સાપ તમારા ACમાં, વૉશિંગ મશીનમાં કે પછી ગાડીમાં ઘૂસી જાય તો શું કરવું જોઈએ?

બાઇક સહિતનાં વાહનો અને મશીનોમાં સાપ કેમ ઘૂસી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કે શુભગુણમ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

થોડા દિવસ પહેલાં ગુજરાતના વલસાડમાં એક ઘરના એસીમાંથી ત્રણ સાપ નીકળ્યા હતા. ગયા અઠવાડિયે ફ્રેન્ડ્સ ઑફ સ્નેક્સ સોસાયટીના સ્વયંસેવકોને હૈદરાબાદમાં એક ફિશ ટૅન્કમાંથી સાપ કાઢવા માટે બોલાવ્યા હતા.

સંસ્થાએ સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં સાપને કાઢતા જોઈ શકાય છે, જે ઉનાળાની ગરમીથી બચવા માટે ઠંડી જગ્યા શોધતા આ ફિશ ટૅન્કમાં ઘૂસી ગયો હશે.

જાન્યુઆરી મહિનામાં મુંબઈના અંધેરી વેસ્ટમાં એક ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર કોબ્રા જોવા મળ્યો હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ સાપ વૉશિંગ મશીનમાં ઘૂસી ગયો હતો અને શહેરી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમના સ્વયંસેવકોએ તેને બચાવ્યો હતો.

આ જ રીતે ઘરના ખૂણામાં કોઈ ખાડામાં કે અન્ય છુપાયેલાં સ્થળો પર, વૉશિંગ મશીન, બાઇક કે ગાડી, ફિશ ટૅન્ક અથવા વપરાતી ન હોય તેવી વસ્તુઓના ઢગમાં સાપ ઘૂસી જવાની કેટલીક ઘટના સામે આવતી રહે છે અને આ પરિસ્થિતિ કોઈ પણ માટે ડરામણી બની શકે છે.

જોકે પ્રકૃતિની સામાન્ય સમજથી આ પરિસ્થિતિને સંભાળી શકાય છે.

સાપ કેમ માનવવસાહતોમાં ઘૂસી જાય છે?

કોઇમ્બતૂરમાં એક સાપ બાઇક પર જોવા મળ્યો હતો

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, કોઇમ્બતૂરમાં એક સાપ બાઇક પર જોવા મળ્યો હતો

આ વર્ષની શરૂઆતમાં, વાઇલ્ડલાઇફ અને નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના સંશોધકોએ એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે ઉત્તર કોઇમ્બતૂરમાં 2022 અને 2024 દરમ્યાન સાપોને બચાવવાના 2,318 કિસ્સા નોંધાયા હતા.

આ અભ્યાસ અનુસાર કચરાના ઢગ, બંધ રૂમો, સ્ટોરેજ શેડ્સ, મશીનો અને સુરક્ષિત જણાતી જગ્યાઓ પર સાપો "શરણ" લે છે.

જોકે વન્ય જીવ કાર્યકરો અનુસાર સાપ લોકો પર હુમલો કરવા માટે રહેણાક વિસ્તારમાં નથી પ્રવેશતા, પરંતુ મોટા ભાગે તે આવી જગ્યાઓ પર રહેવાનું સ્થાન, સુરક્ષા, યોગ્ય તાપમાન અને ભેજ શોધતા આવે છે અને ફસાઈ જતા હોય છે.

હાલના સમયમાં ઉનાળાની ગરમી અને ચોમાસાના વરસાદને કારણે સાપ રહેણાક વિસ્તારોમાં આવી ગયા હોય તેવા ઘણા કિસ્સા સામે આવે છે. આ ઉપરાંત તેમનાં રહેઠાણોનો નાશ થતા પણ સાપ માનવવસાહતોમાં ઘૂસતા હોય છે.

હર્પેટોલૉજિસ્ટ (સાપ મામલાના નિષ્ણાત)નું સમજાવે છે કે સાપ કે વાહનો, ફિશ ટૅન્ક નજીક, પાર્કિંગના સ્થળે, લાકડાંના ઢગલા, ફ્રીઝની પાછળ અથવા ઘરમાં જ્યાં ભેજ હોય તેવા ખૂણામાં મળે છે.

વન્ય જીવ પ્રેમી અને સાપનો બચાવ કરતા સ્વયંસેવક સૅમસન કીરુબાકરન કહે છે કે સાપ માનવવસાહતોમાં જાણીને નથી પ્રવેશતા.

તેઓ કહે છે કે સાપ "માનવો સાથે કોઈ પણ ઘર્ષણ ટાળવા માગતા હોય છે."

વન્ય જીવો પર સંશોધન કરનારા નિષ્ણાતો અનુસાર સાપ એવી જગ્યાઓ પસંદ કરે છે જ્યાં તે સંતાઈ શકે અને જલદી કોઈની નજરમાં ન આવે.

જોકે સૅમસન કીરુબાકરન કહે છે કે સાપોના પ્રાકૃતિક રહેઠાણ નષ્ટ થતાં તે માનવોના રહેણાક વિસ્તારોમાં વધુ પ્રવેશતા થયા છે. ઉપરાંત તેને માનવવસાહતોમાં છુપાઈ રહેવા માટે જગ્યા પણ મળી રહે છે.

શિવગંગા જિલ્લામાં ઑક્ટોબર 2025માં બાઇકમાં ઘૂસેલા એક સાપને ફાયર વિભાગે બચાવ્યો હતો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, શિવગંગા જિલ્લામાં ઑક્ટોબર 2025માં બાઇકમાં ઘૂસેલા એક સાપને ફાયર વિભાગે બચાવ્યો હતો

આગળ તેઓ સમજાવે છે કે, "પાર્કિંગમાં લાંબા સમય સુધી રહેલાં વાહનો અને તેની આસપાસની ઠંડી જગ્યા, સ્ટોરેજ શેડમાં છાંયડો અને નિર્માણકાર્ય થતું હોય તેવી જગ્યાઓ પર વિખરાયેલું બિલ્ડિંગ મટીરિયલ, નાળિયેર અથવા કચરાના ઢગલા- આવી જગ્યાઓ સાપો માટે સુરક્ષિત છે."

તેમણે કહ્યું કે, "આવી જગ્યાઓ સાપને એટલે આકર્ષે છે કે અહીં તેને અનુકૂળ વાતાવરણ મળે છે, તેને ભોજન માટે શિકાર અને આરામદાયક તાપમાન મળી રહે છે."

અભ્યાસ અનુસાર સાપ ઉનાળાની ગરમીમાં ઠંડી અને છાંયડાવાળી જગ્યાઓ પસંદ કરે છે અને શિયાળાની ઠંડીમાં ગરમ અને હૂંફ આપે એવી જગ્યા શોધે છે.

સૅમસન કહે છે કે સાનુકૂળ તાપમાનની પરિસ્થિતિ ઉપરાંત સાપ ભોજન, છુપાવવાની જગ્યા અને સુરક્ષિત રહેઠાણની શોધમાં માનવવસાહતોમાં ઘૂસી જાય છે.

સાપ વાહનોમાં કેમ છુપાતા હોય છે?

બાઇક સહિતનાં વાહનો અને મશીનોમાં સાપ કેમ ઘૂસી જાય છે?

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, એપ્રિલમાં ચેન્નઈના પલ્લાવરમમાં એક બાઇક પર સામ જોવા મળ્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાપ જે શોધે છે તેમાંથી ઘણું વાહનોમાં આસાનીથી મળી રહે છે. જેમ કે, વાહનની નીચે સાપને છાંયડો અને અંધારું મળી રહે છે. ભરબપોરે ગરમીમાં ગાડીની નીચે જમીન આજુબાજુની જગ્યા કરતાં ઠંડી હોય છે, જેથી પ્રચંડ ગરમીમાં સાપને વાહનો નીચે સંતાઈ રહેવાની અનુકૂળ જગ્યા મળી જાય છે.

બીજું કે પાર્ક થયેલાં વાહનો સાપને શિકાર અને માનવો બંનેથી બચવા માટે સુરક્ષિત વાતાવરણ આપે છે.

સૅમસન કીરુબાકરન કહે છે કે, "જો કોઈ સાપને જોઈ જાય તો સાપ તરત જ વાહનની અંદર સંતાઈ જતા હોય છે, જેમ કે ટાયર, ઍક્સેલ્સ અને એન્જિન કમ્પાર્ટમેન્ટ, જેથી તે માનવો સાથેનો સંપર્ક ટાળી શકે."

એવી જ રીતે વાહનમાં ઉંદર જેવા જીવોને શોધતા સાપ પણ વાહનોમાં ઘૂસી શકે છે.

સાપ ઉંદર, ગરોળી, દેડકાં જેવા જીવોનો શિકાર કરવાનું પસંદ કરે છે. આવા જીવો પાર્કિંગનાં સ્થળો, લાંબા સમયથી પાર્ક કરી રાખેલાં વાહનો અને સ્ટોરેજના શેડ્સ જેવાં સ્થળોમાં જોવા મળે છે. જેથી સાપ વાહનો, મશીનો અને પાર્કિંગ સ્થળોમાં ભોજન શોધવા માટે પ્રવેશે છે.

કોઇમ્બતૂરમાં વાઇલ્ડલાઇફ અને નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના અભ્યાસમાં અમુક ઋતુઓમાં રેસ્ક્યૂ ઑપરેશનની સંખ્યા વધી જવાની પુષ્ટિ થઈ છે.

સૅમસન કહે છે કે સાપોનાં પ્રાકૃતિક રહેઠાણો નષ્ટ થવાને કારણે પણ આપણે તેને આપણી વચ્ચે વધુ જોવા લાગ્યા છીએ.

તેઓ સમજાવે છે કે, "પ્રાકૃતિ રહેઠાણ નષ્ટ થવા અને તેના પર નવા નિર્માણથી થતા દબાણને કારણે સાપો માટે રહેવાની જગ્યા બચતી નથી, તેના જ કારણે સાપ માનવવસાહતોમાં અનુકૂળ વાતાવરણ શોધતા પહોંચી જાય છે."

તમારા વાહનમાં સાપ ઘૂસી જાય તો શું કરવું?

બાઇક સહિતનાં વાહનો અને મશીનોમાં સાપ કેમ ઘૂસી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતો અનુસાર, આવી પરિસ્થિતિમાં સૌપ્રથમ ડરવાની જરૂર નથી.

નિષ્ણાતો કહે છે કે મોટા ભાગના સર્પદંશના કિસ્સામાં જોવા મળે છે કે સાપને અણધારી પરિસ્થિતિઓમાં પરેશાન કરાય છે, પરિસ્થિતિને ડરીને અથવા વધુ પડતી હિંમત બતાવીને અયોગ્ય રીતે સંભાળવામાં આવે છે, અથવા મારવાનો કે કરડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

અભ્યાસો અનુસાર સાપનો ઇરાદો મનુષ્યો પર હુમલો કરવાનો નથી હોતો.

સૅમસન કીરુબાકરન કહે છે કે, "સાપ અને તમારી વચ્ચે સુરક્ષિત અંતર હોવું જોઈએ."

તેઓ ઉમેરે છે કે, "સાપને પકડવા કે અડવાનો પ્રયાસ ન કરવો. બિનઝેરી સાપ પણ ખતરો અનુભવાય તો પોતાની સુરક્ષા માટે કરડી શકે છે. જેણે યોગ્ય પ્રશિક્ષણ ન લીધું હોય તેવી વ્યક્તિએ આવા પ્રયાસ કરવા ન જોઈએ, આનાથી ખતરો વધે છે."

"સાપના રેસ્ક્યુ ઑપરેશનમાં ધીરજ અને શાંતિની જરૂર હોય છે. જેથી આવી પરિસ્થિતિમાં સાપનો બચાવ કરતા નિષ્ણાતો અથવા વનવિભાગનો સંપર્ક કરો. ઉપરાંત, સાપ હોય એ જગ્યાથી બધાને દૂર રાખવા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન