યુએઇના પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો, ભારતે વ્યક્ત કરી ચિંતા - ન્યૂઝ અપડેટ

યુએઈ, ગુજરાત, ભારત, બીબીસી

ઇમેજ સ્રોત, adel SENNA / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 3 માર્ચ, 2026ના રોજ યુએઇના ફુજૈરાહ ઔદ્યોગિક વિસ્તારમાં થયેલા વિસ્ફોટ પછી ધુમાડો નીકળ્યો હતો
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અબુ ધાબીસ્થિત સરકારી મીડિયા ઑફિસના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે યુએઇના અબુ ધાબીમાં આવેલા બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો થયો હતો.

જોકે, યુએઇ એ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે આ હુમલો કઈ બાજુથી કરવામાં આવ્યો હતો.

હુમલા બાદ પાવર પ્લાન્ટમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં આવી છે.

સરકારી મીડિયા ઑફિસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે "અલ દફરા ક્ષેત્રમાં બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની બહાર પાવર જનરેટરમાં આગ લાગવાની ઘટનામાં અબુ ધાબીના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી."

"આ આગ ડ્રોન હુમલાને કારણે લાગી હતી. કોઈ ઈજાના અહેવાલ નથી અને રેડિયોલૉજિકલ સલામતીને કોઈ અસર થઈ નથી. તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યાં છે."

ભારતે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં બરાકાહ પરમાણુ કેન્દ્રને નિશાન બનાવતા હુમલાની નિંદા કરી છે.

એક નિવેદનમાં, ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું , "આવા કાર્ય અસ્વીકાર્ય છે અને તણાવ વધારવાનું કામ કરે છે. અમે તાત્કાલિક સંયમ રાખવા અને વાતચીત અને રાજદ્વારી તરફ પાછા ફરવાની હાકલ કરીએ છીએ."

અમેરિકા-ઈરાન યુદ્ધમાં ગુજરાતનું વહાણ ડૂબતાં, બચી ગયેલા 15 ક્રૂ મેમ્બર ગુજરાત આવશે

યુદ્ધ, ઈરાન ગુજરાત, બીબીસી

ઇમેજ સ્રોત, Suleman Bhaya

ઇમેજ કૅપ્શન, અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના સલાયામાં નિર્માણ દરમિયાન લેવાયેલા તસવીર (ફાઇલ ફોટો)

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતના એક વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત રીતે હુમલો થતા એક નાવિકનું મોત થયું અને ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિયન સેઇલિંગ વેસસેલ્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે સલાયાનું અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1 નામનું વહાણ 7 મેના રોજ બપોરે દુબઈ બંદરેથી ખાડી દેશ યમનના અલ મક્કલા બંદરે જવા રવાના થયું હતું.

વહાણના માલિકના કહેવા અનુસાર, વહાણ ઈરાનના અખાતમાં આવેલા દુબઈ બંદરેથી માલ-સામાન ભરીને યમન દેશના અલ મકલ્લા બંદરે જવા નીકળ્યું હતું, પરંતુ વહાણ યુદ્ધ પછી વહાણવટા માટે ખૂબ જ જોખમી બની ગયેલ હોર્મુઝની સામુદ્રધુનીમાં પહોંચ્યું ત્યારે તેના પર હુમલો થતા તે ડૂબી ગયું હતું.

વહાણ તૂટી પડતાં તેના પર સવાર 18 નાવિકો દરિયામાં કૂદી પડ્યા હતા. જોકે તેમાંથી પાંચને હુમલા દરમિયાન પહેલાથી જ ગંભીર ઈજાઓ થઈ હતી અને મદદ મળવામાં લાંબો સમય લાગી જતા તેમાંથી અલ્તાફ કેર નામના એક નાવિકનું મૃત્યુ થઈ ગયું છે, તેમ વહાણના માલિક જણાવે છે.

અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના માલિક સુલેમાનભાઈ ભાયા અનુસાર, આ જહાજમાંથી બચી ગયેલા 15 ક્રૂ મેમ્બરો આજે ગુજરાતમાં તેમના વતન પાછા આવી રહ્યા છે.

અલ ફૈઝ નૂર-એ-સુલેમાની-1ના માલિક સુલેમાનભાઈ ભાયાએ બીબીસીને જણાવ્યું હતું કે, "હજુ પણ કૅપ્ટન અમીન સલેમંદ સુમ્બાનિયા અને સ્ટારિંગમેન જુમ્મા જાકુ અબ્દુલ્લા સુમ્બાનિયા હૉસ્પિટલમાં છે અને અલ્તાફ તલાબ કેરનો ફૉરેન્સિક રિપોર્ટ હજુ આવ્યો ન હોવાથી, અંતિમ સંસ્કારની વિધિ માટે રાહ જોવાઈ રહી છે."

"રેસ્ક્યૂ થયેલા 15 સભ્યોની ક્રૂ ટીમ સવારે 9:45 વાગ્યે અમદાવાદ ઍરપૉર્ટ પર ઊતરશે."

પીએમ મોદીને સ્વીડનનું સર્વોચ્ચ સન્માન મળ્યું

નરેન્દ્ર મોદી, ગુજરાત, સ્વીડન

ઇમેજ સ્રોત, X/@Narendramodi

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદી માટે આ 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્વીડનમાં 'રૉયલ ઑર્ડર ઑફ ધ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ' સન્માન મળ્યું છે.

આ સ્વીડનનું સર્વોચ્ચ સન્માન છે, જે કોઈ પણ દેશના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિને આપવામાં આવે છે.

પીએમ મોદીને રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ શહેરમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ તેનું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

પીએમ મોદીના સન્માન સમારોહ દરમિયાન સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

રૉયલ ઑર્ડર ઑફ ધ પોલર સ્ટારની સ્થાપના 1748માં થઈ હતી. તેનો હેતુ સ્વીડન માટે કે સ્વીડિશ હિતમાં કરવામાં આવેલા કાર્યોને માન્યતા આપવાનો છે.

આ સન્માન ખાસ કરીને એવા લોકોને આપવામાં આવે છે જેઓ જાહેર પ્રવૃત્તિઓમાં યોગદાન આપે છે અને સફળતાપૂર્વક પોતાની જવાબદારીઓ નિભાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન