USA : વિઝા અને OPT પ્રોગ્રામના 'કૌભાંડ' કારણે અમેરિકા ભણવા ગયેલા 10 હજાર વિદ્યાર્થીઓ કેવી રીતે ફસાઈ ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તનીષા ચૌહાણ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઇ)એ 10,000 કરતાં વધારે વિદેશી વિદ્યાર્થીઓને સંડોવતા વિઝા કૌભાંડનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે.
આ કૌભાંડ અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટના ઓપીટી(OPT) એટલે કે ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ થકી પાર પાડવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
વાસ્તવમાં, ઓપીટી પ્રોગ્રામ હેઠળ સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા આવતા વિદેશી નાગરિકોને 12 મહિના સુધી કે અમુક કિસ્સાઓમાં 24 મહિનાઓ સુધી કામ કરવાની પરવાનગી મળે છે.
આઇસીઇના વચગાળાના વડા ટોડ લિયોન્સે એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો કર્યો હતો કે, જાસૂસી, વિઝા તથા રોજગાર અંગે છેતરપિંડી અને વૃદ્ધ અમેરિકનોને નિશાન બનાવતાં કૌભાંડો સહિતના આ પ્રકારના હજ્જારો કેસ તેમની સમક્ષ આવી ચૂક્યા છે.
તેમના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારનાં કામ વિદ્યાર્થી તરીકેના પોતાના દરજ્જાનો દુરુપયોગ કરનારી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતાં હતાં.
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે પત્રકાર પરિષદની આ પોસ્ટ તેમના ઍક્સ હૅન્ડલ પર શૅર કરતાં કહ્યું હતું, "અમેરિકન વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરીને અમેરિકન પ્રજાનાં હિતોને નુકસાન પહોંચાડનારા વિદેશી નાગરિકોને સાંખી નહીં લેવાય. અમારી ઍન્ટિ-ફ્રૉડ ટાસ્ક ફોર્સ માટે આ વધુ એક મોટી સફળતા છે."
આઇસીઇએ શું દાવો કર્યો હતો?

ઇમેજ સ્રોત, https://www.ice.gov/
અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઇ)ના કાર્યકારી વડા ટોડ લિયોન્સે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું, "સંદિગ્ધ નોકરીદાતાઓ માટે કામ કરનારા 10,000 કરતાં વધુ વિદેશી વિદ્યાર્થીઓની અમે ઓળખ કરી છે."
તેમણે કહ્યું હતું, "છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી અમે ઓપીટી પરની અમારી દેખરેખ વધારી દીધી છે અને અમે કહી શકીએ છીએ કે, અમને દેશભરમાં છેતરપિંડીના ઘણા કેસ મળ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે આગળ કહ્યું હતું કે, હોમલૅન્ડ સિક્યૉરિટી ઇન્વેસ્ટિગેશન્સ એજન્ટોએ વર્જિનિયા, ટૅક્સાસ, જ્યૉર્જિયા, ઇલિનોઇસ, ન્યૂ યૉર્ક, ન્યૂ જર્સી, નૉર્થ કૅરોલિના તેમજ ફ્લૉરિડામાં શંકાસ્પદ ઓપીટી નોકરીદાતાઓનાં કાર્યસ્થળોની મુલાકાત લીધી છે.
તેમણે જણાવ્યું હતું, "આ પૈકીના ઘણા નોકરીદાતાઓ (જેમાં એનજીઓનો પણ સમાવેશ થાય છે) શંકાસ્પદ પ્રવૃત્તિઓનો ભાગ છે. સેંકડો વિદેશી વિદ્યાર્થીઓ જ્યાં કામ કરતાં હોવાનો દાવો કરાયો હતો, ત્યાં ઇમારતો ખાલીખમ અને દરવાજા પર તાળાં લાગેલાં જોવા મળ્યાં હતાં. ઘણા કિસ્સાઓમાં એક કરતાં વધારે ઓપીટી નોકરીદાતાઓ સમાન સરનામાં પરથી કામ કરતાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પણ વાસ્તવમાં તે જગ્યા કોઈએ ભાડે લીધી નહોતી."
વધુમાં તેમણે કહ્યું હતું કે, તેમને કાર્ય સ્થળ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવેલાં નાનાં-નાનાં રહેણાક સરનામાં પણ મળ્યાં હતાં, જ્યાં સેંકડો વિદેશી વિદ્યાર્થીઓ કામ કરતાં હોવાનો દાવો કરાયો હતો, પણ ત્યાં કોઈ કર્મચારી હાજર નહોતા. જો કોઈ દરવાજો ખોલે, તો પણ તેમનાં નિવેદનો એકબીજા સાથે મેળ નથી ખાતાં અથવા તો તેઓ કહે છે કે, તેમને આ વિશે કોઈ જાણકારી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે ઉમેર્યું હતું, "અમને નાણાંકીય ગેરરીતિઓના સંકેતો પણ મળી રહ્યા છે. ઘણા કથિત નોકરીદાતાઓમાં છેતરપિંડીના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે, જેમકે, ટૅક્સ ઍરિયર્સ, દીવાની કેસો, ઋણની વસૂલાત અને કરારનો ભંગ. તે ઉપરાંત અમને શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો પણ જોવા મળ્યા છે, જે મારફત ઘણા દેશોમાં પૈસા મોકલવામાં આવી રહ્યા હતા."
તેઓ એવો દાવો કરે છે કે, ઘણા વ્યવસાયો વિદેશી વિદ્યાર્થીઓની રોજગારી અંગેના પાયાના રેકૉર્ડ પણ નથી જાળવતા, જેના કારણે કરને લગતી વિગતો વિશે ગંભીર ચિંતાઓ ઉદ્ભવે છે. અમુક નોકરીદાતાઓએ એવો દાવો કર્યો હતો કે, તેમના એચઆર અને પેરોલ સ્ટાફ વિદેશમાં કાર્યરત છે.
તેમણે કહ્યું હતું કે, અમે એવા વિદેશી વિદ્યાર્થીઓની ઓળખ કરી લીધી છે, જેમણે ઓપીટી થકી કામ કરવાની પરવાનગી મેળવી હતી, પણ તેઓ કદી એ જગ્યાઓએ ગયા જ નહોતા, જ્યાં પોતે કામ કરતાં હોવાનો તેમણે દાવો કર્યો હતો.
આગળ તેમણે જણાવ્યું હતું કે, હાલ ચાલી રહેલી તપાસ વિશે તેઓ વધુ વિગતો આપી શકે તેમ નથી, પણ આ છેતરપિંડીને ઘણી ગંભીરતાથી લેવામાં આવી છે.
આગળ તેમણે કહ્યું હતું, "અમને ન્યૂ જર્સીમાં એક ઓપીટી નોકરીદાતા મળ્યો હતો, જેણે 150 વિદેશી વિદ્યાર્થીઓને નોકરી આપવાનો દાવો કર્યો હતો, પણ - તે વિદ્યાર્થીઓ કોણ હતા અથવા તો તેમની શા માટે ભરતી કરવામાં આવી હતી, વગેરે જેવા સરળ શબ્દોના પણ તે જવાબ આપી શક્યો નહોતો."
"અમને આ વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી મળ્યો હતો, જેણે જણાવ્યું હતું કે, તે જે કંપનીમાં રજીસ્ટર્ડ હતો, ત્યાં તે એક વર્ષ કરતાં વધુ સમયથી કામ કરતો નહોતો. બલ્કે, તેને ભારતમાં આવેલી એક કંપની દ્વારા તાલીમ અપાઈ રહી હતી."
ઓપીટી પ્રોગ્રામ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઓપીટી અથવા તો ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ એ એફ-1 વિઝા ધરાવનારા વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં ચાલતો કામચલાઉ રોજગારી કાર્યક્રમ છે. યોગ્યતા ધરાવનારા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરતાં પહેલાં કે પૂરો કર્યા પછી 12 મહિના સુધી ઓપીટી પ્રોગ્રામ હેઠળ ઍમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન માટે અરજી કરી શકે છે.
તમામ ઓપીટી રોજગારી તમારા અભ્યાસના મુખ્ય ક્ષેત્ર સાથે સંબંધિત હોવી જોઈએ. જો તમે એફ-1 વિદ્યાર્થી હો, તો તમે જુદી-જુદી બે રીતે ઓપીટીમાં ભાગ લેવા માટે યોગ્ય હોઈ શકો છો.
પ્રથમ છે પ્રિ-કમ્પ્લિશન ઓપીટી અને બીજો છે પોસ્ટ-કમ્પ્લિશન ઓપીટી.
કૉલેજ, યુનિવર્સિટી, કન્ઝર્વેટરી કે સેમિનરીમાં સમગ્ર શૈક્ષણિક વર્ષ માટે કાનૂની રીતે પૂર્ણકાલીન ધોરણે પ્રવેશ મેળવ્યા પછી તમે પ્રિ-કમ્પ્લિશન ઓપીટી માટે અરજી કરી શકો છો. જો તમને મંજૂરી મળે, તો તમે ક્લાસમાં હોવા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે 20 કલાક કે તેના કરતાં ઓછા સમય સુધી કામ કરી શકો છે. ક્લાસ ન ચાલતા હોય, ત્યારે તમે ફુલ-ટાઇમ કામ કરી શકો છો.

ઇમેજ સ્રોત, Getty Images
અભ્યાસ પૂરો કર્યા પછી તમે પોસ્ટ-કમ્પ્લિશન ઓપીટી માટે અરજી કરી શકો છો. જો તમને પોસ્ટ-કમ્પ્લિશન ઓપીટી માટે મંજૂરી મળી જાય, તો તમારે પાર્ટ-ટાઇમ (અઠાડિયે ઓછામાં ઓછા 20 કલાક) કે ફુલ-ટાઇમ કામ કરવાનું રહે છે.
જો તમે વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, એન્જિનીયરિંગ અને ગણિતને લગતાં અમુક STEM ક્ષેત્રોમાં ડિગ્રી મેળવી હોય, તો તમે તમારી પોસ્ટ-કમ્પ્લિશન ઓપીટી રોજગાર અધિકૃતતાને 24 મહિના લંબાવવા માટે અરજી કરી શકો છો.
જો તમે એફ-1 વિદ્યાર્થી હો અને તમે સમયસર એચ-1બી પિટીશન દાખલ કરી હોય તેમજ તમારો દરજ્જો બદલવાની વિનંતી દાખલ કરી હોય અને તમારો એફ-1 દરજ્જો અને વર્ક ઑથોરાઇઝેશન (કામ માટેની અધિકૃતતા) એચ-1બી દરજ્જો બદલાય (જે સામાન્યપણે પહેલી ઑક્ટોબરે થાય છે), તે પહેલાં પૂરું થઈ રહ્યું હોય, તો તમે "કૅપ-ગૅપ ઍક્સ્ટેન્શન" માટે પાત્ર બની શકો છો.
વિદ્યાર્થીઓ આ જાળમાં કેવી રીતે સપડાય છે?
નૅશનલ ઑર્ગેનાઇઝેશન ઑફ સૉફ્ટવૅર ઍન્ડ ટૅક્નૉલૉજી પ્રોફેશનલ્સના સ્થાપક રાજીવ દર્ભાકરે આ મામલે અમારી સાથે વાત કરી હતી.
તેઓ કહે છે કે, અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી તપાસમાં ફરી એક વખત કડવું સત્ય બહાર આવ્યું છે. અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટે દાવો કર્યો છે કે, ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) સિસ્ટમ થકી હજ્જારો વિદેશી વિદ્યાર્થીઓ શંકાસ્પદ નોકરીદાતાઓ સાથે સંકળાયેલા હોઈ શકે છે.
તેઓ કહે છે, "સમસ્યા માત્ર વ્યક્તિગત છેતરપિંડી પૂરતી સીમિત નથી. તે એ સ્થળાંતર વ્યવસ્થાનું પરિણામ પણ હોઈ શકે છે, જેણે લાંબા સમયથી અસ્પષ્ટતા, નિર્ભરતા અને બૌદ્ધિક મૂડીની વૈશ્વિક ચળવળ પર આધારિત વ્યાપારી માળખાંઓને ઉત્તેજન આપ્યું છે."
તેઓ જણાવે છે કે, ઓપીટીની રચના મુખ્યત્વે કામચલાઉ તાલીમ વ્યવસ્થા તરીકે કરવામાં આવી હતી, પણ તે ક્રમશઃ એચ-1બી વર્ક વિઝા સિસ્ટમ તરફ દોરી જતી કડીમાં રૂપાંતરિત થઈ ગઈ.
આ બદલાવથી ઘણું દબાણ ઊભું થયું.
ઊંચી સ્ટુડન્ટ લોન, પરિવારની અપેક્ષાઓ અને કાયદેસર કામ કરવાના અત્યંત ઓછા સમય સાથે ગ્રૅજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓ એકાએક એવા શ્રમ બજારમાં પ્રવેશ્યા, જ્યાં તેમનો ઇમિગ્રેશનનો દરજ્જો અવિરત રોજગારી ઉપર નિર્ભર હતો.
આ નિર્ભરતાએ સંપૂર્ણ વ્યવસ્થાઓમાં ફેરફાર આણ્યો અને તેની ગંભીર અસર પેદા થઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























