથે દોડી શકશે."

દેશમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના તેમજ પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવાના આશય સાથે કેન્દ્ર સરકારે પેટ્રોલમાં પાંચ ટકા ઇથેનોલ મિક્સ કરવાનો પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

તેનાં પરિણામોના આધારે, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) પ્રોગ્રામ ત્રીજી સપ્ટેમ્બર, 2002ના રોજ લૉન્ચ કરવામાં આવ્યો હતો.

તેના પ્રથમ તબક્કાનો 2003માં નવ રાજયો તથા ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલ કરવામાં આવ્યો હતો અને પછીથી 2006માં તે બાકીનાં રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિસ્તારવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારના અંદાજ પ્રમાણે, 0.1 ટકાથી 1.5 ટકાની મિશ્રણની શ્રેણીમાં હાથ ધરવામાં આવેલા ઇબીપી પ્રોજેક્ટે 2013-14 સુધી મિશ્ર પરિણામો મેળવ્યાં હતાં. 2021માં બહાર પાડવામાં આવેલા નીતિ આયોગના અહેવાલમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

દેશમાં 2013-14માં 173 કરોડ લીટર ઇથેનોલનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો અને એવી જાહેરાત કરવામાં આવી છે કે, 2020-21 સુધીમાં આ પ્રમાણ 332 કરોડ લીટર સુધી પહોંચી ગયું છે.

તે અનુસાર, નીતિ આયોગના અહેવાલમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, વર્તમાન સમયમાં 8.50 ટકા મિશ્રણ કરવામાં આવે છે.

લક્ષ્યાંક કરતાં પાંચ વર્ષ પહેલાં ઇ20નો ઉપયોગ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇથેનોલ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકારે 2018માં નૅશનલ પોલિસી ઑન બાયોફ્યૂઅલ્સ રજૂ કરી હતી.

આ નીતિ પ્રમાણે, જૈવિક તથા કૃષિ ક્ષેત્રના વધારાના કચરા અને ઉત્પાદનોનો ઉપયોગ કરીને બાયોફ્યૂઅલનું ઉત્પાદન વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે.

તે ઉપરાંત, પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 2022 સુધીમાં વધારીને દસ ટકા (ઇ10) અને 2030 સુધીમાં વધારીને 20 ટકા (ઇ20) કરવાની યોજના છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયે માર્ચ, 2026માં લોકસભામાં એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, 2021-22 સુધીમાં દસ ટકા ઇથેનોલ મિશ્રણ (ઇ10) અને 31મી જાન્યુઆરી, 2026 સુધીમાં 20 ટકા (ઇ20) ઇથેનોલ મિશ્રણ હાંસલ કરવામાં આવશે.

નૅશનલ સિંગલ વિન્ડો સિસ્ટમની વેબાસાઇટમાં જણાવ્યા પ્રમાણે, 2025 સુધીમાં ભારતને પેટ્રોલ સાથે ભેળવવા માટે 10.16 અબજ લીટર પેટ્રોલની જરૂર પડશે, જ્યારે ઔદ્યોગિક વપરાશ માટે વધુ 3.34 અબજ લીટર ઇથેનોલની જરૂર પડશે.

આ ઉપરાંત, 1,700 કરોડ લીટરની ક્ષમતા સાથેના પ્લાન્ટ્સ તેમજ અન્ય જરૂરિયાતો ઉપલબ્ધ થવાની અપેક્ષા હતી. પરંતુ, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, સપ્ટેમ્બર, 2024 સુધીમાં ભારતમાં 1648 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરી શકે, તેવા ઉદ્યોગો મોજૂદ છે તથા બીજા 120 કરોડ લીટરના પ્લાન્ટ નિર્માણ હેઠળ છે.

જોકે, ગત માર્ચ મહિનામાં પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલય દ્વારા લોકસભામાં આપવામાં આવેલા અંદાજ અનુસાર, ભારતમાં 2024-25 સુધીમાં 1,000 લીટર કરતાં વધુનો પુરવઠો પ્રાપ્ત થવાની અપેક્ષા છે.

આ સંદર્ભમાં જોતાં, ઇ85 કે ઇ100ને ઉત્તેજન આપવા માટે ઇથેનોલના ઉત્પાદનમાં મોટાપાયે વધારો કરવો જરૂરી છે.

બીજા કયા દેશોમાં ઇથેનોલ વપરાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇથેનોલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલ અથવા તો ઇ20નો ઉપયોગ કરનારાં વાહનો માટે વીમો લાગુ પડે છે કે કેમ, તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે.

ઇન્શ્યૉરન્સ કંપની આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે આ મામલે સ્પષ્ટતા પૂરી પાડી છે.

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના જણાવ્યા મુજબ, "ઇ20 પર ચાલનારી કાર માટે વીમો ઉપલબ્ધ છે. જોકે, ઇ20 ઈંધણ સાથે સુસંગત ન હોય, તેવી કારના કિસ્સામાં મુશ્કેલી રહેલી છે."

"જો આ પ્રકારની કારો ઇ20 ઈંધણ પર ચાલતી હોય અને તેના વીમા માટે ક્લેઇમ કરવામાં આવે, તો તે ક્લેઇમ નામંજૂર થવાની સંભાવના રહેલી છે."

"આવું સુસંગત ન હોય, તેવું ઈંધણ વાપરવું બેદરકારી ગણાશે."

કેન્દ્ર સરકાર જણાવે છે કે, ઇબીપી કાર્યક્રમના કારણે દેશમાં 2014-15થી લઈને જાન્યુઆરી, 2026 સુધીના ગાળામાં ઇથેનોલની સપ્લાય થકી ખેડૂતોને 1.47 લાખ કરોડ રૂપિયાનો લાભ થયો હતો.

કેન્દ્ર સરકાર જણાવે છે કે, વાહનોમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવાથી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં લગભગ 851 લાખ મેટ્રિક ટન જેટલો ઘટાડો થયો છે અને ક્રૂડ ઑઇલના વપરાશમાં પણ 283 લાખ મેટ્રિક ટન જેટલો ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ઇંધણ તરીકે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલનો ઉપયોગ કરનાર ભારત એકમાત્ર દેશ નથી, બલ્કે બ્રાઝિલ અને અમેરિકા તેમજ યૂરોપના કેટલાક દેશો પણ ઇ20 પેટ્રોલનો ઉપયોગ કરી રહ્યા છે.

આ શ્રેણીમાં બ્રાઝિલ અગ્રેસર છે અને તે છેક 1970ના દાયકાથી ઇથેનોલ મિક્સ કરેલા ગેસોલિનનો ઉપયોગ કરતું આવ્યું છે.

બ્લૂમબર્ગના 2023 અને 2025ના અહેવાલો અનુસાર, બ્રાઝિલમાં 2025 સુધીમાં ફ્લેક્સ ફ્યૂઅલ વાહન (એફએફવી)નો ઉપયોગ અંદાજે 84.5 ટકા જેટલો થવાની અપેક્ષા છે.

ઇથેનોલ મશ્રિત ઈંધણને જાહેર સ્તરે સ્વીકૃતિ મળી હોવા છતાં, અહેવાલ જણાવે છે કે, ઇથેનોલ બનાવવા માટે શેરડી પરની નિર્ભરતાનાં પર્યાવરણમાં મિશ્ર પરિણામો જોવા મળ્યાં છે.

અમેરિકામાં ઇ10 ઈંધણ વપરાય છે, જ્યારે ત્યાંનાં દસ ટકા ફ્યૂઅલ સ્ટેશનો પર ઇ15 ઈંધણનો ઉપયોગ થાય છે.

વળી, ઋતુના આધારે ઇ85 ઈંધણ પણ વપરાશમાં લેવાય છે.

ઑસ્ટ્રિયા અને બેલ્જિયમ જેવા યૂરોપના દેશો ઇ10 ઈંધણ વાપરે છે, તો જર્મની, ફિનલૅન્ડ અને ફ્રાન્સ જેવા દેશોના વપરાશકર્તાઓ તેમનાં વાહનોમાં ઇ10 કે ઇ15 ઈંધણનો ઉપયોગ કરી શકશે, એમ બિઝનેસ સ્ટાન્ડર્ડે ઑગસ્ટ, 2025માં તેના એક લેખમાં નોંધ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન