સુરેન્દ્રનગર : કૂવામાંથી દલિતોને પાણી ન ભરવા દીધું હોવાનો આરોપ, છ લોકો સામે ઍટ્રોસિટીની ફરિયાદ

ઇમેજ સ્રોત, Sachin Pithva
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેતાસર ગામમાં 'કૂવામાંથી પાણી ભરવા' મુદ્દે દલિતો સાથે ભેદભાવ થયો હોવાના આરોપો લાગ્યા છે.
આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. વીડિયોમાં મેતાસર ગામની કેટલીક મહિલાઓ દલિતોને ગામના કૂવામાંથી પાણી ન ભરવાનું કહી રહી છે.
દલિતોનો એવો પણ આક્ષેપ છે કે ગામમાંથી તેમને બહિષ્કારનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે ગામના કેટલાક લોકોનું કહેવું છે કે ગામમાં કોઈ પ્રકારનો ભેદભાવ રખાતો નથી.
આ વિવાદ વધતાં ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
એફઆઇઆર મુજબ, રાજકોટ રહેતા મેતાસર ગામના દલિત યુવાન દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ જ્યારે ગામે આવ્યા હતા, ત્યારે તેમના પરિવારનાં બહેન ગામના કૂવા પાસે પાણી ભરવા ગયાં હતાં. એ સમયે ગામના કેટલાક લોકોએ તેમને પાણી ભરવા ન દીધું અને જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલી દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે 'ગામમાં દલિત સમાજના લોકોને દુકાનમાંથી વસ્તુ ન આપવી, જાહેર સ્થળોએ ભેદભાવ રાખવો' જેવી ઘટનાઓ લાંબા સમયથી બની રહી છે.
આ ઘટનાથી સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. પીડિત પરિવારે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.
ગામમાં હજુ પણ ભેદભાવ હોવાના આક્ષેપ સાથે બે મહિલા સહિત 6 લોકો સામે દસાડા પોલીસ સ્ટેશનમાં ઍટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેમાં બીએનએસ અધિનિયમ હેઠળ સેક્શન 351(3), 54ની કલમો સહિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ સેક્શન 3(2) (va), 3(1)(y), 3(1)(za) A, 3(1)(r), 3(1)(zc) કલમો લગાવાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેતાસર ગામમાં 'દલિતો સાથે ભેદભાવ'નો શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Sachin Pithva
ફરિયાદી પક્ષે મેતાસર ગામના દલિત યુવાન દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડની એફઆઇઆર અનુસાર, આરોપી દેવુબહેન નારણભાઈ ભરવાડ, રૂકસાનબહેન ફકીર, પ્રતાપભાઈ સોમાભાઈ વાઘેલાએ મેતાસર ગામમાં આવેલા જાહેર પાણીના કૂવામાંથી દિલીપભાઈ રાઠોડને પાણી ભરવાની ના પાડી હતી.
તેમજ ફરિયાદી દિલીપભાઈ રાઠોડની જાતિ પ્રત્યે અપમાનિત કરીને, તેમજ આરોપી ધરમશીભાઈ એમ દલવાડી અને મનસુખભાઈ વીરજીભાઈ ઠાકોરે ફરિયાદી દિલીપભાઈ રાઠોડને દુકાનેથી કરિયાણાનો સામાન ન આપી દિલીપભાઈનો 'બહિષ્કાર' કર્યો હોવાની વાત એફઆઇઆરમાં છે.
એટલું જ નહીં, આરોપી કુકાભાઈ ભરવાડે દિલીપભાઈને 'જાતિ પ્રત્યે અપમાનિત કરી તેમના પગ ભાંગી નાખવાની ધમકી' આપી હોવાનો આરોપ પણ એફઆઇઆરમાં છે.
ફરિયાદ બાદ દસાડા પોલીસે 2 મહિલા સહિત 6 આરોપીઓ સામે ઍટ્રોસિટી ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મેતાસરનાં મહિલા સરપંચના પતિ પાસે 10 લાખની ખંડણી માગ્યાનો આરોપ

ઇમેજ સ્રોત, Sachin Pithva
બીજી તરફ ફરિયાદી દિલીપભાઈ રાઠોડ પર ગામનાં મહિલા સરપંચના પતિ કિશનભાઈ ધનજીભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી છે.
કિશનભાઈની એફઆઇઆર મુજબ, કિશનભાઈનાં પત્નીનું નામ રવિનાબહેન છે, જે મેતાસર ગામનાં સરપંચ છે.
એફઆઇઆરમાં જણાવ્યા અનુસાર, દિલીપભાઈ રાઠોડે મેતાસર ગામમાં કરેલી કામગીરીની આરટીઆઇ હેઠળ સરપંચ પાસેથી માહિતી માગી હતી અને પૈસા માગ્યા હતા અને જો તેઓ ન આપે તો દલિત મુદ્દે ગામમાં પ્રશ્ન ઊભા કરી માનસિક તણાવ આપીને મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી.
તેમજ મેતાસર ગામનાં સરપંચ પાસેથી રૂ. 10 લાખની ખંડણી માગી હોવાના આક્ષેપ એફઆઇઆરમાં કરવામાં આવ્યો છે.
ભેદભાવ અંગે ગામના લોકોનું શું કહેવું છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગામના સ્થાનિક હમીરભાઈ બચુભાઈ રાઠોડ બીબીસી ગુજરાતીને કહે છે કે ગામમાં કરિયાણાની દુકાનવાળા અમને કંઈ આપતા ન હતા.
હમીરભાઈનું કહેવું છે, "દુકાનવાળા કહેતા કે સરપંચ અને અન્ય લોકોએ આવું કરવા જોગણીમાના સોગંદ ખવડાવ્યા છે. અમારા બે ઘરને કંઈ જ આપતા નહોતા, પંદર દિવસ સુધી આવું ચાલ્યું હતું."
"પછી સુરેન્દ્રનગરથી પોલીસ આવી અને બીજા દિવસે અમને ત્યાંથી ફોન આવ્યો કે જાઓ તમને ના પાડે તો ફોન કરજો. ત્યારે અમને ચીજો આપી."
મેતાસર ગામનાં જ મીનાબહેન રાઠોડ બીબીસી ગુજરાતીને જણાવે છે, "અમને અમારા ગામના કૂવામાં પાણી ભરવા નથી દેતા. તમે દલિત છો અને અન્ય જાતિસૂચક અપમાનિત શબ્દો બોલીને કહેતા કે તમને પાણી ભરવા નહીં દઈએ. અમારે એક-બે કલાક બેસવું પડે, પછી અન્ય લોકો પાણી ભરી આપે ત્યારે અમને કૂવાનું પાણી મળે છે."
મીનાબહેન કહે છે, "આજે હું દવાખાને ગઈ હતી, તો ગામના રિક્ષાવાળાએ અમને બેસાડ્યા ન હતા. મારું માનવું છે કે ગામના લોકોએ ના પાડી હશે. આજે મારે ટુકડે-ટુકડે બાઇકમાં બેસીને દવાખાને જવું પડ્યું હતું. ગામમાં ભયાનક આભડછેટ છે."
તેઓ કહે છે, "કોઈ પણ નોરતાં ચાલતા હોય તો કહે છે, 'દૂરથી ચાલો અમારા માતાજી અભડાઈ જાય છે'. નોરતાં વખતે તો અમને દૂધ પણ આપતા ન હતા, આભડછેટ રાખતા હતા. 20 દિવસ સુધી અમને દૂધ આપ્યું નહોતું."
જોકે ગામના કેટલાક લોકો ભેદભાવના આરોપો ફગાવે છે. ગામના કૂવામાંથી પાણી ભરતાં મહિલા હેતલબહેન ઠાકોર બીબીસીને જણાવે છે કે વાઇરલ વીડિયો અંગે મને કંઈ ખબર નથી. અહીંથી દરેક સમાજના લોકો પાણી ભરે છે. જ્યારે અન્ય એક મહિલા અલ્પાબહેન ઠાકોરનું પણ એવું જ કહેવું છે.

કિશનભાઈ મકવાણા ગામનાં મહિલા સરપંચના પતિ છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું, "મેતાસર ગામના વતની દિલીપભાઈએ જે વીડિયો વાઇરલ કર્યા છે, પણ ગામમાં આભડછેટ નથી, આંતરિક વિવાદને સામાજિક મુદ્દો બનાવ્યો હતો. આરટીઆઇ બાબતે અમારી વચ્ચે થયેલા વિવાદ બાદ અમે તેમના ઘરે સમાધાન કર્યું હતું."
દસાડા ગ્રામપંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચૅરમૅન ત્રિકમભાઈ સોલંકીનું કહેવું છે કે "આ ગામમાં આભડછેટ જેવું અમને ક્યાંય લાગતું નથી. આ ઉપજાવી કાઢેલી વાત છે."
દેવેન્દ્રકુમાર દલવાડી ગામના દુકાનદાર છે, તેઓ બીબીસી ગુજરાતીને જણાવે છે, "હાલ ગામમાં જે વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, તેવું ગામમાં નથી. ગામના લોકો અહીં સામાન લેવા આવે છે. એક પણ દિવસ એમને કાઢ્યા નથી. અમે ભેદભાવ જેવું કશું રાખતા નથી, અમે એમને વસ્તુઓ આપવા માટે બંધાયેલા છીએ. અમારી પર ખોટા આક્ષેપો લાગેલા છે."
તો મેતાસર ગામનાં એક વૃદ્ધ મહિલા રસુબહેન રબારી બીબીસી ગુજરાતીને જણાવે છે, "ગામના કૂવામાં 'માતાજીનો વાસ' છે, ગામના દલિતો સિવાય દરેક સમાજના લોકો અહીંથી પાણી ભરે છે. તેમ છતાં જો તેઓ અહીંથી પાણી ભરે તો ભરવા દો, શું કરીશું."
બીબીસીના સહયોગી સચીન પીઠવાએ ફરિયાદી દિલીપભાઈ રાઠોડનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ સંપર્ક થઈ શકયો ન હતો, તેમનો સંપર્ક થતાં અહેવાલમાં સામેલ કરવામાં આવશે.
પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Sachin Pithva
સુરેન્દ્રનગર ડીવાયએસપી પાર્થ પરમાર બીબીસી ગુજરાતીને જણાવે છે, "અનુસૂચિત જાતિના લોકોને ગામના કૂવામાંથી પાણી ન પીવા દેવા બદલ અને ગામમાં જે દુકાન આવેલી છે, ત્યાંથી સમાન ન આપીને તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો."
"આ અંગે દિલીપ રાઠોડ નામના યુવકે જે વીડિયો ઉતારેલો છે અને ફરિયાદ કરેલી તેના અનુસંધાને ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ વીડિયોમાં દેખાઈ રહેલી છ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને તપાસ ચાલુ છે."
તેમણે એમ પણ કહ્યું કે "ગામ વસતા અનુસૂચિત જાતિના સભ્યોનાં નિવેદનો લેવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે. જે પણ ઑડિયો-વીડિયો વાઇરલ થયા હતા તેની એફએસએલમાં તપાસ થઈ રહી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















